Daily Archives: September 19, 2014


બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10

ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.