વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ 36
પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.