માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા 11


૧.Jhakal nu sarnamu

ઊડાઊડ કરતાં પારેવાને
ક્યાં ખબર છે,
કે કોઈકે
તેના આકાશની આડે
લક્ષ્મણરેખા દોરી દીધી છે.

૨.

કાવ્ય એટલે
ભીતરનો ઉજાસ
આનંદની અનુભૂતિ
આકાશને આંબવાનો
સંતોષ.

૩.

દીકરીને
પરીની વારતા કહું છું ત્યારે
બા – પ્રતિબિંબાય છે
મારી આંખમાં –
નાનપણમાં
બા વ્હાલ કરતી ત્યારે,
પરી પ્રતિબિંબાતી’તી આંખોમાં..
આજે,
બા અને પરી વચ્ચેની
પાતળી ભેદરેખા
ભૂંસાઈ ગઈ છે
મા બન્યા પછી…

૪.

તને ખુશ કરવા
રાતને દિવસ
માની તો લીધી
પણ…
ભીતર
અજવાળુ ક્યાંથી લાવું?

૫.

મેં મારી આંખમાં
વિસ્મય
જેમનું તેમ
સાચવી રાખ્યું છે
કારણ..
મારે મોટા નથી થવું.

૬.

વારંવાર..
આ રસ્તેથી પસાર થવાનું થયું
પણ
ઉપરછલ્લું…
રસ્તાની સાથે
ઓળખાણ તો
ન થઈ તે ન જ થઈ.

૭.

ન પાડેલી
તરફડતી બૂમના પડઘા
એટલે
કવિતાની અભિવ્યક્તિ.

૮.

સોળ વર્ષની
કન્યાને સ્પર્શતાં જ
મહેંદીનું પાન તો
થઈ ગયું..
લાલચટ્ટક.

૯.

શહેરનો એક ગરીબ માણસ
પોતાની માલિકીની
કબરમાં પહોંચ્યા પછી
ભૂલી જાય છે
જીવનભર, પોતાની માલિકીનું
ઘર ન મેળવ્યાનું દુઃખ.

૧૦.

લીલા ઘાસે
મિત્રની જેમ
ચરણને પંપાળીને પૂછ્યું
દુશ્મન જેવી સડકે
કેટલા ઘાવ દીધા?

– પ્રતિમા પંડ્યા
(લઘુકાવ્યોના સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ માંથી સાભાર…)

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ. આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલ આ સંગ્રહના કાવ્યો અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

11 thoughts on “માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા