બપોરની ગરમી ધીરે ધીરે અસહ્ય થવા લાગી હતી. એરકન્ડીશન્ડ કાર ગળા સિવાયના શરીરને તો થોડી પણ રાહત પહોંચાડતી હતી પણ સૂકાઈ ગયેલુ ગળુ પાણીનાં એક એક બૂંદ માટે તરસી રહ્યું હતું.
બી. એમ. ડબ્લ્યુની આરામદાયક પાછલી સીટમાં બેઠેલા અબજોપતિ અશ્વિન શેઠે ડૂબતા સૂરજને જોઇને ગણતરી માંડી. લગભગ અડધી કલાકમાં સૂર્યાસ્ત થવો જોઈએ અને ત્યાં સુધીમાં પુત્રી આશનાનું ઘર પણ આવી જવું જોઈએ.
અચાનક પોતાને આવેલા જોઇને આશના કેવી ખુશ થઇ જશે તે વિચારે પળભર માટે અશ્વિન શેઠ પોતાની તરસ ભૂલી ગયા. ગયા વર્ષે જ આશના પરણીને આ શહેરમાં રહેવા આવી પછી પહેલી વાર અશ્વિન ભાઈ તેના ઘરે જઈ રહ્યા હતા અને તે પણ પુત્રીને આગોતરા જાણ કર્યા વગર..
કારનો ડ્રાઈવર તો આરામથી વચ્ચે વચ્ચે પાણીના ઘૂંટડા પોતાની બોટલમાંથી ભરી રહ્યો હતો, આડે દિવસે તો આ બિલ્ડર્સની દુનિયાના બેતાજ બાદશાહની કારની ડેકીમાં રાખેલા કૂલરમાંથી રાજકારણીઓને ખુશ કરવા રાખેલી બ્લેક લેબલની બોટલ પણ મળી આવે પરંતુ આજે..
નિર્જળા એકાદશી કરતા અશ્વિનભાઈથી તો સૂર્યાસ્ત થતાં સુધી પાણી પી શકાય તેમ પણ ન હતું. છેલ્લાં ત્રીસ વર્ષોથી અશ્વિનભાઈ ચૂક્યા વગર દરેક એકાદશીએ ઉપવાસ રાખતા અને સૂર્યાસ્ત પછી જ પાણી પીતા. ત્રીસ વર્ષ પહેલાં એક કોન્ટ્રાકટરના મામૂલી મુકાદમથી શરૂ કરેલી વ્યવસાય યાત્રામાં નાની નાની સિદ્ધિઓના શિખર સર કરતા કરતા આજે તેઓ એ મુકામ સુધી પહોંચ્યા હતા કે રાજ્યભરમાં કન્સ્ટ્રકશનની દુનિયામાં તેમનો અવાજ આખરી ગણાતો. આ સફળતા પાછળ પોતાની મહેનત અને સાહસ ઉપરાંત શેઠ બીજી બે ચીજોને મનોમન શ્રેય આપતાં, તેમાંનો એક એટલે આ નિર્જળા એકાદશીનો નિયમ અને બીજું તેમના જમણા કાંડા ઉપરનું નાના રુદ્રાક્ષ જેવા આકારનું જન્મજાત લાખું..
બચપણમાં નાના ટપકા જેવું લાગતું લાખું જુવાની સુધીમાં તો તેમના જમણાં કસાયેલા કાંડા ઉપર એક નાના રુદ્રાક્ષ જેવું દેખાતું પણ આ લાખા વિશે અંગત કુટુંબીજનો સિવાય ભાગ્યે જ કોઈને ખબર હતી કેમકે વર્ષમાં એક વાર ઋષિકેશથી અશ્વિન ભાઈના બંગલે અઠવાડિયા માટે આવતા તેમના ગુરુદેવની આજ્ઞા હતી કે આ લાખું હરીફોથી જેટલું ગુપ્ત રાખી શકાય તેટલું જ શેઠના ધંધા માટે લાભદાયક હતું. એટલે જ તો આ લાખું શેઠની આખી બાંયના શર્ટ પાછળ કે કિંમતી રોલેક્ષ ઘડિયાળ પાછળ સંતાયેલું રહેતું. ગુરુદેવની આજ્ઞાના પાલનની સીધી અસર ધંધાની રોકેટ ઝડપે થતી પ્રગતિમાં અશ્વિનભાઈને દેખાતી હતી.
સૂર્યાસ્ત જોવા અને પતિની પ્રતીક્ષા કરતી બાલ્કનીમાં ઉભેલી આશના, પપ્પાની કારને પોતાનાં બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશતી જોઇને નાની બાળકીની જેમ કિલકારી કરી ઉઠી. આશના દોડીને પ્રવેશદ્વારમાં ઉભેલા પિતાને વળગી ગઈ. બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો કે હવે તે પોતે એક ગૃહિણી થઇ ચૂકી હતી અને ઘરે આવેલાને પાણી આપીને સત્કાર કરવાની તેની ફરજ હતી, તેમાં પણ પપ્પાજી તો એકાદશીને કારણે સાવ જ તરસ્યા હશે. સામાન્ય સંજોગોમાં નોકરાણી લક્ષ્મીને આવી બાબતો માટે બૂમ મારતી આશના પોતે જ રસોડામાં પાણી લેવા દોડી. રસોડું આવતા સુધીમાં તો તેના દોડતા પગ એકાએક અટકી ગયા. તેને યાદ આવી ગયું કે કંઈક અંશે જૂનવાણી માનસ ધરાવતા પપ્પાજી દીકરીના ઘરનું પાણી નહી પીવે. બારી બહાર નજર કરતાં અશ્વિનભાઈનો ડ્રાઈવર પણ કારને પેટ્રોલ ભરાવવા જતો રહેલો લાગ્યો. કંઇક વિચારીને, ખચકાઇને આશનાએ પાછળ આઉટહાઉસમાં પતિ સાથે રહેતી લક્ષ્મીને બૂમ મારીને સ્વચ્છ લોટામાં તેના ઘરેથી પાણી ભરીને લાવવા કહ્યું. તે દિવાનખંડમાં એકલા બેઠેલાં અશ્વિનભાઈ પાસે જઈને લાડપૂર્વક તેમની સાથે જ સોફામાં બેસી ગઈ.
પાણી ભરેલ લોટો અને પવાલું લઈને આવતી પિતાવિહોણી લક્ષ્મીએ પોતાની જ ઉંમરની શેઠાણીને તેના પિતાનાં વાળમાં વહાલથી આંગળા ફેરવતી જોઈ. આછો નિસાસો નાખીને તેણે મોટા લોકોની મર્યાદા જાળવવા માથે ઓઢી લીધું અને ધીમા પગલે દિવાનખંડના દ્વાર પાસે આવીને ઉભી રહી. તેને જોતાં જ આશના બોલી ઉઠી.. “અરે લખુડી, ત્યાંં ક્યાંં સુધી ઉભી રહીશ.. જલ્દી પપ્પાને પાણી આપ, બિચારા સવારનાં તરસ્યા હશે.”
લોટામાંથી પાણી ભરતી લક્ષ્મીને અશ્વિનભાઈ મૂંઝવણ સાથે જોઈ જ રહ્યા હતા કે આશના એ ફોડ પાડ્યો.. “પપ્પાજી ગભરાઓ નહી, મને ખબર છે તમારા રિવાજોની.. કાયમની જેમ આજે દલીલો કરીને હેરાન નહી કરું. આ તો બાજુના બંગલાવાળા બહાર ગયા છે એટલે આ લક્ષ્મીને ત્યાંથી પાણી મંગાવ્યું છે.. લક્ષ્મી અને એનો વર આપને ત્યાં જ કામ કરે છે અને પાછળ આઉટ હાઉસમાં જ રહે છે.” દીકરી પોતાની કેફિયત પૂરી કરે ત્યાં સુધીમાં તો અશ્વિનભાઈ પાણીનો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયા હતા અને લક્ષ્મીએ સમજીને જ બીજો પ્યાલો ભરી આપ્યો હતો. હવે આ બીજો પ્યાલો અશ્વિનભાઈ થોડી શાંતિથી ધીરે ધીરે પી રહ્યા હતાં..
બોલકી આશનાનો કલબલાટ સતત ચાલુ હતો .. “બાય ધ વે પપ્પાજી, આ બિચારી લક્ષ્મીની મા હજી બે મહીના પહેલા જ મરી ગઈ. બહુ કમનસીબ બાઈ.. કહેતી હતી ધણી તો ક્યારનો તેને છોડીને ભાગી ગયો હતો. બચારી કુંતીએ આખી જિંદગી ઇંટો ઊંચકવાનું કામ કરીને લક્ષ્મીને એકલે હાથે ઉછેરી..”
અચાનક “કુંતી” નામ સાંભળતા શેઠે પાણી ઝડપથી ગળે ઉતાર્યું અને જમણા હાથમાં પકડેલો પ્યાલો પાછો આપવા જતાં તેમના શર્ટની બાંય, રોલેક્ષ ઘડિયાળને લઈને સહેજ નીચે સરકી અને ક્ષણભર માટે તેમનું લાખું દ્રષ્ટિગોચર થયું, જેમની તરફ તેમણે દુર્લક્ષ સેવ્યું..
પણ.. શેઠે જોયું..
ખાલી પ્યાલાને પાછો લેવા માટે સાડલામાં વીંટાયેલો લક્ષ્મીનો જમણો હાથ સહેજ બહાર આવ્યો અને તેનાં જમણાં નાજુક કાંડા પરનું નાના રુદ્રાક્ષ જેવું લાખું, જાણે શેઠના સહેજ વિકસિત લાખાં સામે પરીચય સાધવાને ત્રાટક માંડી રહ્યું હતું..
જાણ્યે અજાણ્યે અશ્વિન શેઠ દીકરીના ઘરનું પાણી ન પીવાનો રિવાજ કોરાણે મૂકી ચૂક્યા હતા..
– હેમલ વૈષ્ણવ
અક્ષરનાદ સાથે સંપાદક તરીકેની યાત્રામાં ઘણાં મિત્રોના સંપર્કમાં આવવાનું થયું, જેમના ચહેરા જોયા નથી, કદી મળ્યા નથી પણ ઈ-મેલ કે ચેટ દ્વારા સંપર્ક અને તેમની કૃતિઓને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ જ તેમના સતત વધતા સ્નેહ, વિશ્વાસ અને મિત્રતાના મૂળભૂત કારણ. આવા જ એક મિત્ર હેમલભાઈ વૈષ્ણવ, તેમના સર્જનો લગભગ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહે છે. હેમલભાઈની અક્ષરનાદ પરની સર્જનયાત્રાને એક વર્ષ પૂર્ણ થયું. તેમની આ સર્જનયાત્રા સતત આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ સાથે આજે પ્રસ્તુત છે તેમની એક નવી કૃતિ – એક સુંદર ટૂંકી વાર્તા. હેમલભાઈને અનેક શુભકામનાઓ સહ અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ આભાર.
બિલિપત્ર
જો આપણે આપણાં જૂનાં વસ્ત્રો અને જીર્ણ ફર્નિચરથી શરમાતાં હોઈએ તો આપણે આપણા મલિન વિચારો અને જીર્ણ ફિલસૂફીથી વધારે શરમાવુ જોઈએ.
– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
હેમલભાઈ,
સચોટ વાર્તા આપી. આભાર. નિર્જળા એકાદશી કરવી, દીકરીના ઘરનું પાણી પણ નહિ પીવું, માનેલા ગુરુની આજ્ઞાનું આંધળાની જેમ પાલન કરવું …. જેવા પાખંડી કર્મકાંડો… કડકાઈથી કરનારા — ગરીબની મજબૂરીનો કેવો ગેરલાભ ઉઠાવતા હોય છે ! …ભગવાન બચાવે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
HEMALBHAI NI TUNKI VARTA ADBHUT LAAGI….
દેઅર હેમલ ભૈ યોઉર સ્ત્રોગ્ય ઇસ વેર્ય તોઉચિન્ગ શોર્ત સ્વેઈત અન્દ મકે ઉસ થિન્કિન્ગ .કેીપ ઇત ઉપ
થન્ક્યોઉ વેર્ય મુચ્
થોડા અંશે નિમિષા બેન સાથે પણ સમ્મત. પરંતુ વાર્તા નિ ગુથણી એટ્લી સરસ કે વાંચવા ની મજા પડી.
વાર્તાની સુંદર રજૂઆત. અંત વેધક અને નાટકીય.
innocently drunk water created picture of spot on lovable heart though not accepted in society.
Nice
વાર્તાનો પ્લોટ-રજુઆત બહુ સરસ છે…..
વગર લખ્યેજ સમજી લેવાનું ને કે લક્ષમી એ શેઠનીજ દીકરી…..??? અ…અં…અ…અં… “કુંતી”ની દીકરી એટલે…… વગર લગ્ન કર્યે…..!!!! હવે સમજાઈ ગયું……..
ટુંકી વાર્તામાં બહુ સુંદર રજુઆત…..
ખુબ સરસ.
ખુબ સરસ. ધરમની ધજા લઇ ફરતા લોકોને આ વાર્તા ઉઘાડા કરે છે. દીકરીના ઘરનું પાણી ન પીવાનો રીવાજ તૂટયો, પણ શેઠ કયાં એને દીકરીનો દરજજો આપે છે ? ! એટલે પ્રશ્નો રહી જાય છે !
Hemal bhai, Khub Maja Avi….Diffrent from your satirecal Style of Micro Fictions. Have Kvyatmak Varta ni Rah jou chu !! Tarak & Arti
માફ કરજો હેમલભાઈ આપની માઈક્રોફિક્શન વાર્તાઓ થી એટલી પ્રભાવિત છું કે મને તેની સરખામણીમાં આ વાર્તા થોડી ઉતરતી લાગી.. નવા નવા પ્લોટ આપ માઈક્રોફિક્શન વાર્તાઓમાં લાવો છો પણ આ વિષય થોડો ચવાયેલો લાગ્યો… આમ તો હું ટૂંકીવાર્તાના ક્ષેત્રમાં મને નવોદિત જ માનું છું.. પણ વાર્તાના વિષય બાબતમાં આટલું કહી જ શકું એમ છું.. આપની કોઇ પણ કૃતિનો મેલ આવે એટલે હું સૌથી પહેલાં ઓપન કરીને વાંચુ છું એટલી બધી આપના લેખનની ફેન છું પણ આજે નિરાશા થઈ ..ફરી માફી માગી લઉં હેમલભાઈ..
અક્ષરનાદની છાયા હેઠળ ઊછરતા આપણે કુટુમ્બી જનો છીએ , આપણે એકમેકની માફી માગવાની થોડી હોય ?
એક લેખક્ને sensitivity સાથે લખવુ પાલવે , પોતાના લખાણ પ્રત્યે sensitive થવુ ન પાલવે . તમારો તો અધિકાર છે . હમેશા સાચો જ opinion આપશો …સારો લાગે એવો જ આપવાનો આગ્રહ ન રાખશો ..
Good story. Like it
ખુબ જ સુંદર વર્ણનાત્મક શૈલેી.
વાર્તાનો પ્લોટ્ હિંદેી ફિલ્મમા ઘણે વાર જોઇ લેીધેલો લાયો, પણ રજુઆતનેી કળા એ મન જેીતેી લેીધુ.ધન્યવાદ
ભાઈ હેમલ વૈશ્નવ સુન્દર વાર્તા કન્દારિ લાવ્યા
તુન્કિ વાર્તાના સ્વરુપ ઉપર્નિ એમનિ હથોતિ પુરવાર થાય ચ્હે
સરલ શૈલિ , ઘદાયેલિ ભાશા , ભાવક્ને ઇન્વોલ્વ કરવાનિ કલા અને સરસ અન્ત
આપિ એમને આદર્શ વાર્તા સિદ્ધ કરિ , ધન્યવાદ
-અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા