જ્ઞાન, કર્મ અને ભક્તિ.. – ડૉ. સંતોષ દેવકર 6


સીધે સીધું કૃષ્ણને મળવું છે એ દોસ્ત,
ચાલો, વાયા વાયામાંથી બહાર નીકળીએ.

ઇસુ ખ્રિસ્ત પોતાના ગામમાં અમથા ફરવા નીકળ્યા. ઇસુ જઇ રહ્યા હતા ત્યાં એક માણસ સામેથી આવતો દેખાયો એણે ઇસુ ને ઓળખી કાઢ્યા અને પ્રેમથી એમનુ અભિવાદન કર્યુ. ઇસુ એ તેને પૂછ્યું, “તુ કોણ છે?”

પેલાએ કહ્યું, “મને ન ઓળખ્યો? હું આંધળો હતો ને તમે મને દેખતો કરેલો.”

ઇસુ ખુશ થયા, એમણે પૂછ્યું “ભાઇ, તું ક્યાંં જઇ રહ્યો છે?” જવાબ મળ્યો; “નાચવાવાળીને ત્યાં નાચ ગોઠવાયો છે, એ જોવા જઉં છું.”

ઇસુએ દુઃખી થઇ ને કહ્યું, “મેં તને આંખ એટલા માટે આપી હતી કે તું પ્રભુના દર્શન કરી શકે, બિભત્સ નાચ જોવા માટે મેં તને દ્રષ્ટિ નહોતી આપી.”

જવાબમા પેલા માણસે કહ્યું, “ઇસુ, માફ કરજો, તમે મને આંંખ આપેલી પણ આંંખ વડે શુંં જોવું તે નહોતું સમજાવ્યું.”

ઇસુ આગળ ચાલ્યા ત્યાં લંંગડો માણસ મળ્યો. ઇસુએ તેને સાજો થવામાં મદદ કરી હતી. ઇસુએ પૂછ્યું, “ભાઇ, તું ક્યાં જાય છે?” જવાબમાં પેલા ભૂતપૂર્વ લંગડાએ જણાવ્યું, “પીઠા પર.”

ઇસુ દુઃખી થયા અને બોલ્યા, “મેં તને પગ એટલા માટે આપેલા કે તુ દેવળે જઇ શકે, એટલા માટે નહીં કે તું દારૂના પીઠે જાય.

જવાબમાં પેલા માણસે જણાવ્યું, “માફ કરજો, તમે મને પગ જરૂર આપેલા પણ એ પગ વડે ક્યાંં જવુંં તે મને નહોતું બતાવ્યું.”

ઇસુને ત્રીજો માણસ મળ્યો. ઇસુએ તેને મોતના મુખમાંથી બચાવ્યો હતો, એને પૂછ્યું, “તુ ક્યાંં જઇ રહ્યો છે?”

જવાબ મળ્યો, “આપઘાત કરવા.” ઇસુ દુઃખી થઇને બોલ્યા, “મે જીવન એટલા માટે આપેલું કે આપઘાત કરીને તું એ ગુમાવી દે? મેં તો જીવન આપ્યું કે તું જીવનનો અર્થ પામી શકે.”

જવાબમાં પેલાએ ઇસુને જણાવ્યું, “માફ કરજો, તમે મને જીવન તો આપ્યુંં પણ જીવન નું શુંં કરવુંં તે નહોતું કહ્યું.”

કૃષ્ણજન્મના દિવસે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ ના નારા સાથે આનંદ વ્યક્ત કરવામાં આવે છે. કૃષ્ણ જુગટુ રમ્યા હતા એવી કર્ણોપકર્ણ સાંભળેલી વારતાને સાચી માની લઇ જુગાર રમવા માટે કેટલાય લોકો બેસી જાય છે.

માણસને હ્રદય શા માટે છે? હાથ – પગ માણસને શા માટે મળ્યા છે? આંખોનું વિશેષ શુંં પ્રયોજન હોઇ શકે? જીવનનો અર્થ શું? જ્ઞાન શા માટે મેળવવુંં જોઈએ? કૃષ્ણએ જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા કેમ કર્યો છે? હકીકત તો એ છે કે નોકરી મેળવવાની લ્હાયમાં જીવનનો ઓરીજીનલ અભ્યાસક્રમ ભૂલી જવાય છે. ડિગ્રી અને કહેવાતા શિક્ષણ પાછળની ભાગદોડમાં જીવનના કર્મનો મર્મ જાણવાનો જ રહી જાય છે.

ઇસુને મળેલા માણસો પૈકી પહેલો માણસ આંખ મેળવે છે પણ દ્રષ્ટિકોણ મેળવતો નથી, દ્રષ્ટિકોણ મેળવવો એટલે કે જ્ઞાન મેળવવું. જીવન તરફ જોવાનો સાચો દ્રષ્ટિકોણ મળી જાય તો જીવનનો મર્મ પામી શકાય. જીવન સાર્થક બની શકે. જીવન જીવવા અને માણવા માટે હકારાત્મક દ્રષ્ટિકોણ ખૂબ જરૂરી છે.

Positive outlook is
very much important
for
meaningful life.

હકારાત્મક દ્રષ્ટિકોણ જ્ઞાન વગર શક્ય નથી. જ્ઞાનયોગ હંંમેશા આપણી પડખે ઉભો રહે છે. ઇસુના સંપર્કમાં આવેલો બીજો માણસ લંગડો હતો. હાથ-પગની વાત આવે એટલે શ્રમની વાત આવે અને પરિશ્રમનો મહિમા થાય. ગીતામાં સમજાવેલા સત્યો પૈકીનુ એક કર્મ છે. ઇસુને મળેલી પહેલી વ્યક્તિની વાત જ્ઞાન વિશે અને બીજી વ્યક્તિની વાત કર્મ વિશેની વાત સમજાવી ગઇ. ત્રીજી વ્યક્તિ આપઘાત કરવા જાય છે, જીવન કેવી રીતે જીવવુંં એ જો સમજાઇ જાય તો જીવન સાચા અર્થમા સાર્થક બને અને તે ભક્તિ દ્વારા જ શક્ય બને. ઇસુને મળેલ ત્રણેય વ્યક્તિઓ જ્ઞાન, કર્મ અને ભક્તિની વાતો સમજાવતા ગયા. શ્રીકૃષ્ણએ આ જ વાતો અર્જુનના માધ્યમથી આપણને સમજાવી છે. કરુણતા એ છે કે જુગાર અને સોળહજાર રાણીઓની અપભ્રંશ થયેલી, કાચી સમજવાળી વાતો સમાજમાં ફરતી થઇ ગઇ. કમનસીબે જન્માષ્ટમીએ જુગાર રમવાનુંં દૂષણ (કે ભુષણ?) સમાજમાં પ્રચલિત બન્યું. સવારથી સાંંજ સુધી માણસ પોતાના માટે જે કાંઇ કરે છે તે કામ છે અને બીજા માટે, અન્ય ને ઉપયોગી થવાના ભાવથી જે કરે છે તે કર્મ છે. પોતા માટે વેઠે તે તાપ અને બીજા માટે સહન કરે તે તપ. કામ અને કર્મ, તપ અને તાપ, માહિતી અને જ્ઞાન, શ્રમ અને પરિશ્રમ વગેરેમાં સૂક્ષ્મ તફાવત છે. અમદાવાદ તરફ જતી બસ ચારને પચ્ચીસ મિનીટે ઉપડે છે. એ જો યાદ હોય તો તે માત્ર માહિતી છે જ્ઞાન નહીં. ગુજરાતની તમામ બસો ક્યારે ઉપડે છે અને ક્યારે આવે છે તેનો ચોક્કસ સમય ખબર હોય તો પણ તે માહિતી જ છે, જ્ઞાન નથી.

માનવ શબ્દકોશમા ત્રણ ધાતુઓ મહત્વના છે. એ ધાતુઓ છે જ્ઞા, કૃ અને ભજ. ‘જ્ઞા’ એટલે જાણવુંં, ‘કૃ’ એટલે કરવુંં અને ‘ભજ’ એટલે ભજવું. માનવે કંઇક જાણવાનું છે, જાણીને કંંઇક કરવાનું છે અને જે કંંઇક કરવાનું છે તે ભાવપૂર્વક કરવાનુંં છે, જાણવું – આ છે ગીતાનો સાંખ્યયોગ; જ્ઞાનયોગ, કરવું – આ છે ગીતાનો કર્મયોગ. ભજવું – આ છે ગીતાનો ભક્તિયોગ. જીવનમા એકલું જ્ઞાન, એકલું કર્મ કે એકલી ભક્તિથી કામ નથી ચાલતું. માણસની વ્યક્તિગત પ્રકૃતિ અલગ અલગ હોય છે. તેથી આ ત્રણેયનું પ્રમાણ બદલાયા કરે છે. ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો અપૂર્વ સમન્વય જોવા મળે છે. બીજો અધ્યાય ગીતાનો જ્ઞાનમાર્ગ સમજાવે છે, ત્રીજો અધ્યાય ગીતાનો કર્મયોગ પ્રબોધે છે અને બારમો અધ્યાય ગીતાનો ભક્તિમાર્ગ સમજાવે છે.

કઇ યુનિવર્સિટી સમજાવશે આંખનો સાચો ઉપયોગ, સાંખ્યયોગ અને દ્રષ્ટિનો મહિમા? કઇ યુનિવર્સિટી સમજાવશે હાથપગનો સાચો ઉપયોગ, કર્મયોગ અને પરિશ્રમનો મહિમા? કઇ યુનિવર્સિટી આપશે હ્રદયની સાચી કેળવણી, ભક્તિયોગ અને લાગણીનો મહિમા? હ્રદય લોહીની આપ-લે કરતું સાધન માત્ર નથી પરંતુ આપણી લાગણીઓને ઝીલનારું અને લાગણીઓ વ્યક્ત કરનાર ઍપીસેન્ટર છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણએ ઉઠાવેલા દુઃખો પૈકી કોઇ દુઃખ આપણા ભાગે આવેલ નથી. નથી થયો જેલમાં જન્મ કે નથી મળ્યો ચૌદ વર્ષનો વનવાસ, તેથી હતાશા કે નિરાશાનો સવાલ નથી આવતો. જો જન્માષ્ટમી સાચા અર્થમા ઉજવવી હોય તો એમણે જીવીને અને કહીને આપેલ જ્ઞાનને તેના સાચા અર્થમાં સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. શ્રી ગુણવંત શાહ લિખીત ‘કૃષ્ણનું જીવન સંગીત’ પુસ્તક વાંચવા જેવું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વય થકી જીવન સાર્થક બનાવીએ.
(શીર્ષક પંક્તિ : તુરાબ)

– ડૉ. સંતોષ દેવકર

બિલિપત્ર

પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારૂ મૂકતો જાય છે;
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “જ્ઞાન, કર્મ અને ભક્તિ.. – ડૉ. સંતોષ દેવકર

 • Mukesh

  ખુબ સરળ અને સુંદર શબ્દો માં જ્ઞાન કર્મ અને ભક્તિ નો મહીમા સમજાવ્યો। ખરેખર જો કૃષ્ણ કે રામ નો જન્મ ઉજવવો હોઈ તો રામ ના આદર્શો ને આપના જીવન માં ઉતારવાના પ્રયત્નો કરો, કૃષ્ણ એ જે ગીતા ગાઈ છે તેને વાંચો સમજો અને તેના સિદ્ધાંતો પ્રમાણે ચાલો, ભગવાને કહ્યું છે – મમ: વાર્તમાંનું વર્તંતે – જે મારા બતાવેલ માર્ગ ઉપર ચાલે છે તે મનુષ્ય છે. જન્માષ્ટમી ના રોજ સંકલ્પ કરો કે દરરોજ ગીતા વાંચીશ તો પ્રભુ જીવન માં આવશે

 • somnath

  દેવેકર સહેબ, ખુબ સરસ મહિતિ આપના દ્વરા આપવામા આવેલ છે તે બદ્દલ ખુબ ખુબ આભાર.

 • જયસિંહ મહીડા

  હું મારા જીવન માં કઈ ખોટું નથી કરતો .. હું કોઈને નથી નડતો ,,, એતો “માણસ” ની વ્યાખ્યા માં આવવા પુરતું જ છે ..જીવનની સાચી શરૂઆત તો એ પછી થાય છે. ..

 • jacob

  પોતાના જીવનનું શું કરવું એ દરેકે વ્યકિતગત રીતે નકકી કરવાનું છે. કોઇને નડતો ન હોય ને આનંદ કરતો હોય એ માણસ કંઇ ખોટું કરતો નથી. ભકિત કરવી જ એ પણ જરૂરી નથી. નાસ્તિક માણસને ઉત્તમ જીવન જીવતા જોયા છે, અને ભકિત કરતા બગભગતો પણ હોય છે.