Daily Archives: September 14, 2014


નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪) 5

૭ વર્ષની નિધિનાં પપ્પા ગુરૂદેવભાઇ તથા મમ્મી સંજનાબેન નિધિનાં બદલાયેલા વર્તનથી ચિતિંત હતા. નિધિ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. જ્યારે પણ મોકો મળે ત્યારે અંદરનાં રૂમમાં જતી રહેતી અને પરાણે બહાર ના લાવો તો કલાકો સુધી એકલા જ રહેવાનું પસંદ કરતી. સંજનાબેન ઘણીવાર નિધિ રૂમમાં એકલી હોય ત્યારે દબાતા પગલે જોવા જતાં તો નિધિ કાં તો એકલી એકલી વાતો કરતી હોય અથવા એકાદ રમકડાં સાથે રમતી હોય. એને એકલી રમતી જોઇ સંજનાબેન એની સાથે રમવાની તૈયારી બતાવતા પણ એવા વખતે નિધિ ફરી ચૂપચાપ થઈ જતી. ઘરની આસપાસ રહેતા બાળકો સાથે તો નિધિ પહેલેથીજ ભળતી ન્હોતી. સંજનાબેન સ્કુલમાં મળવા જતાં તો ટીચરનાં કહેવા પ્રમાણે શરૂઆતથી જ નિધિનું વર્તન એવું હતું કે ક્લાસમાં એની હાજરીની ખાસ નોંધ લેવાતી નહીં. સાત વર્ષની નિર્દોષ ઉંમરમાં એવું તે શું થયું કે નિધિનાં વર્તનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું?