૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 25


૧. કોલ્ડીંગ

એણે બાઈક ઉભું રાખ્યું, ‘થમ્સપ…’ કહી ચહેરો ધોવા ગયો, પાણી જાણે ધગધગતો લાવા… એણે પાણીનું પાઊચ લઈ, મોં ધોયું તો એક બાળક થમ્સઅપ આપી, કોઠી તરફ ગયું, પાણી પીવા…

‘એ…ય, અહીં આવ.’ પેલાએ તેને બોલાવ્યો, અસમંજસમાં ગૂંથાયેલો એ ધીમે ધીમે આવ્યો, આશ્ચર્યથી જોઈ રહ્યો… દુકાનવાળા તરફ જોઈ પેલાએ કહ્યું, ‘આને પણ એક થમ્સ અપ આપો…’

‘હાશ..’ એ બોલવા માંગતો હતો પણ…

૨. પણ…

એ તેના મમ્મી પપ્પા સાથે આવ્યો, બંને રૂમમાં બેઠાં, વાત શરૂ થઈ, અભ્યાસની, નોકરીની… જતાં જતાં એ લોકો ઈશારો આપતા ગયા કે વાત લગભગ પાક્કી છે, નક્કી કરીને કહીશું.

હીનાને કૉલેજનું છેલ્લું દોઢ વર્ષ પૂરું કરવું હતું, પણ ‘આટલો સારો અને સેટલ્ડ છોકરો….’ દસ દિવસે ફોન આવ્યો, તેણે હીનાને કહ્યું, ‘મને તો તું ગમે છે પણ મારા મમ્મી પપ્પાને….’

‘હાશ..’ બોલતા હીનાએ ફોન કટ કર્યો, અને કૉલેજ જવા નીકળી.

૩. ચોકલેટ

તસનીમ ફળીયામાં રમતા નિત્યને ત્યાં ન જોઈ હાંફળીફાંફળી થઈ ગઈ, ઘરમાં, પડોશમાં, મેદાનમાં.. એ ક્યાંય ન મળ્યો, પંદરેક મિનિટમાં તો આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ. સામે રહેતા આધેડ વત્સલાબહેને તેને કોઈ વૃદ્ધ સાથે રસ્તા પર જોયો હતો.

તસનીમે ફોન કરી પતિ વત્સલને જાણ કરી, વત્સલ અડધા કલાક પછી નિત્ય અને એ વૃદ્ધ સાથે પાછો આવ્યો, તસનીમ તરફ જોઈ બોલ્યો, ‘તારા પપ્પા… ન રહી શક્યા.’

૪.

મેં એને પૂછ્યું, ‘શું તું કોઈ બીજાને ફરી પ્રેમ કરી શકીશ?’

એણે જવાબ ન આપ્યો, મને જવાબ મળી ગયો….

૫.

એ દરીયા કિનારા તરફ નીકળ્યો. કિનારે ઘણી ભીડ હતી, તેણે ફૂટપાથ પરથી પોઝિટીવ થિંકીંગનું પુસ્તક ખરીદ્યું.. દરીયા કિનારે કલાકેક બેસીને પાનાં ફેરવ્યા, બિયર પીવા કિનારાના બારમાં બેઠો, મનપસંદ ચના મસાલા મંગાવ્યા, એ પછી થાઈ ફૂડ આરોગ્યું, અંતે ગઈકાલે જ રીલીઝ થયેલ અંગ્રેજી ૩ડી ફિલ્મ જોવા ગયો.

સવારે જ્યારે દરિયાકિનારે તેની લાશ મળી ત્યારે ચહેરા પર અનોખી હકારાત્મકતા હતી.

૬.

એ – તને યાદ છે! પહેલી વખત કૉલેજના મુખ્ય હૉલમાં તે મને ‘હું તારા વગર નહીં જીવી શકું’ કહેલું એ વાતને આજે ત્રીસ વર્ષ થયા.
હું – હા, ભલે આપણે અલગ છીએ, પણ આજેય હું એ લાગણી અનુભવું છું.
એ – તું સુખી તો છે ને?
હું – હા, ક્યારેક અકસ્માતો પણ સુખ આપી જાય છે.

૭.

વોટ્સએપ પર કોઈકના અકસ્માતના હ્રદયદ્રાવક ફોટા જોઈને એણે સૂચના આપી, ‘આ પ્રકારના ફોટા મને મોકલીશ નહીં.’

પત્નીનો ફોન આવ્યો, ‘તને ખબર છે! બાજુના બંગલામાં શૂટીંગ છે.’

‘ફોટા મને વોટ્સએપ કરજે’ કહીને એ વોટ્સએપમાં પરોવાયો…

૮.

છત્રીની છત્રછાયામાં, ફૂટપાથ પર ઉભો વરસાદના બંધ થવાની રાહ જોઈ રહ્યો, સામે એક નાનકડી છોકરી, ફાટેલા કપડામાં વરસાદમાં ધ્રુજતી ઉભી હતી.

એ છત્રી લઈને પેલી છોકરીની બાજુમાં ઉભો, મિનિટોમાં આસપાસના દસ બાર છોકરાં આવી ગયા, તેમને છત્રી આપી એ ઉભો રહ્યો. આજે એ ઘણા વખતે પલળી રહ્યો હતો.

બીજે દિવસે રસ્તા પર એ છોકરી છત્રી વેચતી ઉભી હતી.

૯.

‘આત્માને કોણ ઓળખી શક્યું છે?’ કહેતા મહારાજે અભિનેત્રી થવા તત્પર તેમની સેવિકા સ્વેત્લાના પર અર્થપૂર્ણ નજર નાંખી, ‘આત્મા જ્ઞાન, બુદ્ધિ અને કર્મથી પર છે.’ તેમની આંખો પરિભ્રમણ કરી રહી..

‘મહારાજ, શું શરીર અનેક પ્રયત્નો છતાં આત્માને પૂર્ણપણે પામી શકે?’

‘ક્યારેક એક જ ફેરો, અને ક્યારેક ભવોભવ – આત્મા પ્રાપ્તિનો કોઈ એક નિશ્ચિત માર્ગ નથી..’

મહારાજ પાસે પોતાની ફિલ્મ પ્રોડ્યૂસ કરાવવા આવેલ મલય પૂછી બેઠો, ‘શું કર્મફળપ્રાપ્તિમાં આત્મા ભૂમિકા ભજવી શકે?’

વિચારીને તેઓ બોલ્યા, ‘કર્મફળપ્રાપ્તિ શરીરનું ધ્યેય છે અને આત્મા વિનાનું શરીર…!’

૧૦.

મોડી રાત્રે મેળામાંથી પિતાની સાથે બાઈક પર ઘરે જઈ રહેલ હરીએ ગાડીનો ટ્રેક્ટર સાથેનો ભયાનક – લોહીયાળ અકસ્માત જોયો, ‘પપ્પા, એ લોકોને શું થયું છે?’

‘એમને ભારે વાગ્યું છે બેટા.’

‘સાથે લઈ જઈએ? મહેતા અંકલના દવાખાને?’

‘ના, પોલીસના લફરાંમાં કોણ પડે?’ કહી એણે બાઈકની સ્પીડ વધારી, ફરજના ભાગરૂપ એમ્બ્યુલન્સને ફોન લગાડ્યો.

હેરી પોટરના શોખીન હરીએ પોતાના હાથમાં બચેલ ફરકડીની લાકડી અકસ્માતગ્રસ્તો તરફ ચીંધી અને બોલ્યો, ‘અવાડા કેદાવ્રા

૧૧.

ઇન્ટરનેટ પર ત્રણેક કલાક શોધ્યા પછી એને એક વાર્તા મળી,

એણે ભાષાંતર કર્યું, નીચે પોતાનું નામ લખ્યું અને સંપાદકને મોકલી આપી, પોતાની રેગ્યુલર કૉલમ માટે…

એની અથાગ મહેનતનીની સામે એક નવોદિતની મહેનત ‘સાભાર પરત’ થઈ.

– જીજ્ઞેશ અધ્યારૂ

પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં ‘વાર્તાપ્રકાર’ તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, ‘એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?’ મારે તેમને કહેવું છે, ‘જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?’

માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ

 • M.D.Gandhi, U.S.A.

  લાંબી લાંબી વાર્તા અને લાંબા લાંબા અર્થવગરના સંવાદોથી ભરેલી કંટાળાજનક વાર્તાઓ વાંચવા કરતાં આવી નાની નાની ટચુકડી વાર્તાઓ વાંચવાનો આનંદજ કંઈ અલગ અને તાજગીભરેલો લાગે…. જોકે નાની અમથી ટચુકડી વાર્તા માટેનો અભિપ્રાય પણ લાંબો………….લાંબો….. થઈ ગયો……!!!!

  બધી વાર્તાઓ બહુ ગમી…

 • nilam doshi

  વાંચવાનેી મજા આવેી. કોઇ પણ નવા સાહિત્ય પ્રકાર સામે શરોૂઆતમાં તો અલગ અલગ પ્રક્રિયાઓ આવવાનેી જ. એને સ્થાપિત થતા કદાચ સમય લાગશે એટલું જ
  બાકેી આજે સમયનો અભાવ જયારે દરેકને નડતો હોય ચ્હે ત્યારે તમે તમારા સમયનો ભોગ આપેીને આટલું સરસ કામ કરો ચ્હો એ જ મોટેી વાત ચ્હે.
  મને તો આ ટચુકડેી વાર્તાઓ ગમેી. અને જરોૂર લખેીશ પણ ખરેી..કોઇ ચ્હાપે કે નહેી..અક્ષર નાદ અને પરમ સમેીપે તો ચ્હે જ ને ?
  અભિનંદન્..

 • hansa rathore

  10 નં. શ્રેષ્ઠ વાર્તા છે, મારી નજરમાં. મોટા અને બાળકો ના દ્રષ્ટીકોણનો સ્વાભાવિક તફાવત અનુભવાય છે. એક નૈતિક ફરજથી ભાગે છે, ને બીજું , કંઇ ન કરીશકે તો જાદુઇ છડીથી મદદ નો હાથ લંબાવી જ દે છે….નિર્દોષ, નિર્મળ ભાવનાનું સચોટ ઉદાહરણ .

 • gopal khetani

  ખરેખર માણવા અને વિચાર કરવા પ્રેરીત કરે તેવી છે.

  જિગ્નેશભાઇ, એક વિનંતી છે. સ્પર્ધા પૂરી થયે સર્વે મીત્રો ની વાર્તા જો અહીં વાચવા મળે તો ખરેખર આનંદ થશે.

 • Natubhai

  બધી વાર્તાને ફિકશનની કક્ષામાં ન મૂકી શકાય. વાંચકોને નથી લાગતું કે કેટલીક વાર્તા જીવનમાં આપણી સમક્ષ બનતી જોઈ છે અથવા સાંભળી હોય છે.. દા.ત. 2,3,7,10, અને 11.

 • sameera asif

  વાર્તા નં. ૩,૫,૬,૮ ખુબ ગમેી. આપનેી વાત સાચેી લોકેી આ પ્રકાર વિશે ઘણા સાવાલો કરે છે. પણ આજના ફાસ્ટ જમાના મા ઓછા સમયે સાહિત્ય રસ માણવા આ પ્રકાર શ્રેષ્ઠ જણાય છે.

 • મનીષ વી. પંડ્યા

  વાર્તા નં. ૨, ૪, ૫, ૮, ૯ અને ૧૧ સવિશેષપણે ઉલ્લેખનીય.
  ૧, ૬ સામાન્ય માની શકાય.
  એક સામાન્ય વાચક તરીકે અને વાર્તાના ઉપભોક્તા તરીકે લખવાનું કે નાની વાર્તામાં અંતમાં અને ખાસ તો અંતિમ શબ્દોમાં, વાચકોના મનમાં આઘાત, સંવેદના, પ્રેમ, દુઃખ, વિરહવેદના, નફરત, એક નાનો મલકાટ, એક છુપું હાસ્ય, વાહ કે પછી આહ ની લાગણી નો અનુભવ થાય તોજ વાર્તા લખી કામની.

 • gopal khetani

  જિગ્નેશભાઇ, સ્પર્ધા પુરી થાય પછી આયોજકો ની સ્પર્ધા રાખો. અમે વાચકો પ્રતીભાવ આપીયે તો કેવુ ? નાના મોઢે મોટી વાત કરુ છુ એમ જાણી માફ કરશો.

  • અક્ષરનાદ Post author

   ગોપાલભાઈ,

   આયોજકોમાં તો હું એક જ છું ભાઈ, અને મારી રચના પર તો આજે પણ પ્રતિભાવ આપી શકો છો, એના માટે સ્પર્ધા પૂરી થાય એની રાહ જોવાની શી જરૂર?

   આપના પ્રતિભાવ બદલ આભાર.

   જીજ્ઞેશ અધ્યારૂ

 • નિમિષા દલાલ

  જિજ્ઞેશભાઈ સ્પર્ધાના આયોજક તરીકે તમે ભાગ ન લઈ શકો એ પણ સાચું અને તમને લખવાનું પણ ગમે.. પણ એક વાત એ છે કે સ્પર્ધાનું પરિણામ જાહેર થાય પછી તમે મૂકી હોત તો સારું થાત એમ નથી લાગતું.. ?

  • અક્ષરનાદ Post author

   નિમિષાબેન,

   સ્પર્ધાનું પરિણામ જાહેર થાય ત્યાર પહેલા કે પછી, માઈક્રોફિક્શન તો એ સિવાય પણ અક્ષરનાદ પર આવતી જ રહેવાની, એથી કોઈ ફરક પડતો હોય એમ તમને લાગે છે? મને તો એવો વિચાર આવ્યો નહીં.

   આપના પ્રતિભાવ બદલ આભાર

   જીજ્ઞેશ અધ્યારૂ

 • ચન્દ્રકાન્ત લોઢવિયા

  જીજ્ઞેશભાઈ,
  દરેક નવી વાત સમજતા, સમજ્યા બાદ ગળે ઉતરતા અને પછી પચતા સમય તો લાગે જે. આજના ઝડપી સમયમાં ઉતાવળે વંચાય પણ મર્મ તુરત સમજાય જાય્ તે જરૂરી નથી હોતુ. કદાચ ન સમજાય એટલે નથી સારૂ કોઈ કહી શકે. કોઈ વખત આ ટચુકડા પ્રસંગ પણ લાગે. પણ નવો વિચાર લાવનાર યશ ને પાત્ર તો જરૂર હોય જ છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા ૧૬.૦૯.૨૦૧૪

 • meena

  3,૬, ૧૦,૧૧ નંબરની હૃદય સ્પર્શી રહી. અવારનવાર ઘણા બ્લોગ લેખકોની રચના ઓને બીજાને નામે ચઢેલી જો ઉં છુ ત્યારે બહુ ખરાબ લાગે છે. સંદેશ, દિવ્યભાસ્કર તો બ્લોગરોની પોસ્ટ તો લઈ જ લે છે પણ સાથે સાથે તેમના નામે ય છાપતાં નથી. આ જ બળાપો થોડા દિવસ પેલા એક આપણાં જાણીતા બ્લોગર લેખિકા ને લેખકભાઈ તરફથી નીકળેલો.