અક્ષરનાદ પર ૧૦૦૦ કૃતિઓનો પડાવ – એક આંતરદર્શન 24


પ્રિય મિત્રો,

આપ સૌના સહકાર, આશિર્વાદ અને શુભેચ્છાઓને લીધે આજના આ લેખથી અક્ષરનાદ.કોમ વેબસાઈટ ૧૦૦૦ કૃતિઓ પ્રસ્તુત કર્યાના પડાવ પર પહોંચી છે. ગત પખવાડીયે સાત લાખ ક્લિક્સને પાર કરી છે, ઈ-પુસ્તકોના ડાઊનલોડની સંખ્યા ૫૦,૦૦૦ થી વધુ છે. સૌથી વધુ અગત્યની વાત તો એ કે સબસ્કાઈબર કાઊન્ટ સતત વધતી રહી છે, આ સમગ્ર મહેનતને સતત કાર્યરત રાખવાનો ઉત્સાહ અને જુસ્સો ભરતી રહી છે. આટલી આંકડાકીય માહિતિ પછી આજે થોડીક વાતો આપ સૌ સાથે વહેંચવાની ઈચ્છા છે.

અક્ષરનાદ પર ૫૦૦ કૃતિઓ પૂરી થઈ ત્યારે પણ આવો જ એક લેખ મૂક્યો હતો. આજે અહીં એનું કે એ લેખનપદ્ધતિનું પુનરાવર્તન કરવું નથી. પણ વર્તમાન અને ભવિષ્ય વિશેની થોડીક વાત કરવાની ઈચ્છા ખરી! એક ખૂબ વિશાળ વાચકવર્ગ સાથે, સતત પ્રોત્સાહન આપનાર, પડખે રહેનાર મિત્રો સાથે, વડીલો, વિદ્વાન સાહિત્યકારો અને શુભેચ્છકો સાથે – તેમની મદદે થઈ રહેલા વિકાસની ઝાંખી આપવાની ઈચ્છા અને મનમાં લાંબા સમયથી રહેલી વાત કરવાનો અને વધુ તો આંતરખોજ કરવાનો અવસર પણ આવા સમયે ઝડપી લેવાય તો સરસ મજાનો સંવાદ થઈ શકે એ જ હેતુથી આજની આ વાત મૂકી છે.

ગુજરાતી બ્લોગજગત સતત અવિરતપણે વિકસી અને વધી રહ્યું છે. જૂના બ્લોગ્સ – વેબસાઈટ્સ વધુ સમૃદ્ધ થતાં જાય છે અને નવા બ્લોગ્સ પણ એ જ ઝડપે ખૂલી રહ્યાં છે. ફક્ત પ્રચલિત કવિતાઓ કે ગીતો પીરસવાને બદલે હવે વિચારમંથન માટેનું ભાથું આપતા, અવનવી સરસ રચનાઓ મૂકતા, નવા વિષયો અને અનુભવોથી વેબજગતને નવી બારીઓ ખોલી આપતા બ્લોગ્સને જોઈને ખરેખર આંખ ઠરે છે. પોતાના વિચારો પર મક્કમ અને વલણ પર મુસ્તાક એવા બ્લોગર મિત્રો ગુજરાતી બ્લોગિંગની શાન છે. અવનવા વિષયો અને અનોખી ક્ષિતિજો ખોલતા બ્લોગ્સ આપણા વેબજગતનો નવો આયામ છે. ઑડીયો પીરસતા બ્લોગ્સ – વેબસાઈટ્સ ગમતાનો ગુલાલ કરીને મહદંશે એકાકી અને વ્યસ્ત જીવનમાં રસની થોડીક ક્ષણો પૂરી પાડે છે, તો પ્રસ્થાપિત કવિમિત્રોના બ્લોગ્સ મારા જેવા અનેક રસ ધરાવતાંઓને શીખવા માટેનું ભાથું પૂરું પાડે છે. વિવેચન અને રસસ્વાદ કરાવતા મિત્રો કોઈ પણ કૃતિને કે સર્જનને તેના ખરા અર્થમાં સમજવામાં અને આમ તેનો પૂર્ણ સ્વાદ લેવામાં મદદ કરે છે. ક્યાંક જીવનોપયોગી તો ક્યાંક ગૃહોપયોગી વિચારો અભિવ્યક્ત થાય છે. પ્રસ્થાપિત લેખકોના બ્લોગ્સ તેમના વિચારોને, પદ્ધતિઓને અને લેખનકળાને સમગ્રતયા એક વિશાળ ફલક પર વિસ્તારે છે અને નવા બ્લોગરોને માટે સર્જનની દિશા ચીંધતી એક દીવાદાંડી બની રહે છે, તો સામે પક્ષે નેટસૅવી એવી પેઢીમાં તેમના વિચારોનો એક આગવો સ્તંભ પણ બની રહે છે.

પણ… બીજી બધી વાતોની જેમ બ્લોગ્સને પણ શરૂ કરવા ખૂબ સહેલા છે અને જાળવવા – ચલાવવા મુશ્કેલ છે. સામાન્ય રીતે અહીં જે લોકો પાસે કહેવા માટે ઘણું છે, વહેંચવા માટે ઘણું છે તેમની પાસે સમય નથી અને જેમની પાસે સમય છે, તેમની પાસે સામાન્ય રીતે કહેવા કે વહેંચવા મટે ખૂબ જ ઓછું હોય છે. એવા સંજોગોમાં બ્લોગરો કોપી પેસ્ટને રવાડે ચડે છે અને અન્ય બ્લોગ્સ કે વેબસાઈટ્સ પરથી કૃતિઓ મૂક્યા કરે છે. એક ઉમદા બ્લોગરે એ વાત યાદ રાખવી ઘટે કે વાચક નાવિન્ય ઝંખે છે, ઉપયોગીતા અને સ્પષ્ટતા ઝંખે છે અને સૌથી અગત્યનું તે આનંદ ઝંખે છે. જો કે હવે તો આવા બનાવો પણ ખૂબ ઓછા થઈ રહ્યા છે. નોકરી અને કૌટુંબીક જવાબદારીઓની વચ્ચે અને સમયના સતત અભાવની સાથે પણ અક્ષરનાદ રોજ શોધીને ટાઈપ કરીને એક કૃતિ મૂકવાના પોતાના પ્રયાસને વળગી રહી શક્યું છે એ માટે જવાબદાર છે ફક્ત વાંચકમિત્રો – વડીલોનો સતત પ્રતિભાવ અને હૂંફ.

બ્લોગજગતની શરૂઆતમાં જેવા વિવાદો થતાં એ હવે ખૂબ જ ઓછા થઈ રહ્યા છે, એ બતાવે છે કે હવે બ્લોગરોનું મેચ્યોરીટી લેવલ એક બંધીયાર હદની બહાર વિકસ્યું છે – વિકસી રહ્યું છે. મતભેદોની પાર ફક્ત સર્જનના હેતુને હવે પ્રાધન્ય મળી રહ્યું છે એ ખૂબ સરસ વાત છે, સંતોષપ્રદ વાત છે અને આપણા માટે ગર્વની વાત પણ ખરી. તો સમયની સાથે સમૃદ્ધ અને વધુ સુવિધાપ્રદ અને વિકસિત થઈ રહેલી ગુજરાતી વેબસાઈટ્સ અને બ્લોગ્સ આ આનંદમાં વૃદ્ધિ કરે છે.

ગુજરાતી ઈ-પુસ્તકો વિશે પણ થોડીક વાત અહીં મૂકવા ઈચ્છું છું. અક્ષરનાદ પર ઈ-પુસ્તકો મૂકવાની શરૂઆત કરી ત્યારથી અનેક પ્રકાશકો, પ્રસ્થાપિત સાહિત્યકારમિત્રો – વડીલોનો સતત અને પ્રોત્સાહક સહકાર મળતો રહ્યો છે. ફક્ત એક વિનંતિ અને અનેક પુસ્તકોને ઈ-પુસ્તક સ્વરૂપ આપી વહેંચવાની પરવાનગી મળી છે. પણ સાથે સાથે એમ પણ અનુભવાયુ છે કે પ્રસ્થાપિત લેખકો મહદંશે પ્રકાશકોને આધીન રહીને, તેમની સહમતી પછી જ પોતાના સર્જનને ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં સુરક્ષિત અનુભવે છે, ખાસ કરીને અક્ષરનાદ જેવા તદ્દન મફત ઈ-પુસ્તકો વહેંચતા માધ્યમ સાથે સંકળાતા પહેલા પ્રકાશકોની સાથે સુમેળ હોય એમ ઈચ્છતા લેખક મિત્રોની ભાવનાઓ તથા આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને ટાઈપ થયેલ હોવા છતાં અનેક ઈ-પુસ્તકો અમે પ્રસિદ્ધ કર્યા નથી. છતાં એક વાત જે કહેવાની લાલચ અહીં રોકી શક્તો નથી તે એ કે ઈ પુસ્તકોનું પ્રકાશન પુસ્તકોના મૂળ વેચાણના આંકડા પર કોઈ નકારાત્મક અસર ઉપજાવતું નથી એ વાત પશ્ચિમમાં સર્વસ્વીકાર્ય છે. આથી ઉલટું મુખપૃષ્ઠ, અનુક્રમણિકા અને એક પ્રકરણ સમાવતી નાનકડી પરિચય ઈ-પુસ્તિકા મૂળ પુસ્તક માટે પુસ્તકના વિષય વિશે – ગુણવત્તા વિશે વાંચકના મનમાં એક આગવો માપદંડ ઉભો કરી શકે છે, અને તેનાથી પરોક્ષ જાહેરાત થાય છે જેથી મૂળ પુસ્તકના વેચાણમાં વધારો થઈ શકે છે.

અક્ષરનાદ કે અન્ય કોઈ પણ ઈ-પુસ્તક બનાવીને તદ્દન મફત વહેંચતી વેબસાઈટ કે બ્લોગ આ માટે ઉપયોગી થઈ શકે છે. આ રીતે વાંચકો નવી પ્રસ્તુતિઓના સતત સંપર્કમાં રહી શકે છે અને સાથે સાથે કોપીરાઈટ પ્રશ્નોનો સરળ ઉકેલ પણ મળી શકે છે. આપણા પ્રકાશકો હજી પણ આ ઈ-પુસ્તકોના પ્રકાશનમાં ગભરામણ અને અસુરક્ષા અનુભવતા હોય, તેમના આર્થિક હિતો જોખમાતા હોય એવું લાગ્યા કરે છે, કારણકે અનેક પુસ્તકોની પરવાનગી આપવાને બદલે ‘અમે ઈ-પુસ્તક બહાર પાડવાના છીએ માટે તમારે એ કરવાની જરૂર નથી.’ એમ કહ્યા પછી તેની ઈ-પુસ્તિકા પ્રકાશકો દ્વારા આજસુધી કદી બહાર પડી નથી. જે મિત્રો ઈ-પુસ્તકોનું ઓનલાઈન પ્રકાશન અને વેચાણ કરી રહ્યા છે તેમણે ગુજરાતી ઈ-વાંચનનો એક નવો આયામ ખોલી આપ્યો છે, અને નવા પ્રકાશિત થઈ રહેલા પુસ્તકો માટે એ ભવિષ્યમાં એક આગવી વ્યવસ્થા બની રહેવાની છે.

પણ, મૂળથી નક્કી કરેલું છે તેમ, અક્ષરનાદની સમક્ષ પ્રોજેક્ટ ગુટનબર્ગ સતત રહ્યો છે – નવા પુસ્તકો અહીં કદી વેચાણ માટે મૂકવામાં આવે એવી શક્યતાઓ નહીવત છે. ગમતાનો ગુલાલ કરવામાં લાગતી મહેનત કે પોતાના આર્થિક હિતોને કદી અક્ષરનાદે ધ્યાનમાં રાખ્યા નથી અને આ જ વ્યવસ્થાને વળગી રહેવાની વાત ફરી એક વખત અહીં સ્પષ્ટ કરી રહ્યો છું. તો અન્યના આર્થિક કે અન્ય કોઈ પણ હિતોને અવગણીને કદી અહીં ઈ-પુસ્તક પ્રકાશિત નહીં થાય એ વાત પણ એટલી જ સ્વયં સ્પષ્ટ છે.

ગત થોડાક મહીનાઓમાં એકાદ બે એવા પ્રસંગો પણ બન્યા છે જે એક ગુજરાતી બ્લોગર તરીકે અમારા આનંદને અનેકગણો વધારી આપે છે. ઈંગ્લેંડથી એક કુટુંબ ભારત આવેલું. અક્ષરનાદનો શિયાળબેટ અને સવાઈબેટનો લેખ વાંચીને અહીં મુલાકાત માટે તેમણે અમને વ્યવસ્થા કરી આપવા વિનંતિ કરી. ચોમાસાના અમુક મહીના પ્રતિકૂળ વાતાવરણને લીધે દરીયાઈ મુસાફરી માટે યોગ્ય હોતા નથી તેથી અહીં પીપાવાવથી સવાઈબેટનો વ્યવહાર નહીવત થઈ જાય છે – લગભગ બંધ જ હોય છે એટલે એમના માટે શાંત વાતાવરણ વાળા દિવસે વિશેષતઃ ગોઠવણ કરવાની જરૂર પડી. અને બધી ગોઠવણને અંતે એ સમગ્ર કુટુંબને ત્યાં સુધી લઈ જવાનું સદભાગ્ય અમને મળ્યું. ત્યાં તેમણે નમાજ અદા કરી, તેઓ ભારતમાં વસતા ત્યારની વર્ષો જૂની અનેક યાદો એ કુટુંબે હોડીની એ કલાકની મુસાફરી દરમિયાન તરોતાઝા કરી તથા દરગાહને ઘણા ઉંચા મૂલ્યની સોલાર બેટરી તથા લાઈટ્સ, રીચાર્જેબલ સેલ્સના આખા ખોખાં તથા એવી અનેક ઉપયોગી મૂલ્યવાન અને તેમણે ઈંગ્લેંડથી લાવેલી એવી વસ્તુઓની ભેટ કરી. અક્ષરનાદને પણ તેમણે રોકડ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી, જેનો અમે સાદર અસ્વીકાર કર્યો એટલે આખરે ભેટ તરીકે એક સરસ અને મોંઘુ દૂરબીન તેઓ ત્યાંથી લઈ આવ્યા અને ભેટ તરીકે આપ્યું. એક ધાર્મિક – ઐતિહાસીક મહત્વના સ્થળને આમ માધ્યમ બનીને મદદરૂપ થઈ શકવાના પ્રસંગે અમને ગદગદ કરી મૂક્યા

આવા જ, અક્ષરનાદને આર્થિક મદદની વાત મૂકનારા અનેક વડીલો – મિત્રોના ફોન અને ઈ-મેલ મળ્યા કરે છે જેનો સતત સાભાર અને સાદર અસ્વીકાર કર્યો છે. અક્ષરપર્વના આયોજન વખતે આ મદદનો સ્તોત્ર સતત ઑફર થયા કરેલો. અમેરીકાથી અને ઓસ્ટ્રેલીયાથી એમ બે વડીલ મિત્રોએ તો ચેક અને ડ્રાફ્ટ પણ મોકલી આપેલાં. તેમને કહ્યું છે કે અક્ષરનાદ એક શોખને લીધે શરૂ થયેલ વેબકર્મ છે, આપણો શોખ તો આપણે પોષવો જ રહ્યો. તો ‘એ અમારો પણ શોખ છે અને એને પોષવા માટે અમે જે કરી શકીએ એ આપવાની ઈચ્છા છે’ એવું કહેનારા વડીલોને સમજાવીને ના કહેવી પડી છે – આ સમગ્ર ઘટનાક્રમ ખૂબ ગર્વની વાત છે. માતૃભાષાના સંવર્ધનમાં – પ્રસારમાં મદદ કરવાની અને અમારી શક્ય મદદ કરવાની એ બધા વડીલોની લાગણીઓને વંદન અને તેમની એ ઉદાત ભાવનાને નતમસ્તક. પણ જ્યારે જરૂર હશે – ન કરે નારાયણ – ને જો કદી એવી જરૂર પડી તો આપ વાંચકવર્ગની પાસે અવશ્ય આવીશું. આજે ફક્ત આપના પ્રેમ અને આપણા અમર સાહિત્યની વાંચનભૂખની આવશ્યકતા છે, વૈચારીક સજ્જતાની અને એ વાંચેલાને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. આપના સહકારની અને આશિર્વાદની અમને સતત જરૂર છે.

અનેક વિચારો, યોજનાઓ અને શોખને હજુ પણ આવા જ વિસ્તૃત આયામો મળે એવા પ્રયત્નો સતત ચાલ્યા જ કરે છે. આવી બે ત્રણ ઘટનાઓ અને પ્રયોગો અન્યત્ર ટૂંક સમયમાં થવાના છે, જેની સમયાંતરે માહિતિ આપને યોગ્ય માધ્યમ દ્વારા મળતી જ રહેશે.

આશા છે આ ૧૦૦૦ કૃતિઓની સફરમાં આપને આનંદ લાધ્યો હશે, અને કંઈક ઊપયોગી અને જીવનના – લાગણીના તથા ઋજુતાના કોઈક તારને ઝંકૃત કરવામાં અક્ષરનાદ ક્યારેક માધ્યમ બન્યું હશે. એ જ માધ્યમ બની રહેવાની ક્ષમતા તથા શક્તિ પ્રભુ પાસે પ્રાર્થું છું.

આભાર,

પ્રતિભા તથા જિજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ
સંપાદક,
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

24 thoughts on “અક્ષરનાદ પર ૧૦૦૦ કૃતિઓનો પડાવ – એક આંતરદર્શન