બે પદ્યરચનાઓ – સંકલિત 7


૧. માળા કરું છું…

રોજ તારા નામની માળા કરું છું,
કેમ ખોટું હું કહું, ચાળા કરું છુ !

નામનો ગોપાલ છું હું ઠન ઠન સદાનો,
જોગ કરવા ફંડ ને ફાળા કરું છું!

ક્યાં કરું છું જાતને શિક્ષિત કદીયે!
એટલે તો ગામમાં શાળા કરુંછું!

હું દલાલી કોલસાની ક્યાં કરું છું?
હસ્ત મારા તે છતાં કાળા કરું છું!

ચાવવા લાળાં નથી તેથી કહું છું,
અણગમાના અંતરે જાળાં કરું છું!

– હર્ષદ દવે. (૩૧-૦૭-૧૧)

૨. ઈશ્વર..

મંદિર છે,
પ્રવેશદ્વાર છે,
ઘંટ છે,
ઘંટનાદ છે,
ફૂલ છે, પૂજા છે, આરતી છે,
પુજારી છે,
શાંતિ છે,
સ્તબ્ધતા છે,
મંદિર છે,
પ્રવેશદ્વાર છે,
પણ ઈશ્વર નથી,
એ ગયા છે
કોઈના મરણમાં હાજરી આપવા…..!

– ધવલ સોની

અક્ષરનાદના વાંચકમિત્રો શ્રી હર્ષદ દવે અને શ્રી ધવલભાઈ સોની દ્વારા પાઠવવામાં આવેલી આ સુંદર રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બંને રચનાઓ મૌલિક છે અને અનોખા વિચારો લઈને આવે છે. શેરબજારના વ્યવસાયી એવા શ્રી ધવલભાઈ સોની જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ વિશેની એક સરસ રચના લઈને આવે છે તો હર્ષદભાઈ દવે એ જ ઈશ્વરને પામવાના દુન્યવી પ્રયત્નોની વ્યર્થતા સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બે પદ્યરચનાઓ – સંકલિત