થોડા માટે તાલ ન બગડે… – રંભાબહેન ગાંધી 7


થોડા માટે તાલ ન બગડે – રંભાબહેન ગાંધી

રાજા, કારભારી અને અન્ય દરબારીઓ બેઠા છે, સામે જ દોરડા પર નટ નાચી રહ્યો છે. રાજા રીઝે તો નટને માલામાલ કરી દે એમ છે, એ જાણીને નટે પૂરેપૂરી કુશળતા દેખાડવા માંડી છે. છતાં રાજા રીઝાતો નથી, નટ થાકે છે, કંટાળે છે. નીચે બેઠેલી નટીને ભય લાગે છે કે નટ તાલ ચૂકવાનો, લાગ જોઈને તાલ આપતા પિતાને તે ઈશારો કરે છે કે,

‘રાત ઘડી ભર રહી ગઈ, પીંજર થાક્યો આય;
નટી કહે સુનો નાયક, મધુરી તાલ બજાય.’

બાપુ, હવે રાત થોડી જ બાકી છે, એ થાકેલા દેખાય છે તો બહુ ગતિમાં તાલ ન આપો, ધીમી લય કરો. આ સાંભળીને નાયક પિતા કહે છે.

‘બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે,
થોડી દેર કે કારણે, તાલ મેં ભંગ ન આયે.’

આ દુહો સાંભળતાજ સાધુએ એની રત્નકંબલ ભેટ દઈ દીધી, રાજકુમારીએ ગળાનો હાર દીધો, રાજકુંવરે સોનાનું કડું દીધું.

આમ ભેટની વર્ષા થઈ રહી હતી, ત્યારે દોરડે ચડેલા નટનું ધ્યાન સામેના ઘરમાં હતું, જ્યાં એક સ્ત્રી સાધુને ભિક્ષા આપી રહી હતી. એ સાધુને જોતાં જ નટના અંધકારઘેરા મનમાં પ્રકાશ લાધે છે, અને જીવનનો ખરો અર્થ સમજાતાં, આ બધુ તજી સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય તે કરે છે. તે જ સમયે રાજા પેલા યોગીને પૂછી રહ્યા છે, ‘યોગી, રત્નકંબલ શા કારણે આપી?’

ત્યારે એ સંત, સાધુ, યોગી કહે છે, ‘રાજન, આખી જિંદગી સાધુ રહ્યો પણ હમણાં હમણાં મન ડગવા લાગ્યું હતું, સંસાર તરફ ઢળવા લાગ્યું હતું. અને, ત્યાં જ આ દુહો સંભળાયો કે,

‘બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે,
થોડી દેર કે કારણે, તાલ મેં ભંગ ન આયે.’

હું જાગી ગયો, થયું કે કેટલું જીવવાનું? અને એટલા માટે કરીને આ કમાણી ધોઈ નાંખવા તૈયાર થયો હતો! મન વળી ગયું, ખુશ થયો અને રત્નકંબલ ભેટ આપી દીધો, મને જગાડવા માટે.’

નટને સોનાનું કડું આપી દેનાર કુંવરને રાજાએ પૂછ્યું કે, ‘તમે શા માટે સોનાનું કડું આપ્યું?’

કુંવર કહે, ‘પિતાજી, તમે વૃદ્ધ થયા છો પણ ગાદી છોડતા નથી. થયું કે આમ તો મને ગાદી મળશે જ નહીં. રસ્તો એક જ છે – તમારુ ખૂન કરવાનો… અને એ નિર્ણય પણ લીધો હતો, ત્યાં આ દુહાએ મને જાગૃત કર્યો.  મને મહાપાતકમાંથી બચાવી લીધો તેથી એ ઈનામ આપ્યું.’

રાજાએ કુંવરીને પૂછ્યું, ‘દીકરી! તમે શા માટે હાર આપ્યો?’

કુંવરીએ કહ્યું, ‘પિતાજી, હું એક યુવકના પ્રેમમાં પડી છું. એની સાથે પરણવાની આપ કોઈ રીતે મંજૂરી આપો એમ નથી. આથી અમે ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પણ આ દુહાએ જગાડી, મને નામોશીમાંથી બચાવી તેથી હાર આપ્યો.’

આ સાંભળી રાજા પ્રસન્ન થયો. તેણે પણ નટમંડળીને અમૂલ્ય ભેટ આપી. ત્યારે પેલા ત્રણેયે પૂછ્યું કે, ‘આપે આ ભેટ કેમ આપી?’

રાજાએ કહ્યું, ‘નટ મજાનું નૃત્ય કરી રહ્યો હતો, મારે ખુશ થઈને ઈનામ આપવું જોઈતું હતું. પરંતુ મારુ ધ્યાન નીચે બેઠેલી પેલી સુંદર યુવાન નટીમાં હતું. ને તેથી થતું હતું કે નટ થાકે, પડે અને મરે તો નટી મારે હાથ આવે… આવા વિચારમાં હું હતો ત્યાં જ પેલો દુહો સંભળાયો –

‘બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે,
થોડી દેર કે કારણે, તાલ મેં ભંગ ન આયે.’

ને થયું કે આટલી જિંદગી પવિત્રતામાં કાઢી અને હવે થોડી રહી છે ત્યારે આવા વિચારો? એ પાપી વિચારો દૂર થયા અને મન જાગૃત થયું એટલે આ ઈનામ આપ્યું.’

કહે છે કે આ બનાવ પછી નટનું મન તો સંસાર પરથી ઊઠી ગયું હતું જ, નટીનું મન પણ સંસારમાંથી ઊઠી ગયું અને સંસાર માણવાના કોડ ત્યજી બંનેએ દીક્ષા લીધી.

– રંભાબહેન ગાંધી

સન્માર્ગે જવાની પ્રેરણા આપનાર કે અંધકારભર્યા રસ્તે પ્રકાશના એક જ કિરણે મંઝિલ દેખાડનાર પ્રસંગો, વાક્યો કે પ્રેરણાદાયી જીવનચરિત્રો એવા તે અનોખા હોય છે કે તેમની અસર સજ્જડ છાપ મૂકી જાય છે. એક જ દુહાની ભૂમિકા કેટકેટલા લોકોને પોતપોતાની નબળાઈઓ સ્વીકારીને સાચા રસ્તે લઈ જવામાં ભાગ ભજવે છે તે ઉપરોક્ત સુંદર દ્રષ્ટાંતકથા પરથી સુંદર રીતે ફલિત થાય છે. આવા નાનકડા અને ટૂંકા પ્રસંગો પણ કેટલા મહત્વના ઉપદેશના વાહક બની શકે છે તે પ્રસ્તુત વાત પરથી સ્પષ્ટ થાય છે.

બિલિપત્ર

Man is neither consulted about his birth nor about his death, and he will not be consulted for his eternal abode.

 – Khalil Gibran


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “થોડા માટે તાલ ન બગડે… – રંભાબહેન ગાંધી