ભાઈ બહેન – બાલમુકુન્દ દવે 3


પાછલા તે પહોરની ઊડી ગઈ નિદરા,
સૌ રે ઊંઘે ને અમે જાગતાં જી રે!
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈ-બહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે!
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતરને કોતરને ચાલ્યાં વટાવતાં,
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે!

રૂપા તે રંગની રેતી વેરાયેલી,
પાસે વહે છ વહેણ વાંકડુ જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું;
શાનું ગોઠે ઘર સાંકડું જી રે!

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે!

ખોળો ભરી વીણી શંખલાં ને છીપલાં,
આખાય વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે!

– બાલમુકુન્દ દવે (‘ઝરમરિયાં’માંથી સાભાર)

બાલમુકુન્દ દવે આપણી ભાષાના જાણીતા કવિ છે. વડોદરાના આ કવિએ આપણને ‘કુંતલ’ અને ‘પરિક્રમા’ જેવા સરસ કાવ્યસંગ્રહો આપ્યા છે. પાછલા પહોરે જ્યારે ઘરનાં બધાં ઊંઘી ગયા હોય ત્યારે ભાઈ બહેન ચૂપકીદીથી બહાર છટકી જઈ ખુલ્લામાં કુદરતના સૌંદર્યનો કેવી રીતે આનંદ માણે છે તે પ્રસ્તુત ગીતમાં સુપેરે વર્ણવાયું છે. કુદરતની મોકળાશ અનુભવ્યા પછી તો ઘરમાં ગૂંગળામણ લાગે તે કવિએ ભાઈ બહેનના નિર્દોષ તોફાન અને હેતના ચિત્રણની સાથે સાથે સચોટ આલેખ્યું છે.

બિલિપત્ર

ખરા મિત્રનું પારખું, અવસર વખતે થાય,
ક્ષીરને કાજે નીર જ્યમ, અગ્નિએ બળી જાય.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ભાઈ બહેન – બાલમુકુન્દ દવે