કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૯ (નવોદિત લેખકો માટે) 6


અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા ઘણી વાર સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકી પડતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે તે વાતનો આનંદ છે. નવોદિત લેખકોને માર્ગદર્શન મળી રહે તેવી કેટલીક ઉપયોગી અને સરસ વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ વેબસાઈટ્સ વેબવિશ્વની અગ્રણી છે અને સાથે સાથે તેમના લાખો વાંચકો તેમના અસરકારક હોવાની ખાત્રી આપે છે, પ્રાયોગીક અને ઉપયોગી સૂચનો સાથેનો એ ભંડાર આજે અહીં મૂક્યો છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.

૧. write to done

‘ઝેનહેબિટ્સ’ નામના પોતાના અસરકારક, ખૂબ ઉપયોગી અને સરળ બ્લોગથી જગમશહૂર બનેલા લિયો બબૌતાની આ બીજી પ્રસ્તુતિ છે. તો ‘ગુડલાઈફ ઝેન’ બ્લોગની લેખક મેરી જેક્સ પણ ૨૦૦૮થી અહીં લખે છે. ‘રાઈટ ટુ ડન’ નામની આ વેબસાઈટ લેખનકળા વિશેની અનેક વાતો સમયાંતરે ચર્ચે છે. અહીં પત્રકારત્વ, બ્લોગ લેખન, સ્વરોજગાર તરીકે લેખન, ફિક્શન અને નોન ફિક્શન લેખન, પુસ્તક લખવાની કળા, લેખનની આદતો વગેરે વિશે વિગતે માર્ગદર્શન અપાય છે. મેરી કહે છે તેમ, આ એક એવું સ્થળ છે જ્યાં નવોદિતો લેખક તરીકે વિકસી શકે છે, લેખનના પથ પર માર્ગદર્શન, પ્રેરણા અને સહાયતા આપવાની તથા અંદરના લેખકને જાગૃત કરવાની કોશિશ અહીં કરાય છે.

૨. The Creative Penn

કુલ ચાર પુસ્તકોની લેખિકા, જેમાંથી એક એક્શન એડવેન્ચર ફિક્શન વિભાગમાં એમેઝોન.કોમના કિન્ડલ પુસ્તકોના વેચાણમાં અગ્રસ્થાને રહી છે તેવા જોઆન પેનનો બ્લોગ ‘ધ ક્રિએટીવ પેન’ લેખનકળા વિશેની ઘણી વાતો વિગતે ચર્ચે છે, સફળ લેખક બનવા માટે કઈ કઈ વાતો અથવા રીતો અવગણવી અને એ સાથેના ભયસ્થાનો પણ તે વિગતે ચર્ચે છે. લેખન, પ્રકાશન અને પુસ્તક વેચાણ માટેની માર્કેટીંગની વિવિધ પધ્ધતિઓ પણ જોઆન અહીં સૂચવે છે. આ ઉપરાંત અગ્રગણ્ય લેખકો, માર્કેટીંગ વિશ્વના નિષ્ણાંતો અને અગ્રણી બ્લોગરો સાથેના ઈન્ટર્વ્યુ પણ અહીં પોડકાસ્ટમાં સાંભળી શકાય છે.

૩. Story fix

યુએસએ ટુડેના એક પ્રખ્યાત લેખક, ૧૭ વર્ષની લાંબા ગાળા દરમ્યાન વૈવિધ્યભર્યા અનેક અનુભવોમાંથી માર્કેટીંગ અને લેખન વિશે શીખનાર લેરી બ્રૂક્સના પાંચ પુસ્તકો એમેઝોન પર ધૂમ મચાવી રહ્યા છે, એ અગ્રણી વર્તમાનપત્રોમાં લખે છે અને ઉપરાંત અસરકારક લેખનના અનેક વર્કશોપ અને સેમિનાર આપે છે. તે કહે છે કે, ‘અનેક પુસ્તકો વાંચ્યા પછી અને અનેક સલાહો સાંભળ્યા પછી પણ કઈ રીતે અસરકારક લેખક બની શકવું એ જો ન સમજાતું હોય તો તેની સરળ અને મુદ્દાસર સમજૂતી, શું કરવું અને શું ન કરવું વગેરે સઘળું અહીં વિગતે સમજવા મળી શક્શે. લેખનના મૂળભૂત વિભાગોને એક સાથે સંયોજિત કરીને એક અસરકારક લખાણ તૈયાર કરવાની પ્રાયોગીક રીત અહીં કહેવાય છે. નવોદિતો માટે એક વાર અવશ્ય વિગતે જોવા જેવો બ્લોગ.

૪. Make a living writing

કેરોલ ટાઈસ એક સફળ અને અનેક એવોર્ડ વિજેતા લેખિકા છે, અમેરીકાના અનેક પ્રખ્યાત સામયિકોમાં તે માર્કેટીંગ અને ફ્રીલાન્સ લેખન વિશે લખે છે. બ્લોગ દ્વારા પ્રોફેશનલ લેખન કરીને પૈસા કમાવવા માટેના રસ્તા અને પોતાના લેખનનું માર્કેટીંગ કઈ રીતે કરવું એ વિશે સૂચવતી આ વેબસાઈટ પણ એક વખત જોઈ જવા જેવી છે.

૫. Catseyewriter

મહદંશે બ્લોગ લેખન વિશેની વિવિધ ટિપ્સ આપતી આ સરસ વેબસાઈટ અનેક નવા વિચારો અને વિકલ્પો સાથે તેમને પૂરા કરવાના સરળ રસ્તા પણ બતાવે છે. લોકો અદ્વિતિય અને અનોખી રીતે પોતાની વેબ હાજરી કઈ રીતે નોંધાવી શકે અને વધુમાં વધુ લોકોને પોતાના બ્લોગિંગમાં રસ લેતા કઈ રીતે કરી શકે એ માટેની ટિપ્સ પણ આ બ્લોગની લેખિકા જુડી ડુન અહીં આપે છે.

૬. Writer Unboxed

ફિક્શન વાર્તાલેખનમાં મદદ મેળવવા ઈચ્છતા નવોદિતો માટે આ વેબસાઈટ સરસ સ્ત્રોત છે. વાર્તાલેખનની પધ્ધતિ, સફળતા અને નિષ્ફળતા વિશે વિગતે ચર્ચા સાથે ઉંડાણપૂર્વકના પધ્ધતિસર અને મુદ્દાસર લખાયેલા લેખો આ બ્લોગની ખાસીયત છે. વેબસાઈટના મૂળ સ્થાપક લેખકો સાથે આ ક્ષેત્રના ખૂબ વંચાતા અને પ્રસ્થાપિત લેખકો દ્વારા ચાલતા બ્લોગના ચર્ચાના વિષયો પણ ધ્યાન ખેંચે એવા છે, તો ગંભીરતાથી પ્રસ્તુત થયેલા વિષયની વિશદ છણાવટભરી ચર્ચા પણ થાય છે. એક અનોખી અને ખૂબ સુંદર રીતે આયોજિત અવશ્ય જોવા જેવી સરસ વેબસાઈટ.

૭. Victoria Mixon

શું તમે લેખક બનવા માંગો છો? તમારા આદર્શ અને પ્રિય લેખકથી તમે કઈ રીતે અને કેટલા જુદા પડો? તમે લેખનના ક્ષેત્રમાં પ્રવેશ કઈ રીતે કર્યો? એક્શન, સંવાદો, ચરિત્રચિત્રણ, મુખ્યપાત્ર, કથાનક, લેખન અને દર્શન વચ્ચેનો ફરક જેવા અનેક પ્રશ્નો વાંચકોને પૂછી, તેમને વિચારતા કરી અનેકવિધ જવાબો સાથે વિગતે ચર્ચા કરતો લેખિકા વિક્ટોરીયા મિક્સનનો આ બ્લોગ સરસ અને ઉંડાણપૂર્વકની લેખનપધ્ધતિ વિશે વિગતે વાત કરે છે. કવિતાઓ, ફિક્શન અને ટેકનિકલ લેખનના ક્ષેત્રમાંનો તેમનો છેલ્લા ત્રીસેક વર્ષનો અનુભવ બતાવતું લખાણ બ્લોગની સમૃદ્ધ લેખનયાદીનો નમૂનો
છે.

૮. /wordplay

લેખન એ એક ભેટ છે અને એક કળા પણ છે. એક ભેટ તરીકે તેનો આદર થવો જોઈએ, લેખક એ એક વાહક છે જેના થકી પ્રેરણા કલમના માર્ગે અવતરે છે, તો એક કળા તરીકે તેને પૂરા આદર, ખંત અને શિસ્તપૂર્વક વિકાસ થવો જોઈએ કારણકે જે ભેટનું સન્માન કરીને તેનો સમૃદ્ધ કરવાના પ્રયત્નો ન થાય તે નકામી જાય છે એમ માનનાર કે. એમ. વેલેન્ડ અહીં લેખનકળા વિશેના પોતાના વિચારો મૂકે છે. વાર્તામાં પાત્રો અને પાર્શ્વભૂમિકા, ચરિત્રચિત્રણ, વાર્તાનો વિકાસ અને ઝડપ વગેરે વિશે વિગતે આલેખન કરે છે. આ સાથે અહીં ક્રાફ્ટિઁગ અનફર્ગેટેબલ કેરેક્ટર્સ નામની એક ઈ-પુસ્તક મફત ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

જો કે આ યાદીના મોટાભાગના બ્લોગ્સ ૨૦૧૧ના મુખ્ય ૧૦ લેખકો માટેના બ્લોગ્સની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં આ યાદીના અમુક બ્લોગ ઉપયોગી અથવા માહિતિપ્રદ ન લાગવાને લીધે અહીં સમાવિષ્ટ કર્યા નથી. લેખનમાં પા પા પગલી કરવા માંગતા, પોતાના લેખનને મઠારવા માંગતા અથવા બીજા પ્રસ્થાપિત લેખકોનો પરિચય અને વિગત મેળવવા માંગતા એવા બધા લોકો માટે ઉપરોક્ત યાદી ઉપયોગી થઈ રહેશે તેવી આશા છે. આવી ગુજરાતી ઈ-લેખકોના ઑનલાઈન લેખન અને સફળતાના અનુભવો વર્ણવતી યાદી ક્યારે બનાવી શકાશે?


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૯ (નવોદિત લેખકો માટે)