બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8


૧. અને જોષી કને જઈએ જરા…

મને એવું હવે લાગ્યા કરે છે આ હથેળી લઈ અને જોષી કને જઈએ જરા;
બને તો હાથ વચ્ચે જિઁદગી આખી સમેટી લઈ અને જોષી કને જઈએ જરા.

કમળ-ક્યારો અને આ માછલી કાયમ સમય ડહોળે અને જીવ્યા કરે છે જગ મહીં;
ફરીથી એ સમયને ડહોળવા રીતો નવેથી લઈ અને જોષી કને જઈએ જરા.

નવેસરથી મને લ્યો પોંખવા આવી રહ્યા છે શસ્ત્રધારી સૈનિકો શ્વાસો તણા;
હવે તો એ જ શસ્ત્રો એજ અ સૈનિકો બધેથી લઈ અને જોષી કને જઈએ જરા.

લઈ આવ્યા સ્મરણમાં હો તમે સૌ પાઠ નરસૈયાં તણા ને ભોમકા જૂનાગઢી;
બજે કેદાર જ્યાં કાયમ પ્રભાતે એ તળેટી લઈ અને જોષી કને જઈએ જરા.

કહે છે જીવને આ જમ બધા કો’ ચીપિયા કો’ સાણસોમાં ડૉક મરડી લઈ જશે,
ચલો તો ચીપિયા ને સાણસી સાથે હવેથી લઈ અને જોષી કને જઈએ જરા.

૨. …કાગળમાં

રહી છે ક્યાં હવે એ શક્યતા પળમાં;
ગઝલ રૂપે મળે એ આમ કાગળમાં.

બને તો ભાગ્યને છે ખેડવું, પણ દોસ્ત;
હવે એ બળ નથી આ હાથના હળમાં.

સદાયે બંધ થઈ જીવ્યો ભીતરથી;
નથી કો’ ટેરવાનો સ્પર્શ સાંકળમાં.

સમયની ઠેસ બાબત શું કહું તમને;
ઘણી ઠોકર વસી છે મુજ નિર્બળમાં.

મને ના પૂછ તું આ પ્રશ્ન વરસાદી;
સદા લથપથ રહ્યો છું આંખના જળમાં.

– જિતેન્દ્ર પ્રજાપતિ

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ