ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક 20


“કાલનો દા’ડો સમુડોશીને કે’જે કે પોણીના ઢોળે રોડે, કદાસ… પરતાપભાઈ ને નીલકંઠ પણ આવે. ઈમને પણ કયુ સે.” ઓઢેલી ફાટેલ રજાઈનો પોતાનો ભાગ પણ પત્નીને ઓઢાડતાં માધો બોલ્યો.

અડધી રજાઇને પાછી પતિને ઓઢાડતા રતલીએ પૂછ્યું “ઈ કુણ?”

“પરતાપભાઈ, આ આપણી લારી ઉભી રાખુ સું ને ન્યાં કણે મોટા સાહેબની ઓફિસમા કામદાર સ. ઓફિસના લોકનું સીંગનુ પડીકુ ઈજ લેવા આવે’સે. તે ભાઈબંધી થઈ સ ને નીલકંઠ તો તીયાં લીફટ ચલાવે સ. તી ઈને પણ કયું સ” સહેજ ઉભડક થઇને માધાએ કહ્યું.

“તે હેં! ઇવડા મોટી ઓફિસવાળા આપણે ત્યોં આવશી?” રતલીની આંખો પહોળી થઈ ગઈ.

“ના સું આવે? ઈવડા ઈનેય ખબર સ કે આજ દહ વરહથી આ સે’રમા મહેનત કરી તા’ર આજે આપડુ પોતાનુ સાપરુ થયુ સ” માધાની છાતી બે ગજ ફૂલતી દેખાઈ.
રતલી હસી “આજથી આપડુ સાપરુ નઈ .. કાલથી.”

“હવે આસથી જ કહેવાય ગોંડી, આખાય જીવતરની કમાણી, રુપિયા સાડા નવ હજારુ આપ્યા સે પુનમભાઈને. હવે કોઈ તો કે’ … ઝૂંપડું મારુ નથ.. ઈ તો મારુ જ હવે.. મારુ ને તારુ ઘર” માધાએ ઘર શબ્દ પર ભાર મૂક્યો.

“કાલ ત્યોં ઝાડુ મારતી’તી તીયારે સમુડોશી કે’તા કે તારો ઘરવારો ગોંડો થયો સે? ઝૂંપડાના તી કંઈ વાસ્તુ થાતા હસે?” રતલીએ મોં બગાડીને નવા પાડોશીની ફરીયાદ કરી.

“હવે જીને જે કહેવુ હોય તે કે. ઈ ડોશી માટે ઝૂંપડુ હસે. પણ મારા માટે તો મારો મે’લ સે. આ વરહોથી તને આ ભુંગરામા હુવારુ સુ ને મારુ મન એકજ વાત કહેતુ સે કે ફટ સે મારી જંદગી ઉપર બૈરાંને સાપરુય નથ આપી હકતો.”

“સાપરુ નો’તુ તો નો’તુ પણ તારા નેહનુ પાથયણુ તો હોતુ ને. મન તો તુ બાથમા લે’સે ને મારી તો આખી દનિયા ઈમા આવી જાય સ.”

રતલી માધામાં લપાઈને નિરાંતે ઉંઘવા લાગી. દૂર કોઇ પાર્ક કરેલ ટેક્ષીના ટેપમાંથી રમેશ પારેખની રચના ‘સાંવરીયો..’ સંભળાઇ રહી હતી. માધાને આજે ઉંધ આવતી ન હતી. વર્ષોથી શહેરમાં આવીને એક જ રટ લાગી હતી કે મારૂ કોઇ ઘર હોય. આમ તો આવડા મોટા શહેરમાં ખાલી સિંગ ચણા વેચીને પોતાનું ઘર બનાવવું લગભગ અશક્ય હતું પણ માધાને એક ચાનક લાગી હતી, પોતાના ઘરની.

માધો સ્વભાવે જ મહેનતી અને સપના જોવાની એને નાનપણથી ટેવ. હજી તો હમણા બેઠી લારી કરી બાકી ફેરી કરતો ત્યારે આખા શહેર મા ફરે. નવા નવા ઘરો જ્યાં બનતા હોય ત્યા ખાલી ખાલી પણ ફરે. જયારે કોઇ બંગલાની વાસ્તુ પૂજા ચાલતી હોય તો બહાર એ અચૂક ઉભો રહે અને પોતાની જાતને વચન આપે, કે ‘જે દહાડે મારુ પોતાનું છાપરું બનાવીશ તે દહાડે મારા ઝૂંપડાનુ ય વાસ્તુ કરીશ, પૂજા રાખીશ. મનજી, હકી, પ્રેમજી, મુકાકાકા બધ્ધાંને બોલાવીશ. રાબને રોટલાનુ જમણ રાખીશ.’

રતલીનેય માધાના સપનાની ખબર. આ રતલી જેવી સમજુ સ્ત્રી એ માધાને માટે ઇશ્વરનો આશીર્વાદ હતો. બન્ને જણ રેલ્વે ટ્રેકની પાછળ પડી રહેલા એક મોટા અને એક બાજુથી તૂટી ગયેલા ભૂંગળામાં રહે. બેય બાજુએ કોથળાના પડદા કરીને આટલા નાના ભૂંગળાનેય રતલી એકદમ ચોખ્ખું ચણાક રાખે. ઘર બનાવાના સપનાને પૂરુ કરવા બેઉએ પોતાનો સંસાર પણ હાલમા નહીં વધારવાનો નિર્ણય કરી સમજ બતાવી હતી. જે દહાડે ઝૂંપડુ લેવાનુ નક્કી કર્યુ તે દહાડાથી બન્નેને જાણે જગ જીત્યું હોય તેવો સંતોષ થતો. માધાના મનમા ઝૂંપડાનું વાસ્તુ કરવાનુ નક્કી જ હતું. પ્રતાપભાઇ પાસે હજી ગઇ કાલે જ ૧૦ ચીઠ્ઠીઓ લખાવી કે

“માં ખોડીયારની દયાથી મું ને રતલી અમારા નવા ઝૂંપડામા રેવા જઇ સે. તી નવા ઝૂંપડાનુ વાસ્તુ રાખ્યું સ, વે’લા આવજો.”

પ્રતાપભાઈની ઓફિસના નકામા કાગળ પર લખાયેલ આ ચીઠ્ઠીઓ માધાના ઝૂંપડાના વાસ્તુપૂજાની આમત્રંણ પત્રિકા હતી.

સિંગના એક પડીકા પર લાલ દોરો બાંધીને, એ પડીકું ને આંમત્રણપત્રિકાની ચીઠ્ઠી ગઈકાલ સવારે પહેલા ખોડિયાર મંદિર પછી ભાથીજીના દેરે ને મહાદેવના મંદિરે મૂકવા એ અને રતલી નીકળી પડ્યાં હતાં અને બાકીની સાત માધાએ જાતે વહેંચી હતી. સાત સાત મહેમાનોને વાસ્તામાં બોલાવવા એ માધા માટે સાતસોને બોલાવા બરોબર હતા.

વહેલી સવારે બન્ને પતિ-પત્ની ઉઠ્યા. રેલ્વે ટ્રેક પર ડબ્બા ધોવાના થાંભલામાંથી ધોધમાર વહેતા પાણીના ફૂવારામાં શાહીસ્નાન કર્યું. હ્રદયમા ઉત્સાહ મા’તો નહોતો. દલપત મહારાજ આમ તો મંદિરની બહાર બેસીને આવતા જતા લોકોને ચાંલ્લો કરીને પૈસા માંગવાનુ કામ કરે પણ માધાને તો પૂજા કરાવવા એજ પોસાય તેમ હતો. બેઉ જણા હાથ જોડીને વેદવ્યાસ સામે બેઠા હોય તેમ પૂજામાં મહારાજ સામે બેઠા. રતલીની નજર આવેલા મહેમાનો ને પાણી અને ગોળ-ધાણા મળ્યા કે નહીં તેમાંજ હતી પણ માધો બે આંખો બંધ કરીને ભગવાનને મનોમન જીવનના આ સૌથી મોટા સપનાને પૂરા કરવા બદલ આભાર માનતો હતો.

આસોપાલવના તોરણોથી શોભતું ઝૂંપડુ આજે રતલી અને માધાની આવનારી જીંદગીની મજાની ક્ષણોને સત્કારવા થનગનતુ હોય તેમ લાગતું હતું. આવેલા સાતેય મહેમાનો અને તેના કુંટુબીઓને રાબ-રોટલાનું જમણ કરાવતા એ બન્ને જણને ન્યાત જમાડવા જેટલો ઉત્સાહ થયો. આવેલા દરેકને અંદર સુધી ખેંચીને પોતે ચોખ્ખુ કરેલ ઝૂંપડું રતલીએ અંદરથી બતાવ્યુ. આજનો આખો દિવસ બેઉ જણાએ ઘરની અંદર જ કહાડ્યો.

આજે કદાચ દસ વર્ષ પછી પહેલી વાર હાથ પગનું ટુંટીયુ વાળ્યા વગર માધો મોકળાશથી સૂતો. રતલી થોડી થોડી વારે ઉઠીને લીંપેલી દિવાલોને અડકીને પાછી સૂઈ જતી. એને બીક પેસી ગઈ કે ક્યાંક આ સપનું તો નથી ને! આમેય છેલ્લા કેટલાય વર્ષોથી ભૂંગળામાં સૂતી હતી એટલે ઝૂંપડુ તો મોટું મોટું લાગતું હતું.

સવારે રોજ કરતા મોડા ઉઠાયું, અને કેમ નહીં? કાલ તો જીવનનું સપનું પુરુ થયું હતું. લારી પર માલ ગોઠવતા ગોઠવતા અચાનક જ માધાની નજર ઝૂંપડાની બહાર લાગેલા એક મોટા કાગળ પર પડી. આ ગઈકાલે વાસ્તા વખતે તો આવો કોઇ કાગળ અહીં નહોતો.

માધાએ ધ્યાનથી જોવા માંડ્યુ. કંઇ ખબર ન પડી પણ સિંહના ત્રણ મોઢાવાળા નિશાનને જોઈને એટલુ ખબર પડી કે છે આ સરકારી કાગળ. ત્યાં તો બાજુવાળા સમુડોશીના દિકરાએ પોક મૂકી. માધાએ સમુડોશીના ઝૂંપડે જોયુ તો ત્યાં પણ આવો જ કાગળ હતો. આજુબાજુના દરેક ઝૂંપડા પર આવો કાગળ હતો. થોડીવારમાં ખબર પડી કે સરકાર આ જમીન પરથી કોઇ મોટો રસ્તો બનાવવા જઇ રહી છે અને એટલે ત્રણ દિવસમા ઝૂંપડા ખાલી કરવાનો કોર્ટનો હુકમ છે. ત્રણ દિવસ પછી અહીં સરકાર બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરશે.
બે ક્ષણ માટે માધાને તમ્મર આવી ગયા. પાછળ ઉભેલ રતલી ઝૂંપડાના દરવાજા ને મજબૂત પકડીને ડુસકું ભરતી ત્યાં જ બેસી પડી. પણ બીજી જ ક્ષણે એ સમજુ સ્ત્રીએ પોતાની જાતને સંભાળી. માધો જાણે આજે નાનું બાળક હોય તેમ ઝૂંપડાના દરવાજાની વચ્ચે, ગઈકાલના આસોપાલવની નીચે બેઠેલી રતલીના ખોળામા મોં રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

“કંઇ વાધો નથ, આપડે ઈમ હમજવાનુ કે આપણું હપનું એક વાર પૂરુ તો થયું. આ દનિયામાં ઈવા ય લોક સે જેના કોઇ હપના પૂરા થાતા જ નથ ને કેટલા તો ઈવા હોય જી હપના જોવાની ય હિંમત રાખતા નથ.. કોઈ વાંધો નય. ભગવાને ઈમ ધાર્યુ હશી કે આ હાળા વાસ્તુ પૂજા હારી કરે સે તી’ ઈમને ઝૂંપડુ નહી હાચું મોટું ઘર જ આપીશ.. હવે બેય મહેનત કરશું અને મોટું ઘર જ લઇશું.. અને પસી ઈનું વાસ્તુય કરશું”, બોલતા બોલતા છેલ્લા શબ્દોમાં આવેલ ડુમાને રતલીએ ઉધરસ ખાઈને સિફતથી સંતાડયો.

માધો કાંઈ પણ બોલ્યા વગર એ સમજણની મૂર્તિને જોતો રહ્યો.. અચાનક એને કંઈ યાદ આવ્યું અને મુઠ્ઠીઓ વાળીને એણે રેલ્વેની પાછળ આવેલા એના ભૂંગળા તરફ દોટ મૂકી..

એના મનમા હવે બીક હતી કે “કદાચ…………..”

– હાર્દિક યાજ્ઞિક

કહાની આમ તો સાવ સરળ અને સીધી સાદી છે. હજારો લોકોની જિંદગીમાં આ રોજની વાત છે, પણ એનાથી કોને ફરક પડે છે? બીજાઓની પીડાને સમજવાની ચિંતા કરવા જેટલો સમય સંકુચિત અર્થમાં આપણી પાસે અને બૃહદ અર્થમાં સમાજ પાસે વધ્યો છે ખરો?  સમાજને આવી કહાનીઓથી કોઈ ફરક પડતો નથી. આવો જ એક રોજીંદો પ્રસંગ થોડીક અનોખી પશ્ચાદભૂમીમાં હાર્દિકભાઈ યાજ્ઞિકે અહીં આલેખ્યો છે. હાર્દિકભાઈની કલમ એક પછી એક કૃતિઓ સાથે નિખરતી જાય છે અને અક્ષરનાદને આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ હવે તેમનો આભાર માનવા જેટલી ઔપચારિકતા હવે રહી નથી.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક