સત્યવ્રત – ઉમાશંકર જોશી 8


એક જૈન સાધુ ગામેગામ વિહાર કરતા. એક વખત એ વહોરવા નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતી કરી કે, “મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.”

એમણે આ માણસ વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. એ દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, અને ચોરી પણ કરતો હતો. સાધુને થયું, ‘લાવ, આ માણસ સારે રસ્તે ચડે એવું કાંઈક કરતો જાઉં.’

એ બોલ્યા, “ભાઈ, તારે ત્યાં હું વહોરવા કેમ કરીને આવું? તે કાંઈ નીમ તો લીધો નથી!”

“તો હું નીમ લઉં, પછી તો આપ પધારશો ને?”

“બોલ શી નીમ લઈશ?”

“દારૂ, જુગાર અને ચોરી છોડવા વગર બીજો કોઈ નીમ લેવડાવો.” પેલો હસીને બોલ્યો.

મહારાજ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી એ કહે, “ભલે, તો સાચું બોલવાનું વ્રત લે.”

પેલો કહે, “મહારાજ, એ વ્રત આજથી લીધું.”

વ્રત તો લીધું પણ બીજે દિવસે દારૂ પીવાની ઈચ્છા થઈ. તરત વ્રત યાદ આવ્યું. દારૂના કેફમાં ક્યાંક જૂઠું બોલાઈ ગયું તો? જુગાર રમવાની ઈચ્છા થઈ પણ એમાં તો સાચું બોલનાર પાછો જ પડે! એ બે તો સત્યને એણે છોડ્યા. પણ ચોરી કરવી એ તો એનો ધંધો હતો. ચોરી ન કરે તો ખાય શું?

એણે ખૂબ વિચાર કરી જોયો. છેવટે એણ નક્કી કર્યું કે છેલ્લી વાર મોટી ચોરી કરી લેવી. એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકશે એમ વિચાર કરી એ નીકળ્યો અને રાજમહેલમાં ચોરી કરવા પેઠો. ત્યાં એ બધી ચીજો જોવા લાગ્યો. છેવટે એની નજર એક દાબડી પર પડી. જુએ છે તો એમાં સાત રત્ન! ચોરને થયું કે મારે આયખાભર ગુજારો કરવા સારુ ચાર રત્ન બસ છે. એટલે ત્રણ દાબડીમાં રહેવા દીધાં અને દાબડીને હતી એમ ઠેકાણે મૂકી, ચાર રત્ન લઈ, એ ઘરને રસ્તે પડ્યો.

રાત્રે રાજા પોતે વેશપલટો કરીને નગરચર્ચા જોવા નીકળેલા તે એને રસ્તામાં મળ્યા. ચોરને ઊભો રાખીને એમણે પૂછ્યું, “અલ્યા કોણ છે?”

“ચોર છું.”

“ક્યાંથી આવે છે?”

“ચોરી કરીને આવું છું.”

“કોને ત્યાંથી?”

“રાજાના મહેલમાંથી.”

“શું ચોરી કરી લાવ્યો?”

જવાબમાં પેલાએ છેડે ખોસેલાં ચાર રત્નો હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું, “વાત તો સાચી. ક્યાં રહે છે?” પેલાએ ઠેકાણું આપ્યું ને બન્ને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયા.

સવારમાં બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. તરત જ પ્રધાનજી એ તપાસ હાથ ધરી. પહેલાં તો કશું ગયેલું દેખાયું નહિ. વધુ તપાસ કરતાં પેલી દાબડી પર એમની નજર પડી. દાબડી ખોલીને જુએ છે તો અંદર સાતને બદલે ત્રણ રત્ન પડેલાં છે! તરત ત્રણ રત્ન એમણે ઊઠાવી લીધાં ને દાબડીને એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને કહે, “મહારાજ, ચોર માત્ર દાબડીમાંના સાત રત્નો ચોરી ગયો છે.”

રાજા કહે, “ચોરને જલદી પકડી પાડો.”

રાજ્યના અધિકારીઓએ ચોરને પકડવા ઘણી મહેનત કરી; પણ એ કેમે કર્યો હાથમાં ન આવ્યો. છેવટે એક દિવસ રાજાએ પોતે એક ચીઠ્ઠી લખીને દૂતને આપી અને ચોરને રાજ્ય સભામાં હાજર કર્યો. સૌની હાજરીમાં રાજાએ પૂછ્યું, “તું શું ધંધો કરે છે?”

“ચોરીનો કરતો હતો, અન્નદાતા!”

“હવે નથી કરતો!”

“રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો.”

“રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો?”

“રત્નો”

“કેટલાં?”

“ચાર.”

“અલ્યા દાબડીમાં તો સાત રત્ન હતાં. તે સાતમાંથી ચાર ચોરેલાં?”

“એટલાં મારે આયખાભેર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.”

“તો બાકીના ત્રણ ક્યાં ગયા?”

“ચોરીની તપાસ જેણે કરી હશે એણે લીધાં હશે.”

“ચોરીની તપાસ તો પ્રધાનજીએ જાતે કરી હતી.”

“તો આ વિશે પ્રધાનજીને પૂછો મહારાજ!”

રાજા કહે, “પ્રધાન, સાચું બોલો, શી હકીકત છે?”

પ્રધાન કરગરીને કહે, “હા, ત્રણ રત્ન મારી પાસે છે.”

આ બધું જોઈને સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો.

રાજાએ ચોરને પૂછ્યું, “આ બધું શું છે? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ પણ કરે છે!”

પછી ચોરે સાધુ પાસેથી પોતે સાચું બોલવાનું વ્રત લીધેલું તે બધી વાત કહી.

એ સાંભળી આખી સભાને આશ્ચર્ય થયું. રાજા પ્રસન્ન થયા. એમણે કહ્યું, “પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી, છતાં સાચું બોલવાનું એ ચૂક્યો નથી. અને તમને તો કશીય વાતની ખોટ નહતી, છતાં વધુ સંઘરો કરવા તમે ત્રણ રત્નો ચોરી ગયાં. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગ્યાએ કેદખાનામાં તમે જાઓ અને હવેથી અહીં તમારી જગ્યાએ, પ્રધાનપદે, સત્યનું વ્રત પાળનાર આ સત્યવ્રત્ત બેસશે.”

– ઉમાશંકર જોશી

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન જેવા અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. દારૂ, જુગાર અને ચોરીમાં પડેલો માણસ એક સાધુના માત્ર થોડાક સમયના સંપર્કે કેવો સુધરે છે, સાચું બોલવાના વ્રતથી તેના જીવનમાં અને ભાગ્યમાં કેવો પલટો આવે છે તે આ કથામાં બતાવ્યું છે. ચોર અને રાજા વચ્ચેના સંવાદો પ્રભાવશાળી છે તો ચોરની સાથે ક્યાંક પ્રધાનની સરખામણી અનાયાસ થઈ જ જાય! સરળ, સુઘડ અને બોધપ્રદ આ વાર્તા સાદ્યાંત અર્થગહન છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સત્યવ્રત – ઉમાશંકર જોશી

 • pradip kapasi

  સુન્દર પ્રસન્ગ્. આવા પ્રસન્ગ હજુ પણ બને છે અને બનતા રહેશે. ખાનદાન વ્યક્તિ તે જાહેર નથી કરતી. ધારોકે બીજા ન પણ કરે આપણને સત્ય બોલતા કે સત્ય કામ કરવા કોઇ રોકતુ નથી. આપણે જ્યારે કહ્યીએ કે આજે આવુ નથી થતુ ત્યારે એમા આપણી પોતાની પણ ગણત્રી થૈ જાય છે. આરીસો તમારુ પ્રતિબિમ્બ પાડે છે.

 • Dhruv

  Evu nathi!. Bija ne jem karvu hoy tem kare. Tame koi na vichar, vani ke vartan ne badjabri thi to badli nathi shakvana na, bhale pachhi te tamara potana j hoy.

  To tame avi bodhkathao, drashtaanto vachine apne pote to tenu anukaran kari shakiye chhie.

 • PH Bharadia

  આજના વર્તમાન કાળમાં આવું તો નથી બનતું પણ બીજા અનેક પ્રસન્ગો અને અનુભવે લોકોના જીવનમાં
  ફેરફાર થતા જોયા ને જાણ્યા છે.શ્રી ઉમાશંકર જોશી એક
  સિધ્ધહસ્ત લેખક અને ચિન્તક હતા.તાજેતરમાં તેમની શતાબ્ધિનો દિન ગયો તે પ્રસન્ગે તેમની આ લઘુવાર્તાની રજુઆત તેમની ‘અન્જલિ’ ગણીશું.

 • harshad dave

  આવી દૃષ્ટાંત કથાઓ જો સહુ વાંચે, વિચારે તો તેમનામાં પરિવર્તન આવી શકે પરંતુ ત્રાસવાદીઓને કોણ આ વાંચી સંભળાવે? પંડિત રવિશંકર એવું કાર્ય કરતા, ‘માણસાઈના દીવા’ હકીકત પરથી આલેખાયેલી છે. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા…આપણે અસત્યના રસ્તે શા માટે ચાલીએ છીએ- સત્યનો પંથ જીવન જીવવા માટે શું એટલો કઠીન છે? વેપારી વર્ગ વેચાતી વસ્તુઓ ઉપર કેટલો નફો લે છે તે શું તેઓ જાહેર કરી શકે…અને ચોરની માફક કેટલા લોકો પોતે ખોટું કર્યું છે તે કબૂલે?…અને આશા બહુ લાંબી…ભલે, પરંતુ આશા અમર છે. – હર્ષદ દવે.