પાદરનો પીપળો – ચુનીલાલ મડિયા 2


મને ન ઓળખ્યો? હું પીપળો છું. આ ગામના પાદરે ઊગ્યો અને મોટો થયો. નદીને ઠેઠ સામે કાંઠે મારા માવતર. એનું મૂળ વધતા વધતા ઠેઠ ગામને પાદરમાં આવીને ફૂટ્યું. મારાં બીજાં ભાંડરડાંની જેમ મનેય કોક હરાયું ભૂખ્યું ઢોર આવીને ઊગ્યા ભેગું જ ચાવી જાત. પણ મારાં નસીબ એટલા ચડિયાતા તે મને અડખે પડખે કાળમીંઢ પાણાની મોટી-મોટી શીલાઓની ઓથ જડી ગઈ અને એ ઓથમાં હું સારી પેઠે મોટો થઈ ગયો.

મારો ને આ ગામના લોકોનો કેવો મીઠો નાતો છે! એમણે મને દેવ ગણીને મોટો કર્યો. હું કાચી ઉંમરનો હતો ત્યારે મારા રક્ષણ માટે આડશ પણ ઊભી કરી હતી. એમનો આ ઉપકાર કેમ ભૂલાય? મેં એના બદલામાં ગામલોકોની શક્ય એટલી સેવા કરી છે.

મારી ઘેઘૂર ઘટા નીચે મેં ઘણાંય બળ્યાં-જળ્યાં ને ટાઢક આપી છે. માથે બળબળતી અગન વરસતી હોય ત્યારે મેં એ અગન ખમીનેય નીચે તો છાંયો જ પાથર્યો છે. હું વટેમાર્ગુઓનો વિસામો છું. ઘરબાર વગરનાનું ઘરબાર – મો’લમે’લાત જે ગણો તે હું જ છું.

ગામલોકો મારી પાસેથી કેટકેટલું જુદી-જુદી જાતનું કામ કરાવી રહ્યાં છે તે તમે જાણો છો? મારા થડને અઢેલીને પાણીની એક નાંદ ને એક માટલું પડ્યાં રહે છે. તરસ્યા થઈને આવતાં માણસો પાણી પીને ધરાયાના ઓડકાર ખાય છે. એ સાંભળીને મારું કાળજું ઠરે છે. કોઇપણ માંગલિક પ્રસંગે મારાં પાંદડા વપરાય છે. ગામમાં કોને ઘરે છોકરું જન્મ્યું છે એની મને ઝટ ખબર પડે; કારણકે બારમે દિવસે નામ પાડવામાં ‘ઓળી ઝોળી પીપળ પાન ….’ કરવું પડે ને એમાં મારાં પાંદડાંની જરૂર પડે જ.

દેવોની પણ ઓછી દુર્દશા છે? જે લોકોએ મને પિતૃ ગણી પૂજ્યો છે, પાણી પાયાં છે, તેમાંનાં જ કેટલાંક માણસો આજે ડાળીઓ પર કુહાડી ચલાવી રહ્યા છે. ગામમાં ભારે બેકારી આવી છે. ખેતી તો દિવસે-દિવસે ‘લાખના બાર હજાર’ ની થતી જાય છે. ઉપરાઉપરી નપાણિયાં વરસો આવતાં ખેડૂતોનાં કરજ ઉકરડાની ઝડપે વધતાં ગયાં છે. પરદેશી અને દેશી યંત્રની સહાયથી તૈયાર થયેલી ચીજવસ્તુઓએ આવીને ગામના કારીગર લોકોને ભૂખે મરતાં કર્યા છે. પરિણામે, લોકો પેટ ભરવા માટે ગમે તે ધંધો કરતાં પાછું વાળીને નથી જોતા. પેલો લેરિયો રોજ સવારે ઊઠીને કુહાડી લઈને આવે છે ને મારાં કૂણાં- કૂણાં પાંદડાનો ગાંસડો બાંધી પડખેના શહેરની ખડપીઠમાં વેચી આવે છે. સસ્તે ભાવે મળતો પીપળાનાં પાદડાંનો આ ચારો બહુ ખપે છે. એના રોજના રોટલા જેટલું એમાંથી જડી રહેતું હશે, પણ મારાંતો અંગ-અંગ વઢાઈ જાય છે. હું તો હમણા સાવ પીંખાઈ ગયો છું. ગામમાં આટલા બધા સમજુ માણસો વસે છે છતાં કોઈને વિચાર નથી આવતો કે આમ ને આમ તો આ પીપળો સાવ પાંખો થઈ જશે! કોઈને એમ થશે કે મારાં પાંદડાં જ કામનાં છે. આવું જાડું થડ તો સાવ નકામું છે ને નાહકની જગ્યા રોકે છે. પણ ના, મારું થડ લોકોએ અનેક ઊપયોગમાં લીધું છે. આ હરિયો રાશ-નાડું વણવાનો ધંધો મારા ઉપર જ ચલાવી રહ્યો છે. રાશ, નાડું કે સીંચણિયું જે કાંઈ વણવું હોય તે પહેલાં મારા થડમાં ગાળિયો પરોવીને પછી જ સામે ઊભો ઊભો વણે. મને ફાંસલા પહેરાવી- પહેરાવીને તો એણે મારાં અંગ ઉપર ઊંડા વળ પાડી નાખ્યા છે.પરગામ ગાડામાં બેસી જતાં-આવતાં છડિયાં આ તરભેટાનો વિસામો ને મારી ઘેઘૂર ઘટા જોઈને છાંયે ટીમણ કરવા રોકાઈ જાય અને ગાડાખેડુને પણ બપોરે ઝોલું ખાઈ લેવાનું મન થઈ આવે ત્યારે બળદ ક્યાંય ન ભાગી જાય એટલા સારું એની રાશ મારા થડિયા હાર્યે બાંધી દે. પરગામને હટાણે આવેલા અસવારો પણ ઘણી વાર એમની ઘોડીઓને મારે ઠૂંઠે વડગાળતા જાય. મારાં પાંદડા ને મારું થડ જ નહિ, મારી તોતિંગ ડાળોને પણ ગામનાં છોકરાં સુખે નથી રહેવા દેતાં. રોંઢાટાણે સીંચણિયાના હિંચકા બાંધીને કાંઈ હિંચકે છે, કાંઈ હિંચકે છે!

હું તો અમથો પાદરે ઊભેલો એક પીપળો છું; છતાં ગામલોકો જાણે કે જીવતો જાગતો માણસ હોઉં એમ ગણે છે. બે જણ વચ્ચે કંઈક વચનની આપ-લે થાય, રૂપિયાની ખાનગી લેવડ-દેવડ થાય તો મને મનોમન સાક્ષી ગણે છે ‘- પાદરના પીપળાનું એંધાણ -‘ એમ કહીને તો ઘણાંય મારી શાહેદી રાખે છે.

અનેક વસમી વિદાયો અને વળામણાંઓનો મૂક પ્રેક્ષક બનવાનું દુર્ભાગ્ય મેં અનુભવ્યું છે. ગામનિ દિકરી સાસરે જાય ત્યારે જાન ઊઘલતી વેળાએ મને યાદ કરવામાં આવે છે. આવે પ્રસંગે ડૂસકે-ડૂસકે રડતી માં-દીકરીઓનાં આસું લોહવાની મને તક નથી મળતી.

આમ, મેં માનવ – જિંદગીના ઘણાંય ખેલ જોઈ નાખ્યાં છે.

-ચુનીલાલ મડિયા
(જન્મ – ૧૯૨૨, મૃત્યુ ૧૯૬૮)

ધોરાજીમાં જન્મેલા શ્રી ચુનિલાલ મડિયાએ ઘણાં નાટકો, નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યો અને વિવેચનો લખ્યાં છે. અહીં પ્રસ્તુત નિબંધમાં પાદરના પીપળાની આત્મકથા આલેખાઈ છે. પીપળો જાણે પોતાની કથા કહે છે. આપણા સમાજજીવનમાં પીપળાનું મહત્વ અહીં સુપેરે આલેખાયું છે. રૂઢિઓ, માન્યતાઓ વગેરેની વચ્ચે એક પીપળાના અસ્તિત્વની મહત્તા અહીં આલેખાઈ છે. જો કે હવેના સમયમાં, ઔદ્યોગિકરણને લીધે વૃક્ષો આડેધડ કપાઈ રહ્યાં છે ત્યારે આ માન્યતાઓ અને રૂઢિઓ ફક્ત નિબંધોમાં જ ન રહી જાય એ જોવું રહ્યું.

બિલિપત્ર

કોઈ દોડે દ્વારકા, કોઈ કાશી જાય,
જા કે દિલ સાબૂત નહીં, ઉનકો કહાં ખુદાઇ!
– અજ્ઞાત


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પાદરનો પીપળો – ચુનીલાલ મડિયા

  • Lina Savdharia

    પીપળા નું મહ્ત્વ ઘણું જ છે પિત્રુ નાં આશિર્વાદ મેળવવા પીપળે પાણી રેડાય છે. દીકરી સાસરે જાય ત્યારે ગીત ગવાય છે. દીકરી તને રસ્તા માં પીપળૉ અને દાદા ના ખેતરો આડા આવશે તને ભલામણ સાથે આશિર્વાદ આપશે કે દીકરી ડાહ્યા થઈ રહેજો.