સાચું પૂછો તો કૃષ્ણાયનની કોઈ પ્રસ્તાવના જ નથી. કૃષ્ણ વિશે લખવું આમ જુઓ તો જરાય અઘરું નથી. ઢગલાબંધ સંદર્ભગ્રંથો અને એમના વિશે લખાયેલી સંખ્યાબંધ વાર્તાઓ અને નવલકથાઓમાંથી કૃષ્ણ કેટલાય સ્વરૂપે મળી આવે છે. મહાભારતમાં કૃષ્ણ એક પોલિટીશીયન, રાજકારણી તરીકે પ્રગટ થાય છે, તો ભાગવતમાં કૃષ્ણનું સ્વરૂપ દૈવી છે. ગીતામાં એ ગુરુ છે, જ્ઞાનના ભંડાર છે, સ્વયં ચેતના બનીને પ્રગટ થાય છે. તો ક્યારેક સાવ સરળ માનવીય લાગણીઓ સાથે આપણે એમને કેમ ન જોઈ શકીએ? દ્રૌપદી સાથેના એમના સંબંધો આજથી કેટલાં હજારો વર્ષ પહેલાં સ્ત્રી-પુરુષની મિત્રતાનો એક ઉત્તમ નમૂનો છે. રૂક્મણિ સાથેનું દામ્પત્ય વિદ્વત્તા અને સમજદારી પર રચાયેલું સ્નેહ અને એકબીજા પરત્વેના સન્માનથી તરબોળ છે. રાધા સાથેનો પ્રણય એટલો તો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારા, આજ સુધી એ જ માનનારા સમાજે રાધા કૃષ્ણની પૂજા કરી છે.
કોઈ પણ માણસ જે આટલું અદ્દભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે રહીને જીવ્યો હોય, એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય? શું એ પાછો ફરીને પોતાના ભૂતકાળને એકવાર જોતો હશે? જીવાઈ ગયેલા જીવન સાથે કોઈ ફેરબદલ કરવા માંગતો હશે? એને આ જ જીવન ફરી જીવવાનું કહેવામાં આવે તો એ આ જ રીતે જીવે કે જુદી રીતે? દુનિયા જેને પુરૂષોત્તમ કહેતી હોય એના જીવનમાં સ્ત્રીની શું ખોટ હોઈ શકે? ભાગવત અને પુરાણોએ કૃષ્ણની સોળહજાર એકસોને આઠ રાણીઓ ગણાવી છે. ખરેખર હતી કે નહોતી એની ચર્ચામાં ન પડીએ તો પણ એમના જીવનમાં ત્રણ મહત્વની સ્ત્રીઓ તો હતી જ! પ્રેમિકા, પત્નિ અને મિત્ર! રાધા રૂક્મણિ અને દ્રૌપદી! એમની સાથેના કૃષ્ણના સંબંધો ખૂબ રસપ્રદ અને ઉંડા રહ્યા છે. આ ત્રણેય સ્ત્રીઓ એમના વિશે શું માને છે અથવા માનતી હતી એ જાણવામાં મને હંમેશા રસ રહ્યો છે.
આ નવલકથા કદાચ એ કુતૂહલથી પ્રેરાયેલા રસનું જ પરિણામ હોઈ શકે. મૃત્યુને જોઈ ચૂકેલા, અનુભવી ચૂકેલા કૃષ્ણ જીવનની છેલ્લી પળોમાં જીવનની કેટલીક ઘટનાઓને ફરી એકવાર જુએ છે, અનુભવે છે, એમને ફરી જીવે છે. અને એ અંતિમ પ્રયાણ પહેલાંની છેલ્લી પળોનો એક નાનકડો પડાવ એટલે કૃષ્ણાયન.
આ એ કૃષ્ણ છે જેને તમે કોફીના ટેબલ પર સામે જોઈ શક્શો. આ એ કૃષ્ણ છે જે તમારા ડેઈલી રૂટિનમાં તમારી સાથે રહેશે. આ કોઈ યોગેશ્વર, ગિરિધર, પાંચજન્ય ફૂંકનાર કે ગીતાનો ઉપદેશ આપનાર કૃષ્ણ નથી, આ તો તમારી સાથે મોર્નિંગવૉક પર ચાલતાં ચાલતાં તમને જીવનની ફિલોસોફી સમજાવતો તમારો એવો મિત્ર છે જેને તમે કંઈ પણ કહી શકો છો. અને એ વેલ્યૂસીટ પર બેઠા વિના તમને સમજવાનો પ્રયત્ન કરશે, આ મારું વચન છે. જો તમે કૃષ્ણને તમારા ગણશો તો એ તમને એટલાં બધાં પોતાના ગણશે કે તમને ક્યારેય કોઈ મિત્રની, કોઈ સાથીની, કોઈ સલાહકારની કે કોઈ સપોર્ટની શોધ નહીં કરવી પડે. કૃષ્ણ સ્વીકારનું, પરમ સ્વીકારનું એક અદભુત ઉદાહરણ છે. તમે એમને જે આપો તે સ્વીકારે છે, સહજભાવે, પ્રશ્નો નથી પૂછતા, પણ ખરેખર તો આપણે એમને જે આપીએ છીએ એ એમનું જ આપેલું નથી? દ્રૌપદીએ છેલ્લી મુલાકાતમાં કૃષ્ણને જે કહેલું એ જ મારે પણ કૃષ્ણને કહેવું છે,
त्वदियमस्ति गोविन्द तुभ्यमेव समर्प्यते
– કાજલ ઓઝા વૈદ્ય
શ્રી કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક “કૃષ્ણાયન”, કૃષ્ણ તરફી વિવિધ પાત્રોના અવલંબન કે પ્રેમનું, તેમના પ્રત્યે સમર્પણનું અને તેમના સંસર્ગથી અભિભૂત થતાં એવા લોકોના મનોભાવોનું મનોરમ્ય આલેખન છે જેમની સાથે સ્વયં કૃષ્ણ જોડાણ અનુભવે છે. પુસ્તકનું વિશેષણાત્મક નિરૂપણ જણાવે છે તેમ “કૃષ્ણાયન” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે. એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની, લાગણીઓની અને ઝંખનાઓની વાત છે. અક્ષરનાદ પર આ પુસ્તક વિશેના મારા વિચારો ગતવર્ષે મૂક્યા હતાં (જુઓ અહીં ક્લિક કરીને). હવે આ સમગ્ર પુસ્તક – પ્રથમ ગુજરાતી ઑડીયોબુક – કાજલબહેનના સ્વરમાં ઑડીયો સીડી સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. અક્ષરનાદ પર આ ઑડીયો પુસ્તકમાંથી પ્રસ્તાવના કાજલબહેનના જ સ્વરમાં આજે અહીં મૂકી છે. અક્ષરનાદને આ પરિચય ઑડીયો પાઠવવા બદલ સી.ડીના પ્રકાશક સ્કેડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. નો ખૂબ ખૂબ આભાર.
પુસ્તકની ઑડીયો સીડી સીધી પ્રકાશક પાસેથી ખરીદવા માટે ક્લિક કરો:
ખુબ જ સરસ રચના મારેી એક વિનતી છે મારા ઈ મેલ પર આજ પેજ મોકલો તો તમારો ખુબ ખુબ આભાર
વાન્ચવાનેી તાનાવેલેી….
really very nice and true..!!! 🙂
One of the best novel I have read…Will also suggest “Sambandh To Aakahsh” and “Madhyabindu” from Kaajal Oza Vaidya…
Have read and reread, as if not satisfied read English translation by Bhavna Somaiya. Equally good, and now audio. great.
અદભુત…!!!!! જો પરિચય જ આટલો લાગણીસભર હોય તો સંપૂર્ણ વિચારર્ગ્રન્થ કેટલો હૃદયશપર્શી હશે તે વાંચ્યા વિના જ આત્મસાત થઈ જાય છે. ખરેખર માનવીનું મન કેટલું ઉંડાણભર્યું હશે તેનો આ ગ્રંન્થમાં ઈશ્વરે ભજવેલા માનવરૃપ માં દર્શાવેલ વિચારોનું વિશ્લેશણ ખ્યાલ આપે છે. અને તેથી જ ભગત કવિ નરસિંહ મહેતા એ ખરું કહ્યુ છે ‘શિવ થકી જીવ થયો તુ અનેક રસ લેવાને’…
ધન્ય છે કાજલબેનને અને જીગ્નેશભાઇને….વિદ્યુત ઓઝા.
ખુબજ સરસ પ્રસ્તાવના છે…. હૃદય સ્પર્શી છે….