માઇકલ – રસિક ઝવેરી 26


હું બારી પાસેની મારી રોજિંદી બેઠક પર ગોઠવાયો. ત્યાં બેસવું મને ગમે. ત્યાંથી મને સ્ટૉબૅરી વેચતી પેલી ત્રિપુટી દેખાય. યુવાન દંપત્તિ અને ભટૂરિયું. હવે તો ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી. લંચ અવરમાં ત્યાં ખાસ્સી ભીડ જામે. લાલ ઝાંયવાળી તાજી સ્ટ્રૉબૅરી અને સ્ફૂર્તિલાં એ યુગલ કરતાંયે મને વધુ આકર્ષણ તો એ રોજગારને રળિયામણો બનાવનાર ચારેક વરસના કિલકિલાટ કરતા બાળક માઇકલનું.

સ્ટૉબૅરીની બાંકડાગાડી, પતિપત્ની અને ભટૂર એ ચારેયના સહયોગથી એક રૂપાળી રોનક લહેરાતી હતી. એકને બીજાથી વિખૂટું ના પાડી શકાય એવી. યુવતી મીઠી હલકે, ‘ફ્રેશ સ્ટૉબૅરીઝ થ્રી ઍન્ડ સિક્સ!’ એ ટહુકે અને ગ્રાહકની માંગ ઝીલી, ‘યસ લવ! યસ ડાર્લિંગ!’ એમ કહેતી મીઠું મલકીને સ્ટૉબૅરીને પ્લાસ્ટિકના ચમચાથી ઊંચકી ત્રાજવામાં નાખતી જાય. યુવક એ મલકાટને તાલેતાલે સિફત અને ચપળતાથી સ્ટૉબૅરી થેલીમાં ઠલવી, ‘થેંક યુ સર! થેંક યુ લવ!’ કહી ગ્રાહકને આપતો જાય અને પેલો તંદુરસ્તીમસ્ત લાલ ટમેટાં જેવા ગાલ ને સોનેરી વાળવાળો ભટૂરો ગ્રાહકો પાસેથી પૈસા લઈ એની માને આપે અને ચેન્જ લઈ, ‘થેંક યૂ સર! થેંક યૂ મેમ!’ કહેતો પાછું આપે.

લંચ પતાવી હું બહાર નીકળ્યો. ટૉમ, મેરિયાના અને માઇકલ હવે તો મિત્રો જેવાં થઈ રહ્યાં હતાં. અડધો પાઉન્ડ સ્ટૉબૅરીનું મારું પેકેટ મને જુએ કે તરત વગર પૂછ્યે તૈયાર કરી આપે. હું બાળક માઇકલ સાથે વાતે વળગ્યો. સામે જ આઇસ્ક્રીમનો સ્ટોલ હતો. મેં એક બાર ખરીદી માઇકલને આપ્યો. પહેલે દિવસે આઇસ્ક્રીમ લેતાં એ અચકાયો હતો. મા સામે મીટ માંડી હતી. માએ કહ્યું, ‘ટેક ઈટ ડાર્લિંગ!’ માઇકલે બાર લઈને કહ્યું હતું, ‘થેંક યૂ સર!’ પછી પૂછ્યું, ‘તમારું નામ શું?’ મેં કહ્યું, ‘ઝવેરી.’ એ નામ જાણે એને ન ફાવ્યું હોય એમ એણે એનું ‘અંકલ જેરી’ કરી નાંખ્યું. ત્યારથી અમારી દોસ્તી જામી ગઈ. માઈકલ મા સામે મીટ માંડ્યા વગર હવે ચૉકબાર લઈ લેતો. માઇકલ ગ્રાહકોનો લાડકો. બધાં એને ‘બિઝી યંગમૅન’ કહે. એ બધાં ગ્રાહકોને દીઠે ઓળખે. ટૉમ જેટલો ભલોભોળો એટલી મેરિયાના ચાલાક અને નટખટ. પૈસાનો હિસાબ ચોકસાઈથી રાખે. કૉટેજના હપ્તા ચોકસાઈથી ભરે. માઇકલ તો એને મન જાણે રાજકુંવર, ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે. પાઉન્ડ માંગનાર બે પાઉન્ડ દઈ જાય એવી મીઠી જબાન. ચાર વાગે બાંકડો ખાલી થઈ જાય. પછી સ્કૂટર ઉપર ત્રણે જણા ઘર ભેગાં.

મારે હજી પંદર દિવસ લંડનમાં ગાળવાના બાકી હતા. ત્યાં તો ગળાડૂબ કામ અથવા તો થોકબંધ નાણું હોય તો જ ગમે. મેં માઇકલને પૂછ્યું, ‘ફરવા આવવું છે મારી સાથે?’ સવાલ અથડાયો કે તરત એણે મારી આંગળી પકડી લીધી. કહે, ‘કમોન અંકલ, લેટ અસ ગો!’ મેરિયાના સામે જોઈ મેં કહ્યું, ‘મને એકલા ફરતાં અડવું લાગે છે.’ એ આંખ મીંચકારીને કહે, ‘મને સાથે કેમ નથી લઈ જતા? અડવું નહીં લાગે. માઈ હસબન્ડ ઈઝ એ સ્પૉર્ટ. વાંધો નહીં લે!’ ટૉમ મોટેથી હસવા લાગ્યો. મજાક ઝીલતાં મેં કહ્યું, ‘મને માઇકલ સાથે વધું ફાવશે. જો રજા આપો તો ચાર વાગ્યા પહેલાં મૂકી જઈશ.’ માની આંખમાંથી મંજૂરી પારખી એને અંગૂઠો બતાવતો માઇકલ મારી આંગળી ખેંચવા લાગ્યો.

ઑક્સફર્ડ સ્ટ્રીટ, પીકેડેલી અને સ્ટ્રેન્ડ વટાવી ચાલતાં ચાલતાં અમે ટ્રફાલ્ગર – લંડનના કબૂતરખાના પાસે પહોંચ્યા. નાનાં-મોટાં સૌ સરખાં બનીને કબૂતરોને ચણ ખવડાવતા હતાં, માઇકલ કહે, ‘અંકલ, આપણે શિંગ લઈએ?’ મેં શીંગની ડબ્બી ખરીદવા માંડી. માઇકલે મને રોક્યો કહ્યું, ‘અહીંથી ના લેશો. અહી તો ખૂબ પૈસા થશે. ચાલો આપણે સામેના સ્ટોરમાંથી મોટું પેકેટ લઈ આવીએ. એ સ્ટોર વાળી મારી ફ્રેન્ડ છે.’ રસ્તો ઓળંગીને અમે સામે ગયા. રેસ્ટોરાંવાળી બાઈએ હસીને પૂછ્યું, ‘કેમ માઇકલ! તારી મમ્મી કેમ છે?’ માઇકલ ઠાવકું મોં રાખીને કહે, ‘સ્ટૉબૅરીની સિઝન ચાલુ છે. હમણાં અમે ખૂબ બિઝી છીએ.’ પેલી હસી પડી. માઇકલે ‘અંકલ જેરી’ની ઓળખાણ કરાવી પછી પીટનનું મોટું પૅકેટ માગ્યું. મેં કહ્યું, ‘આપણે મેરિયાના માટે કંઈક લઈએ.’ એ કહે, ‘મમ્મીને કાજુ બહુ ભાવે છે.’ કાજુ લેવાયાં. માઇકલ રાજી રાજી થઈ ગયો. પછી પાછા અમે ટ્રફાલ્ગર સ્ક્વેર આવ્યા. શીંગ ભરેલા બંને હાથ લાંબા કરી માઇકલ ગોઠવાઈ ગયો. કબૂતરો એના હાથ પર, ખભા પર, માથા પર કૂદાકૂદ કરતાં શીંગ ખાતાં જાય. હાથમાંની શીંગ ખૂટતાં માઇકલ કહે, ‘કમોન અંકલ; હવે તમારો વારો. તમે ડરતા નહીં, એ કંઈ ચાંચ નહીં મારે. બસ ચૂપચાપ ઊભા રહેવાનું શીંગ લઈને – મારી જેમ જ.’

બાજુમાં એક યુવતી ઊભી હતી તે હસવા લાગી. મને પૂછ્યું, ‘વૉટ અ સ્વીટ ડાર્લિંગ! તમારો પૌત્ર છે?’ મેં કહ્યું, ‘ના, મારો દોસ્ત છે. લંડનમાં હી ઈઝ માય ઑન્લી ફ્રેન્ડ.’ પેલી કહે, ‘તમારો કૅમેરા મને આપો. હું તમારા બંનેનો એક સ્નેપ લઈ દઉં’ મેં કૅમેરા આપ્યો. ચાંપ દબાઈ છબી પડી ગઈ. અમારી ભાઈબંધીને મહોર લાગી ગઈ. સાડા ત્રણ થવા આવ્યા હતા. માઇકલ કહે, ‘હવે આપણે જઈએ. મા રાહ જોતી હશે.’ બાંકડા પાસે પહોંચીને માઇકલે તરત જ માને કાજુનું પડીકું આપ્યું, કહે, ‘તારે માટે. અંકલ લાવ્યા.’ મેરિયાનાએ એક મીઠું ‘થેંક યૂ’ મારા ભણી ફેંકીને માઇકલને કહ્યું, ‘તો પછી આપણે અંકલને કૉફી પાવી પડશે.’ પાસેના કાફેમાં મિજલસ જામી ગઈ. છૂટાં પડતાં માઇકલ કહે, ‘અંકલ, કાલે આપણે ઝૂ જોવા જઈશું.’

એ પછી મને લંડનમાં અડવું નહોતું લાગતું. ઘણી બપોરે માઇકલની સોબતમાં આનંદમાં વીતતી. એને માટે ચૉકલેટ, કૅન્ડી, રમકડાં ખરીદતાં મજા આવતી. ભૂરી આંખો, ભરાઉ બદન અને સોનેરી વાળવાળી મેરિયાના મારી પાસે અડધો પાઉન્ડ સ્ટૉબૅરીના પૈસા ન લેતી. કહે, ‘તમે મારા માઇકલના અંકલ-ફ્રેન્ડ, તમારા ના લેવાય.’ પંદર દિવસ જોતજોતામાં વીતી ગયા. બીજે દિવસે મારે ‘કોન્ટિનેન્ટલ ટૂર’ પર જવાનું હતું. ટૉમ મેરિયાના અને માઇકલને મેં ‘ઈન્ડિયા ક્લબ’ માં મિજબાની આપી, ઈડલી, ઢોંસા અને ગુલાબજાંબુની, છૂટાં પડતાં અમારાં હૈયાં કંઈક ભારે હતાં. મેં કહ્યું, ‘માઇકલ, હું પાછો આવીશ ત્યારે તારે માટે ખૂબ રમકડાં લાવીશ. શું ગમે છે તને?’ માઇકલે યાદી બનાવી, ‘ટોમીગન, ભમરડો અને ટેડીબેર.’ પછી ખિસ્સામાંથી એક નાનું માઉથ ઓર્ગન કાઢી એણે મને આપ્યું, કહે, ‘આ તમને મારા તરફથી પ્રેઝંટ! મને ઓર્ગન ખૂબ ગમે છે.’ વગાડીને કહે, ‘જુઓ અંકલ, કેટલા સ્વીટ ટ્યૂન છે!’ હું ગળગળો થઈ ગયો. પોતાની સૌથી વધુ પ્રિય ચીજ એ બાળક હેતથી મને આપી રહ્યો હતો. ‘ગૉડ બ્લેસ યૂ! કહીને મેં એ માઉથ ઑર્ગન ખિસ્સામાં જતનથી મૂક્યું. ટૉમ – મેરિયાનાને કહ્યું, ‘તમે અને તમારી સ્ટૉબૅરી વિના મને અડવું લાગશે.’ ટૉમે ઉષ્માપૂર્વક મારો હાથ દાબીને કહ્યું, ‘તમે અમને ખૂબ યાદ આવશો.’ મેરિયાની આંખોમાં ઝાકળ હતી.

એક મહિનો હું કોન્ટિનેન્ટ પર ફર્યો. જર્મની, ઈટાલી, ફ્રાંસ, સ્વિત્ઝર્લેન્ડ અને સ્કેન્ડિનેવિયા; પાછાં ફરતાં ટોમીગન, ભમરડો, ટેડીબેર લેવાઈ ગયાં. સારું એવું એક્સચેન્જ એમાં વપરાયું, પણ મને એનો રંજ નહોતો. રોમથી કાલે લંડન પહોંચવાનું. સાંજે ઑક્સફર્ડ સ્ટ્રીટમાં ટૉમને બાંકડે.

બીજે દિવસે રમકડાંનાં પૅકેટ લઈ ઑક્સફર્ડ સ્ટ્રીટ પહોંચ્યો. ત્યારે ચાર વાગવાની તૈયારી હતી. મને થયું ટૉમ મેરિયાના ચાલ્યાં તો નહીં ગયાં હોય? દૂરથી જોયું તો બાંકડો સંકેલાતો હતો. હું ઝડપથી પહોંચી ગયો. રમકડાં ખાલી બાંકડા ઉપર મૂકી મેં ટૉમ અને મેરિયાના સાથે હાથ મિલાવ્યા. પછી પૂછ્યું, ‘માઇકલ ક્યાં?’ બંને બે પળ મારી સામે જોઈ રહ્યાં. પછી ધ્રુજતે અવાજે મેરિયાના બોલી, ‘માઇકલ? માઇકલ તો હવે નથી!’ મારા ગળામાં શબ્દો થીજી ગયાં. ફરી મેરિયાના જ બોલી, ‘કાલથી અમે અહીં નહીં આવીએ, બધાં… બધાં એ જ સવાલ પૂછે છે કે માઇકલ ક્યાં? પોલિયો એને ભરખી ગયો! આ થાનક સાથેની લેણીદેણી પૂરી થઈ. ખરું પૂછો તો અમે જાણે તમારી જ રાહ જોતાં હતાં.’ ટૉમની આંખ ટપકતી હતી. મેરિયાના ખામોશ હતી. હું સૂનમૂન હતો.

છેવટે મેરિયાના બોલી, ‘અમે આ રમકડાં ખૂબ જતનથી રાખીશું.’ મેં ઓવરકોટના ખિસ્સામાં હાથ નાંખ્યો. મારી આંગળીઓ માઇકલના માઉથ-ઑર્ગન સાથે ટકરાઈ!

મૌનના પરિવેશને છંછેડ્યા વિના હું પાછો વળી ગયો. મારું મૌન ખૂબ ભારે હતું.

– રસિક ઝવેરી

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં તેમણે ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું, ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન કરતાં અને ‘અખંડ આનંદ’ તથા ‘સમર્પણ’ જેવા સામયિકોના તંત્રી. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ વિશેષ પાત્રાલેખન – નિબંધ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ એક મોહક ત્રિપુટી સાથે તેમની મુલાકાત થઈ જાય છે, ટૉમ, મેરિયાના અને નાનકડો માઇકલ. નાનકડા માઇકલનું હ્રદયસ્પર્શી પાત્રાલેખન પ્રસ્તુત નિબંધની આગવી વિશેષતા છે. અજાણ્યે બંધાઈ જતા અને અવિસ્મરણીય એવા માઇકલ સાથેના ઋણાનુબંધની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે. જેટલી ચોટદાર નિબંધની પ્રસ્તુતિ છે એથીય વધુ કરુણ અંત ભાવકોની આંખને ભીની કરી દે છે.

બિલિપત્ર

એક મૃગ જેમ ત્રાડની વચ્ચે,
રક્ત દોડે છે નાડની વચ્ચે.
– લલિત ત્રિવેદી


આપનો પ્રતિભાવ આપો....

26 thoughts on “માઇકલ – રસિક ઝવેરી