એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર 3


સામયિકો વાચકોની રુચિનું ઘડતર કરે છે.

કિશોરવયથી હું સાહિત્યના સામયિકોનો એક રસિક વાચક અને ઉત્સુક અભ્યાસી રહ્યો છું. મારી યુવાનીના કાળનાં પ્રસ્થાન’, ‘કૌમુદી’, ‘ગુજરાત’ વગેરે ઉત્તમ સામયિકોનાં વાચન અને અભ્યાસથી મારી એ દિશાની રસવૃત્તિ તૃપ્ત પણ થતી હતી અને ઘડાતી પણ જતી હતી.

પણ સ્વતંત્ર સામયિકના તંત્રી થવાની ઉત્કંઠા જાગતી નહોતી. છતાં લેખક તરીકે અને સાહિત્યના અભ્યાસી તરીકે હું જાણીતો થતો ગયો હતો અને નાટકો પણ લખતો હતો. એટલે ઈન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈના આગ્રહથી ૧૯૫૧ થી ૧૯૫૩ સુધી, સુવિખ્યાત નાટ્યકાર જયંતિ દલાલની સાથે ‘એકાંકી’ ત્રૈમાસિકનું તંત્રીપદ મેં સંભાળ્યું હતું.

એ વર્ષોમાં એ સામયિકની ઘણી પ્રતિષ્ઠા હતી કેમ કે નાટક અને રંગભૂમિ વિશે તેમાં સરસ લખાણો આવતા હતાં. અમે બંને મિત્રો સામગ્રી પસંદગીની બાબતોમાં ચીકાશવાળા હતાં, એટલે એ સામયિક એ જમાનામાં સરસ ગણાતું. પછી એ સંપાદન કેમ બંધ થયું કે એ સામયિક જ બંધ થયું એ યાદ રહ્યું નથી.

૧૯૫૫-૫૬માં ‘અખંડ-આનંદ’ માસિકના સલાહકાર મંડળમાં જોડાયો. તેના વાર્તા વિભાગનું સંપાદન મને સોંપવામાં આવ્યું હતું. પછી ૧૯૬૪માં ગુજરાતી સાહિત્ય પરિષદના તે સમયના અનિયતકાલિક સામયિક ‘પરબ’ ના તંત્રી તરીકે મનસુખલાલ ઝવેરી તથા જયંત કોઠારી સાથે કામ કર્યું અને ૧૯૬૬થી ૧૯૭૪ સુધી પરબનો હું એકમાત્ર તંત્રી રહ્યો. એ પત્રમાં સામગ્રી બહુ સારી કક્ષાની મળતી હતી એટલે એના તંત્રીપણામાં ઘણો આનંદ આવતો હતો.

એ પહેલા ૧૯૬૦માં શ્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ તથા હું ગુજરાતી નાટ્યમંડળ તરફથી પ્રસિદ્ધ થતા સામયિક ‘ગુજરાતીનાટ્ય’ ના સંયુક્તપણે તંત્રી બન્યા હતાં. કેટલો સમય એ પદ અમે સંભાળ્યું હતું એ હવે મને બરાબર યાદ નથી.

આ બધાં સામયિકો કે એના વિશેની માહિતિ સંઘરી ન રાખવાની ટેવને લીધે આ વિશે ઘણું બધું ભૂલાઈ ગયું છે પરંતુ એટલું હું કહી શકું છું કે જે જે સામયિકોનું તંત્રી પદ મેં સંભાળ્યું તેમાં સામગ્રી પરત્વે જરીક પણ બાંધછોડ હું કરતો નહોતો. અને સામયિકમાં જે કંઈ આવે તે ઉત્તમ પ્રકારનું જ આવે એવો મારો આગ્રહ રહેતો. સદભાગ્યે જયંતિ દલાલ ને મોહનલાલ મહેતા જેવા મિત્રો સાથે કામ કરવાનું મળ્યું હતું એટલે એ બાબતમાં કશી મુશ્કેલી અનુભવાઈ નહોતી.

હું માનું છું કે ઉત્તમ પ્રકારના સામયિકો વાચકોની રુચિ ઘડવામાં ઘણો મોટો ફાળો આપી શકે છે. આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી, રા. વિ. પાઠક, વિજયરાય વૈદ્ય અને આજના કેટલાક સામયિકોના તંત્રીઓએ તથા ‘સંસ્કૃતિ’ જેવા ઉત્તમ કક્ષાના માસિકના તંત્રી ઉમાશંકર જોશીએ એ સિદ્ધ કરી આપ્યું છે.

અને એટલે જ ઉત્તમ સામયિકોને દુનિયાભરમાં ઉત્તમ સાહિત્યકારો તંત્રીઓ તરીકે સાંપડ્યા છે. એ તંત્રીઓ ટી. એસ. ઈલિયટ કે સ્ટીફન સ્પેન્ડર પણ હોય અને પ્રેમચંદ કે રવીન્દ્રનાથ પણ હોય, પણ લોકોને ઉત્તમ સાહિત્યકારો પૂરા પાડવામાં આ બધાં સામયિકોનો ફાળો ઓછો નથી. આજે પણ કેટલાક ઉત્તમ સામયિકો પ્રસિદ્ધ થતાં રહે છે એ આપણું સદભાગ્ય છે.

એ સદભાગ્ય દીર્ધકાળ સુધી ટકી રહો.

– ગુલાબદાસ બ્રોકર

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, અનુવાદક અને વિવેચક એવા શ્રી ગુલાબદાસ બ્રોકર (૧૯૦૯) ઘણાં અગ્રણી સામયિકોમાં તંત્રી તરીકે કાર્યરત રહેલાં, જેમ કે એકાંકી (૧૯૫૧-૫૩), ગુજરાતી નાટ્ય (૧૯૬૦) અને પરબ (૧૯૬૪-૭૪). સાહિત્ય સામયિકોના સંપાદકો – તંત્રીઓની અનુભવકથા વિગતે વર્ણવતા પ્રત્યક્ષ સામયિકના વિશેષાંક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૯૬) માંથી પ્રસ્તુત અનુભવગાથા લેવામાં આવી છે.

બિલિપત્ર

એક સારું માસિક ફત્તેહમંદીથી ચલાવવામાં આ રસસૂના પ્રાંતમાં કેટલી જહેમત ઊઠાવવી પડે છે તેનો ખરો ખ્યાલ હાજીમહમ્મદનું જીવન જાણ્યા વિના કદી આવવાનો નથી. એ રસભીનો મજૂર વીસમી સદી’ પાછળ કેટલી તનતોડ મહેનત કરી રહ્યો હતો તે તેના નિકટના સ્નેહીઓ જ જાણે છે. યુરોપ – અમેરિકાના સારામાં સારા ચિત્ર માસિકોની બરોબરીમાં મૂકી શકાય તેવું વીસમી સદી’ ને બનાવવાનું તેનું વ્રત અજબ હતું. ગુજરાતના સારામાં સારા લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હ્રદયહારક મીઠાશ અને સમજાવટ ઓર હતાં. એક વાર તમારા ઉપર હાજીએ નિશાન તાક્યું પછી તમારી મગદૂર નહીં કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે; વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કાઢશો તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય તમારા હાથમાં આવીને પડે એવી એ તજવી જ કરશે.

– નૃસિંહ વિભાકર (‘હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ’ મે ૧૯૨૨માંથી સાભાર.)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર

 • ramesh bapalal shah

  નવાઈ કહેવાય કે અતિસમૃદ્ધ સંપાદન જેમણે કર્યું તે શ્રી બચુભાઈ રાવત આ લેખ લખનાર કેમ વિસરી શક્યા હશે ? કુમાર માસિકનું સંપાદન ગુજરાતી સામયિકોમાં શિરમોર ગણાયું છે.

 • રૂપેન પટેલ

  ગુલાબદા બ્રોકર એક સારા વાર્તાકાર અને અનુવાદક અને વિવેચક હતા . ગુલાબદાસ સૌથી વધુ પ્રસ્તાવના લખનાર પણ હશે , તેમના ત્યાં ઘણા બધા પ્રસ્તાવના લખાવવા આવતા અને તેમને તેઓ ઉત્સાહભેર લખી પણ આપતા . ગુલાબદાસ બ્રોકરને વધુ જાણવા અને માનવા માટે ક્લિક કરો http://rupen007.wordpress.com/2011/06/10/gulabdas-brokar/

 • PRAFUL SHAH

  you can visit VISMI SADI on line, SHRI RAJNIKUMAR PANDYAJI has tried his best,

  ALSO MEGDOOT IN GUJARATI AND KAVI KALAPI BOTH IN C.D S AND BOOK.. NICE ENJOY