ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૨ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો)


(ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ. આવતા અંકોમાં શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.)

* * *

૭. ગઝલનું છંદોવિધાન

ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’ ગઝલના છંદોની સમજ આપતા પુસ્તકોની શ્રેણીમાં એક આવકારદાયક પ્રયાસ છે. ડૉ. રઈશ મનીઆર એક સારા ગઝલકાર છે અને શયદા એવોર્ડ પ્રાપ્ત કરવામાં તેઓ ભાગ્યશાળી રહ્યાં છે. આ પુસ્તકમાં એમની ગઝલની સમજ, અભ્યાસ અને રિયાઝ ઉજાગર થાય છે. ‘કાફિયા નગર’, ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ જેવા ગઝલસંગ્રહો ઉપરાંત ‘માહોલ મુશાયરાનો’, ‘મરીઝ – અસ્તિત્વ અને વ્યક્તિત્વ’, ‘ગઝલ – રૂપ અને રંગ’ જેવા પુસ્તકોથી પોતાની ઓળખ ઉભી કરી છે તેમજ જાવેદ અખ્તર, સાહીર લુધિયાનવી અને કૈફી આઝમી જેવા ઉર્દૂ સર્જકોની કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ પણ એમણે કર્યો છે.

ગઝલના છંદો વિશે રચાયેલ આ પુસ્તકમાં લેખકે પોતાની છંદોની સમજ સાથે ગઝલના છંદોના ગુજરાતીકરણપર ભાર મૂક્યો છે. અને એ સાથે કેટલાક વિવાદ સર્જે એવા બિનજરૂરી વિધાનો પણ કર્યા છે. એ ટાળી શકાયા હોત તો પુસ્તકની ગરિમા વધુ નિખાર પામી હોત.

આ પુસ્તક એના બીજા પ્રકરણ ‘લઘુ-ગુરૂ ચર્ચા’ થી મૂળ પ્રવાહમાં વહેવાનું શરૂ કરે છે અને એ પછી સામાન્યથી લઈ મહત્વના મુદ્દાઓને સ્પર્શતા અલ્પ અનુભવી સર્જકોની મૂંઝવણ દૂર કરી સરળતાથી છંદોની સમજ તેમજ ગઝલની પરંપરિત અને અનિવાર્ય સમજ પણ વિગતથી આપે છે. ઉદાહરણ રૂપે ‘જ’ વિશે અને ‘કોઈ’ વિશેના વિવરણનો ઉલ્લેખ કરી શકાય. સર્જકે ભારતીય પીંગળ પ્રમાણે પદ્યના પ્રકારો અને ગઝલનું સ્થાન પ્રકરણમાં માહિતિ આપવાનો પ્રયાસ છે તથા છંદ અને તાલનો સંબંધ પણ માહિતિ પૂરું પાડતું પ્રકરણ છે. સર્જકે પોતાના મત પ્રમાણે પ્રચલિત છંદોની ૩૧ સંખ્યા ગણાવી છે અને એમના જ ગણ વિભાજન વગેરેની માહિતિ આપી છે અને શેરોના ઉદાહરણો ટાંક્યા છે. પ્રશ્નોત્તરી જેવું પ્રકરણ પણ વાંચકોને માહિતી સાથે રોમાંચ પ્રદાન કરે છે. સાથે સાથે સુંદર અને ચિરસ્મરણીય શે’રોથી પરિચય કરાવે છે.ગઝલના છંદો પર આધારિત ફિલ્મી ગીતોથી પરિચિત કરાવી આ પ્રકારના નિરસ વિષયના અભ્યાસને હળવો બનાવવાનો પ્રયત્ન પણ સફળ થતો જણાય છે. આમ આ પુસ્તક માહિતી સભર પણ છે અને ગઝલસર્જકોને ઉપયોગી થાય તેમ પણ છે. છતાં ‘સર્જકની માન્યતા પ્રમાણે પ્રચલિત છંદોનો અભ્યાસ જ જરૂરી છે’ નો આગ્રહ આ પુસ્તક છંદની માહિતી આપતું સંપૂર્ણ પુસ્તક બનતાં રહી ગયું છે. અર્થાત આ પુસ્તક વાંચ્યા પછી પૂર્ણ માહિતી માટે બીજા પુસ્તકોનો પરિચય અનિવાર્ય બની રહે છે.

ગઝલના છંદોની માહિતી અને સમજ આપતા પુસ્તકો હવે ઉપલબ્ધ છે પરંતુ સર્જકોની ધગશ અને મહેનતનો પ્રતાપ છે કે હાલ આ શક્ય બન્યું છે. ડૉ. રઈશ મનીઆરની નિષ્ઠા અહીં ઉજાગર થાય છે અને આ પુસ્તક પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યું છે. ગઝલના છંદો વિશે સંશોધન કરવા ઈચ્છનારે અગાઊના પુસ્તકો સાથે આ પુસ્તકનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ.

૮. ગઝલ શીખીએ

ગઝલના સ્વરૂપની સાચી સમજ સર્જકો અને ભાવકોને મળી રહે એ માટે ગઝલના છંદશાસ્ત્રીઓ અથાક પ્રયત્ન કરી રહ્યાં છે જેના ફળ સ્વરૂપે ગઝલના રચનાતંત્રની માહિતી ગઝલવિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે છે. ડૉ. પ્રફુલ્લ દેસાઈનું પુસ્તક ‘ગઝલ શીખીએ’ પણ આ જ દિશામાં એક પ્રયાસ છે.
‘ગઝલ શીખીએ’ પુસ્તક બાર પ્રકરણમાં વહેંચાયેલુ છે ને એ યથાયોગ્ય વિષયને આવરી લેવાનો સફળ પ્રયત્ન જણાય છે. ગઝલના મુખ્ય અંગોની માહિતી આપતાં પ્રથમ પ્રકરણમાં કોઈ પાંડિતાઈભરી ચર્ચા ન કરતાં પ્રાથમિક અને અનિવાર્ય ઓળખ ટૂંકમાં આપી છે અને એ પણ એવી સરળ ભાષામાં કે વાચક બીજા પ્રકરણોમાં પ્રફુલ્લિત મનથી પ્રવેશે છે. છંદ કે બહરની ચર્ચા માત્ર પુસ્તકના ચોથા ભાગના પૃષ્ઠો રોકે છે અને ઉદાહરણના શે’રો ટાંકવામાં પણ સર્જકે મહેનત કરી છે એ જોઈ શકાય છે. છંદોની સમજ આપવામાં, ડૉ. પ્રફુલ્લ દેસાઈએ છંદોની દુનિયામાં ડોકિયું કરી ઉંડે ઉતરવાનું ટાળ્યું છે. છંદોની સંખ્યા અને લાંબા ઉર્દૂ પ્રભાવિત નામો જે આજકાલ વિવાદોનો વિષય છે એ દ્રષ્ટિસમક્ષ રાખી પ્રાથમિક સમજ આપવાનો સર્જકનો પ્રયાસ છે. પુસ્તકના પાંચથી આઠ પ્રકરણો રદીફ, કાફિયા, મત્લા અને મક્તાની પરંપરાગત ચર્ચાને સમર્પિત છે અને આ પ્રકરણોજ આ પુસ્તકને બીજા પુસ્તકોથી નોખુ તારવે છે. એ જ પ્રમાણે શેર અને શેરીયતને ફાળવેલા બે પ્રકરણો પણ રસપ્રદ માહિતી પૂરી પાડે છે.

આ પુસ્તકમાં દિશાસૂચનની સાથે સાથે ગઝલની લપસણી ભૂમિ પર ચેતવણી આપવાનો ધર્મ બજાવાતો અનુભવાય છે. ગઝલમાં આવતા દોષોની સમજ માટેના પ્રકરણમાં ક્યારેક એમ પણ લાગે કે વધુ વિગતને અહીં અવકાશ હતો. જે અધુરપ પણ અહીં જોઈ શકાય છે. અંતિમ પ્રકરણ ફિલ્મી ગઝલ માટે ફાળવવામાં આવ્યું છે. આ હમણાં હમણાં એક રીત બની રહી છે જે હંમેશા અનિવાર્ય જણાતી નથી છતાં નવોદિતોને સરળતાથી સમજ મળી રહે એ માટે આ પ્રણાલી બની રહી છે. એકંદરે ડૉ. પ્રફુલ્લ દેસાઈનો આ પ્રયાસ આવકારવા યોગ્ય છે અને આ પુસ્તક નવોદિતોને દિશાસૂચન માટે ઉપયોગી બની રહે એમ છે.

૯. ગઝલ વિમર્શ

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગુજરાતી ગઝલનું પ્રચલિત અને લોકપ્રિય નામ છે. ૨૦૦૯ના વર્ષમાં કલાપી એવોર્ડ અને શૂન્ય પાલનપુરી એવોર્ડ મેળવનાર આ ગઝલસર્જક ‘ગઝલ વિશ્વ’ નું સંપાદન કરી રહ્યાં છે. ‘મરીઝ’ થી ‘મિસ્કીન’ નો કાર્યક્રમ એમને ખૂબ ખ્યાતિ અપાવી ગયો છે. તાજેતરમાં જ સમગ્ર ‘મરીઝ’ પુસ્તકનું સંપાદન કરનાર રાજેશ વ્યાસ થી એમના ગઝલ-જ્ઞાનના વિતરણની જે અપેક્ષા હતી એ ‘ગઝલ વિમર્શ’ દ્વારા સંતોષાઈ છે એમ કહી શકાય.

‘ગઝલ વિશ્વ’ પાંચ પ્રકરણમાં વહેંચાયેલુ ૨૭૨ પૃષ્ઠોનું દળદાર પુસ્તક છે. ગઝલનો ઈતિહાસ હવે સર્જકો અને ભાવકોથી પરિચિત હોઈ રાજેશ વ્યાસ એનું પુનરાવર્તન ટાળે છે અને ગુજરાતી ગઝલના સંદર્ભમાં માત્ર ૨૧ પૃષ્ઠો પર પ્રથમ પ્રકરણ આટોપી લે છે. તો બીજા પાંત્રીસ પૃષ્ઠોમાં ગઝલના વિવિધ અંગોની ચર્ચા કરે છે. અહીં પણ સર્જકે મુદ્દાસર વાત કરીને ગઝલની સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે.

આ પુસ્તકના ત્રીજા અને ચોથા પ્રકરણોમાં ગઝલ, ગઝલોના છંદ, ગઝલના થતા ઉપયોગો અને ઈતર ચર્ચા જોવા મળે છે. આ પ્રકરણ મહત્વના છે અને પુસ્તકનો પ્રાણ પણ છે. આ પ્રકરણોને સર્જક સારા અને સફળ ગઝલકાર હોવાનો લાભ પણ મળ્યો છે અને અહીં ચર્ચા રસપ્રદ તથા માહિતિસભર બની છે. વાચકોને જોઈતી અનિવાર્ય માહિતી આ પ્રકરણોમાંથી મળી રહે છે. જો કે ઉદાહરણ રૂપે ટાંકવામાં આવેલા શે’રો સર્જકની અંગત પસંદગીના છે, અહીં સર્જક થોડો અવકાશ જન્માવી શક્યા હોત એમ લાગે છે. એ જ રીતે પહેલાં છંદશાસ્ત્રને લગતા પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની માહિતી આપી હોત તો પુસ્તક ઓર સમૃદ્ધ બન્યું હોત. ‘ઉપસંહાર’ – કેટલાંક વિશિષ્ટ નિરીક્ષણો સાથે’ પ્રકરણ પણ ગઝલ અભ્યાસુઓને ઉપયોગી નીવડે એવું બન્યું છે. સમગ્ર પુસ્તક પ્રવેશકો અને ગઝલમાં પ્રવેશ પામી ચૂકેલા સર્જકો માટે સરળ માર્ગદર્શનનું કાર્ય કરે છે. અને એમ સર્જક પોતાનું લક્ષ્ય પામવામાં સફળ થતા જણાય છે. ૩૫૩ છંદોના ઉદાહરણ મેળવવા અશક્ય હોવાથી એની માહિતી રણછોડભાઈ દવેના પુસ્તકના હવાલાથી આપી સર્જકે એક પ્રશંસનીય કાર્ય કર્યું છે. પુસ્તકના અંતિમ મુખપૃષ્ઠ ઉપર એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘ઝાર રાંદેરી કૃત શાઈરી – ભાગ ૧ અને ૨’ ને આધારે થયેલી ગઝલના કાફિયા વિશેની ચર્ચા ગુજરાતી ભાષામાં પ્રથમવાર અહીં મળે છે.’ આ દાવો એટલા માટે અતિશયોક્તિપૂર્ણ અને ખોટો છે કે છેક ૧૯૯૪માં શકીલ કાદરીનું ‘ગઝલનું કાફિયાશાસ્ત્ર’ નામનું પુસ્તક પ્રગટ થયું હતું જે ઝાર રાંદેરીના પુસ્તક ઉપરાંત બીજા ઉર્દુ પુસ્તકોના સંદર્ભ સાથે લખાયેલ છે. સંપૂર્ણ ભલે ન કહી શકાય પરંતુ સક્ષમ કહી શકાય એવું પુસ્તક આપવા બદલ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ બિરદાવવાને લાયક ઠરે છે.

ચાલો ગઝલ શીખીએ… શ્રેણીના બધાં લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....