ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો)


( ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ આજથી શરૂ થઈ રહેલી આ શૃંખલા અંતર્ગત ત્રણથી ચાર ભાગમાં વિભાજિત થશે. આજે આ અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જાણીશું. આવતા અંકોમાં શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. )

* * *

ગુજરાતી ગઝલના મંડાણ થયા ત્યારથી આજ સુધી ગઝલના છંદો વિશે વિપુલ ચર્ચાઓ થઈ છે. ગઝલના છંદો સંદર્ભે ઉંડુ સંશોધન કરવા ઈચ્છતા સંશોધકે પુસ્તક પ્રકાશિત થયાના ક્રમમાં આગળ વધતાં વધતાં આજની પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ. જો સંશોધનની આ પદ્ધતિને અનુસરવામાં આવે તો ગઝલના છંદોની બાબતમાં કેવા ગરબડગોટાળા થયાં અને કઈ રીતે ગેરસમજનો જન્મ થયો તેનોય તાગ મેળવી શકાય. આ પુસ્તકો ઉપરાંત કાંતિલાલ કાલાણી, કે. કા. શાસ્ત્રી, નસીમ, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, શવકીન જેતપુરી, હેમંત ઘોરડા, નઝર ગફૂરી તેમજ ગુણવંત ઉપાધ્યાયના લેખો પણ મળી આવે છે. હિન્દીમાં આચાર્ય ભાનુ અને પુત્તુલાલ શુક્લે પણ ગઝલના છંદોની રસપ્રદ ચર્ચા કરી છે. ગુજરાતીમાં ગઝલના છંદોની ચર્ચા કરનારાઓમાં ૧૯૦૭માં ‘ફારસી કવિતા રચના’ ગ્રંથ પ્રકટ કરનાર રણછોડભાઈ ઉદયરામનું નામ મોખરે છે. ૩૪૭ પાનાના એ ગ્રંથને ૨૦૦૭ ના વર્ષમાં રાજેશ વ્યાસ મિસ્કીને પોતાના ગ્રંથ ‘ગઝલવિમર્શ’ માં કાપકૂપ સાથે પ્રકટ કર્યો છે. જ્યારે ૧૯૩૬માં પ્રકટ થયેલા બીજા ક્રમમાં આવતા ‘શાઈરી ભાગ ૧-૨’ નો આધાર રા. વિ. પાઠકે ‘બ્રૃહતપિંગળ’માં લીધો છે. આવો ત્રીજો પ્રયાસ લગભગ ૧૯૬૨માં ‘ગઝલનું છંદશાસ્ત્ર’ રૂપે જમિયત પંડ્યા, જિગરે કર્યો છે. જેમાં સંદર્ભગ્રંથ રૂપે રણ-પિંગળનો ભરપૂર ઉપયોગ કરાયો છે. એટલું જ નહીં વિકૃતગણ બિમ્બનું કોષ્ટક રણપિંગળમાંથી લેવામાં આવ્યું છે. જો કે, શૂન્ય પાલનપુરીના મંતવ્ય અનુસાર ‘ગઝલનું છંદશાસ્ત્ર’ અનેક ક્ષતિઓથી ગ્રસ્ત હતું. આ ત્રણે પુસ્તકો પછી દાયકાઓ સુધી ગઝલના છંદોની ચર્ચાઓ સંદર્ભે શૂન્યાવકાશ છવાયેલો રહ્યો, પરંતુ ૧૯૯૪માં પ્રકાશિત થયેલા શકીલ કાદરીના પુસ્તક ‘ગઝલનું પિંગળશાસ્ત્રે’ ઠીકઠીક ચર્ચાઓ જગાવી. જિતુ ત્રિવેદીનું પુસ્તક ‘સમજીએ ગઝલનો લય’ ૨૦૦૨માં પ્રગટ થયું, જેમાં પૂર્વે કરાયેલી ચર્ચાઓને રસપ્રદ બને એ રીતે મૂકવામાં આવી. ૨૦૦૪ માં આવાઝ પ્રકાશને ‘ગઝલ શીખવી છે?’ એ નામે આશિત હૈદરાબાદીની પુસ્તિકા પ્રકાશિત કરી. ‘રણપિંગળ’નાં પ્રકાશનના બરોબર ૧૦૨ વર્ષ પછી ૨૦૦૭ માં ગઝલના છંદો વિશેના પુસ્તકોનો જાણે ધોધ વછૂટ્યો. રઈશ મનિયારનું ‘ગઝલનું છંદોવિધાન’, ડો. પ્રફુલ્લ દેસાઈનું ‘ગઝલ શીખીએ’, રાજેશ વ્યાસ મિસ્કીનનું ‘ગઝલ વિમર્શ’ અને ડો. સુમન અજમેરીનું ‘ગઝલ સંરચના અને છંદવિધાન’ પ્રકાશિત થયું. આમાંથી કેટલાક પુસ્તકો વિશે ત્રૈમાસિક શહીદે ગઝલના સંપાદક – સહસંપાદકોએ કરેલા અવલોકનો ક્રમશઃ અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદને ‘ચાલો ગઝલ શીખીએ…’ અંતર્ગત આ અવલોકનો પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શહીદે ગઝલ ત્રૈમાસિકના તંત્રી શ્રી શકીલ કાદરીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.

૧. ફારસી કવિતા રચના – રણછોડભાઈ ઉદયરામ

લગભગ દોઢસો વર્ષથી ખેડાતી ગુજરાતી ગઝલના છંદો વિશે ચર્ચા કરતો સૌપ્રથમ જો કોઈ ગ્રંથ હોય તો તે છે, રણછોડભાઈ ઉદયરામનું ‘ફારસી કવિતા રચના’. આ ગ્રંથ રણપિંગળ ના ત્રીજા ભાગ રૂપે લખાયેલો છે. મુંબઈની એજ્યુકેશન સોસાયટીના પ્રેસમાં તે સંવત ૧૯૬૩ એટલે કે ઇ.સ. ૧૯૦૭માં છપાયો હતો જેનું મૂલ્ય એ સમયે એક રૂપિયો હતું. પુસ્તકના આરંભે અરબીના મૂળ ૧૯ છંદો અને નવા ૧૭ છંદોની યાદી ઉપરાંત અંતે પાશ્ચાતસૂચન અને શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. કુલ ૩૪૪ પૃષ્ઠમાં પથરાયેલા આ દરિયા જેવા ગ્રંથમાં કુલ ૩૫૫ અંદો અરબી, ફારસી, ઉર્દુ અને ગુજરાતી ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા છે.

આજથી લગભગ ૧૦૨ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલો આ ગ્રંથ આજે તો અપ્રાપ્ય છે. જેમાં પ્રવેશકમાં લેખકે શે’રનો અર્થ, મિસરા, રૂકન, અફાઈલ, તફાઈલની સમજૂતી આપી છે. મૂળ ગણોની પણ સમજૂતી અપાઈ છે. અરબીના શુદ્ધ ગણબિમ્બ અને વિકૃત ગણોનો કોઠો દસ પૃષ્ઠમાં છે. જે કોઠો જમિયત પંડ્યાના પુસ્તક ‘ગઝલનું છંદશાસ્ત્ર’ માં પાછળથી સમાવાયો હતો. પુસ્તકમાં તવીલના ૧૦, બસીલના ૧૬, મદીદના ૧૧, કામિલના ૧૬, વાફિરના ૧૦, હજઝના ૪૨, રમલના ૫૦, રજઝના ૨૭, મુનસરહના ૨૫, મુઝારિઅના ૨૮, સરીઅના ૨૨, ખફીફના ૨૦, મુજતસના ૧૬, મુક્તઝબના ૬, મુતકારિબના ૨૨, મુતદારિકના , જદીદના ૨, કરીબના ૬, મશાકિલના ૪ ઉપરાંત ત્યાર પછી શોધાયેલી નવી ૧૭ બહેરોના મળી કુલ ૩૫૫ છંદ (મૂળ અને પેટા છંદ) નોંધવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે દરેક છંદના ગુજરાતીને ફારસી શેઅર ટાંકવામાં આવ્યા છે, તે પણ તેના ભાવાર્થ સાથે. ક્યાંક ક્યાંક ઉર્દુ અને અરબી શે’ર પણ ટાંકવામાં આવ્યા છે. પુસ્તકના અંતે પાશ્ચાત સૂચન રૂપે લખાયેલા લેખમાં ફારસીના છંદના ગણ વર્ણમેળ છે કે માત્રામેળ એની મહત્વની ચર્ચા કરાઈ છે. રણછોડભાઈ અહીં એવું સૂચન કરે છે કે ‘પ્રથમ દ્રષ્ટિએ આ છંદોને વર્ણમેળ અને પછી માત્રામેળ ગણવા જોઈએ. લગભગ ૧૦ જેટલા ઉર્દુ ફારસી ને અંગ્રેજી ગ્રંથોને આધારે લખાયેલા આ ગ્રંથમાં રૂબાઈના છંદની ચર્ચા નથી. ઉલ્લેખનીય છે કે જમિયત પંડ્યા
એ ગઝલનું છંદશાસ્ત્ર પ્રકાશિત કર્યું તેમાં છંદોનું બંધારણ અને કેટલીક ચર્ચાઓ આ ગ્રંથમાંથી જ ખપમાં લીધી છે. ‘ગઝલ વિમર્શ’ ના લેખક રાજેશ વ્યાસ મિસ્કીને તેમના પુસ્તકમાં પરિશિષ્ટ રૂપે ‘રણપિંગળ’ ને પુનર્મુદ્રિત કર્યું છે. પરંતુ તેમાંથી ઉર્દુ ફારસી શેરો કાઢી નાંખ્યા છે. એટલું જ નહિં. ‘પાશ્ચાત સૂચન’ નામનો રણછોડભાઈનો ઉત્તમ લેખ પણ લેવાયો નથી. તે લેવાયો હોત તો ગુજરાતી સંશોધકો માટે તે ઉપયોગી સિદ્ધ થાત. અનેક વિશેષતાઓ સાથેના ‘રણપિંગળ’ માં કેટલાયે સ્થાને ત્રુટીઓ પણ જોવા મળે છે. ગુજરાતીના મોટા ભાગના ઉદાહરણો લેખકે જાતે બનાવ્યા હોવાથી નબળાં છે.

૨. શાઈરી ભાગ ૧-૨ – ઝાર રાંદેરી

સુરતના ગઝલકારોની સંસ્થા ‘વહશી સાહિત્ય કાર્યાલય – રાંદેર’ દ્વારા ૧૯૩૬માં પ્રકાશિત કરાયેલી પુસ્તિકા ‘શાઈરી ભાગ ૧-૨’ ગુજરાતી ગઝલ વિવેચન ક્ષેત્રે એ રીતે મહત્વની બને છે કે ગુજરાતી ભાષાના છંદોના વિદ્વાન રા. વિ. પાઠકે પોતાના પુસ્તક ‘બ્રૃહતપિંગળ’ ની રચના કરી ત્યારે ગઝલના છંદોની ચર્ચા કરવા માટે આ પુસ્તિકાને આધાર બનાવી હતી. રા. વિ. પાઠકે પોતાના પુસ્તકમાં જાતિછંદોના પરિશિષ્ટ રૂપે ગઝલના છંદોની ચર્ચા કરી છે. તેમાં લગભગ બધાં જ ઉદાહરણ આ પુસ્તિકામાંથી જ ગ્રહણ કર્યાં છે. ૧૯૩૬માં માત્ર આઠ આના મૂલ્ય ધરાવતી ૯૫ પૃષ્ઠોની આ પુસ્તિકાનો પ્રથમ ભાગ ૫૦ પાના રોકે છે, જેમાં માત્ર છંદોની જ ચર્ચા જોવા મળે છે, આરંભમાં હાશિમ બિન યુસુફ ભરૂચા ઉર્ફે ઝાર રાંદેરીએ અરુઝનું મહત્વ અને અરુઝ કોને કહેવાય તેની મહત્તા સમજાવી છે. અને ગણ પ્રમાણે છંદોના નામનું વર્ગીકરણ ટૂંકમાં સમજાવ્યું છે.

એક સરખા ગણોથી બનતા ૭ અને મિશ્ર ગણોથી બનતા ૧૨ એમ અરબી છંદોના ગણનો કોઠો આપવામાં આવ્યો છે. અહીં મ, ય, ર, સ, ત, જ, ભ, ન ગણો પ્રમાણે અરબીના ગણોની તુલના પણ કરાઈ છે. અને તેની ત્રેણેક પૃષ્ઠમાં ચર્ચા કરી લેખકે અહીં મુતકારિબના ૧૪, મુતદારિકના ૫, હજઝના ૬, રજઝના ૩, રમલના ૧૨, કામિલનો ૧, બસિતનો ૧, મુઝારિઅના ૩, મુજતસનો ૧, મુનસરહનો ૧, સરીઅના ૨ અને ખફીફના ૨ એમ ગુજરાતીમાં એ સમયે પ્રચલિત ૫૧ છંદો સમજાવ્યા છે. ઇ.સ. ૨૦૦૭ માં પ્રગટ થયેલા છંદોના પુસ્તકો જોતા કેટલાક વિવેચકોની એવી ફરિયાદ મળે છે કે ‘અરબી છંદોના નામો અટપટાં અને યાદ રાખવામાં મુશ્કેલ બને એવા છે.’ ત્યારે એ વિવેચકોએ ભૂતકાળમાં ડોકિયું કરી પાછા પગલાં માંડીને ઝાર રાંદેરીએ મુતકારિબ છંદને ભુજંગી અને સોમરાજી, શશિ જેવા હિન્દી છંદો સાથે સરખાવી આપેલા ઉદાહરણ જોવા જોઈએ. મુતકારીબના એક જ પેટા છંદને તે મદલેખા, બીજાને દોધક, ત્રીજાને હારી, ચોથાને કીર, પાંચમાને હંસા, સારંગી, મંજરી, ઉપચિત્રા, મદિરા, વિમોહા નામ આપી ગુજરાતી હિન્દી સાથે તુલના કરી છે, એ જોવી જોઈએ. અરબી છંદોને ગુજરાતીમાં સમજવા માટે તેમણે હ્રસ્વસ્વર, દીર્ઘસ્વર, સંધિસ્વર, પ્લુત, અનુસ્વાર, વિસર્ગની પણ ચર્ચા માંડી છે. એ દ્રષ્ટિએ જોતાં ગુજરાતી ગઝલોના છંદની ચર્ચાના ક્ષેત્રે અભ્યાસીઓએ આ પુસ્તિકા અવશ્ય જોવી જોઈએ. પુસ્તિકાના બીજા ભાગમાં કાફિયાશાસ્ત્રની ચર્ચા કરી છે જે લગભગ ૧૮ પૃષ્ઠોમાં છે. ત્યાર બાદ ગઝલની સમાંતરે ખેડાતા અન્ય સ્વરૂપોનો પરિચય આપવામાં આવ્યો છે. આમ, ગઝલ ક્ષેત્રે નાનકડી લાગતી આ પુસ્તિકા મહત્વની બની રહી છે.

૩. ગઝલનું છંદશાસ્ત્ર – જમિયત પંડ્યા, ‘જિગર’

ગુજરાતી ગઝલ ક્ષેત્રે જમિયત પંડ્યા ‘જિગર’ નું નામ આદરપૂર્વક લઈ શકાય એવું છે. ગઝલ સ્વરૂપ પ્રત્યેની તેમની નિષ્ઠા કાબિલેદાદ હતી. સૌપ્રથમ વખત તેમનું પુસ્તક ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પ્રકાશિત થયું ત્યારે ગુજરાતી ગઝલકારોને ‘રણપિંગળ’ અને ‘શાઈરી’ પુસ્તકો અપ્રાપ્ય હતાં. આવા સમયે ગઝલકારો માટે આ પુસ્તકે જ માર્ગદર્શકની ગરજ સારી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ એ પછી ૧૯૭૨માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે પેટાછંદોને પણ ઉમેરવામાં આવ્યા હતાં. રાજ્યના શિક્ષણ ખાતાએ આ પુસ્તક ગઝલના છંદોના અભ્યાસ માટે અભ્યાસક્રમમાં મૂક્યું હતું. આ પુસ્તકમાં છંદો મહદંશે રણપિંગળમાંથી જ લેવામાં આવ્યા છે. બીજી આવૃત્તિમાં પૃ. ૧૨૩ થી ૧૩૧ સુધી વિકૃતગણોનું જે કોષ્ટક મૂકવામાં આવ્યું છે તે મૂળમાં ‘રણપિંગળ’ માં પૃષ્ઠ ૧૩ થી ૨૨ માં જોવા મળે છે.

લેખકે દરેક છંદની સમજૂતી આપતાં પહેલા જે તે છંદ વિશે સ્પષ્ટતાઓ કરેલી છે. આ પુસ્તકમાં ‘ગઝલ અને ગુજરાતી ભાષા’, ‘ગઝલ, વર્તમાન પ્રવાહ અને પરંપરા’, ‘નવોદિત વર્ગ અને છંદશાસ્ત્રની ઉપયોગીતા’, ‘મુશાયરા પ્રવૃત્તિ’, ‘ગઝલનો નવોન્મેષ’, ‘ગઝલના છંદશાસ્ત્રની ઉત્પત્તિ’ જેવા પ્રકરણો પણ જોવા મળે છે. આ ઉપરાંત રુબાઈની ઉત્પત્તિ, તેના પ્રકારો, શે’ર, પ્રાસ, અનુપ્રાસ ઉપરાંત ગઝલ સાથે સંલગ્ન હોય તેવા સ્વરૂપોની ચર્ચા પણ કરવામાં આવી છે. આ દ્રષ્ટિએ આ પુસ્તક ‘રણપિંગળ’ થી જુદું તરી આવે છે. આ પુસ્તકમાં ગઝલના દરેક છંદનું લગાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ આ પુસ્તકની નબળી બાજુ એ કહી શકાય કે તેમાં જે તે છંદ માટે ઉદાહરણરૂપ કહી શકાય તેવા શે’ર મૂકવામાં આવ્યા નથી. શે’રોની અનુપસ્થિતિમાં માત્ર લગાત્મક સ્વરૂપને સામે રાખી બેસનાર શે’રના પ્રવાહથી વાકેફ ન થતો હોઈને શે’ર બનાવી શકે એવી શક્યતા ઘટી જાય છે. તેમ છતાં આ પુસ્તકને એ જમાનામાં ખાસ્સો એવો આવકાર પ્રાપ્ત થયો હતો અને નવોદિતો માટે તે આશિર્વાદરૂપ બન્યું હતું. આ પુસ્તક તેના પુરોગામી પુસ્તક કરતાં ક્યાં જુદું તરી આવે છે તેનો ક્યાસ કાઢવા ભાવકોએ ‘રણપિંગળ’ અને ‘શાઈરી’ એ બે પુસ્તકો ધ્યાનમાં રાખવા જોઈએ.

ચાલો ગઝલ શીખીએ… શ્રેણીના બધાં લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....