રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8


ઝવેરચંદ મેઘાણીને લોકગીતોની લગની લગાડી પોરબંદર બાજુના બગવદરગામનાં એક ઢેલીબહેને 1924માં. એમને ઘેર આવેલા મેઘાણીને લોકગીતો સંભળાવવા ઢેલીબહેને એક પછી એક ગીતો પોતાના ગળામાંથી ઠાલવ્યાં ને મેઘાણી ટપકાવતા ગયા. તે રાતે મેઘાણીનાં લોકગીતોના સંશોધનનું મંગલાચરણ થયું. પોતે ફરી કદી જેને દીઠાં નથી એવાં એ ઢેલીબહેનને મેઘાણીએ ‘મારા લોકગીતપ્રેમની પ્રાણની જનેતા’ ગણાવ્યાં છે. એ લોકગીતોનો પહેલો સંગ્રહ ‘રઢિયાળી રાત’ નામે 1926માં બહાર પડ્યો. 1942માં તેનો ચોથો ભાગ પ્રગટ થયો. લોકગીતોનો પરિચય આપવાની પ્રવૃત્તિનું નાનું બીજ ઊગીને મોટું વૃક્ષ બન્યું. પોતાના ગતયુગની આ કાલીઘેલી વાણીમાં ગુજરાતને રસ પડ્યો.

લોકગીતોનો જે વેળા લગભગ નાશ થઇ ચૂક્યો હતો તે વેળા એની શોધમાં નીકળેલા મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. કુટુંબોમાં પ્રવેશ મેળવ્યો. અહીં-તહીંથી છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ ચોક્કસપણે મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્ત્વ અસલ પદ્યું હોવું જોઇએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને છેલ્લે પોતાની ચાતુરી પણ વાપરી. એ બધું કરી લીધા પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાના સંગ્રહોમાં મૂક્યું.’રઢિયાળી રાત’ના ચાર ભાગને એક બૃહદ્ આવૃત્તિ 1997માં બહાર પડી તેમાં 602 લોકગીતો સંગ્રહિત થયાં છે.

દરમિયાન 75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે.

આજે નવરાત્રી અને ગરબાનો આખો અર્થ ધરમૂળથી બદલાઈ ગયો છે. જૂના પરંપરાગત ગરબાઓનું સ્થાન ફિલ્મી ગીતો અને સંકર શબ્દોએ લીધું છે ત્યારે આપણી માટીની સોડમ તેના જૂના અને પ્રતિભાવંત ગૌરવને જાળવી શકે એ જોવાની આપણા સૌની ફરજ છે. અને તેને માણવાની અને મહાલવાની આપણી ધરોહર છે. આજે જ્યારે નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે આ ઈ-પુસ્તક સમયસરની ભેટ બની રહેશે એવી આશા છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ ત્રણ ગરબા અહીં લીધાં છે.

– જીજ્ઞેશ અધ્યારૂ

૧. આજ રે સ્વપનામાં મેં તો….

આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો,
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.

૨. મેંદી તે વાવી માળવે….

મેંદી તે વાવી માળવે,
એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો રે.

નાનો દેરીડો લાડકો ને
કાંઇ લાવ્યો મેંદીના છોડ. – મેંદી રંગ લાગ્યો રે.

વાટી ઘૂંટીને ભર્યા વાટકા,
ભાભી ! રંગો તમારા હાથ. – મેંદી રંગ લાગ્યો રે.

હાથ રંગીને, દેરી ! શું રે કરું,
એનો જોનારો પરદેશ. – મેંદી રંગ લાગ્યો રે.

લાખ ટકા આલું રોકડા,
કોઇ જાવ જો દરિયાપાર. – મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઇ એટલું કે’જો,
તારી બેની પરણે, ઘરે આવ્ય. – મેંદી રંગ લાગ્યો રે.

બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી રોકજો જાન. – મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઇ એટલું કે’જો,
તારો વીરો પરણે ઘરે આવ્ય. – મેંદી રંગ લાગ્યો રે.

વીરો પરણે તો ભલે પરણે,
એની જાડેરી જોડજો જાન. – મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઇ એટલું કે’જો,
તારી માડી મરે, ઘરે આવ્ય. – મેંદી રંગ લાગ્યો રે.

માડી મરે તો ભલે મરે,
એને બાળજો બોરડી હેઠ. – મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઇ એટલું કે’જો,
તારી માનેતીની ઊઠી આંખ. – મેંદી રંગ લાગ્યો રે.

હાલો સિપાઇઓ, હાલો ભાઇબંધીઓ !
હવે હલકે બાંધો હથિયાર, – મેંદી રંગ લાગ્યો રે.

૩. સોનલા વાટકડી ….

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથપગ ચોળે એના ઘરની અસતરી,
વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર ચોળંતાં એનું હૈડું ભરાણું જો,
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી.
ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી કાયા રે તારા બાપની હતી જો,
એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી.

કો’તો, માતાજી! અમે દુવારકા જાયેં જો,
દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી! અમે હિંગળાજ જાયેં જો,
હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી

કો’તો, માતાજી! અમે કાશીએ જાયેં જો,
કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી! અમે જોગીડા થાયેં જો,
કો’તો લઇએ ભગવો ભેખરે ભરથરી.

બાર વરસ બેટા! રાજવટું કરો જો,
તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા! કેણીએ ન જોયાં જો,
આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

દેશ જાજેને , દીકરા! પરદેશ જાજે જો,
એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાની ડાળે ને સરોવરની પાળે જો,
ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.

નણંદની દીકરી ને સોનલબાઇ નામ જો,
સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો, મામી! તમારો વીરોજી દેખાડું જો,
કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.

સાચું બોલો તો, સોનલબાઇ! સોનલે મઢાવું જો,
જૂઠું બોલો તો, જીભડી વાઢુ રે ભરથરી.

કડે સાંકળિયે મેં એને દીઠો જો,
બાળુડો જોગી કેમ ઓળખાય રે ભરથરી

હાલો દેરાણી ને હાલો જેઠાણી જો,
જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી.

થાળ ભરીને શગ મોતીડે લીધો જો,
વીરને વધાવવાને જાય રે ભરથરી.

બેની જોવે ને બેની રસ રસ રોવે જો,
મારો વીરોજી જોગી હુવો રે ભરથરી.

કો’તો, વીરજી મારા! પાલખી મંગાવું જો,
કો’તો અલાવું પાછાં રાજ રે ભરથરી.

પાલખી ન જોયેં, બેનીબા! રાજ નવ જોયેં જો,
કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

આ ઈ-પુસ્તક ડાઊનલોડ કરવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ)

  • pankaj patel

    ગુજરાતી ભાષામા ગરબા લખી ને લોકો સુધી પહોચાડ્વાના કામ તો તમે જ કરી શકો.
    ખરેખર સુંદર કામ તમે કરો છો, મને તો ઘણો જ આનંદ થયો.

  • જયેન્દ્ર ઠાકર

    પ્રિય જિગ્નેશભાઇઃ
    ગુજરાતિ ભાષાનુ આયુષ્ય વધારવામા આપના પ્રયત્નો હમેશા સફળ રહે!
    રાસ-ગરબાનુ ઈ પુસ્તક ગમ્યુ. આ સાથે આપને તથા વાચકગણને એક વિન્નતિ છે. શ્રી અંબાજી માતાજીની આરતીમા ઘણા વક્યોના અર્થ પુરા સમજાયા નથી, તો તેનો અર્થ કરવામા મદદ કરશો. દા.ત.
    ત્રુતીયા ત્રણ સ્વરુપ…=?,
    ત્રયા થકી…=?,
    પ્રગટ્યા દશ્હિણમા…= where in south?,
    નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા…=?
    કાત્યાયની કા મા…=?,
    તેરસે તુળજા રુપ=?,
    પુનમે કુમ્ભ ભર્યો=?,
    સન્વત સોળ સતાવન સોળસે બાવીસ…reference to what?,
    સોળ સહસ્ત્ર ત્યા સોહિયે=?
    શિવાનન્દ સ્વામી કોણ હતા?
    ભટ્ટ વલ્લભ કોણ?
    માતાજીની આ આરતી આજ ૬૫+ વર્શોથી ગાઈઍ છીએ…. પરન્તુ આ સવાલો સમજાયા નથી.

  • YOGESH CHUDGAR

    આપે ગુજરાતિ ભાષાની ઘણી મોટી સેવા કરી છે. આવા ઈ-પુસ્તકો આપતા રહો તેવી અપેક્ષા.

  • Nilam Doshi

    ખૂબ ઉમદા કાર્ય..જિગ્નેશભાઇ….

    ડાઉનલોડ કર્યા સિવાય રહેવાય જ નહીં ને ? આભાર..વધુ ને વધુ પુસ્તકોની પ્રતીક્ષામાં…

  • ચાંદ સૂરજ.

    આપણા રાષ્ર્ટિય સાયર ઝવેરચંદ મેઘાણીની અથાગ મહેનત, પ્રતિભા અને બુદ્ધિમત્તાએ મા ગુર્જરીને કેવી મહાન સોગાત આપી છે ! એમનું બહુમાન કરતાં નોંધ લઈ એમની મહેનતને ઈ-બુક સ્વરૂપે પ્રસ્તુત કરવા બદલ બંધુશ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનો, આપનો તેમજ એની સફળતા અર્થે મહેનત કરનારા સર્વેનો આભાર !
    ૧૯૬૭ માં ૯૦ વર્ષની ઉંમરે, એ મેરાણી ઢેલીબહેને એક મુલાકાતમાં શ્રી મેઘાણીજીને યાદ કરતાં કહેલું,
    ” મને બધા ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ મારી પાસે આવ્યાં, ધોળાં ધોળાં લૂગડાંમાં; મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઈ ઊભા’તા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ ! મેં તો ઓસરીએ ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી’તી ત્યાં પગે પડીને ‘ હં…હં…હં… તમે અહીં ઉપર બેસો નહિતર હુંય નીચે બેસું છું ‘ એમ કહીને મનેય ઉપર બેસાડી. ઓહોહો ! આવો માણસ મેં કોઈ દી’ જોયો નથી ! એની હાજરીનો કોઈ કરતાં કોઈને ભાર જ નો લાગે ! “

    • Piyusha Gondaliya

      લોકગીતો વિશે કાઈ માહિતી હોય તો મને જણાવવા મહેરબાની. એક રેસેર્ચ માટે જોઈએ છે .