કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 5


જીવનમાં આવી, પોતાની આગવી અસર અને પ્રભાવ મૂકીને જતા રહેનારા, જીવનભર જુદાઈનો અભિશાપ આપી જનારા પ્રિયપાત્રને તેના પ્રિયતમનો સંદેશ કેવો હોઈ શકે? તે દ્રષ્ટિપટમાં નથી, તે સ્મરણોના રણમાં ઝાંઝવાસમ ભાસે છે, પણ છતાંય નિષ્ફળ પ્રેમની અભિલાષા તો જુઓ, એ હજુય એમ વિચારીને જીવે છે કે એમને પણ અમારી કસર ક્યાંક તો વર્તાતી જ હશે ને? તેમની નજરમાં પણ આપણા માટે થોડીક ફિકર ક્યારેક તો આવી હશે ને. મૃગજળોમાં જીવતા અભિપ્સાના હરણાંને તરફડતું મૃત્યુ જ મળે એમાં શી નવાઈ? એટલે અંત અવશ્યંભાવી હોવા છતાં વિચારોના મહેલોમાં વિહરનારાના મનોભાવોનું થોડુંક પ્રદર્શન પ્રસ્તુત ગઝલના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે.

લગા’ત્મક સ્વરૂપ – લગાગા લગાગા લગાગા લગાગા

ભલે હોય થોડી, અસર તો રહી છે,
અમારીય તમને કસર તો રહી છે.

કદી ચાહવામાં, કદી ભૂલવામાં,
તમારી નજરમાં ફિકર તો રહી છે.

નથી રાહ કોઈ, મુસાફર ચિરંતન
અવરના ચરણમાં સફર તો રહી છે!

નથી મસ્જિદોમાં અમારી જરૂરત,
સુરાલયમાં ચાલો કદર તો રહી છે.

શબદને ફરક શું તમે હો કે ઈશ્વર ?
સતત ખેંચતી કો’ નજર તો રહી છે !

– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

સંકટભરી આ જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે મને એવો કિનારો હું નથી,
મારે સદા અજવાળવા અંધારઘેરા પંથ સૌ,
ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી !
– શેખા’દમ આબુવાલા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ)