ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી) 2


(આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા તથા ગઝલરચના વિશેના ખ્યાતનામ પુસ્તકો વિશે ટૂંક પરિચય વગેરે વિશે જાણ્યું. આજે પ્રસ્તુત છે ‘ગઝલની લપસણી ભૂમી’ એ વિષય પર શ્રી અલ્પ ત્રિવેદી દ્વારા આ શૃંખલા માટે લખાયેલ વિશેષ લેખ. તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. થોડા જ સમય પહેલા તેમના ગઝલસંગ્રહ ‘પછી…’ નું વિમોચન થયું હતું. અક્ષરનાદ પર ચાલી રહેલી ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા માટે પ્રસ્તુત વિશેષ કૃતિ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.)

ગઝલ એ એક નાજુક પદાર્થ છે, ગઝલકારની સંવેદનાઓ ગઝલમાં ઝીલાય છે, પ્રતિબિંબાય છે. ગઝલ એ એક અનુભૂતીનો વિષય છે. ગઝલ લખવા બેસીએ અને ગઝલ લખાઈ જાય એવું નથી. ગઝલ લખાતી નથી પણ ગઝલકારના માનસ અને હ્રદયથી અવતરે છે, અને એથી જ સ્તો ગઝલને પોતીકી ગરિમા હોય છે.

‘અક્ષરનાદ.કોમ’ ઉપર આપણે ગઝલનું બંધારણ વ્યવસ્થિત રીતે જોયું. ગઝલ સહિતની કોઈપણ કાવ્યરચના અરૂઝમાં, બંધારણમાં (પિંગળમાં) લખાય એ જ ઉચિત છે. બંધારણ જાણ્યા પછી પણ સર્જક યાસે અનાયાસે ગઝલના ખેડાણમાં લપસી પડતો હોય છે અને ગઝલ નહીં પણ ગઝલને મળતી આવતી કૃતિનું સર્જન કરી બેસતો હોય છે. આથી સર્જકે ગઝલરચના માટે કેટલીક જાગરૂકતા કેળવવી પડે છે. આથી ગઝલરચના માટે નીચેની વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

૧. બંધારણમાં છૂટછાટ નહીં.
૨. પ્રયોગશીલતા અને નાવીન્યતાના સ્વીકાર સાથે ગઝલનું મૂળ હાર્દ જળવાવું જોઈએ.
૩. ગઝલનો પ્રત્યેક શે’ર વેધક હોવો જોઈએ.
૪. ગઝલમાં ભાવવિશ્વ જળવાવું જોઈએ. અને
૫. કૃતિમાં કલાની અનિવાર્યતા.

કસીદામાંથી જન્મેલી ગઝલે જે બ્રાહ્ય સ્વરૂપ અપનાવ્યું છે તે પણ કસીદાનું જ છે. કસીદામાં સૌપ્રથમ મત્લા આવે, મત્લામાં બે પંક્તિઓમાં કાફિયા – રદીફ પછી શે’ર આવે. શે’રમાં પ્રથમ પંક્તિ ખાલી અને બીજી પંક્તિમાં મત્લા જેવા જ કાફિયા રદીફ. છેલ્લે મક્તા આવે, જેમાં શાયરનું ઉપનામ આવવાથી વાંચનાર કે શ્રોતાને ખ્યાલ આવે કે હવે કૃતિ પૂરી થાય છે. આમ મત્લાથી મક્તા સુધી કાફિયા-રદીફના બંધનવાળું આ સ્વરૂપ ગઝલે અપનાવ્યું છે અને એટલું બધું ફાવી ગયું કે ૮૦૦ વરસથી કોઈ પણ ખાસ ફેરફાર વગર આજે પણ ગઝલ એ સ્વરૂપને વળગી રહી છે.

‘આજકાલ ઘણી આધુનિક કૃતિઓ આ બ્રાહ્ય સ્વરૂપમાં – બંધારણમાં રચાય છે, એમાંની મોટાભાગની કૃતિઓ ગઝલ હોતી નથી, કારણકે ગઝલ એક વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે, જે વિષયપસંદગી અને રચનાની વિશિષ્ટ લાક્ષણિકતાઓથીજ પોતાના નામને સાર્થક કરે છે.’ – (‘ગઝલ કયે રસ્તે?’ શૂન્ય પાલનપુરી) ગઝલ – સંપાદક મકરંદ દવે

૧. બંધારણમાં છૂટછાટ નહીં

જેમ એન્ટેના દ્વારા ચિત્ર ટીવીમાં ઝીલાય છે એવી જ રીતે ગઝલકારને ગઝલની પ્રેરણા સાંપડતી હોય છે. આથી ગઝલકારોએ સ્વીકારેલા બંધારણમાં છૂટછાટ લેવી જોઈએ નહીં. મારે છૂટછાટ લેવી છે માટે હું અન્ય ગઝલકારોએ લીધેલી છૂટ સામે અંગુલિનિર્દેશ કરું તે યોગ્ય નથી. જ્યાં આવી છૂટ લેવી ખરેખર અનિવાર્ય હોય ત્યાં જ ગઝલકાર છૂટ લે છે, અને એ પણ અનિવાર્ય અપવાદ ગણાવો જોઈએ.

આઠ ગુરૂના મીટરમાં સોળમાત્રાઓ ગોઠવી આપવાથી બંધારણ સચવાતું નથી, પાસપાસેના બે લઘુ બરાબર એક ગુરૂ બને છે, પણ પાસપાસે ન હોય એવા બે લઘુનો એક ગુરુ બનાવી શકાય નહીં. જેમ કે –

માણવા જળની ગતિસંપદા,
છેક સમંદર સુધીનું વહ્યા.

એમની રાહે ખોડાયો છું,
હમણાં આવું કહીને ગયાં.

પ્રથમ શે’રમાં માણવા નો ‘ણ’ અને ગતિસંપદા નો ‘પ’ આ બે લઘુનો એક ગુરુ ગણ્યો છે અને એ જ શે’રમાં વહ્યા માં ‘વ’ લઘુ બને છે. આમ આ શે’રમાં બીજી પંક્તિમાં આઠ ગુરૂ માટે એક લઘુ ખૂટે છે. જ્યારે બીજા શે’રમાં એમની માં ‘મ’ એક લઘુ વધારાનો છે અને બીજી પંક્તિમાં કહીને નો ‘ક’ અને ગયા નો ‘ગ’ આમ ‘ક’ અને ‘ગ’ બંને પાસપાસે નથી, એટલે આ બંને લઘુનો એક ગુરુ પણ ગણાય નહીં.

ગઝલકારે બંધારણને વ્યવસ્થિત રીતે સમજીને તેને સાચા અર્થમાં વફાદાર રહેવાનો પ્રયત્ન કરવાનો છે.

૨. પ્રયોગાત્મકતા અને નાવિન્યતાના સ્વીકાર સાથે ગઝલનું મૂળ હાર્દ જળવાવું જોઈએ.

પ્રયોગાત્મકતા અને નાવિન્યતામાં પણ ગઝલની બાની જાળવવા યત્નશીલ રહેવું જોઈએ. જુઓ –

સાચવવાની સમજણ સાથે,
સંબંધોને ફ્રીઝમાં રાખું.

અહીં ફ્રીઝ શબ્દ ગઝલની બાનીનો નથી. ફારસીમાંથી ઉર્દૂમાં થઈને ગઝલ ગુજરાતી ભાષામાં આવી છે, ગઝલનો ઈતિહાસ પુરાણો છે. ઈશ્વર સાથે સંવાદ, પ્રણયસંવાદ, વ્યક્તિ – સમષ્ટિ સાથે સંવાદ, ભાવ – પ્રેમ, લાગણી અને અનુભૂતિને અભિવ્યક્ત કરવા એ ગઝલનું હાર્દ છે.

આજની ગઝલે ખૂબ જ કાઠું કાઢ્યું છે. ગઝલમાં નવા નવા પ્રયોગો અને નાવીન્યતાઓ દેખાય છે. આ બંને વાતો ગઝલમાં આવશ્યક છે. પણ ગઝલનું ‘પ્રેમ’ અને ‘સૌંદર્ય’ નું લક્ષણ તેના અંતરાત્માથી સંબંધ ધરાવે છે. તે જળવાવું ખૂબ જ જરૂરી છે. એટલે જ શકીલ કાદરીએ તેમના પુસ્તક ‘ગઝલ – સ્વરૂપ વિચાર’ માં કહ્યું છે કે, ‘આપણે ગઝલને જીવાડવી હશે તો તેના સ્વરૂપથી પરિચિત થવું પડશે. તે સમજી લીધા બાદ હૈયાના હીરનું જતન કરી તેને શબ્દદેહ આપવો પડશે. તેમાંયે જ્યારે ગઝલના આંતરબ્રાહ્ય સ્વરૂપોમાં ધરખમ પ્રયોગો થઈ રહ્યાં હોય ત્યારે આવી સભાનતા વિશેષ કેળવવી જોઈએ.’ (પૃ.૮)

૩. ગઝલનો પ્રત્યેક શે’ર વેધક હોવો જોઇએ.

ગઝલમાં એક એક શે’ર સ્વયંસંપૂર્ણ હોય છે. એક શે’રને બીજા શે’ર વચ્ચે અનિવાર્ય સંબંધ હોતો નથી, એટલે પ્રાસના સૂત્રમાં પરોવાયેલા શે’ર રૂપ મૌક્તિકોની માળા જેવી ગઝલ બની રહે છે, આ એક અતિવિશિષ્ટ કાવ્યરચના છે. (ગઝલનો નવો ફાલ – ઉમાશંકર જોશી)

ગઝલકાર ગઝલના પ્રત્યેક શે’રમાં અલગ વાત લઈને આવે છે, આથી પ્રત્યેક વાત હ્રદયસ્પર્શી બને તે જરૂરી છે, સાથોસાથ માત્ર બે જ પંક્તિમાં વાત કરવાની હોવાથી ગઝલકારનું વાંચન સમૃદ્ધ હોવું જોઈએ, અને તો જ મુશાયરાઓમાં ગઝલકારને પ્રત્યેક શે’રમાં દાદ મળી શકે. ટૂંકમાં ગઝલનો પ્રત્યેક શે’ર હ્રદય અને મનને સ્પર્શવો જોઈએ. એક ગઝલ જોઈએ –

વારતાના અંતમાં

એક માણસ હારવાનો, વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં.

સોળ આના સાવ સાચ્ચી વાત લઈને આવજો;
હું પૂરાવો માંગવાનો, વારતાના અંતમાં.

પાનખર કેટલી થઈ છે, અસર એ શોધવા;
ડાળ લીલી કાપવાનો, વારતાના અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે –
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા,
રાત આખી જાગવાનો, વારતાના અંતમાં

જિંદગીભર આપતાં આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

– દિનેશ કાનાણી ‘પાગલ’

૪ અને ૫. ગઝલનું ભાવવિશ્વ અને કૃતિમાં કલાની અનિવાર્યતા

માનવીય જીવનમાં ભાવ અને ભોગ એમ બે મુખ્ય વાતો છે. પૃથ્વી પર જેમ એક ભાગમાં જમીન અને ત્રણ ભાગમાં પાણી છે તેમ માનવજીવનમાં કુદરતે ત્રણ ભાગનો ભાવ અને એક ભાગનો ભોગ આપ્યો છે. પણ આજે પરિસ્થિતિ જોઈએ તો ત્રણ ભાગનું પાણી હોવા છતાં પાણીની અછત છે, અને જીવનમાંય ભાવની અછત છે. સાચું માનવ્ય ખિલવવા માટે ભાવવૃદ્ધિ જરૂરી છે. ગઝલકારનું ભાવવિશ્વ ગઝલમાં ઝીલાવું જોઈએ. ભાવશૂન્યતાથી ગઝલમાં શુષ્કતા અનુભવાય છે.

પ્રતીકો – ભાવ વિગેરે સ્વયં કવિ પાસે આવે છે અને ત્યારે જ કાવ્યને સ્પર્શી શકાય છે, ત્યાં સુધી ભલે મૌન પળાય. (મહેશ ત્રિવેદી, ટેન્ટ્રમ, એપ્રિલ-મે ૧૯૭૧)

ગઝલસર્જનમાં પણ ત્રણ વર્ગો જોવા મળે છે

આ ગાળાના ગઝલકારોમાં ત્રણ વર્ગ જરૂર જણાઈ આવે, એક વર્ગમાં અમુક ગઝલકારો પરંપરાનું અનુસંધાન સાધી ગઝલનું પરીશીલન કરતા અનુભવાય છે. દ્વિતિય વર્ગમાં અમુક ગઝલકારો પરંપરાનું અનુસરણ કરી વફાદારીપૂર્વક તો ક્યારેક ઝનૂનપૂર્વક ગઝલોનું સર્જન કરે એ. તો ત્રીજો વર્ગ અનુકરણ કરનારા ગઝલકારોનો પણ છે, જેને લીધે ગઝલને થોડું વેઠવાનું પણ આવે છે. (પૃ. ૧૬૫, ગઝલગ્રાફ, ગુણવંત ઉપાધ્યાય)

ગઝલની શિષ્ટપૂર્તિ પણ કાંઈ એમ જ ઘડાવાની નથી. પ્રયોગોને મંથનોની સ્વાભાવિક મંઝિલ તેને પાર કરવી પડે તેમ છે. એક અકિંચન યાચકની જેમ તેને કલાની યાચના કરવાની છે. પોતાના લક્ષ્ય કેન્દ્રના આતુર પ્રવાસીની જેમ તેને કાવ્યભૂમિ ખૂદી વળવાની છે. નિખાલસતાથી નવી સાધના કરવાની છે. આજન્મ – મંથન આવશ્યક છે.

ગઝલ કલાકૃતિ તરીકે જરાંય ઉણી ન ઉતરે એ જ અગત્યનું છે. ગમે તે વિષયનું નિરૂપણ કરો, એ સાદ્યાન્ત હોય કે અપૂર્ણ, એક જ પ્રતિકલ્પ પર ખેડેલો વ્યાપાર હો કે જુદા જુદા પદાર્થો પર એનો આકાર ચોરસ હોય કે લાંબો, ગુજરાતી સાહિત્યના કોઈ યુગ સાથે એનું સાહચર્ય કે સાતત્ય હો કે ન હો, જૂની હોય કે નવી, કે પરંપરાનો પથ્થર ગળે બાંધીને ફરતી , શ્લિલ હોય કે અશ્લિલ, આ બધાં તત્વો સાથે કલાને લેવાદેવા નથી. ગઝલમાં કલા નહીં હોય તો હરગીજ નહીં ચાલે. ‘કલાનો વાસ કોઈપણ કૃતિમાં હોવો જરૂરી છે અને આ ક્ષણે એના સર્વ બ્રાહ્યાવરણો ત્યાગીને એનું જે રૂપ આપણને દેખાડશે એ જ પરિપૂર્ણ હશે. એ ક્ષણ જ ગઝલ માટે જીવનની અન્ય ક્ષણો કરતા ધન્યતાની વધુ જનક હશે. એમાંથી પ્રાપ્ત થતું કશુંક સર્વોપરી હશે. ગઝલનો ચહેરો ચહેરાય નહીં, અને કવિનો ચહેરો કૃત્રિમતાની ચાડી ન ખાય એવું ગઝલનું ભાવિ ઈચ્છીએ.’ (ગુજરાતી ગઝલનો નવો પ્રાણ – પ્રો. હસમુખ પટેલ ‘શૂન્યમ, અભિવ્યક્તિ – ફેબ્રુઆરી ‘૭૩)

આમ ગઝલ એક ઉંડાણનો વિષય છે, કોઈ ગઝલકારની અસરમાં ખેંચાઈ ન જવાય તેની કાળજી પણ રાખવી ઘટે.

– અલ્પ ત્રિવેદી, ૧૪, ગાયત્રી નગર, મહુવા, જી. ભાવનગર, સૌરાષ્ટ્ર

ચાલો ગઝલ શીખીએ… શૃંખલાના બધાં લેખો વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી)

  • Pancham Shukla

    સરસ લેખ.

    હવે બોલાતી ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો છૂટથી વપરાય છે; એ સર્વસ્વીકૃત અને સામાન્ય બની ગયા છે. ગઝલમાં જો બોલાતી ભાષાનો મહિમા હોય તો અંગ્રેજી શબ્દોનો છોછ ન ખપે. આ સંદર્ભે ‘ સંબંધોને ફ્રીઝમાં રાખું’ માં ફ્રીઝ શબ્દ સામે છોછ ન રાખી શકાય. હા શેરિયત કે ગઝલિયત કે કાવ્યતત્વ નજર સામે રાખવું જોઈએ.