‘મિથ્યાભિમાન’ નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.