લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ 1


ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે.

૧૯૯૯ ના ઓગસ્ટ મહીનાની એક મૂશળધાર વરસાદી અંધારી રાત્રે વડોદરા નજીક વાસદ હાઈવે પર એક દંપત્તિ અને તેમના મિત્ર તથા સહયોગી સાથે ગાડીમાં જઈ રહ્યાં હતાં કે અચાનક તેઓ એક ભયાનક અકસ્માતના શિકાર બની ગયાં, તેમની ગાડી ધડાકાભેર એક ઝાડ સાથે અથડાઈ, એ હતાં વડોદરાના ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ સુસ્મિતા દાસ. અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીમાં ફક્ત ડૉ. સુબ્રતો દાસ જ થોડાંક હલી શક્તા હતાં. બીજા ત્રણેય જણાં એવા ઘાયલ થયેલાં હતાં કે તેમાંથી કોઈ જરાય હલી શક્તા નહોતા, ગાડીમાંથી બહાર નીકળવાની વાતો તો દૂર રહી. અકસ્માતે તેમને ઘણી ઈજાઓ આપેલી, ડૉ. સુબ્રતો દાસ આખીય રાત, લગભગ છએક કલાક મદદ માટે ગાડીમાંથી હાથ બતાવતા રહ્યાં, શક્ય બધી રીતે લોકોને રોકવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, પરંતુ રસ્તાની એક તરફ ઝાડ સાથે અથડાયેલી, અકસ્માતમાં બિસ્માર થયેલી ગાડી અને તેમાં ફસાયેલા લોકોને જોયાં છતાંય કોઈ તેમને મદદ કરવા ઉભું ન રહ્યું. આખી રાત આમજ પરવશ હાલતમાં વીતાવ્યા પછી સવારે મોટરસાઈકલ પર દૂધ લઈને જતા એક ભાઈએ તેમને બહાર કાઢ્યા અને હોસ્પીટલ પહોંચાડવા પૂરતી મદદ મેળવવા રસ્તા વચ્ચે મોટરસાઈકલ ઉભી રાખી દીધી. એણે જ વાહન ઉભું રાખી આ ચારેયને હોસ્પીટલ સુધી પહોંચાડ્યા. ડૉ. દાસ કહે છે, “હું વડોદરાના મોટાભાગના ડોક્ટરોને ઓળખું છું પરંતુ તે રાત્રે મને થયું, એ ઓળખાણનો કોઈ ઉપયોગ હું ન કરી શક્યો, અરે અમને તો એ વિચાર પણ આવી ગયેલો કે અમે અમારા પુત્રને ફરી જોઈ શકીશું કે કેમ??”

જાણીને આશ્ચર્ય થશે કે રોજ યાત્રીઓથી ભરેલું એક જમ્બોજેટ પ્લેન જો અરબસાગરમાં પડે એથી ક્યાંય વધુ લોકો રોજ અકસ્માતનો ભોગ બની સારવારના અભાવે મૃત્યુને ભેટે છે. ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય મુજબ ૨૦૦૭માં ૪,૧૮,૬૦૦ અકસ્માતોમાં કુલ ૪,૬૫,૩૦૦ લોકો ઘાયલ થયેલા અને તેમાંથી ૧,૧૪,૫૯૦ મૃત્યુ પામ્યા. આ સરકારી આંકડા છે!

અકસ્માત પછી સાજા થવાનો સમય ડૉ. દાસ અને તેમના પત્નિએ એવું વિચારવામાં વિતાવ્યો કે હાઈવે પર અકસ્માતો અને મદદ વગર તરફડતાં, ઘણાં કિસ્સાઓમાં મૃત્યુને ભેટતા લોકોને ઝડપી અને સમયસરની મદદ મળે તે માટે શું કરી શકાય. ડૉ. દાસ કહે છે, “એ મારા પત્નિ હતાં જેમણે મને વારંવાર કહ્યું કે આવા અકસ્માતમાં થતા મૃત્યુને રોકવા અને ફસાયેલાઓને બચાવવા આપણે કાંઈક કરવું જ જોઈએ. આજે મને સંતોષ થાય છે કે અમે આવા ઘણાં લોકોને મોતના મુખમાંથી પાછા લાવી શક્યા છીએ.” તેમણે વાહનવ્યવહાર નિયમન વિશે, વાહનચાલકોને યોગ્ય પ્રશિક્ષણ આપવા વિશે, માર્ગ સુરક્ષા આયોજનો – સંશોધન અને વિકાસ જેવા અનેક વિકલ્પો વિશે ઘણું ઉંડાણથી વિચાર્યું અને આમાંથી કોઈ પણ રસ્તો અસરકારક ન લાગ્યો. કોઈ પણ વિકલ્પ વડે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને ઝડપી સારવાર મળી શકે એવું કાંઈ નક્કર થશે એમ તેમને લાગ્યું નહીં. અને આ જ વિચારણાઓમાંથી ક્યાંક વીજળીના ઝબકારે જેમ મોતી પરોવાય એમ “લાઈફલાઈન ફાઉન્ડેશન” નો વિચાર ઉદભવ્યો. લાઈફલાઈન ફાઉન્ડેશન એટલે એમ્બ્યુલન્સ, અકસ્માત પછી ઉપયોગી અન્ય સાધનો અને પ્રાથમિક સારવારની વસ્તુઓ સાથેનું એક એવું કેન્દ્રિકૃત આયોજન જેનાથી શક્ય એટલી ઝડપથી ઈજાગ્રસ્તને સારવાર અપાવી શકાય, એક એવો અભિગમ જે દક્ષિણ એશિયામાં કોઈએ કદાચ કલ્પ્યો પણ નહીં હોય.

આ પ્રોજેક્ટ શરૂ કરવાના વિચાર પછી બે વર્ષ સુધી ડૉ. દાસને એવા ઘણાં લોકો મળ્યા જેમણે તેમને કહ્યા કર્યું કે જ્યાં સુધી સરકાર પરવાનગી ન આપે ત્યાં સુધી આવું કરવું અશક્ય છે. તેઓ આ માટેની દોડાદોડી કરતા રહ્યાં, એક ખાતાથી બીજા ખાતા સુધી, એક ટેબલથી બીજા ટેબલે જઈ જઈને આ માટે પ્રયત્ન કરતાં કરતાં તેઓ ઔપચારીકતાઓ પૂરી કરવાનો પ્રયત્ન ૨૦૦૨ સુધી કરતાં રહ્યાં.

એ ઈ.સ. 2002 ની વાત હતી, હવે હાઈવે પર જ્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે કાં તો જે વ્યક્તિનો અકસ્માત થયો છે એ પોતે અથવા પસાર થઈ રહેલાઓમાંથી કોઈક નજીક લાગેલું “હાઈવે હેલ્પલાઈન” નું પાટીયું જોઇ, તેના પર લખેલા નંબર પર ફોન કરે અને અકસ્માતના સ્થળ, લોકોને થયેલી ઈજાઓ તથા અકસ્માતની વિગતો વિશે ટૂંકમાં જણાવે કે થોડીજ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પીટલમાં પહોંચાડી આપે છે. અકસ્માતની ઘટનાથી ઈજાગ્રસ્તોને હોસ્પીટલ પહોંચાડવા સુધીના આ મહત્તમ એક કલાકના સમયને “સોનેરી કલાક” (Golden Hour) કહેવામાં આવે છે.

શ્રીમતી દાસ કહે છે, “અમે નસીબદાર હતાં કે અમે આવા અકસ્માત છતાં બચી ગયા, અમે ઈચ્છીએ છીએ કે બીજાઓ પણ આવા અકસ્માતોમાંથી હેમખેમ બહાર આવી શકે, સમયસરની મદદ મેળવીને બચી શકે. જો તમે અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઘટનાથી એક કલાકની અંદર હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાવી શકો તો ગમે તેવા ગંભીર અકસ્માતના ઈજાગ્રસ્તોને બચાવી શકવાની અને તેમની સારવાર દ્વારા તદ્દન સાજા થઈ જવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. ડૉ. દાસ કહે છે કે ભારતમાં એઈડસ કરતાં ક્યાંય વધુ લોકો હાઈવે પર અકસ્માતોને લીધે મોતને ભેટે છે. દર વર્ષે લગભગ એક લાખથી વધુ લોકો રોડ અકસ્માતને લીધે મૃત્યુ પામે છે. એવા અકસ્માતોમાં મૃત્યુ પામતા મોટાભાગના લોકોને જો સમયસરની સારવાર મળે તો બચાવી શકાય. જરૂર છે અકસ્માત પછીના સમયમાં બને એટલું ઝડપથી ઈજાગ્રસ્તને હોસ્પીટલ સુધી પહોંચાડવા.

એચ આર પી એટલે કે હાઈવે રેસ્ક્યુ પ્રોજેક્ટનો કેન્દ્રિય સંકલન અને નિયંત્રણ કક્ષ વડોદરામાં છે, અહીં હાઈવે વિસ્તારોના નકશા અને તેની સાથે સંલગ્ન એમ્બ્યુલન્સ, પતરું કાપતા સાધનો, ક્રેન વગેરે અને નજીકના દવાખાનાંઓના સંપર્ક વિશેની માહિતિ છે. અહી આવતા ફોન પ્રત્યે યોગ્ય ધ્યાન આપવા ચોવીસ કલાક અને સાતેય દિવસ એક શિફ્ટમાં બે એમ ત્રણ શિફ્ટમાં સતત કામ કરતા કાર્યક્ષમ કર્મચારીઓ છે, અહીં અકસ્માત વિશેનો ફોન આવ્યાના ફક્ત બે જ મિનિટમાં એ અકસ્માતનું સ્થળ શોધી કઢાય છે અને એ સ્થળની નજીકમાં નજીક ઉપલબ્ધ સુસંગત એમ્બ્યુલન્સ, અને જો જરૂરત હોય તો ક્રેન અને પતરાં કાપવાના સાધનોને પણ ત્યાં પહોંચવાની સૂચના આપી દેવાય છે. સાથે સાથે નજીકની હોસ્પીટલને પણ એ દર્દીઓ જેવા પહોંચે એવી તરત સારવાર શરૂ થઈ શકે તે માટેની પૂર્વતૈયારીઓ કરી રાખવા વિશેની સૂચના અપાય છે. જરૂરી વિધિઓ માટે પોલીસને પણ જાણ કરી દેવાય છે અને સાથે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને એ કાર્યવાહીમાં મદદ પણ આપવામાં આવે છે. દર્દીને એમ્બ્યુલન્સ મળે અને તે હોસ્પીટલ સુધી પહોંચે એ સમગ્ર કામ પંદર મિનિટથી મહત્તમ એક કલાકમાં પૂરું કરવાનું ધ્યેય હોય છે, જેથી તેમને ઝડપી સારવાર મળી શકે. આવી દુર્ઘટનાઓ વિશેની સૂચના આપનારને પોતાની ઓળખ છત્તી કરવાની કોઈ જરૂર પડતી નથી. વળી અકસ્માતમાંથી ઈજાગ્રસ્તને કાઢીને હોસ્પીટલ સુધી પહોંચાડવાનું સમગ્ર અભિયાન તદ્દન મફત હોય છે. જો વાહનમાં મુસાફરો ફસાયેલા હોય તો પતરાં કાપવાના સાધનો અને ક્રેન સુધ્ધાંનો ખર્ચ લાઈફલાઈન ફાઊન્ડેશન ઉપાડી લે છે.

ગુજરાતમાં શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે અનેક રાજ્યોમાં વિસ્તરી છે, વિસ્તરી રહી છે. ગુજરાતમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે સાથે કુલ ૧૫૨૪ કિમિ રાષ્ટ્રીય તથા રાજ્ય માર્ગો પર લાઈફલાઈન ફાઊન્ડેશનની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે રાજસ્થાનમાં ૮૬૬ કિમિ હાઈવે, મહારાષ્ટ્રમાં મુબઈ – પૂના એક્સપ્રેસવે સાથે ૫૩૭ કિમિ હાઈવે, ઉત્તરાખંડમાં ૨૮૨ કિમિ હાઈવે, કેરલમાં ૬૪૦ કિમિ હાઈવે, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર એક્સપ્રેસવે સાથે કુલ ૭૦૪ કિમિ હાઈવે આમ કુલ લગભગ ૪૫૫૩ કિમિ હાઈવે પર તેઓ આ કાર્ય કરી રહ્યાં છે. લાઈફલાઈન ફાઊન્ડેશન પાસે અત્યારે જેમના સંપર્ક અને જોડાણ છે તેવા સાધનો / સંસ્થાઓમાં એમ્બ્યુલન્સ (ગુજરાતમાં – ૨૧૧, મહારાષ્ટ્રમાં – ૬૨, પશ્ચિમ બંગાળમાં – ૧૨૨, કેરલમાં – ૧૩૮, રાજસ્થાનમાં – ૬૦) ઉપરાંત અનેક ક્રેન, મેટલ કટર, બ્લડ બેંક, હોસ્પીટલો અને પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

જો કે લાઈફલાઈન ફાઊન્ડેશન પોતાની સ્વતંત્ર સુવિધાઓ ઉભી કરવાને બદલે ઉપલબ્ધ સુવિધાઓ અને સાધનોનો મહત્તમ અને જરૂરતના સમયે યોગ્ય ઉપયોગ કરી શકાય એ માટેનું નેટવર્ક પૂરૂં પાડે છે. લાઈફલાઈન ફાઊન્ડેશન પોતે એક એનજીઓ હોવા છતાં આવી અન્ય સંસ્થાઓની માળખાગત સુવિધાઓનો અભ્યાસ કરીને પોતાના નેટવર્કમાં તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ જુએ છે, અને આમ પોતાની સાથે તેઓ અનેક અન્ય એનજીઓને પણ માર્ગ પૂરો પાડે છે. તેઓ માને છે કે કોર્પોરેટ જગત જરૂરી પૈસા પૂરા પાડે, એનજીઓ એ પૈસાના સદઊપયોગથી સમાજોપયોગી કામ કરી શકે અને સરકાર એમાં સગવડ કરી આપનાર બની રહે.

કોઈ પણ નવા વિચારની કે નિસ્વાર્થ કામની શરૂઆત સરળ હોતી નથી, શરૂઆતમાં આ દંપતિએ નેશનલ હાઈવે નં-૮ ના ૨૬૩ કિમિ પર, અમદાવાદથી સુરત સુધી પોતે રસ્તાઓ પર રહીને સેવાઓ આપેલી, આ નવી શરૂઆતથી એમ્બ્યુલન્સ ચલાવનારાઓ, હોસ્પીટલમાંના કર્મચારીઓ તથા સામાન્ય રાહદારીઓનો અભિગમ બદલવાની શરૂઆત થઈ. સુંદર રીતે આયોજીત આખીય ગૂંથણી કર્યા પછી એ કામને જોઈને લોકો તેમને સ્પોન્સર કરવા તૈયાર થયાં.

શ્રીમતી સુસ્મિતા દાસ એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને એ આ પ્રોજેક્ટ માટે આર્થિક મદદ કરનારી એ પ્રથમ કંપની, એ પછી એમનું નિસ્વાર્થ કામ અને ધગશ જોઈને અનેક કંપનીઓ તેમને મદદ કરવા આગળ આવી. જો કે બધુંય પાર પડતાં સમય લાગ્યો, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ તેમને રસ્તાની બાજુએ આવા મદદદર્શક પાટીયા દર પાંચ કિલોમીટરે મૂકવાની પરવાનગી આપી, તો મોબાઈલ કંપની દ્વારા તેમને તદ્દન મફત નંબર ૯૮૨૫૦ ૨૬૦૦૦ આપવામાં આવ્યો. આઈ ઓ સી, ઓ.એન.જી.સી, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, બિરલા ટાયર્સ, ગુજરાત ફર્ટીલાઈઝર્સ, અપોલો ટાયર્સ, અદાની ગૃપ, એસ્સાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ, ભારત સરકાર, થર્મેક્સ, સન ફાર્માસ્યૂટીકલ્સ અને ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી જેવી અનેક કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા તેમને મદદ મળી રહી છે. જુલાઈ ૨૦૦૨થી જૂન ૨૦૧૦ સુધીમાં આ સંસ્થા લગભગ ૫૭૫૯ ઘવાયેલાઓને સારવાર અપાવી ચૂકી છે, અનેકને મૃત્યુના મુખમાંથી પાછા લવાયા છે, એકલા ૨૦૦૯ ના વર્ષમાં આવા લોકોનો આંકડો ૧૩૪૨ થી વધુનો છે.

ડૉ. દાસ કહે છે, મોટા ભાગના લોકો, ભણેલાઓ સાથે, એ જાણતા નથી કે પોલીસ તમને એ વિગતો આપવા માટે ફરજ ન પાડી શકે જે તમે આપવા માંગતા નથી, લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે કોઈ અકસ્માતના ઈજાગ્રસ્તને પોલીસ કાર્યવાહીના નામે સારવાર માટે રાહ જોવડાવવાનો અધિકાર હોસ્પીટલો પાસે નથી. તો કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કોઈ સારવાર રોકી શકે નહીં આ બધુંય માનનીય સુપ્રિમ કોર્ટના આદેશ અને મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ મુજબ અત્યંત સ્પષ્ટ છે.”

તેઓ કહે છે, “આપણાં લોકોનું ડ્રાઈવિંગ ભયંકર છે, કોઈ નિયમોને પાળતું નથી. હું એવું ઈચ્છું કે ભારતના કોઈ પણ રસ્તા પર અકસ્માત થાય ત્યારે આવી સેવા ઉપલબ્ધ હોય, પણ એ શક્યતા મને મારા કે મારા પુત્રના પણ જીવનકાળમાં શક્ય થતી દેખાતી નથી, કદાચ અમારા પૌત્રો – પ્રપૌત્રો એ કરી શકે !!”

નોબલ ઈનામ જીતનારા મહમ્મદ યુનૂસ ગુજરાતના આ પનોતા પુત્રને બાંગ્લાદેશમાં પણ આવું જ એક આયોજન કરવા આમંત્રણ આપી ચૂક્યા છે, અમેરીકામાં એક મુલાકાત દરમ્યાન તેમણે ડૉ. દાસને કહેલું કે ઢાકામા પણ આપાતકાલીન દાક્તરી સુવિધાઓ માટેની કોઈ વ્યવસ્થા નથી, તો પછી બીજા ભાગોની શું વાત કરવી? જો કે તેઓ આ યોજનાને મફત ચલાવવા માંગતા નથી, યુનૂસ માને છે કે જે સક્ષમ હોય તેમણે આ માટેનો ખર્ચ આપવો જોઈએ.

એક નવી પહેલ સ્વરૂપે વડોદરામાં લાઈફલાઈન ફાઊન્ડેશન દ્વારા સારવાર તથા વૈદકીય સાધનોની એક બેંક (Medical Appliances Bank) પણ શરૂ કરવામાં આવી છે. આ માટેની પ્રેરણા તેમને હાઈવે અકસ્માતોના દર્દીઓ પાસેથી જ મળી, હોસ્પીટલમાંથી છૂટ્યા પછી વાપરવા પડે તેવા જરૂરી સાધનો ખરીદી શકવા અક્ષમ લોકોને મદદ કરવા આ વિચાર આવ્યો. આ બેંકમાં ફાઊલર બેડ, એરબેડ, બેક રેસ્ટ, વોકર, વ્હીલચેર, સ્પાઈનલ બેલ્ટ, પોર્ટેબલ કમોડ, ઓવરહેડ પુલી, નેબ્યુલાઈઝર, જેવા અનેક સાધનો છે, કોઈ પણ દર્દી નાનકડી ડિપોઝિટ ભરીને આ સાધનો પોતાના ઉપયોગ માટે લઈ જઈ શકે છે. પછી ટોકન રૂપે ૨ રૂપિયા પ્રતિ દિવસના હિસાબે તેમણે ભાડું ચૂકવવું પડે છે. ઘણાં લોકો આવા સાધનો ખરીદવા જેટલા આર્થિક સક્ષમ હોતા નથી, વળી ઉપયોગના અમુક સમય પછી એ નકામું પડી રહે છે. તેઓ આનો ફાયદો લઈ શકે છે. એક વખત વપરાશકર્તા સાજો થઈ જાય ત્યારે એ સાધન પાછું આપે એટલે તેની ડિપોઝિટમાંથી ભાડું કાપીને બાકીના પૈસા પરત કરાય છે. જો કે બીપીએલ (બિલો પોવર્ટી લાઈન) કાર્ડધારકો માટે ભાડું તદ્દન માફ કરી દેવાય છે.

પાછા આવેલા સાધનોને સ્ટરીલાઈઝ કરીને બીજાને ભાડે અપાય છે. જો કે કોઈ પણ સાધન આપતા પહેલાં જરૂરી છે ડોક્ટર દ્વારા એ માટેનું પ્રિસ્ક્રિપ્શન જેમાં ડોક્ટર દ્વારા દર્દીને એ સાધનો વાપરવાનું સૂચન કરવામાં આવ્યું હોય. આ સાથે દર્દીએ તેમના રહેઠાણનું સરનામું દર્શાવતા ઓળખપત્ર પણ રજૂ કરવા પડે છે. ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ શરૂ થયેલી આ અનોખી બેંક પાસે આજે ૪૦૦થી વધુ સાધનો છે. ૨૦૦૯ના જુલાઈથી આ જ બેંક જયપુરમાં પણ ચાલુ કરી દેવાઈ છે.

લાઈફલાઈન ફાઊન્ડેશનના આ કાર્યને અનેક સંસ્થાઓએ માન્યતા આપી છે અને વધાવ્યું છે, એમાંના બીબીસી, અમેરીકન અસોશીયેશન ઓફ ફિઝિશીયન ઓફ ઈન્ડીયન ઓરીજીન (), ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, વેસ્ટર્ન રેલ્વે, નેધરલેન્ડનું સેવર ફાઊન્ડેશન વગેરે થોડાક નામ છે. તો લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ આ બાબતની નોંધ લીધી છે. આ ઉપરાંત ૨૦૦૩ માં રેડ એન્ડ વ્હાઈટ બ્રેવરી ગોલ્ડ અવોર્ડ, ૨૦૦૮ માં સીએનએન આઈબીએન રીયલ હીરો અવોર્ડ, ૨૦૦૬માં રાષ્ટ્રીય રોડ સુરક્ષા પુરસ્કાર જેવા અનેક સન્માનો મળ્યાં છે.

આ ઉપરાંત લાઈફલાઈન ફાઊન્ડેશને લોકજાગૃતિ માટે પ્રથમોપચારની પુસ્તિકા હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, મલયાલમ અને તમિલમાં બહાર પાડી છે. શાળા અને કોલેજના વિદ્યાર્થિઓ માટે અંગ્રેજીમાં પણ તેની આવૃત્તિ થઈ છે. અહીં આપવામાં આવેલું દાન ઈન્કમટેક્સ ધારાની કલમ ૮૦-જી અંતર્ગત કરમુક્ત છે.

સંપર્કસૂત્ર –
ડૉ. સુબ્રતો દાસ અને શ્રીમતી સુસ્મિતા દાસ,
લાઈફલાઈન ફાઊન્ડેશન, ઈ-૫૦૧, કલ્પવૃક્ષ, ગોત્રી રોડ, વડોદરા ૩૯૦ ૦૨૧,
ફોન – (૦૨૬૫) ૬૫૩૨૫૬૬, ફેક્સ – (૦૨૬૫) ૨૩૨૨૫૬૬
વેબ – http://highwayrescue.org

આ મુલાકાત તથા વિગતો પૂરી પાડવા બદલ ડૉ. સુબ્રતો દાસ તથા શ્રીમતી સુસ્મિતા દાસ અને વડોદરાના રિદ્ધિબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ