ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. ગઝલરચના વિશેના પુસ્તકોનો ટૂંક પરિચય આ સાથે પૂર્ણ થાય છે. ગઝલરચના વિશે વિદ્વાનોના લેખો આવતા અંકથી શરૂ થશે.
૧૦. ગઝલ : સંરચના અને છંદવિધાન
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ગઝલના અભ્યાસુઓ ગુજરાતી ગઝલની રચના અને અનિવાર્ય તત્વોની સમજ માટે પ્રયાસ કરી રહ્યાં છે. એમાંનું એક નામ પ્રો સુમન અજમેરીનું અવશ્ય લેવું પડે. પ્રો. સુમન અજમેરી નિવૃત્ત પ્રાધ્યાપક છે અને અમેરિકામાં વસવાટ કરે છે. એમના નિવૃત્તિકાળને જીવનનો સુવર્ણકાળ બનાવવા કટિબદ્ધ થયેલા આ સર્જકે સંખ્યાબંધ પુસ્તકો આપ્યાં છે. સુમન અજમેરી સંવેદનશીલ વ્યક્તિ છે. એમનો આ સ્વભાવ, આ પ્રકૃતિ ‘ગઝલ : સંરચના અને છંદવિધાન’ ના સર્જન માટે પ્રેરણાબળ બની રહે છે.
‘ગઝલ : સંરચના અને છંદવિધાન’ જેવું દળદાર પુસ્તક માત્ર ગઝલ પરિચય અને સમજને સફળ બનાવવાના લક્ષ્ય સાથે સર્જાયું છે. સુમન અજમેરીએ આ પુસ્તકમાં પ્રચલિત તેમજ અપ્રચલિત છંદોની સમજ આપી છે અને બને ત્યાં સુધી છંદોને અનુરૂપ ઉદાહરણો આપ્યાં છે. જો કે કેટલાંય સ્થાનોએ ઉદાહરણના શેરોમાં ક્ષતિઓ પણ રહી જવા પામી છે. જરૂર જણાય ત્યાં ગઝલો પણ ટાંકીને દિશાસૂચનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવાદો અને વિસંવાદો ટાળવા તેમણે સાવચેતી રાખી છે અને અરૂચિકર કથન ટાળ્યાં છે એ સર્જકની વહેવારીક સમજ દર્શાવે છે. જ્યાં દોષ જણાવવા અનિવાર્ય જણાય છે ત્યાં એમણે સૂઝબૂઝ પૂર્વક સજ્જનતાથી સૌમ્ય ઈશારો કર્યો છે. એક વાત અહીં કહી શકાય કે ઉદાહરણ રૂપે રજૂ થયેલા શેરો અને ગઝલો માટે થોડો વધુ પ્રયાસ ઉદારતાથી કરવા જેવો હતો. જો કે ૨૧૪ ગઝલો અને ૭૭૯ શે’રો નો સમાવેશ કરવો એ સહેલી વાત નથી. એ માટે પ્રા. સુમન અજમેરી વાચકોની મનોમન દાદ પામશે જ એ નિશ્ચિત છે. આ પુસ્તકના પ્રાક્કથનમાં ગઝલના છંદોમાં ઊંડુ કામ કરનાર શકીલ કાદરી લખે છે, “લેખક સંપાદક તરીકેની ભૂમિકા ભજવવામાં તે (સુમન અજમેરી) પુરેપુરા સફળ રહ્યાં છે.”
જ્યારે પુસ્તકની પ્રસ્તાવનામાં વારિસ અલ્વીએ ગઝલ માટે કહ્યું છે કે “નવોદિતો માટે ગઝલ અત્યંત સહેલો પ્રકાર છે અને હદ વગરનો મુશ્કેલ પણ. સહેલો એટલા માટે કે નવોદિત સર્જકોને શરૂઆત માટે ગઝલ આકર્ષે છે અને મુશ્કેલ એટલા માટે કે મહાન ગઝલકારોની ઉત્તમ ગઝલોની સંખ્યા ઝાઝી નથી હોતી.”
આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે સર્જકે એમના પુરોગામી તેમજ સમકાલીન અભ્યાસુઓના સંદર્ભોને આ પુસ્તક સ્થાન આપ્યા બાદ સાભાર સ્વીકૃતિની ફરજ પણ નિભાવી છે. એટલું જ નહીં, દાદને પાત્ર એ ઘટના છે કે સુમન અજમેરીએ આ પુસ્તક ઝાર રાંદેરી, જમિયત પંડ્યા, અમૃત ઘાયલ, રતિલાલ અનિલ, રણછોડરાય ઉદયરામ, રા. વિ. પાઠક, શૂન્ય પાલનપુરી ઉપરાંત નઝર ગફૂરી, શકીલ કાદરી, રઈશ મનીઆર, આદિલ, ચિનુ મોદી વગેરેને અર્પણ કર્યું છે.
(ત્રૈમાસિક ‘શહીદે ગઝલ’ માંથી સાભાર.)
૧૧. છંદસમજ ગઝલસહજ
કામિલ જુનાગઢી, દિલકશ ગોંડલ્વી, ફઝલ જામનગરી, ઝાકીર ઉપલેટવી, મન્ઝર કુતિયાન્વી, દિલ માણાવદરી, નઝર ગફૂરી જેવા પદ્યકારોના નામ ભલે ગુજરાતના સાહિત્ય જગતમાં અજાણ્યા લાગતા હોય, પરંતુ આ વડીલો પાકિસ્તાનના ગુજરાતી ગઝલ અને પદ્યજગતના માંધાતાઓ છે. જનાબ નઝર ગફૂરીએ ‘પદ્યશાસ્ત્ર’ નામનું પુસ્તક ૧૯૭૦માં લખ્યું હતું. પાકિસ્તાનની જેમ ગુજરાતમાં પણ તેની ઘણી પ્રશંસા થઈ હતી. તેની બીજી આવૃત્તિ કરવાનું તેમને મિત્રો અને વડીલો કહ્યા કરતાં, એ પુસ્તકમાં પ્રથમ આવૃત્તિની ત્રુટીઓ દૂર કરી, છંદોની બાબતની સમજૂતી વધુ સરળ બનાવવાની કોશીશ કરીને તેમણે ૧૯૯૩ માં ‘છંદસમજ ગઝલસહજ’ ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી ૨૦૦૦ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ થઈ.
શરૂઆતના ફક્ત ત્રણ પૃષ્ઠોમાં લઘુ ગુરૂની ટૂંકમાં સમજ આપી છે. પાંચ પૃષ્ઠોમાં બહેરોના સાલિમ તેમજ મઝાહિફ અરકાનો વિશે સૂચવ્યા બાદ તેઓ તરતજ ગઝલના છંદોના વિષય તરફ વળે છે. ગઝલના છંદોનું તેમણે કરેલું વર્ગીકરણ ખરેખર અનોખુ છે. આઠ સાલિમ બહેરો, બાર મુરક્કબ સાલિમ બહેરો, આઠ જદીદ મુરક્કબ સાલિમ બહેરો, સોળ મુરક્કબ સાલિમ મઝાહિફ બહેરો, મુતકારિબની મઝાહિફ બહેરો, મિશ્ર બહેરો અને પુસ્તકના અંતે રૂબાઈ અને તેના ચોવીસ વજનની આમ વિવિધ વિષયોની વર્ગીકરણ સહિત સુંદર અને ઉંડી ઉદાહરણ સહિતની સમજ પૂરી પાડી છે. જો કે પુસ્તકમાં અનેક જગ્યાએ ઉદાહરણ માટે દર્શાવેલા શે’રની પસંદગી મહદંશે સુંદર છે, તો ક્યાંક એમાં થોડીક ઢીલાશ પણ દેખાઈ આવે છે. આ માટે તેમણે પોતાના કવિ મિત્રો પાસે ખેડાયેલા અને વણખેડાયેલા છંદો પર નવા અશઆર રચીને અરબી અરકાનની સાથે લઘુ ગુરૂ તથા માત્રાની સમજ તક્તીઓ વાળા નકશાઓ દોરીને વિષયની સુંદર સમજ આપી છે તેમના આ પ્રયત્નથી છંદવિષયક સમજણ આપતા પુસ્તકોમાં નોખું તરી આવે છે.
ફક્ત ગઝલના છંદો અને છંદવિધાનને ઉદ્દેશીને લખાયેલું આ પુસ્તક વિષયથી જરાય આઘુંપાછું ભટકતું નથી અને તેથી અભ્યાસુઓ માટે તે એક અનન્ય માર્ગદર્શકની ગરજ સારી જાય છે. જો કે અહીં પ્રચૂર માત્રામાં વપરાયેલા ગઝલવિષયક ઉર્દૂ શબ્દોને લીધે એને સમજવું થોડું કઠણ થઈ પડે છે. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે ઝાર રાંદેરી, જમિયત પંડ્યા, શૂન્ય પાલનપુરી વગેરે અભ્યાસુઓના સંદર્ભોનું સ્મરણ કર્યું છે જે કાબિલેદાદ છે. છંદ શીખવા માટે આવું સરસ પુસ્તક આપનાર જનાબ નઝર ગફૂરીને આવા સુંદર પુસ્તક બદલ ખરેખર ધન્યવાદ આપવા ઘટે.
– જીજ્ઞેશ અધ્યારૂ
૧૨. ગઝલગ્રાફ
ગુજરાતી ગઝલ તથા તેના ઈતિહાસ, છંદો અને આંતર બ્રાહ્ય સ્વરૂપ વિશે અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે તો ગઝલ વિવેચન ક્ષેત્રે સૌપ્રથમ ચર્ચા રણછોડભાઈ ઉદયરામ દવે એ ૧૮૦૭માં રણપિંગળ ફારસી કવિતાની રચના હેઠળ કરેલી, ત્યાંથી ગઝલનું છંદોવિધાન ડૉ. રઈશ મનીઆર સુધીના સર્જકોએ ચર્ચા કરી છે, એમાં મુખ્યત્વે ઝાર રાંદેરી, રા. વિ. પાઠક, જમિયત પંડ્યા, નઝર ગફૂરી, કાંતિલાલ કાલાણી, શકીલ કાદરી, હરીશ વટાવવાળા, હરેશ તથાગત, આશિત હૈદરાબાદી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. એસ એસ રાહી, પ્રો. સુમન અજમેરી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, રમેશ પટેલ અને જિતુ ત્રિવેદીનો સમાવેશ થાય છે. ગુણવંત ઉપાધ્યાય આ શૃંખલાની નવલી કડી ઉમેરતા ગઝલગ્રાફ (૨૦૦૮) ગ્રંથ લઈ આવ્યા છે. મુખ્યત્વે આ ગ્રંથમાં તેમણે ગુજરાતી ગઝલની વિકાસરેખાનો પરિચય કરાવ્યો છે.
સાથે સાથે તેના આનુષંગિક પરિબળો જેવા કે – લવચીક સ્વરૂપ ઉચ્ચાર આધારિત અરુઝ, ખાસ કરીને એની સ્વરચના, ઈતિહાસ, ભૌગોલિકતા ઈબારત, અને સૂફીતત્વ કાવ્ય પરંપરા અને ગઝલનો પ્રવાસ, કસીદાની ગઝલ બનવા તરફની યાત્રા અને પર્યાવરણ, ગઝલનું ભારતમાં આગમન વગેરેની ચર્ચા આ સર્જકે માંડીને કરી છે. ઉર્દૂ ભાષાનો જન્મ ભારતીય ઉર્દૂ ફારસી ગઝલના વિકાસના વિવિધ તબક્કાઓ, ઉર્દૂ ભાષાનું ગુજરાતમાં પ્રદાન, ગુજરાતના ઉર્દૂ ગઝલકારો વિશેની ચર્ચા કરી છે જે આસ્વાદ્ય છે.
ગુજરાતની ઐતિહાસીક ઘટનાઓ ઈ.સ. પૂર્વે ૧૮૦-૧૦૦ થી લઈને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં બનેલ મહત્વની ઘટનાઓ પર પ્રકાશ પાડે છે. એ કાળના તામ્રપત્રો, શિલાલેખો અને સાહિત્યિક ગ્રંથોનો અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે ગુપ્ત, મૈત્રક, સોલંકીયુગ, મુસ્લિમ શાસન અને મોગલકાળ થી બ્રિટિશકાળ એ યુગના સાહિત્યિક પ્રદાનનું વિહંગાવલોકન આપ્યું છે.
એ ચર્ચાઓ પછી ગુજરાતી ગઝલના પ્રારંભથી લઈને આજની ગઝલ સુધીની ચર્ચા કરી છે. તેમાં આવેલ સ્થિત્યંતરો વિશે પણ સર્જકે ચર્ચા કરી છે. બાલશંકરથી ઠરીઠામ થયેલી ગુજરાતી ગઝલનું પગેરું તેઓ શોધી લાવ્યા છે. અહીં તેમણે બાલશંકર કંથારીયા, મણિલાલ દ્વિવેદી અને કલાપી એમ આ ત્રિપુટીનું આરંભકાળથી એટલે ઈસ. ૧૮૮૭ થી આરંભાયેલ ગઝલરચનાના તબક્કાઓની મહત્વની આ સર્જકો અને તેમના સમકાલીન ડાહ્યાભાઈ પિતાંબરદાસ દેરાસરી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાન્ત, જટિલ, લલિત, સંચિત, સુમન્ત, અમૃત કેશવ નાયક, ન્હાનાલાલ, ખબરદાર, ત્રિભુવન પ્રેમશંકર, મસ્ત કવિ, બોટાદકર, જન્મશંકર વૈદ્ય વગેરેને પણ યાદ કર્યા છે. ગુજરાતી કવિ દ્વારા લખાયેલી પ્રથમ ગઝલ તે બાલશંકરની ‘દીઠી નહીં’ જે ‘ભારતી ભૂષણ’ માં ૧૮૮૭ માં પ્રકાશિત થઈ. મણિલાલ દ્વિવેદીની ગઝલોમાં ચિંતન અને સૂફીતત્વ તો કલાપીની ગઝલોમાં પ્રણય નિરુપણ જોવા મળે છે.
તે પછીના સમયથી લઈને આજ સુધીના બધાં જ ગુજરાતી ગઝલકારો વિશે અને તેમની પરંપરિત ગઝલસર્જનની ચર્ચા કરતા કેટલાક સર્જકોની ગઝલના ગુણદોષ પણ તેમણે તારવ્યા છે. તો તેમણે ૧૯૯૫ પઈ આવેલા પરિવર્તનો અને પ્રયોગોની ચર્ચા પણ કરી છે. તેમાં આદિલ મન્સુરી, મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરીયા, ભગવતીકુમાર શર્મા, શ્યામ સાધુ અને રમેશ પારેખના ગઝલ સર્જકત્વ વિશે અને પ્રયોગની અનિવાર્યતા વિશે ચર્ચા કરી છે.
આમ ગઝલનો ગ્રાફ દોરવામાં આ સર્જક સફળ રહ્યાં છે. ‘ગઝલગ્રાફ’ ગ્રંથ ગઝલના ચાહકો માટે, મર્મજ્ઞો માટે, વિવેચકો માટે, સર્જકો માટે અને ભાવઓ માટે એક અભ્યાસુ ગ્રંથ બની રહે છે. આ માટે શ્રી ગુણવંત ઉપાધ્યાય ખરેખર પ્રશંસાને પાત્ર ઠરે છે.
– હરીશ વટાવવાળા (સાભાર સંક્ષેપ શહીદે ગઝલ સામયિકમાંથી )
ચાલો ગઝલ શીખીએ… શૃંખલાના બધાં લેખો વાંચવા અહીં ક્લિક કરો.
બિલિપત્ર
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી એમ પણ નથી.
તારાથી હોઠ બીડીને મેં નજરોને હઠાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.
– મકરંદ દવે
તો તેમણે ૧૯૯૫ પઈ આવેલા પરિવર્તનો અને પ્રયોગોની ચર્ચા પણ કરી છે. તેમાં આદિલ મન્સુરી, મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરીયા, ભગવતીકુમાર શર્મા, શ્યામ સાધુ અને રમેશ પારેખના ગઝલ સર્જકત્વ વિશે અને પ્રયોગની અનિવાર્યતા વિશે ચર્ચા કરી છે.
૧૯૯૫ નહીં પણ ૧૯૫૫ હશે. કદાચ મનહર મોદીની ગધાડું રદીફ વાળી ગઝલ ૧૯૫૫માં કુમારમાં છપાઈ હતી.