(ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ ગતાંકથી શરૂ થયેલી આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ. આવતા અંકોમાં શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. )
* * *
૪. ગઝલનું પિંગળશાસ્ત્ર
જયમિત પંડ્યા ‘જિગર’ નું પુસ્તક ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પ્રકાશિત થયું પછી શકીલ કાદરીના પુસ્તક ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’ ૧૯૯૪માં પ્રગટ થતાં આ ક્ષેત્રે પ્રવર્તતો શૂન્યવકાશ દૂર થયો હતો. ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’ અગાઉનાં ત્રણ પુસ્તકોથી એ દ્રષ્ટ્રીએ જુદો તરી આવે છે કે તેમાં ગઝલ ક્ષેત્રે પૂર્વે ન થઈ હોઈ એવી ચર્ચા ઉપલબ્ધ થાય છે. અરબી છંદશાસ્ત્રોનો ઉદભવ કઈ રીતે થયો એની રસપ્રદ ચર્ચા અહીં ઉત્તમ પ્રકારની ભૂમિકા પછી જોવા મળે છે. વાસ્તવમાં અરૂઝ માટે કેટલાક વિવેચકોએ ફેલાવેલા ભ્રમનું પણ અહીં નિરસન થાય છે. વાસ્તવમાં સાચો શબ્દ કયો ‘અરૂઝ’ કે ઉરૂઝ’ એ અંગેનું માર્ગદર્શન અહીં સૌ પ્રથમ મળે છે. ‘અરૂઝની વ્યાખ્યા અને તેના હેતુઓ પણ અહીં સ્પષ્ટ કરાયા છે. ગઝલનાં છંદશાસ્ત્રમાં નાનામાં નાના ગણનું વર્ગીકરણ પણ અહીં ઉપલબ્ધ બન્યું છે.
અરબી પરિભાષાના ‘અજઝાએ ઉલા’નો પ્રાથમિક શબ્દાંશ, સબબે ખફીફનો ‘સરળ દ્રિવર્ણી’, ‘સબબે સકીલ’ના જડ દ્રિવર્ણી વતદનિ ત્રીવર્ણીશબ્દાંશ, તેના પેટા વિભાગ વતદે મજુઆનો ‘ત્રિવર્ણી અંતિમાહલન્ત’, વતદે મફરૂકાનો ‘ત્રિવર્ણી મધ્યમા હલન્ત’, ‘ફાસલ એ સુગરા’નો લઘુઅંતર અને ફાસલએ કુબરાના દીર્ધઅંતર, અરકાનનાં ‘સ્તંભ’ એવા ગુજરાતી પર્યાય પ્રથમ વખત પ્રાપ્ત થાય છે. છંદ કે બહરની વ્યાખ્યા પણ અહીં વ્યવસ્થિત રીતે અપાયેલી મળી આવે છે. છંદનું સ્કેનીંગ કરવાની સાચી પદ્ધતિ અને વિભાજન કરવાના ૧૭ નિયમો પણ અહીં ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત મળે છે. અરબીના છંદો મુસન્ના, મુરબ્બા, મુસદસ અને મુખમ્મસના અનુક્રમે દ્રિસ્તંભી, ચતુષ્સ્તંભી, ષષ્ટસ્તંભી અને અષ્ટસ્તંભી એવા પર્યાય અને તેની સમજૂતી પણ અહીં મળી આવે છે.અરબી છંદોના નામાકરણ પાછળનાં કારણો સહિત અહીં ઐતિહાસિક કહી શકાય એવી ચર્ચા પ્રાપ્ત થાય છે. આમ, એકંદરે આ પુસ્તક વિદ્રાનો માટે અને સામાન્ય ભાવકો માટે માર્ગદર્શક રૂપ બની રહે એ પ્રકારનું છે. ગઝલના છંદોને શા માટે વિશિષ્ટ પ્રકારના માત્રામેળ છંદો કહી શકાય એની ચર્ચા શાસ્ત્રીય રીતે ગુજરાતીમાં સૌ પ્રથમ વખત આ ગ્રંથ દ્રારા ઉપલબ્ધ થાય છે. ગુજરાતી ગઝલના છંદો વિષે કેટલાક વિવેચકોએ જે ભ્રમણાઓ ફેલાવી છે એ ભ્રમણાઓ દૂર કરવા માટે આ ગ્રંથ ઉપયોગી થાય એ પ્રકારનો બન્યો છે. આ પુસ્તકના અરીસામાં જોઈએ તો ત્યાર પછી જે પુસ્તકો પ્રકાશિત થયાં છે તેમાં કેટલાક સ્થાનોએ કરાયેલી ચર્ચાનાં બીજ આ ગ્રંથમાં જોઈ શકાશે. આ પુસ્તક ‘રણપિંગળ’ , ‘શાયરી’ અને ‘ગઝલનું છંદશાસ્ત્ર’થી કયાં નોખું તરી આવે છે તે જોવા અગાઉના ત્રણે પુસ્તકો દ્રષ્ટિ સમક્ષ રાખી આ પુસ્તકોનો અભ્યાસીઓએ અભ્યાસ કરવો જોઇએ.
૫. સમજીએ ગઝલનો લય
ભાવનગરના જિતુ ત્રિવેદીએ ગઝલના છંદોની સમજૂતી માટે ૧૯૯૦ના દાયકાના મધ્યભાગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૪માં આ વિચારને નક્કર સ્વરૂપ પ્રાપ્ત થયું. તે સમયેગઝલના છંદોના અભ્યાસ માટે મહ્ત્વના કહી શકાય એવા પાંચ પુસ્તકો ઉપલબ્ધ હતા. ૧૯૯૯ થી શરૂ થયેલી એ કામગીરી ૨૦૦૨માં ‘સમજીએ ગઝલનો લય’ રૂપે ઉપલબ્ધ થાય છે. ‘સમજીએ ગઝલનો લય’ પુસ્તક એની શૈલી અને નિરૂપણ રીતિને કારણે અલગ તરી આવે છે. જિતુ ત્રિવેદીએ પૂર્વભૂમિકારૂપે ‘ કવિતા અને તેનું ભાવન’ અને ‘શબ્દ સ્વયમ સર્જન’ વિષે વાત કરી છે ‘ઉચ્ચાર અને લય’ની વાત કર્યા પછી તે ‘ગઝલ તરફ’ આગળ વધે છે. ગુજરાતીનો વિદ્યાર્થી ‘અક્ષર’ અને ‘લઘુ-ગુરુ’ કોને કહેવાય એનાથી વાકેફ હોય છે તેમ છતાં ગઝલકારો માટે તેની સમજૂતિ આપવામાં આવી છે. અક્ષરમેળ કવિતા અને માત્રામેળ કવિતાની સમજ પણ તે આપે છે.
કેટલાક શબ્દોના લગાત્મક રૂપો વિશે વાત કરી શકીલ કાદરીના ‘ગઝલનું પિંગળ શાસ્ત્ર’ માં ‘પલક’ અને ‘પલકતાં’ શબ્દોનું લગાત્મક રૂપ સમજાવવામાં જે ચર્ચા કરાઈ છે તેવી જ ચર્ચા ‘ગઝલ’ શબ્દ માટે તે કરે છે. ‘પલક’ એમ ‘ગાલ’ કરી શકાય નહીં એ જ થિયરીને અનુસરીને તે પૃ.૧૫ પર ‘ગઝલ’ શબ્દને ઝીણવટથી સમજાવે છે. તે લગાત્મક આવર્તનો, લઘુ-ગુરુની છૂટછાટ દર્શાવ્યા પછી ગઝલસ્વરૂપની વાત કરે છે. શકીલ કાદરીના ‘ગઝલઃ સ્વરૂપ વિચાર’ નામના પુસ્તકમાં ‘મત્લા’ નો ઉચ્ચાર ‘મત્લઅ’ કરવામાં આવ્યો છે તે જ રીતે જિતુભાઈ ‘મત્લઅ’ એટલે કે ‘મત્લા’ ની પણ અહીં ચર્ચા કરે છે. એ જે રીતે ‘મક્તઅ’, એટલે ‘મક્તા’ એમ પણ સમજાવે છે. શેરિયત અને ગઝલિયત વિશે પણ અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્યારબાદ ‘હઝજ’ છંદની સમજૂતી અપાઈ છે. ‘હજઝ’ ને ‘હઝજ’ તરીકે લખે છે.
આ પુસ્તકમાં હિન્દી ફિલ્મોના ગીતોના આધારે ગઝલના છંદો સમજાવવાનો પ્રયાસ સૌ પ્રથમ જોવા મળે છે. આ પરંપરાને પછીના સંશોધકો અનુસર્યા છે. જિતુભાઈ શે’રના એક એક શબ્દનું લગાત્મક રૂપ દર્શાવે છે એટલે ક્યાંક આ ચર્ચા પ્રસ્તારી બને છે. જો કે નવોદિતો માટે તે ઉપકારક સિદ્ધ થઈ શકે. તે પંક્તિઓનું વિભાજન કરી વિવિધ પેટર્નનો ઉલ્લેખ કરે છે. આ પદ્ધતિને તે વિભિન્ન છંદોની સમજૂતી માટે અનુસર્યા છે અને તકતીઅના, વિભાજનના નિયમો અલગ દર્શાવવાને બદલે એ નિયમોને ચર્ચામાં સમાવી લે છે. પરિણામે ઉદાહરણ દ્રારા તે વધુ સ્પષ્ટ બન્યા છે. છંદોની સમજૂતી માટે ક્યાંક ક્યાંક તેમણે આખેઆખી ગઝલો પસંદ કરી છે. પુસ્તકના અંતભાગમાં ‘સર્જન પ્રક્રિયા તથા આસ્વાદ શું છે ?’ ઉપરાંત ‘શે’ર એક દ્રશ્ય અનેક’ જેવા પ્રકરણ પણ વણી લેવાયા છે. આસ્વાદ ઉપરાંત કેટલીક ગઝલો પણ મૂકવામાં આવી છે. છંદ અને જોડણી ગઝલસંદર્ભ જેવો લેખ અને એ અંગેની લેખકની ટિપ્પણીઓ પણ રસપ્રદ બની રહી છે. છેલ્લે કેટલાક શબ્દોના લગાત્મક રૂપ આપી આ ગ્રંથ પુરો કરાયેલો છે. એકંદરે આ ગ્રંથ રસ જગાવે એવો બની રહ્યો છે.
૬. ગઝલ શીખવી છે ?
આશિત હૈદરાબાદી (સુરેશ કોટક) એક નામનાપ્રાપ્ત ગઝલકાર છે. ગઝલ સર્જનની સાથે હઝલો પણ એમણે ઠીક ઠીક પ્રમાણમાં લખી છે. એક અનુવાદ અને સંપાદક તરીકે પણ તેઓ ખ્યાતિ ધરાવે છે. નવિદિતોને ગઝલ સર્જનમાં નડતી શરૂઆતની મુંઝવણોને દ્રષ્ટિમાં રાખી એક શુદ્ધ સહકારની ભાવનાથી ‘આશિત’ હેદરાબાદી ‘ગઝલ શીખવી છે ?’ પુસ્તક લઈને આવે છે ત્યારે બિરદાવવાનું મન થાય છે કે સરળ અને સહજ ભાષામાં એક ઉપયોગી પુસ્તક ગુજરાતી ગઝલ સાહિત્યને મળે છે. જે નવોદિતો સાથે નિવડેલાઓને પણ આકર્ષી શકે એમ છે. ગુજરાતી ગઝલના એ ભાવકો જેઓ શાસ્ત્રીય બંધારણથી પરિચીત નથી એમને પણ આ પુસ્તક દ્રારા પરિચય મેળવવાનું આકર્ષણ જન્મે તો અચરજ નહીં.
પ્રારંભમાં જ બે સર્જક-વિવેચકોના ગઝલ વિષયક લેખોનો સમાવેશ ગઝલની પ્રારંભિક સમજ આપે છે એમાં યે મુરબ્બી મસ્ત ‘હબીબ’ સારોદીનો લેખ નવોદિતોનો સંકોચ દૂર કરવામાં સહાયક નીવડે એવો સક્ષમ છે. ગઝલની સ્થિતિ સંદર્ભમાં એમણે સંક્ષિપ્ત ઇતિહાસ દર્શાવી મૂર્ઘન્ય ગઝલકાર શૂન્યપાલનપુરીના ગઝલ મંતવ્યો આપીને ગઝલની દિશામાં ગતિ અને પ્રગતિ ઈચ્છુક સર્જકોને પ્રોત્સાહન સાથે સર્જન યોગ્યતા કેળવવાની અનિવાર્યતા દર્શાવી છે. આ પુસ્તકમાં ગઝલના ઉગમની પ્રચલિત માન્યતાઓનું પુનરાવર્તન ન કરતાં ગઝલના અરબસ્તાનથી ભારત અને પછી ગુજરાતી સુધી કેવા વળાંકો પસાર કરતી પહોંચી એ પરિચયાત્મક વર્ણન સુધી સીમિત રાખી એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમા શે’રોમાં એમણે યોગ્ય લાગ્યા એવા થોડાક શે’રનો ઉલ્લેખ કર્યો છે.
નવોદિતોને અગત્યના સૂચનો, લઘુ-ગુરૂ અક્ષરોની સમજ, ગણબિમ્બો (અરકાન)ની સમજ આપી છે તો સાથે સાથે મુક્તક, રૂબાઈ, નઝમ, મુસદસ, કસીદાની પણ આછી પાતળી સમજ આપી છે. હઝલ, તઝમીન અને વ્યંગ તઝમીનનો અહીં વિગતથી પરિચય મળે છે જે આગળ જણાવેલા પ્રકારો માટે મળતો નથી, એ પરિચય પણ મળ્યો હોત તો પુસ્તક વધુ સમૃદ્ધ બન્યું હોત. ગઝલના પ્રચલિત છંદો અહીં દર્શાવાયા છે અને ભય સ્થાનો પણ બતાવાયાં છે. આમ નવોદિત સર્જકો માટે ઉપયોગી સિદ્ધ થાય એવું પુસ્તક બનાવવનો આશિત હેદરબાદીએ નિસ્વાર્થ સફળ પ્રયાસ કર્યો છે. પ્રાથમિક કક્ષાના આ પુસ્તકના અભ્યાસ પછી ઊંડો અભ્યાસ કરવા, ઈચ્છનારે શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’ વાંચવાની તે ખાસ ભલામણ કરે છે. તેમની આ તટસ્થતા દાદને પાત્ર છે. આ પુસ્તકમાં નવિદિતોને ગઝલ દોષથી બચવા જેવી શિખામણો સાથે સહજતાથી ગઝલ પઠન કેવી રીતે કરવું એની સમજ પણ મળે છે. ‘ગઝલ શીખવી છે?’ એ સર્જકના પ્રશ્નનો ઉત્તર જેમના અંતરમાં ‘હા’નો પડઘો ઊઠે તેઓને જ્ઞાન સાથે કંઈ પામ્યાની અનુભૂતિ આશિત હૈદરાબાદીના પુસ્તકમાંથી પસાર થયા બાદ મળી રહે છે. એ રીતે ગઝલના વિવેચનોનાં પુસ્તકોમાં આ પુસ્તકોનું અલગ સ્થાન બની રહે છે.
ચાલો ગઝલ શીખીએ… શ્રેણીના બધાં લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.
There are 2 publishers for bbok -Gazal Shikhavi Che? , by Aawaaz Prakashan. Shri Mast Mangera & Shri Jay Naik
સર,તમારો લેખોથી ગઝલ લખવામાં થતી તકલીફ દૂર થઇ છે …..ઉપર આપેલ books જો net ઉપર હોય તો please વેબ સાઈટ જણાવજો.