રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ 6


( ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ મુંબઈમાં નિવાસ કરે છે. ટૂંકીવાર્તા, નવલકથા અને એકાંકી-નાટકક્ષેત્રે એમનું અર્પણ છે. ‘અધૂરો કોલ’, ‘એક લહર’, ‘વિશ્રંભકથા’, અને ‘જાવલ’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘વડવાનલ’, ‘શીમળાંના ફૂલ’, ‘વાવંટોળ’, ‘વમળ’, ‘કાદંબરીની મા’, ‘સંશયબીજ’ વગેરે નવલક્થાઓ તેમજ ‘વાંસનો અંકુર’, આંધળી ગલી’, ‘આંગુતક’ અને ‘અનુસંધાન’ તેમની લઘુનવલકથાઓ છે. કુટુંબજીવન અને સમાજજીવનના અનેક પ્રશ્નો તેમની કથાઓમાં સૂઝપૂર્વક આલેખાયા છે. વિશિષ્ટ કથાવસ્તુ, પાત્રો અને પરિવેશ કડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવીની લાગણીઓનું આલેખન કરે છે. ‘પરદુઃખભંજન પેસ્તનજી’, ‘ગગનનાં લગન’ વગેરે તેમનાં હાસ્યરસનાં પુસ્તકો છે. ‘પહેલું ઈનામ’, ‘પંખીનો માળો’ અને ‘વિનાશને પંથે’ તેમના નાટ્યગ્રંથો છે. ‘ભવની ભવાઈ’ ફિલ્મનું પટકથા લેખન પણ ધીરુબહેનનું છે. ‘નમણી નાગરવેલ’ એ એકાંકીસંગ્રહ છે. તેમનાં ‘મનનો માનેલો’, ‘માયા પુરુષ’ રેડિયો નાટકના પુસ્તકો છે. ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’, ‘બતકનું બચ્ચું’ અને ‘મિત્રનાં જોડકણાં’ વગેરે તેમના બાળસાહિત્યને લગતાં પુસ્તકો છે. આ ઉપરાંત એમણે અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. એમને ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ‘આગુંતક’ નવલકથાને ૨૦૦૧ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થયા છે.

પ્રસ્તુત વાર્તામાં મદ્રાસથી મુંબઈ નોકરી કરવા આવેલો રાઘવન સહકાર્યકરોથી અતડો રહી, પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. આ કારણે એ શેઠનો માનીતો બન્યો, પણ સહકાર્યકરોમાં અપ્રિય બન્યો. સૌની મજાક-મશ્કરીનું પાત્ર બન્યો. રાઘવનના અતડાપણા પાછળ ને કામના ઢસરડા પાછળ એની ગરીબાઈ, કૌટુંબિક જવાબદારી અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવાનું ધ્યેય કારણભૂત છે, એવું સાથીઓને જ્યાં સુધી સમજાયું નહિ ત્યાં સુધી રાઘવન અને એના સહકાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. પણ રાઘવનની ગંભીર માંદગીના પ્રસંગે રાઘવનને તેનાં સાથીઓની પ્રેમ અને સહાનુભૂતિનો તો એ સાથીઓને રાઘવનની ગરીબીમાં પણ ટકી રહેલી અભ્યાસની ધગશનો ખ્યાલ આવે છે. સમજણની આ ભૂમિકા બંધાયા પછી અંતર ઘટી જાય છે. હદયની એકતા સ્થપાય છે. આપણે જુદા જુદા પ્રાંતના રહેવાસીઓ હોઈએ તો પણ એક જ રાષ્ટ્રના નાગરિક છીએ એવો રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ વાર્તામાં રહેલો છે.

* * * * * * *

નાનો, એકવડિયા કાઠાનો સ્વપ્નશીલ આંખવાળો રાઘવન જ્યારે ઑફિસમાં પહેલી વખત આવ્યો ત્યારે તો સૌ કોઈએ તેને હસી જ કાઢ્યો હતો. તે સ્વભાવે ગંભીર હતો, કામ વગર ભાગ્યે જ બોલતો. એટલે લાગતો નિરુપદ્રવી એમ છતાં થોડાક જ વખતમાં તેની સામે જરા જેવા વિરોધનો વાવંટોળ જાગ્યો.

વાત એમ હતી કે મદ્રાસની બાજુના કોઇક ગામડામાંથી પહેલી વખત મુંબઈ આવેલા એ રાઘવનના નાનકડા દેહમાં કંઈ અજબ સ્ફૂર્તિ ઊભરાતી હતી. હંમેશ તે કામ કરવા માટે તૈયાર જ હોય. વધારાનો સમય ઑફિસમાં રહેવું પડે તો કયારેય ન કંટાળે અને શનિ-રવિ ઘેર કામ લઈ જવામાં પણ તે પહેલો નંબર. એના આવા ગુણોને લઈને થોડા જ વખતમાં શેઠનો માનીતો થઈ પડ્યો અને કુદરતી રીતે જ બીજા ક્લાર્કો તેના તરફ અણગમાથી જોવા લાગ્યા. કારણ કે આ જુવાનડાની ઉત્સાહી કાર્યપદ્ધતિથી ઑફીસનું પેલું જૂનું ઊંઘરેટું વાતાવરણ ઝડપથી બદલાવા લાગ્યું હતું. અને એ ફેરફારમાં લગભગ બધા જ ઝપટાઈ જતા હતા.

ખાસ કરીને રંગીલદાસ તો એના પર ખૂબ ચિડાતા. ઑફિસમાં કામ સિવાયની જે કંઈ ઈતર પ્રવૃતિઓ કરવામાં આવતી તે બધામાં રંગીલદાસ મોખરે રહેતા. ક્યાંય ફરવા જવાનો કાર્યક્રમ હોય કે પછી રમતગમત કે નાટકસિનેમા, અરે! સાધારણ ચા – નાસ્તાની ગોઠવણ પણ હંમેશા તેમની સરદારી નીચે જ થતી. ઑફિસનો એ અબાધિત નિયમ હતો. તેમની આગેવાની હેઠળ, તેમના હુકમ હેઠળ સૌ કોઈ અંગત કારણોને બાજુએ મૂકી દઈ શિર ઝુકાવી દેતા અને જે એમ ન કરે તે રંગીલદાસના તીવ્ર કટાક્ષ અને હાસ્યાસ્ત્ર આગળ પરાજિત થઈ છેવટે તો આજ્ઞાધીન થઈ જ જતા.

આ રાઘવને એમાં વળી નવી ભાત પાડી. મહિનાની પહેલી તારીખની ઉજાણીમાં ભાગ લેવાની એણે રીતસરની ના પાડી દીધી. અને રંગીલદાસે પોતાની વિશિષ્ટ મશ્કરીઓ શરૂ કરી ત્યારે ગુપચુપ જઈને પોતાના ટેબલ આગળ બેસી કામમાં મચી પડ્યો. આજ લગીના ઇતિહાસમાં ઑફિસમાં કોઇએ છેક આવું તો નહોતું કર્યું. કરવાનું સાહસ પણ કોનામાં હતું? રંગીલદાસ અને એમના સાથીઓના અટ્ટહાસ્ય અને ઉપાલંભ સામે ટક્કર ઝીલવાની કોની હિંમત હતી? પણ તેમના એ દીર્ઘજીવી વિજય પર આ આજકાલના આવેલા મદ્રાસી છોકરાએ પાણી ફેરવી દીધું.

કન્યા જેવી લજ્જાશીલ આંખો નીચે ઢાળી દઈને તે સાંભળ્યું ન સાંભળ્યું કરી કામમાં જ મશગૂલ થઈ જાય. જતાં-આવતાં કાને અથડાતા વાક્યખંડો તો જાણે મનમાં જ સમાવી જાય. બહારથી તો તેના સલૂકાઈભર્યા પણ ગંભીર વર્તનમાં જરાયે ફેર વરતાવા ન દે. હા, ચહેરા પર અવારનવાર ચડી આવતી લોહીની ભરતી બહારની કાળી ચામડી નિપુણતાથી સંતાડી ન શકતી હોત તો કદાચ પેલાઓને કદાચ કંઈક ખ્યાલ આવત. તો કદાચ તેમની આ મૂર્ખાઈભરી ઠઠ્ઠામશ્કરી કંઈક મીજાનમાં રહેત.

આ તો દહાડે દહાડે કામ વધતું જ ચાલ્યું. રાઘવન મચક આપે નહિ ને પેલાઓ તંત મૂકે નહિ; દહાડો ઊગે ને કંઈક નવું તૂત નીકળ્યું જ છે. કોઈ દિવસ બહાર ફરવા જવાની વાત આવે, તો કોઈ વખત ઉજાણી ગોઠવાય. કોઈ વખત પત્તાં રમવાની યોજના ઘડાય, તો ક્યારે ટ્રેનને બદલે ટ્રામમાં ઘેર પાછા જવાનું નક્કી થાય. રાઘવન હંમેશ અળગો જ રહે ને પેલાઓ ધરાર એને ઘસડવા પ્રયત્ન કરે. એમાંથી જે ઘર્ષણ જાગતું તેથી રંગીલદાસ અને એમના મિત્રોને તો મજા પડતી, પણ નાજુક સ્વભાવનો રાઘવન બળીઝળીને અડધો થઈ જતો.

શું કામ આ લોકો પોતાની પાછળ પડતા તે એ ન સમજી શકતો. એની આંખ આગળ પોતાની જન્મભૂમીનાં હરિયાળાં ખેતરો ને પાણીભર્યા કુંડ તરવરતા. મોટા મોટા પાણા કોઈ બાળકે રમતમાં ખડક્યા હોય એવા એ વતનના ઢંગધડા વગરના ડુંગરા તેને મન સુંદરતાની અવધિ બનીને હદયને વિહવળતાથી ભરી દેતા. નાનકડી બહેન અને નિશાળમાં ભણતો ભાઈ યાદ આવતાં, અને એવે સમયે માણસોથી ખદબદતી આ નગરીમાં રાઘવન જાણે સાવ એકલો થઈ જતો. વતનના સાદને માંડ માંડ મહત્વકાંક્ષાના ડૂચા વડે ખાળતો રાઘવન ત્યારે જાણે હતો તેથીયે નાનો બની જતો, એકલો અને અસહાય!

સ્વભાવે કંઈ તે કંજૂસ નહોતો, દોસ્તી બાંધવી શું તેને નહોતી ગમતી? પણ કરે શું? આના-આના, પાઈ-પાઈની તેને આજે કિંમત હતી. સવાસોના પગારમાંથી સિત્તેર તો તે કાકા-કાકીને મોકલતો. એ જ તેનાં મા-બાપને સ્થાને હતા. ભણવાની હોંશ મનમાં લઈને, ભવિષ્યમાં મોટો માણસ થવાની આશાએ તે ભાઈબહેનને તેમને ભણાવીને મુંબઈ આવ્યો હતો. લાખ લાખ દિવાથી ઝળહળતી આ નગરીએ તેને જાણે મંત્રમુગ્ધ કર્યો હતો. અહીં જ તેનું નસીબ ખીલવાનું હતું, અહીં જ તે પોતાની સાચી ઓળખ દુનિયાને આપવાનો હતો.

પણ આ બધું કેવી રીતે રંગીલદાસને કહે? કેવી રીતે તે તેમને સમજાવે કે પોતાનો બધો ખર્ચ કાઢીને તે આવતા વર્ષમાં કૉલેજમાં દાખલ થવા માટે પૈસા બચાવતો હતો! એટલા જ માટે ઑફિસમાં બને તેટલો વધારે કામનો ઢસરડો કરી શેઠને રીઝવવા મથતો હતો! તેથી જ તો આખા દિવસને અંતે શરીર કળી પડે તોયે તે ટ્યુશન કરવા જતો અને રાત પડ્યે વાંચવા બેસતો. કાયમના ઉજાગરાથી થાકેલી અને લાલ લાલ આંખો રંગીલદાસના ટીખળને ન સત્કારે તેમાં રાઘવનનો શો વાંક? સ્વભાવે તે કંઈ માણસગંધીલો નહોતો. એ બધા મોજીલા-મશ્કરા સાથીઓ તો પહેલા પહેલા તો તેને ગમી ગયા હતા. પણ પછી રોજની આ મથામણથી તે થાક્યો. પહેલાં માત્ર શરમથી મોઢું સંતાડતો તેને બદલે કંઈક અણગમો અનુભવવા લાગ્યો. સખતાઈથી, વિરોધભર્યા દિલથી તે પોતાના કામના બોજા હેઠળ વધુ ને વધુ સંતાતો ચાલ્યો. તેની અને બીજા કાર્યકરો વચ્ચે ખાઈ વધારે પહોળી થવા લાગી.

અને એ બધાં હતા પણ કેવા? સાવ જડ. પોતાનાં સ્વપ્નાં, પોતાની મહેચ્છાઓ તે કદી તેમને કહી શકે તેમ નહોતું, અને કહેવા જાય તોય ઉપહાસ સિવાય બીજું શું મળે? તેથી જ તેણે બીજું વરસ શરૂ થતાં પોતાના પાઈ-પાઈ કરીને બચાવેલા પૈસાથી કૉલેજની ફી ભરી ત્યારે એ બધાં કોઈ રીતે જાણી ન જાય એની પૂરી તકેદારી રાખી.

એમ છતાં પહેલા બે મહિના વીત્યા અને રાઘવનનો શ્વાસ કંઈ હેઠો બેઠો તેવામાં જ ઓચિંતા એક સવારે આવી રંગીલદાસે કહ્યું; “કેમ, કાટપીટિયા! સાંભળ્યું છે?.. કૉલેજમાં કાલે મહેતા શેઠ ભાષણ કરવા ગયા હતા.” તેમની તે વખતે ગેલથી ઉભરાતી આંખો રાઘવનથી ન સહેવાઈ નહિ. પોતાની જગ્યા છોડી તે હાથ-મોં ધોવા ગયો. આખરે એ પોતાની વાત જાણી ગયા. હવેથી રોજ રોજ સહેવી પડનારી મશ્કરીઓની યાતનાથી ફફડી ઊઠેલા એના હૈયાને પ્રબળ ઈચ્છાશક્તિ વડે સ્થિર રાખતો એ પાછો સ્વસ્થ બનીને ટેબલ આગળ બેઠો ત્યારે તે રોજ કરતાં પણ વધુ એકલો હતો.

પછી તો જે ધાર્યું હતું તે જ બન્યું. રંગીલદાસની આગેવાની નીચે સૌ કોઈએ તેની કૉલેજની, પ્રોફેસરોની કંઈ ને કંઈ વાત કરવા માંડી. કદાચ રાઘવન તેના આળા દિલને બે ઘડી ભૂલી શકત તો તેને એ વાતો પાછળ ડોકિયાં કરતી નરી નિર્દોષ જીજ્ઞાશાને બાળક જેવું કુતૂહલ દેખાત. પણ એમ ન બન્યું. તેને તો એ બધાની ટોળટપ્પાભરી વાતચીત ભરી પાછળ પોતાને માટે અણગમો ને દ્રેષ જ દેખાયા, અને જાણે કે આત્મરક્ષણ માટે જ ફાઈલો અને ચોપડાઓના તરાપા પર બેસીને રોજ પેલાઓથી દૂર દૂર જવા માંડ્યો.

કોલેજના પહેલા વર્ષની પરીક્ષા પાસ કરી તે બીજા વર્ષમાં આવ્યો. પહેલો વર્ગ તેણે માત્ર ત્રણ માર્ક્સ માટે ગુમાવ્યો હતો. આ વખતે વિદ્યાપીઠની પરીક્ષામાં એવું ન બને તેટલા માટે તેણે પહેલેથી જ ભારે તૈયારીઓ આદરી. પહેલું સત્ર પૂરું થાય તેવામાં તો જોરજોરથી બળતા દિપકની જેમ પોતાની જાત ઘસી નાખી. નહીં કદી હરવું ફરવું કે કોઈ જાતનો આનંદ કરવો. પાઠ્યપુસ્તકો તેનો પ્રાણ બની ગયાં હતાં. અધ્યાપકોનાં ભાષણોના શબ્દેશબ્દ પર તે ઝૂમતો, અધ્ધર શ્વાસે એકાગ્રતાથી મનમાં જડી લેતો. આ જમાનામાં ભાગ્યે જ કોઇએ પેલી પુરાણા કાળની દેવી શારદાને રીઝવવા આવી કઠિન તપસ્યા આદરી હશે. અને તોયે જાણે અને અર્ધ્ય અધૂરો રહેવા સર્જાયો હોય તેમ અણી વખતે, બીજું સત્ર ખૂલવાની તૈયારી હતી તેવામાં અતિશય પરિશ્રમ અને ઊંઘ-આહારની તોછડને લીધે થાકેલી એની કાયા અત્યંત તંગ પણછની જેમ તૂટી જાય તેમ પટકાઈ પડી.

રોગ તો હવે વિષમજ્વર, અને આજકાલ એની દવાઓ પણ બહુ શોધાઈ છે. છતાં રાઘવને એ તાવે, જાણે પૂર્વજન્મનો વેરી હોય એમ, ખૂબ સતાવ્યો. શરીર આખું ધગધગી જતું. તાવના ઘેનમાં તે વારે ઘડીએ લવરીએ ચડી જતો. અને મનમાં નિશદિન બળી રહેલી ઑફિસના સાથીઓની વાત હોઠે આવી જતી. એક-બે વાર ઑફિસ તરફથી અને બે-ચાર વાર પોતાના અંગત દાવાથી રંગીલદાસ તેને જોવા આવી ગયેલા. પણ ઘણોખરો સમય બેહોશીમાં જ રહેતા રાઘવનને એ વાતનો ખાસ ખ્યાલ રહ્યો નહોતો. મહામહેનતે હાથ લાગેલી ભણવાની તક ચાલી જશે ભય તેને ખૂબ મૂંઝવતો. માંદગીને બીછાનેથી પણ એ આશાઓઅને ચિન્તાઓએ તેને છોડ્યો નહિ. ખૂબ દિવસ મનમાં સંઘરી રાખેલી એ વાતોએ સનેપાતના ઘોડા પર બેસી અલકમલકની સહેલ કરી.

અઢી મહિના પછી જ્યારે તે સાજો થઈને ઑફિસે ગયો ત્યારે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. થોડાઘણા બચતના રૂપિયા માંદગીમાં વપરાઈ ગયા હતા. અને ફરી આવતા વર્ષની તૈયારી માટે કરવાની વધારાની મહેનતનો વિચાર કરતાં તેના પગ ભાંગી પડતા હતા. આવતે વર્ષે તો વળી પાઠ્યપુસ્તકો પણ બદલાવાનાં હતાં. પણ આ વખતે તો ફીયે નહોતી ભરાઈ અને વર્ગમાં પણ નહોતું જવાયું, એટલે આટલું વર્ષ તો હવે જવા જ દેવું પડશે. અને આ વખતે તો પોતાના પહેલા વર્ગને માટે પ્રયત્ન કરવાનો તો. મનોમન જ કડવું હસી તે ટેબલ આગળ ગયો. પેલા બધા કેવા પોતાના કામમાં મશગૂલ હતા! કોઈને તેની સામે જોવાની, વાત કરવાની પણ ફુરસદ નહોતી! બીજું બધું તો ઠીક, કોઈ પહેલાંની પેઠે મશ્કરી કરવા પણ નવરું નહોતું. ઉદાસ અમને તે પોતાની જગ્યાએ જઈ બેઠો ને ખાનાં ખોલી બધું વ્યવસ્થિત કરવા લાગ્યો. બિલ-વાઉચરની ફાઈલ, પત્રવ્યવહારની… અરે, આ શું?

‘રાઘવનની આંખો જાણે જોયેલું ન માની શકતી હોય તેમ ખોડાઈ રહી. તેના હાથમાં કૉલેજની બીજા સત્રની ફી રસીદ હતી. નામ પોતાનું જ હતું; ‘કે. એ. રાઘવન.’ એ કેમ બન્યું હશે તે પૂરું સમજી શકે તે પહેલાં તેણે એક જાડી આછા તપખીરિયા રંગની ફઈલ જોઈ. એ ફાઈલ ખાનામાંથી બહાર કાઢી, પાનાં ફેરવી જુએ, તો પોતાના બીજા સત્રનાં તમામ ભાષણોની ખૂબ જ વિસ્તૃત, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી નોંધ ટાઈપ થઈને પડી છે! પહેલે પાને એક નાનકડું વાક્ય અંગ્રેજીમાં લખ્યું હતું; “રાઘવનને તેના સહકાર્યકરો તરફથી.”

આશ્વર્યથી તેણે ઊંચું જોયું ત્યારે તેના તમામ સાથીઓ હરખભેર તેની સામે જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર કેવી આશા દેખાતી હતી! પહેલી જ વાર જણાતો ક્ષોભ એમાંના એકેએકને કંઈક નવી જ મૃદુતા અર્પતો હતો. રંગીલદાસ જાણે શબ્દો શોધતા હોય એમ કંઈક ગર્વથી, કંઈક શરમથી તેની સામે જોઈ રહ્યા હતા.

એકાએક તે સમજ્યો, અને તેના કંઠે ડૂમો બાઝ્યો. એ બધાએ-તેના જેવા જ સામાન્ય સ્થિતિના માણસોએ પોતાના પૈસા ભેગા કરીને તેની ફી ભરી હતી. તેનો અભ્યાસ ન બગડે તેટલા સારું આ પાકટ વયના, જુદીજુદી કોમના લોકોએ કૉલેજમાં જઈ તેને માટે વ્યાખ્યાનોની નોંધ તૈયાર કરી હતી! અને પોતે – પોતે તો હંમેશ તેમને અન્યાય કર્યો હતો, તેમનાથી દૂર નાસતો ફર્યો હતો. પોતાની નાલાયકીનો વિચાર કરતાં રાઘવનની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. આભારનો એક શબ્દ પણ તે બોલી ન શક્યો.

રંગીલદાસ સમજ્યા. તે આગળ આવ્યા. જાણે સાવ સામાન્ય વાતા હોય તેમ તેમણે રોજિંદી ઢબથી કહ્યું; “અરે દોસ્ત! બે-એક મહિનાથી ઘરમાંથી બધાં દેશમાં ગયાં હતાં. ઘેર જરાયે ગોઠતું નહોતું. થયું ચાલો એક દહાડો રાઘવનની કૉલેજ તો જઈ આવીએ. પણ પ્રિન્સપાલ સાહેબ બહુ ભલા માણસ છે. કહે ‘ઈચ્છા હોય ત્યાં સુધી આવો, અમને જરાય વાંધો નથી.’ એટલે આપણે તો….. સમજ્યા ને, રાઘવન! એક કાંકરે બે પક્ષી, સવારનો વખત ક્યાં ગયો તેની ખબર ન પડી ને ઉપરથી બે આંકડા જાણવાના મળ્યા. વખતે તને કામ લાગશે એમ માની થોડું ઘણું લખી લીધું હતું.”

“અને ટાઈપ મેં કરીને આપ્યું છે. હોં રાઘવન!” શાસ્ત્રી બોલી ઊઠ્યો. તેના નિખાલસ ચહેરા ઉપર શાબાશીની આશા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

રાઘવન બોલવા ગયો, પણ તેનો સ્વર રૂંધાઈ ગયો હતો. આ બધા સામાન્ય લોકોની લાગણીએ તેને પરાજિત કરી નાખ્યો હતો.

ઓચિંતા જ રંગીલદાસ કંઈક ચિન્તાભર્યા સૂરે બોલી ઊઠ્યાઃ “હેં રાઘવન!’ એ બધા કહેતા હતા આ વખતે તારો ફર્સ્ટ ક્લાસ જશે, ખરી વાત?”

એ શબ્દો એ આખરે બંધ તોડ્યો. ખળ ખળ વહેતા રાહતભર્યા આંસુને જરા પણ શરમાયા વગર લૂછતો રાઘવન એક નવા આત્મવિશ્વાસથી બોલ્યો, “કદી નહીં, રંગીલભાઈ! આ બધું નકામું જશે? હવે તો મારે કોઈ પણ હિસાબે ફર્સ્ટક્લાસ લાવ્યે જ છૂટકો.”

અને આ સાથે જ બધાં માણસોનાં ચહેરા પર જે નિરાંત અને આનંદ દેખાયાં તેથી કદાચ રાઘવન પૂરેપૂરો જિતાઈ ગયો. તે દિવસની ઉજાણીમાં ને ત્યાર પછીના એકેય કાર્યક્રમમાં, ભલે પછી તે ગમે તેટલો મૂર્ખાઈ ભરેલો કેમ ન હોય, તે કદી ગેરહાજર રહી શક્યો નહિ.

– ‘એક લહર’ માંથી

બિલિપત્ર

રામચંદ્ર કહ ગયે સિયા સે, ઐસા ઈક દિન આયેગા
કહાં હુવા થા જનમ હમારા, હાઈકોર્ટ બતલાયેગા.
– એક એસએમએસ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ