મોબાઈલ અજબની વસ્તુ છે. ફક્ત બે માણસોને નહીં, બે વિચારધારાને, બે પેઢીઓને જોડતી એ અનેરી કડી થઈ રહી છે. પહેલાના સમયમાં ઘર છોડીને દૂર દેશાવર નોકરી કરવા જતા છોકરાંઓ પગે લાગે ને માતા પિતા તેને આશિર્વાદ આપતાં, ઘરમાથી તેને વિદાય આપતા આંખો ભરાઈ આવતી અને તેના જવાથી શૂન્ય થયેલાં ઘરના આંગણાં અને ઘરવાળાઓના જીવનમાં ઉદાસી છવાઈ જતી, સૂનકાર ભળી જતો.
ટપાલી ઘરના એક સભ્ય જેવા હતાં, ખુશીના કે દુઃખના, બધાંય અવસરોમાં એ સહીયારો ભાગ લેતાં. મહીને એકાદ કાગળનું પતાકડું આવે ત્યારે ટપાલી જ એ વાંચી આપે અને સારા સમાચાર હોય તો ટપાલીનું મોં મીઠું કરાવવાનું અને ખરાબ સમાચાર હોય તો એ પણ નદીએ નહાવા ઘરધણીની સાથે આવે. પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર જીવનનું એક અવિભાજ્ય અંગ હતું. પ્રિય પાત્રોએ લખેલા પ્રેમપત્રોને સંઘરી રખાતાં, એકનો એક પત્ર કેટલીય વખત વંચાતો. પણ વિકાસની સાથે સાથે આ સુવિધાઓ ભૂંસાતી ગઈ. પત્રો અદ્રશ્ય થઈ ગયાં. સંદેશાવ્યવહાર ઉત્ક્રાંતિની શરૂઆતમાં પેજર આવ્યા, જે વચેટીયા જેવા હતાં, પણ ટૂંક સમયમાં એ પ્રજાતિ નામશેષ થઈ ગઈ. પછી મોબાઈલ આવ્યા, અને છવાઈ ગયા, તેમની નવી નવી જાતો ઉત્તરોત્તર વિકસતી રહી, આજે કોમ્પ્યુટરનું કામ સુધ્ધાં કરી આપતા મોબાઈલ ઉપલબ્ધ છે. સંદેશ પહોંચાડવાના મૂળભૂત કાર્યની સાથે અનેક અન્ય સુવિધાઓ પણ એમાં મળી રહે છે. પણ પોસ્ટકાર્ડની મજા એ ક્યાંથી આપી શકે?
પતિ ક્યાં છે એ જાણવાનું શ્રેષ્ઠ સાધન એટલે મોબાઈલ, પત્ની કહે “ક્યાં છો?”, પતિ કહે, “ગાડીમાં છું અને ડ્રાઈવ કરું છું” તો સામેથી કહેવાય, “જરા હોર્ન મારો એટલે ખાત્રી થાય.”, કે પતિ કહે મંદિરમાં છું તો કહે “જરા ઘંટનાદ કરો એટલે ખબર પડે કે તમે કઈ દેવી પાસે છો.” આમ પરણિતો માટે એ સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર તરાપ છે, પણ શું થાય? કાયદામાંય એથી બચવાની જોગવાઈ નથી. (જો કે આજે કોઈકને ફોન કરો ત્યારે પાર્શ્વભૂમિકામાં ટ્રેનનો, ગાડીના હોર્નનો કે પ્લેનનો અવાજ મૂકી શકો એવી સુવિધાઓ પણ કોઈક ત્રાહિત પતિની જ શોધ હશે.) આજે શાળાએ જતા બાળકને જોઈને માતાનો જીવ ઉંચો થઈ જતો નથી, કારણકે બાળક શાળાએ જાય અને મોબાઈલની રીંગ રણકાવે. બહારગામ કે વિદેશ પણ ભણવા જતા લોકોને લઈને ઘરવાળાના મનમાં હવે કોઈ વિશેષ ભાવ રહ્યો નથી, પત્નિ પૂછે, “ક્યાં પહોંચ્યા….”, તો ભાઈ સાહેબ જવાબ આપે..”બસ, આ દુબઈ પહોંચ્યો છું…. બે ત્રણ કલાકમાં આવી જઈશ” તો સામે પત્નિ કહેશે, “ડ્યૂટી ફ્રી ઝોન માંથી ફલાણું લેતા આવજો.” હવે તો ચંદ્ર પર જવા આવવાનું થાય તો કદાચ થોડીક નવાઈ ઉપજે. આ અનોખી ઉત્ક્રાંતિમાં ટપાલીઓનો ખો નીકળી ગયો છે, એમનું કામ હવે મોબાઈલના અને ઈલેક્ટ્રીકના બિલ પહોંચાડવા પૂરતું જ રહ્યું છે. (સાહિત્યકારો માટે આભાર… સાભાર…. પરત… ના પત્રો ખરા… એ અંશે એમનો ટપાલીઓ સાથેનો નાતો જળવાયેલો છે, એટલે સાહિત્યમાં ટપાલ આજે પણ હાજર છે.)
જો કે વિદેશની શોધને ભારતીય ‘ટચ’ આપવામાં આપણો જોટો નથી, એવી જ એક સગવડ એટલે ‘મિસકોલ’. વેપારી ગુજરાતીઓની વ્યવહારૂ શોધ એટલે મિસકોલ. મિસ (થવા) માંથી મિસિસ સુધી પહોંચવાની પ્રક્રિયાનું અગ્રિમ સાધન એટલે મિસકોલ. મિસકોલનું પોતાનું એક ગહન શાસ્ત્ર છે. મિસકોલ ગરીબોનો સંદેશાવાહક છે તો કંજૂસો માટે એક દમડી બચાવવાનો અવસર. એ ગૃહીણી હોય કે કોઈ વિદ્યાર્થી, બધાને માટે ફોન કર્યાના મોહ વગર ફક્ત એકાદ બે રીંગ વગાડીને ફોન કટ કરવા જેટલી સહજતા એ આપે છે, પછી સામે વાળાને ગરજ હોય તો ફોન ગરજાવે. મિસકોલ એટલે જાણે કર્મ કર અને ફળની ચિંતા ન કર વાળી શીખનું મોર્ડન સ્વરૂપ. કૃષ્ણ ભગવાનના સમયમાં મોબાઈલની સુવિધા હોત તો ગીતામાં તેમણે કહ્યું હોત કે “કોલમાં હું મિસકોલ છું.”
આવા મિસકોલનું મહત્વ પ્રેમીઓએ ખાસ જાણ્યું છે, એક મિસકોલ એટલે હું કોલેજની બહાર તારી રાહ જોઊં છું, બે મિસકોલ એટલે મારા પપ્પા ઘરે છે, આજે ફરકતો નહીં, તો ગૃહિણીઓ પણ એમની સુવિધાઓ વધારવા આ યોજના વાપરે છે, એક મિસકોલ એટલે પતિએ કિલો બટાટા અને બે મિસકોલ એટલે એની સાથે એક લીટર દૂધ લેતા આવવાનું.
જો કે મોબાઈલ સુવિધાઓનો હજુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને પૂરતો પરિચય નથી. આવા જ કોઈ ગામઠી મિત્ર કસ્ટમર કેરમાં ફોન કરે તો શું કરી શકે તેવી સંભાવનાઓ સભર વાર્તાલાપ કેવો હોય એ આલેખવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. હજુ આવા સરળ લોકો આપણી નજીક વસે છે એ પણ એક હકીકત છે.
ગામડાનાં એક ભાઈ કસ્ટમર કેરમાં ફોન કરે છે, સામેથી ફોન ઉપડે છે અને ભાષા પસંદ કરવા કહેવાય છે.
“આ હારૂ, આંય ક્યાં કોયને દહ બાર ભાષાઊં આવડે સે…. દબવો ગુજરાતીનો ૧”
“બિલ સંબંધિત જાણકારી માટે ૧ દબાવો, કોલરટ્યૂન અને જીપીઆરએસ માટે ૨ દબાવો, અમારી નવી યોજનાઓ વિશે જાણવા ૩ દબાવો, અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિ સાથે વાત કરવા ૪ દબાવો.”
“કરો કંકુના… આ લો સાર દબવ્યું.”
“અમારા બધાં જ ગ્રાહક સેવા પતિનિધિ અન્ય કોલ્સમાં વ્યસ્ત છે, કૃપા કરી ફોન ચાલુ રાખો, આપનો કોલ અમારા માટે મહત્વપૂર્ણ છે.
પછી ઘોંઘાટીયુ સંગીત વાગ્યા કરે, વચ્ચે વચ્ચે ઉપરની જાહેરાત આવ્યા કરે.
“હારાવ, નવરીના બેઠા સયેં તમારા હાટુ, કયુંના એકનું એક ભઈડ ભઈડ કરો સો…..”
અને અચાનક ચોઘડીયું બદલાઈને ‘કાળ’ માંથી ‘અમૃત’ થઈ જાય, સૂરજ આડેથી વાદળો હટી જાય ને જેમ પ્રકાશ પથરાઈ રહે તેમ સામેથી કોકીલકંઠી કામણગારી કન્યાનો કર્ણપ્રિય સ્વર ગૂંજી ઉઠે..
“નમસ્કાર સર, આ-બૈલ મોબાઈલમાં આપનું સ્વાગત છે. હું જયા ઘસાણી વાત કરી રહી છું, મને આપની સહાયતા કરીને આનંદ થશે…”
“એ….ય, ને સીતારામ બે’નને..”
“મને આપની સહાયતા કરીને આનંદ થશે…”
“એ કંવ સું સીતારામ બે’ન ને”
“રાધેશ્યામ”
“બાપા સીતારામ”
“સર, હું આપની શું સહાયતા કરી શકું?”
“તી’ ઘરમાં કોઈ ભાઈ માણહ નથ? તમારે કાં ફોન ઉપાડવો પૈડો?”
“શું સર?”
“એ હાંભળવામાં તકલીફ સે કે? હંધુય બબ્બે વખત બોલવું પડે? ઘરમાં કોઈ મરદ માણહ હોય તો ઈ’ને ફોન આપો.”
“સર, આ ઘર નથી, તમે આ-બૈલ ના કસ્ટમર કેરમાં ફોન લગાડ્યો છે.”
“કોના ફેરમાં”
“ફેર નહીં, કેર…(જરા મોટા અવાજે) કેર…..કસ્ટમર્.. ગ્રાહક સહાયતા કેન્દ્રમાં આપે ફોન લગાડ્યો છે.”
“એ ઈ તો મને ખબર સે, તી તમારી હાર્યે જ વાત કરું?”
“હા બોલો, પણ એ પહેલા હું આપનું નામ અને નંબર જાણી શકું?”
“પૂસને, આખું ગામ ને પાંહેના કેટલાય ગામમાં ઓરખે સે આપણને, મારું નામ રામ … અરજણ રામ.”
“આપનો નંબર સર…”
“લખો ૯૦૦૭૦ ૦૭૦૦૭ , શાંતી?”
“હવે બોલો સર, શું મદદ કરું.”
“તી બેન, હું સું કવ સું, કે આ રોજ હવાર પડે ને રીગુ વાયગે રાખે, કટમ વાળાના ફોન વારેઘડીયું આવે, હરપંસની હાર્યે બેઠા હોય તયેંય તમારે ન્યાંથી કો’ક બેન ફોન કયરે રાખે, તી ઈવડી ઈ ઈના મનમાં હું હમજતી હસે? ઈ તો માતાજીની દયા સે કે તમારા બેનને ફોન ઉપાડતા આવડતો નથ નીં’કર ઈ હું વસારે? તમે તો બાધણાં જ કરાવો કે બીજુ કૈં? અમારા ઘર ભંગાવો તમીં તો.”
“ના હોય, અમે એવા કોઈ ફોન નથી કરતા સર.”
“કારકા માંના હમ, ખોટું બોલતો હોવ તો મને કોગરીયું થાય, લે, ઓલી બે સાર ગીતું વગાડે, ને પસી કેય કે સિતારા બટન દબાવો ને ફલાણું કરો ને, ઈ માયલા ફોન.”
“અચ્છા, એ તો સર, આપના માટે આ બૈલ તરફથી અપાતી ઓફરો હોય છે, ગ્રાહકો માટે અમે એવી વિશેષ સુવિધાઓ આપીએ છીએ.”
“નથ જોતી”
“શું?”
“એવી નકામીના પેટની ઓફરું નથ જોતી અમારે. અમારે હું એવા બે પાંસ રૂપિયા બસાવવા હાટુ તમારી પાંહે આવવુ પડે ઈવા ભૂખડીના લાગયે સયે તમને?”
“તો તમારે એ સુવિધા નથી જોઈતી સર?”
“એમ, લ્યો આ વળી નવું હાંભયરૂ, ઈ કકરાટ વડી હુવિધા કે’વાય?”
“એ ફોન કોલ તમારે બંધ કરાવવા પડશે.”
“તો કયુંનો હું ઈ સાલુ કરાવવા કંવ સું?”
“સર, મારી વાત હાંભરો… અરે… સાંભળો, આ કોલ આવતા બંધ કરવા તમારે ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવ કરાવવું પડશે.”
“એલી એ બેન, તું ક્યાં રેય સે? ગુજરાતમાં કે પરદેશમાં?”
“સર…??”
“કયુંની હું અંગ્રેજી ભૈડ ભૈડ કરેસ? સોખુ ગુજરાતી માંયલુ, હમજાય એવું કૈંક બોલ ને…”
“સર, તમારે અમારી એક સુવિધા જેનું નામ છે, “મને પજવશો નહીં” એ શરૂ કરાવવી પડશે.”
“તી તમારે કંઈ ભાન બાન સે કે નૈ? કો’ક ક્યે પસી જ તમીં ઈને પજવવાનું બંધ કરો, ન્યાં લગી તી …. હમણાં કૈંક બોલાઈ જાહે…”
“તમારે “મને પજવશો નહીં” એ શરૂ કરાવવી પડશે પછી જ આવા કોલ બંધ થશે.”
“તયેં મૂરત હારૂ જ સે, કર કંકુના ને કર ઈ સેવા શરૂ.”
“સર, એ માટે મારે તમને થોડીક વાર હોલ્ડ પર રાખવા પડશે.”
“વરી અંગ્રેજીની પત્તર….”
“સર, થોડીક વાર રાહ જુઓ, ફોન કટ ન કરતા.”
“હારૂ, હાલો, આ….. ફોન પકડી ને ભોળાનાથના મંદિરે બેઠો, આજ કાં તો ઈવડા ઈ ફોન બંધ થાય ને કાં તો ભરથરી થઈ જાવું સે ને ભેખ ધરી લેવો.”
“આભાર સર…”
“હું, ભરથરી થાવાનું કીધું એટલે?”
“ના, થોડીક ક્ષણો રાહ જોજો.”
“હારૂ”
પાંચેક મિનિટ પછી,
“સર”
“હા, બોલ બેન, હજી બેઠો સું, સંસાર અકારો નથ લાયગો.”
“આપના માટે મને પજવશો નહીં અમે શરૂ કરી દીધું છે.”
“હારૂ, તયેં આજે હાંજે ડાયરે ફોન લઈને જૈશ…”
“પણ… સર, એ ફોનને આવતા બંધ થતા પિસ્તાલીસ દિવસ થશે?”
“એલી એ બેન, તું ઓરખતી ન હોય તો કૈ દંવ, આ અરજણાતાના નામથી આંય કેટલાયની મીંદડી વીંયાઈ જાય સે, તને આજે બંધ કરવાનું કી’ધું તી તુને એટલું કામ કરતા પીસ્તાલી દી લાગે? હાળાવ હાવ નકામીના ભેગા થ્યા સો, આંય ગામડાં માલીકોરથી તમારા આ-બૈલનું પતાકડું ઉડાડી દૈશ”
“સર ઈ.. એ કાયદાકીય રીતે આપેલ સમય છે, એમાં મારું કાંઈ ન ચાલે… સરકારે જ એ પિસ્તાલીસ દિવસ નક્કી કર્યા છે, એટલા સમય પછી કોઈ ફોન આવે તો કહેજો.”
“ચોક્કસ વાત સે ને? મરદની જબાન…. અરે! તમને ક્યાં કીધું…”
“ચોક્કસ, …… સર આપની બીજી કોઈ સહાયતા કરી શકું?”
“ના બીજુ તો હું…. અરે હા, એક વાત ક્યો, ઓલી તમારી એડવર્ટાઈમાં બતાવે સે ઈવડું ઈ કુરકુરીયુ ક્યાં રાખો સો? થોડાક દી અમારી ભાણકીને ઈ રમાડવા જોઈ સે.”
“સર ? ?”
“ઓલી તમારી લાલ ને ધોળી એડવર્ટાઈ નથ આવતી? ઈમાં એક ધોળું કુરકુરીયુ હોય સે, ઘો ની જેમ સોંટેલું પાસળ ને પાસળ રયે, ઈ કુરકુરીયુ જોયે સે.”
“સર, ક્ષમા ચાહું છું પરંતુ એ અમારી યોજનાઓ અને સુવિધાઓની રૂપરેખા આપતી એડવર્ટાઈઝ છે, કૂતરાની નહીં.”
“તો પસી એવી કૂતરા માયલી એડવર્ટાઈ હું કામ દેખાડતા હયશો?”
“એનો અર્થ એવો છે સર, કે અમારી સેવા એ કૂતરાની માફક આપની સાથે સદાય રહેશે.”
“બિલ ન ભરું તોય?”
“…”
“તી ઈના કરતા હરવણ ને કાવડું ને એની માતરુભક્તિ ને ભેગા સારધામની જાતરાવું કરાયવી એવું કૈંક દેખાડતા હોવ તો સોકરા કૈંક તો હારુ શીખે…”
“બરાબર”
“તી તમને નથ ખબર કે ઈ કૂરકૂરીયુ ક્યાંથી લ’યાયવા’તા?
“ના સર.”
“હારૂ તો જાવા દ્યો”
“આપને બીજી કોઈ માહિતિ જોઈએ છે?”
“તમે અમારા ગામ કોર કો’ક દી આવો તો સોક્કસ મલજો, તમને મજા આવશે, આમેય કાઠીયાવાડ તો પરોણાગત હાટું પ્રખ્યત જ સે ને. ઓલા કાગબાપુનો દોવો હાંભર્યો સે કે નઈ?”
“…”
(ગાઈને સંભળાવે છે) “હે…. જી તારા આંગણીયા પૂસીને કોઈ આવે
આવકારો મીઠો આપજે હો જી….
કો’ક દી આવજો, તમારા ઘરવારા હારે કહુંબાપાણી કરહું.”
“ચોક્કસ સર, આ-બૈલનો સંપર્ક કરવા બદલ આપનો આભાર, આપનો દિવસ શુભ રહે.”
“એ….ય ને રામરામ બેનને….”
“આભાર” …. અને લાઈન કપાઈ ગઈ.
જો કે દરેક અનુભવ એટલો સરળ અને રસપ્રદ હોતો નથી. પરંતુ કસ્ટમરની કેર લેવા બનાવેલા આવા કેન્દ્રો કાળો કેર ન વર્તાવે એ જ અભ્યર્થના.
(આ લેખ કાલ્પનિક છે અને તેને લખવામાં ફક્ત નિર્દોષ હાસ્ય અને ગમ્મતનો જ હેતુ છે. કોઇની પણ મજાક ઉડાવવાનો કે દુભવવાનો ઇરાદો નથી કે કોઇ સંસ્થાની માનહાની કરવાનો પણ કોઇ હેતુ નથી. છતાં પણ જો કોઇ સમાનતા લાગે તો તે ફક્ત યોગાનુયોગ છે.)
– જીજ્ઞેશ અધ્યારૂ
આ પહેલા અક્ષરનાદ પરનો આવો જ એક લેખ, “એલફેલ પ્રિપેઈડ કસ્ટમર કેર” અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
Jigneshbhai, tamari rachna ma tame kalpana na ghodao sara eva dodavya chhe… maza avi gai aa-bail na customer care no vartalap vanchi ne…
વાહ જીગ્નેશભાઇ,
ગામઠીભાષા જોરદાર છે…
સવાર સુધરી ગઇ હો અમારી…