કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૨ 3


શૃંખલાની અન્ય કડીઓની જેમ જ આજે પ્રસ્તુત છે કેટલીક ઓછી જાણીતી પરંતુ સુંદર અને / અથવા ઉપયોગી વેબસાઈટસ. અહીં કળાને વહેંચવા, માણવા અને પ્રોત્સાહન આપવાની કોશીશ કરતી વેબસાઈટ છે તો ચિત્રો અને ગણિતિય સંજ્ઞાઓ / આલેખોથી સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરતી વેબસાઈટ પણ છે, બાયોડેટા બનાવવાની અને વહેંચવાની ઓનલાઈન અને મફત સગવડ આપતી વેબસાઈટ છે તો પ્રેરણાત્મક પોસ્ટરો અને અન્ય સાધનો પર તેની પ્રિન્ટ આપતી વેબસાઈટ પણ છે. આપને આ શૃંખલા કેવી લાગે છે, અહીં આપને કયા પ્રકારની વેબસાઈટ વિશે જાણવું ગમશે?

Deviant ART

એક સામાન્ય માણસમાં ક્યાંક ખૂણે રહેલા કલાકારને ઉગવાની વિકસવાની તક આપવા, કળાને વહેંચવા, માણવા અને પ્રોત્સાહન આપવાની કોશીશ કરવાના એક ભાગ રૂપે ઓગસ્ટ ૨૦૦૦માં ડેવિઅન્ટ આર્ટની શરૂઆત થયેલી. આજે ઈન્ટરનેટ પર સૌથી વધુ અવનવી કૃતિઓ ધરાવતી સૌથી પ્રચલિત કળા અને કૃતિઓ માટેની વહેંચણી માટેની વેબસાઈટ છે. ૧૩ લાખથી વધુ રજીસ્ટર્ડ વપરાશકર્તાઓ ધરાવતી અને મહીને ૩૫ લાખથી વધુ ક્લિક્સ ધરાવતી આ વેબસાઈટ જેટલી મોટી છે એટલી વિવિધતાભરી પણ છે. અહીં વોલપેપર, આઈકોન, પેઈન્ટ બ્રશ, ફોટોગ્રાફી, ફ્લેશ, વેક્ટર, ટેક્ષ્ચર જેવા વિવિધ પરીરૂપોનો ભંડાર છે. અવશ્ય બુકમાર્ક કરવા જેવી સુંદર અને ઉપયોગી વેબસાઈટ.

X K C D

Click on images to see full view

આમ તો આ શબ્દ ‘XKCD’ નો કોઈ અર્થ નથી, પરંતુ વેબવિશ્વમાં આ વેબસાઈટ ખૂબ પ્રચલિત અને ખૂબ સરળ સમજી શકાય તેવી અને મજાની રમૂજી વ્યંગચિત્રો અને ઠઠ્ઠાચિત્ર પ્રસ્તુત કરતી અગ્રણી વેબસાઈટસમાંની એક છે. આના સર્જક ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ છે અને પોતાના નવરાશના સમયમાં આવા અવનવા સર્જનો કરતા હતાં. જૂની ગણિતની ચોપડીઓ / ચિત્રકામના કાગળોમાંથી પસાર થતી વખતે તેમને લાગ્યું કે એમાં અમુક આકૃતિઓમાં અને ચિત્રોમાં સૂક્ષ્મ વ્યંગ છે અને એવાં ચિત્રો સાચવીને રાખવા જેવાં છે, એનું સ્કેનિંગ શરૂ કરી તેમણે તેમાંથી મજેદાર લાગે કે મલકાવી દે એવા હાસ્યચિત્રો / પંક્તિઓને ઓનલાઈન મૂકવાનું શરૂ કર્યું, અને જોતજોતામાં એમના સંગ્રહની જેમ વાંચકોનો સમુદાય પણ મોટો થતો રહ્યો. એનાથી પ્રેરાઈને તેમણે નવા ચિત્રો વધુ મહેનત સાથે સર્જવાનું શરૂ કર્યું, અને વાંચકોનો અપાર સ્નેહ તેમને મળતો રહ્યો. દર સોમ બુધ અને શુક્રવારે નવી પ્રસ્તુતિ કરતી આ વેબસાઈટની અમુક વ્યંગચિત્રોને તેમણે ટી-શર્ટ કે પોસ્ટર રૂપે વહેંચવાનું પણ શરૂ કર્યું અને હવે તેઓ પૂર્ણસમય આ જ કાર્ય કરે છે. સૂક્ષ્મ હાસ્ય સાથે મજાની વાત મૂકતી સરસ વેબસાઈટ. પ્રસ્તુત છે આ જ વેબસાઈટ પરથી બે વ્યંગચિત્રો.

Indexed

Click on images to see full view

ગણિતના આલેખોને અથવા ભૌમિતિક સંજ્ઞાઓનો અનોખા ધ્યેય સાથે ઉપયોગ કરી રોજે એક આલેખ અથવા સંજ્ઞાને પ્રસ્તુત કરતી આ વેબસાઈટ સમજવામાં ખૂબજ સહેલી પરંતુ મગજને થોડુંક કષ્ટ આપીને પિષ્ટપોષણ કરવા લાયક છે. ‘ઈન્ડેક્સડ’ ના સંચાલક જેસીકા હેગીએ આ વેબસાઈટ તેમની નજીકના અવલોકનો અને પરિસ્થિતિઓને ગણિતની ઉંડાઈઓમાં ઉતર્યા વગર સરળ સંજ્ઞાઓ અને આલેખોના માધ્યમથી પ્રસ્તુત કરી શકાય એ માટે બનાવેલી. જો કે એ પછી તો આ ખૂબ જ વિસ્તાર અને ચાહના મેળવી, ટાઈમ મેગેઝીને તેને ૨૦૦૮ ના પ્રમુખ બ્લોગ્સમાં સ્થાન આપેલું. આ વેબસાઈટમાંથી બે ચિત્રો અત્રે પ્રસ્તુત કર્યા છે. એકેએક ચિત્ર માણવાલાયક જ હોય છે. અવશ્ય બુકમાર્ક કરવા જેવી અને સમયાંતરે મુલાકાત લેવા જેવી વેબસાઈટ.

DeMotivators

પ્રોત્સાહન અને પ્રેરણાની જરૂર દરેક માણસને ડગલે ને પગલે પડે જ છે. એકાદ શબ્દ – એકાદ એવું વાક્ય સાંપડી જાય જે નવી કેડી કંડારવામાં મદદ કરી શકે, નકારાત્મક વિચારોને અને હતોત્સાહી મગજને તે ચેતના અને ઉત્સાહનો નવો તણખો પૂરો પાડી શકે. ‘ડીમોટીવેટર્સ’ પોતાના નામથી તદ્દન ઉંધુ કામ કરતી વેબસાઈટ છે, ઉપરોક્ત લિંકમાં તમને મળશે અનેક પ્રેરણાદાયી સુવાક્યો, પોસ્ટરો અને વિચારો. એ વિચારોને ટીશર્ટ ઉપર અને એવી અનેકવિધ જગ્યાઓએ પ્રિન્ટ કરાવીને ખરીદી શકાય એવી સગવડ પણ અહીં અપાઈ છે. ઈ. એલ. કર્સ્ટનની આ વેબસાઈટ આજકાલ ખૂબ વખણાઈ રહી છે, તેમની કૃતિઓ ખૂબ વેચાઈ રહી છે.

Cocktail Database

તમે જેમ્સબોન્ડના ચલચિત્રો જોયા છે? (કોણે ન જોયા હોય?) એ જાસૂસની અનેક ખાસીયતો અને વિશેષ અદાઓની વચ્ચે ઉડીને આંખે વળગે તેવી હતી તેની બારમાં ઓર્ડર આપવાની અદા – “અ વોડકા માર્ટીની, શેકન એન્ડ નોટ સ્ટર્ડ”. (જો કે કસીનો રોયલમાં કહે છે, “અ વેસ્પર માટીની, શેકન, નોટ સ્ટર્ડ”). નવરાશના સમયમાં એક વખત આ વોડકા માર્ટીની શું હોય છે તે જાણવા ગૂગલ સર્ચ કર્યું, અને એમાં સૌથી સુંદર રીતે અનેક કોકટેઈલની વિગતો સાથેની આ વેબસાઈટ મળી આવી. (બોન્ડની પ્રિય વોડકા માર્ટીની કેમ બને છે અને તેના વિવિધ ઉમેરણો વિશે જાણવા અહીં ક્લિક કરો.) જો કે ગુજરાતીઓ માટે આ વેબસાઈટ આમ તો નકામી છે (!) છતાંય અહીં આલ્કોહોલીક ન હોય એવી પણ કેટલીક ફ્રૂટ કોકટેઈલના ઉમેરણો અને માપ આપ્યાં છે.

CeeVee – Make CV Online in minutes

અત્યારના સમયમાં નોકરી બદલવી કે નવી શોધવી અને તે માટે બાયોડેટા બનાવવાથી લઈને અનેક કંપનીઓમાં આપવા, ઈન્ટર્વ્યુ આપવા અને મસલતો કરવી વગેરેથી ડરામણી (પણ ઘણી વખત અત્યંત ફળદાયી) પ્રક્રિયા બીજી કોઈ નથી. જો કે હવે અનેક નોકરી વિષયક વેબસાઈટ ઉપલબ્ધ છે જ. પરંતુ ઉપરોક્ત વેબસાઈટ ઓનલાઈન બાયોડેટા બનાવવાની સરસ સગવડ આપે છે, ફેસબુક ખાતાથી અહીં લોગિન થઈ શકાય છે અને બાયોડેટા એક વખત બની જાય પછી પીડીએફમાં ડાઊનલોડ પણ કરી શકાય છે, તો ટ્વીટર અને ફેસબુક પર પણ મૂકી શકાય છે.

આ શૃંખલાની અન્ય કડીઓ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૨