“આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થઈ રહ્યું” જેવી ધ્રૃવપંક્તિ જેના શીર્ષપૃષ્ઠ પર અંકિત છે એવા અમદાવાદના શ્રી શંકરભાઈ લ. પટેલ દ્વારા સંકલિત સુંદર બોધપ્રદ અને ચોટદાર ટૂંકા પ્રસંગો અને મરમી વાતો સાથેનું પુસ્તક”પ્રેરણાનું પુષ્પ” પુષ્પ – ૨, એક શુભેચ્છક દ્વારા મને ભેટ મળ્યું. ઘણાં વખતે અનેક પુસ્તકોની વચ્ચેથી જેના વિધાનો સીધી અસર કરે એવું કોઈ પુસ્તક વાંચીને ખૂબ આનંદ થયો. એ જ પ્રેરણાદાયી પુસ્તકમાંથી અત્રે કેટલાક પ્રેરણાપુષ્પો લીધાં છે. દરેકે દરેક પુષ્પની આગવી સુવાસ, પોતાની સુંદરતા અને સંદેશ છે.
દુઃખ વિનાની જિંદગી જીવવાની રીત – સંત મીખાઈલ નેઈમી
જાણે તમારા દરેકે દરેક વિચાર આકાશના તેજસ્વી પટ પર સ્પષ્ટ રીતે અંકિત હોય અને પૃથ્વીની દરેક ચીજ તેમજ વ્યક્તિ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે એ યાદ રાખીને જ વિચાર કરજો – હકીકતે આ વાત સાચી છે.
જાણે આખી દુનિયાના કાન એક જ હોય અને તમે બોલો છો તે દરેકે દરેક શબ્દ દરેક વ્યક્તિને સંભળાય છે એમ જાણીને જ શબ્દો બોલજો – હકીકતે આ વાત સાચી છે.
તમે કરો છો તે દરેક કામનો પ્રત્યાઘાત તમારા માથા પર થવાનો જ છે એ સમજીને જ એ કામ કરજો – હકીકતે આ વાત સાચી છે.
જાણે સત્યસંકલ્પ કરો છો તે જ રીતે બરોબર સંકલ્પ કરજો – હકીકતે આ વાત સાચી છે.
ભગવાનને પોતાનું કામ કરવા માટે તમારી જ જરૂર છે એવું સમજીને જ જીવો – હકીકતે આ વાત સાચી છે.
મુક્તિ – રામકૃષ્ણ પરમહંસ
એક શેઠ હતા, તેમને ઘરે એક સંતપુરુષ અવારનવાર અતિથિ તરીકે આવતા. શેઠ ઘણી વેળા સંતને કહેતા – “મને સંસારના બંધનમાંથી છોડાવો.! મને મુક્ત કરો”
સંતપુરુષ તેમને ઉપદેશ આપતા. છતાં શેઠ પોતાની માગણી કર્યા કરતા – “મને મુક્ત કરો!”
એક દિવસ ઘરનો એક થાંભલો સજ્જડ રીતે પકડી રાખીને સંતપુરુષ વારંવાર શેઠને કહેવા લાગ્યા – “શેઠજી ! મને છોડાવો.” શેઠ કહે, “તમે તમારી જાતે જ કેમ નથી છોડી દેતા?” સંતે જવાબ આપ્યો, – “નહીં, તમારે જ મને છોડાવવો જોઈએ.”
શેઠે કહ્યું, “વાહ! આ તો ખરી ગમ્મતની વાત! તમે પોતેજ થાંભલાને પકડી રાખ્યો છે. – અને તમે મને તમારી મદદે આવવા બોલાવો છો?” સંતે થાંભલો છોડી દઈને કહ્યું, “તમારી વાતનો પણ આવો જ ઘાટ છે. સંસાર તમને વળગ્યો નથી, તમે સંસારને વળગ્યા છો!”
શેઠ સંતની વાતનો મર્મ સમજી ગયા.
પૈસાનું ગ્રુપ તપાસ્યું છે?
પૈસાનું ગ્રુપ તપાસ્યું છે?
મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે.
જ્યારે અગ્નિ સસ્કાર બાદ તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું, જેમાં ખિસ્સું ન હોય
ને જિંદગીનું છેલ્લું કાપડ કફન, એમાંય ખિસ્સું ન હોય તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટલી દોડધામ શા માટે?
લોહી લેતા ગ્રુપ ચેક કરાય છે, પૈસા લેતા જરાક ચેક કરજો, એ કયા ગ્રુપનો છે? ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ આજે ઘરમાં અશાંતી, ક્લેશ, કકાશ છે. હરામનો ને હાયના પૈસા, જિમખાના ને દવાખાના, ક્લબો ને બારમાં પૂરા થઇ જશે.
બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય તો સમજવું કે પૈસો આપણને શ્યૂટ નથી થયો.
– ‘માનવ’ પુસ્તકમાંથી
વાચાની મર્યાદા – ચિત્રભાનુજી
મિત્રો,
બોલતાં આવડે તો જરૂર બોલજો. તમારી પાસે જગતને આપવા માટે નૂતન સંદેશ છે. એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો.
પણ …
તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓજ ઉભા થવાનાં હોય તો બોલતા હો તો પણ ન બોલશો.
આમ
મૂંગા રહેવાથી કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહીં થાય તો પણ અહિત તો નહીં જ થાય.
બિલિપત્ર
મૃત્યુ કોઈને સમેટવા માટે સમય નથી આપતું. આવીને ઉભું જ રહી જાય છે, તમને એ હાથ પકડીને લઈ જાય છે , એ ઘડી બે ઘડી રોકાવા પણ તૈયાર નથી. આવું મૃત્યુ તમારા દરવાજા પર નિરંતર ઉભું જ છે એવો ખ્યાલ સતત રહે તો બાકી બધું સુલભ છે.
– વિમલા ઠકાર.
સચોટ પ્રેરણા આપતાં આપનાં ” પ્રેરણાનાં પુષ્પો ” માણ્યાં. આનંદ થયો.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
just beautiful….
excellent and inspiring !!!!!
શંકરભાઈ પ્રેરણા પુષ્પો ઘણી બધી પ્રેરણા આપે તેવા છે .