તા. ૨૭ ડિસેમ્બર ‘૯૬
આજે અચાનક સ્લેટ ભૂંસીને એના પર કંઈક લખી જવાયું. જ્યારે જોયું, ત્યારે થયું, કૃષ્ણે રુક્મિણી પર લખેલો પહેલો પત્ર કંઈક આવો જ રહ્યો હશે. માટે કાયમ માટે આ સંઘરવું હતું, એટલે અહીં Reproduce કરું છું :
‘ આપણે ફક્ત સમયથી મજબૂર હોઈ શકીએ છીએ. આપણને બંનેને એકમેક પ્રત્યે સહાનુભૂતિ છે; એ જ પૂરતું છે. કોઈપણ સંબંધ સુધી પહોંચવા જેટલા પરિપક્વ બન્યાં નહીં. ક્યારે બનશું કેમ કહેવાય?
– ઉપરાંત આપણે એકમેકને ખૂબ ચાહીએ છીએ કે કેમ, એ સહેજેય નક્કી નથી. ક્યારેક મને જે લાગે છે, કે મારી એ હજુ સુધી ધૂંધળી રહેલી જીવનદ્રષ્ટિ તારા કરતાં વધુ પ્રિય હોય. તારા સહિત બધાંનેય કાંઈ ઓછો નથી ચાહતો ? પણ હું રહ્યો એક મનચલો, કવિ જીવ. જીવનને તું જે રંગમાં સ્વપ્નાવે એ મારાથી ન બની શકે. અત્યારે જોતાં જે સ્વર્ગ લાગે તે કાલે ઊઠીને હળહળતું નર્ક બને. હું જાગું ત્યારે મારાં બધાં કર્તવ્યોથી દૂર, મારી સ્વયંની નજરમાંથી સદાને માટે પડેલો મહેસૂસ થાઊં. મારું આત્મસમ્માન, મારી સિંહત્વના, મારી કુદરતપરાયણતાને મારી કર્તવ્યનિષ્ઠા, ગમે તે પરિસ્થિતિમાં લડી લેવાની મારી તત્પરતા, ખુમારી – આ બધું ગુમાવું. આ જાય પછી હું મારામાં ક્યાંથી રહું? આ જાય પછી હું મરેલ જ છું.
હું ક્યારેય ન ઈચ્છું કે હું એક નિર્માલ્ય, નામર્દ વ્યક્તિ હોઊં. ઉપરાંત વ્યક્તિ તરીકેનાં મારાં કર્તવ્યો તો ચાલુ રહેવાનાં જ. હાલની સ્થિતિઓ મને બદલવા યોગ્ય જ લાગી છે.પણ મારી આગવી રીતે ! જો મારા આ દ્રષ્ટિકોણને પુરસ્કૃત ન કરી શકું તો ખોટો ઠરું. આ પણ મને ન ગમે, કે જ્યારે હું એ એક જ બાબતને તપ કે સાધનાના સ્વરૂપમાં લઈ ચૂક્યો હોઉં. અને આ બધું શા માટે ! જીવનમાં ફક્ત ભોગવિલાસ કે આકર્ષણ મને ક્યારેય યોગ્ય નથી લાગ્યાં. જીવનને એવો દૈવી આયામ આપ્યા વગર, ન આપણી પેઢી જૂનું સંઘરી શકવાની છે કે ન નવું બનાવી શકવાની છે. જીવનના છેલ્લા શ્વાસ સાર્થક કરવા અને બને તો સાર્થક કરાવવા જ હું શ્વસું છું. બધે જે ફેલાય છે તેની ખરાબ અસરોથી હું વાકેફ છું. મારા મનુષ્યત્વને અભડાવે, મારી માનવતા ખોવડાવે એવું કાંઈ થાય એ માટેની શરૂઆત જ ન કરું અને મારા તપમાંથી ન ચળું એ મને અત્યાર સુધી યોગ્ય લાગ્યું છે. હું નથી કહેતો કે કોઈ સંબંધ આ બધા તરફ દોરી જાય, પરંતુ મારી ધારણા મુજબ જો કંઈ સંભવિત હોય તો તે આ છે.
હું અન્યાય પણ નહીં કરું ! મારા હ્રદયમાં એક આદરણીય, પ્રેમાળ, સમજુ દેવી તરીકે તું પૂજાતી રહેશે, પણ બંધનને સુલભ ન થવાય. તું મારા તરફથી મુક્ત રહેશે. મારી ભાવના કોઈ અપેક્ષાથી બંધાતી નથી. તું જ્યાં રહીશ ત્યાંથી પણ મને તારો અર્ઘ્ય પહોંચશે. ખુશ રહે તેવી અભ્યર્થના
કુશળ હશે… ! ‘
****
૮ સપ્ટેમ્બર ‘૯૭
‘અવ્યવસ્થાઓમાંથી વ્યવસ્થાઓ તરફનું પ્રયાણ, એ છે જીવન !’
– આજે ફોન પર એક વિચારશીલ, ઉત્સાહી છોકરી પાસેથી આ વાક્ય સાંભળ્યું, વિચારશીલતા સાવ મરી નથી પરવારી અને જીવનનો એ અવ્યક્ત ઝરો ક્યાંક વહ્યા કરે છે એની તાદ્દશ પ્રતીતિ !
સારું છે, અહીં પ્રયાણને મહત્વ અપાયું છે, નહિં તો જીવોથી ભરેલા આ જગતમાં ઉપર જણાવેલું જીવન ક્યાંય જીવાતું ન હોય એમ બનત ! ખરેખર હું હંમેશા આ પ્રયાણમાં રસ લેવા મથું છું. મોટા ભાગે રસ લઊં પણ છું, અને વાત પણ સાચી કે એ અવ્યવસ્થાઓમાંથી વ્યવસ્થાઓ તરફનું જ વલણ મોટા ભાગે હોય છે. સવાલ આ છે – એવું કયું સ્વપ્ન છે, જે આપણને આ અવ્યવસ્થાઓ સુધી લઈ જઈને પછી આપણામાંના એ સુષુપ્ત યોધ્ધાને એ વાક્ય કહી દે છે? જવાબ આપવાનું આ ક્ષણે એટલા માટે ટાળું છું, કારણકે આ વિચારો હમણાં અસ્થાને છે. છતાં મને ગમતાં જીવનને વર્ણવવાનું રોકી નથી શક્તો. જીવનનો જે ઘાટ હમણાં સુધીમાં ઘડાયો એ પછી એને શ્રેષ્ઠત્તમ રીતે જીવવા માટે જે કાંઈ ભાથું જોઈએ, એ જ સ્વપ્નોની ગરજ સારે. જો ને, મને કામ કરવું ગમે, બધાંને સાથે રાખીને સ્થિતિઓને નવો આકાર આપવો પણ ગમે. પાછું દરેક સ્થિતિને છોડ્યા પછી એમાંનું સત્વ ઘૂંટવું ગમે અને એ જ સચવાય અને એના થકી બધું વ્યવસ્થિત પાર પડે તે ગમે. જીવનની દરેક ક્ષણને શાશ્વતીમાં જીવવી ગમે. ઊંચા પહાડો, વનરાજી, ફૂલો, ઝરણાં, મિત્રો, વડીલો, બાળકો – બધું જ. બધાં જ ગમે અને મને આનંદીત કરી મૂકે, અને છતાંય એ બધાંમાં મને મારું સર્વસામાન્ય રૂપ ગમે. હવા અને ફૂલોની સુગંધ સર્વસામાન્ય, સાર્વજનિક હોય છે. કુદરતી અને સાહજિક બન્યા વગર આ ન સંભવે. એટલે નીડર, નિર્મમ, પ્રબળ જિજીવિષા, ગજબનાત કાતાક, અખૂટ સ્વાસ્થ્ય – આ બધું ગમે. પાછું આ બધાની સાથે ઓતપ્રોત થવાય એવું ભાવભર્યું કામ કરવાનું હોય તો એ પણ ખૂબ ગમે. અંતિમ ફેંસલો મારા હાથમાં – આ ક્ષેત્રમાં કોઈપણ અપાવિત્ર્યને હું સાંખી ન લઊં.
ટૂંકમાં જીવનનું આ સ્વપ્ન એટલે હાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ !
શાંત બેસી રહેવું સહેજેય ગમતું નથી. દોડવું છે, રસ્તાની તલાશ છે. બધી જ બેડીઓ તોડીને બેઠો છું.
કદાચ આવા તોફાનો કર્યા પછી જે આવશે તે ખરી શાંતિ હશે !
વિવેકાનંદે ‘કાલી ધ મધર’ નામના કાવ્યમાં લખ્યું છે, “જે કાળના મહાપ્રપાતોની સામે અડગ ઉભો રહેશે, જે જીવન અને મૃત્યુની વણઝાર સામે જ્ઞાનમૂર્તિ થઈ ઝઝૂમશે તેને જ મહાકાલ સ્વરૂપ મા કાલી સાક્ષાત મળશે.”
****
વડોદરાની મ. સ. યુનિ. માંથી ન્યુક્લીયર ફિઝિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ, પૂનાની ઈન્ટર યુનિ. સેન્ટર ઓફ એસ્ટ્રો ફિઝિક્સમાંથી મરણોત્તર પી. એચ ડી., જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ફેલોશિપ માટે આખા વિશ્વના દોઢસો ઉમેદવારોમાંથી પસંદગી પામનાર એક માત્ર ઉમેદવાર, કોસ્મોલોજીના ક્ષેત્રે ડો. જયંત નારલીકર જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકના શિષ્ય એવા શ્રી જાતુષ શેઠ જર્મનીની મેક્સ પ્લાન્ક યુનિવર્સિટીમાંથી સંશોધનકાર્યના પ્રારંભના દોઢેક માસ પછી સાપ્તાહિક રજાઓ ગાળવા ઈટાલીના પ્રવાસે જતા અકસ્માત મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી તેમણે મિત્રોને, સ્નેહીઓને લખેલાં પત્રો, તેમની ડાયરીના અંશો વગેરેનું સુંદર સંકલન કરી તેમના પિતા અને ભાઈએ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. આ પત્રો કે વિચારોનો સંચય સ્પષ્ટ રીતે તેમની અધ્યાત્મ દ્રષ્ટિ, મનનાં ઉર્ધ્વગામી વિચારો અને લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાનો સુંદર પડઘો પડે છે. અક્ષરનાદને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ પ્રો. વિપિન શેઠનો ખૂબ આભાર.
શ્રી ગુણવંતભાઈ શાહ પુસ્તકની શરૂઆતમાં લખે છે તેમ, “આ પુસ્તક, “ડૂબેલા સૂરજનું અજવાળું” નવી પેઢીના હજારો યુવાનો સુધી પહોંચે એવી અપાર સંભાવનાઓ છે, કોઈ ખરી પડેલા પુષ્પની સુગંધ ઓછી અસરકારક નથી હોતી. એ બીજા દસ વર્ષ જીવ્યો હોત તો ભારતને પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રનું નોબેલ પારિતોષિક અવશ્ય અપાવ્યું હોત એમ કહેવામાં અતિશયોક્તિ નથી.” ગુજરાતના અને ખાસ તો વડોદરાના પોતીકા એવા આ હોનહાર યુવાનની એ ડાયરીના પાનાં અને પત્રો વાંચવા એક મનોજગતની વિવિધ ભાવસૃષ્ટિઓમાંથી પસાર થવાનો લહાવો અને અવસર આપે છે, ક્યાંક આપણા મનમાં ઉઠતા પણ અક્ષરદેહે પ્રતિબિંબિત ન થઈ શકેલા વિચારોનો પડઘો પણ તેમાં આપણને મળી આવે.
આ જ પુસ્તકમાંથી તેમની ડાયરીના અંશો માંથી બે અંકો અત્રે પ્રસ્તુત છે. આ જ વિષય પર હજુ પણ એક પુસ્તક સમીક્ષાનો, પરિચયનો લેખ આપવાનો પ્રયત્ન ચોક્કસ કરવો છે. પુસ્તક મેળવવા સ્વ. શ્રી જાતુષના પિતાશ્રી પ્રો. વિપિન શેઠ (+૯૧ ૯૪૨૭૩ ૨૯૫૭૩) નો સંપર્ક કરી શકાય છે અથવા નજીકના બધા પ્રમુખ પુસ્તક વિક્રેતાઓ પાસે પણ પુસ્તક મળી રહેશે. મૂલ્ય છે ૧૫૦/- રૂ.
બિલિપત્ર
મૃત્યુ એટલે
ઝરણોનું ભળવું સાગરમાં
અને સાગરનું
વાદળ થઈ ગાગરમાં
મૃત્યુ અંત નથી,
વર્તુંળનો છેડો છે.
એ એક અનંત પ્રકાશ છે,
ઉલ્લાસનો ઉજાસ છે
– જીજ્ઞેશ અધ્યારૂ
ઉત્કૃષ્ટ વિચારો.
Pingback: બિલિપત્ર -જીજ્ઞેશ અધ્યારૂ « વિજયનુ ચિંતન જગત