We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી 2


હમ હોંગે કામિયાબ
હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ એક દિન,
મનમેં હૈ વિશ્વાસ…..

આપણા ગામડાંની નિશાળો સુધી પહોંચી ગયેલા આ ગીતનું મૂળ અંગ્રેજી સ્વરૂપ પણ આ દેશમાં ઘણું જાણીતુ થઈ ગયેલું છે.

We shall overcome; we shall overcome some day;
Oh deep in my heart, I do believe
We shall overcome some day ….

ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩ માં, કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં. એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું.

એ ગીતના ગાનાર હતા પીટર સીગર. ત્યાર બાદ તેંત્રીસ વરસે એ ફરી ભારતની મુલાકાતે આવ્યા. ૧૯૯૬ના નવેમ્બરમાં કલકત્તા ઉપરાંત દિલ્હી, બેંગલોર અને તિરુવનંતપુરમમાં એમના ગીતોનો કાર્યક્રમો યોજાયા. એ કેવો વિલક્ષણ જોગાનુજોગ કે ગુજરાતના એક લોકગાયકની શતાબ્દીના અરસામાં જ અમેરિકાના એ મહાન લોકગાયકનું આ દેશમાં પુનરાગમન થયું.

પીટર સિગરે ‘વી શેલ ઓવરકમ’ ની પ્રથમ ઘોષણા અમેરિકામાં ઘણાં વરસો અગાઊ માર્ટિન લ્યૂથર કિંગના સમાન નાગરિક હક માટેના આંદોલન વેળા કરેલી. મૂળ તો કોઈ હબસી અમેરિકન પાદરીએ રચેલા ભજનનો સિગરના કંઠેથી લલકાર થયો. અને દેશદેશાવરમાં એના પડછંદા ઉઠ્યા. જોતજોતામાં એ સમસ્ત વિશ્વનું સ્વાતંત્ર્ય ગાન બની ગયું. મૂળ ભજનમાં શબ્દો હતા – “આઈ વિલ ઓવરકમ”, તેમાં સહેજ ફેરફાર કરીને સિગરે ગાયું, “વી શેલ ઓવરકમ”.

ગીત સંગીતની દુનિયામાં એક ઓલિયા જેવા પીટરભાઈ પાંચ દાયકાઓથી સમાનતા, સામાજિક પરિવર્તન અને શાંતિ હાંસલ કરવા કાજે સંગીતનું શસ્ત્ર અજમાવી રહ્યા છે. એમનાં ગીતો લોકોને આનંદ સાથે જ્ઞાન આપે છે. ઉત્સાહિત અને રોમાંચિત કરે છે. જગતભરમાં ઘૂમીને મોટી જનમેદનીઓ સમક્ષ એમણે ગીતો ગાયાં છે, અન્યાયની સામે મસ્તક ઉઠાવનારાઓની પડખે ઉભા રહીને. ૧૯૭૦માં અમેરિકન પાટનગર વોશિંગ્ટન પરની વિરાટ લોક કૂચ વખતે એમણે જોન લેનોનનું મશહૂર ગીત ‘ગિવ પીસ અ ચાન્સ’ ગાયેલું.

સંગીતકારોના એક કુટુંબમાં ૧૯૧૯માં જન્મેલા પીટરભાઈએ વીસ વરસની ઉંમરથી જાહેરમાં ગાવાનું શરૂ કરેલું. કોલેજનો અભ્યાસ અધૂરો પડતો મૂકીને લોકગીતોનો અભ્યાસ કરવા એ લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ (અમેરિકન સંસદના ગ્રંથાલય) માં પહોંચી ગયા હતા. પછી લોકગીતો વિશે વધુ જાણકારી મેળવવા માટે પોતાનું તંતુવાદ્ય બેન્જો હાથમાં લઈને એ આખાય અમેરિકામાં રઝળવા નીકળી પડ્યા હતા. લોકગીતોના પુનરુદ્ધારની જે નવી ચળવળ અમેરિકામાં શરૂ થઈ તેમાં પીટર સિગર મોખરે હતાં. અમેરિકાના ખૂણે ખૂણેથી અને દુનિયા આખીમાંથી પણ એમણે લોકગીતો ભેગા કરવા માંડ્યા. અને પછી હબસીઓના ભજનો, શ્રમજીવીઓના ગીતો, યુધ્ધ વિરોધી ગીતો, પીડિતોના ગીતો – એમ તરેહતરેહના ગીતો એ ગાવા લાગ્યા. ઈન્સાનિયત માટેની ઊંડી ખેવનાથી એમનું ગાન તરબત્તર છે. માનવ આત્માનું અવિજેયપણું એ તેનો મુખ્ય સુર છે. સિગર ગીતો ગાય છે, તેમ પોતે લખે છે પણ ખરા અને ઘણી વાર બીજાનાં ગીતોમાં જરાક ફેરફાર કરીને તેને પોતાની પરંપરામાં પરોવી લે છે.

માનવજાતને સંગીતના સૂત્રમાં પરોવીને એક કરવા પીટરભાઈ મથતા રહ્યા છે. શોષિત પીડિત જનતાની પડખે એ નિરંતર ખડા રહ્યાં છે. વિયેટનામ યુધ્ધમાં અમેરિકાએ ભાગ લીધો તેનો વિરોધ કરવામાં એ મોખરે રહેલાં. વિયેટનામમાં ખપી ગયેલા જુવાનજોધ અમેરિકન સૈનિકો અંગે તે કાળે એમણે ગાયેલું શોકગીત ‘વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન’ વિખ્યાત છે. પાછળથી પોતાની આત્મકથાને પણ સિગરે એ જ નામ આપેલું, “વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન?”

સિગરે જે અનેક ગીતો ગાયેલા અને લોકપ્રિય બનાવેલા છે, તેમાં વિચાર અને ભાવનાની ઉદાત્તતાને કારણે જેની કવિતાનું સૌંદર્ય અનોખું બની આવ્યું છે તેનું નામ છે “ગ્વાન્તાનામેરસ”. ક્યૂબાના રાષ્ટ્રવીર હોઝે માર્ટીએ લખેલા સ્પેનિશ ભાષાના એ ગીતમાં માતૃભૂમી માટેની તીવ્ર મહોબતને કવિએ વાચા આપેલી છે. આ ગીત એટલું બધું લોકપ્રિય બન્યું કે અનેક ભાષાઓમાં અનુવાદિત થઈને જગતભરમાં એ ગવાય છે.

સિગર કુદરતના ભારે ચાહક છે. “સ્લૂપ ક્લીયર વોટર” નામની પોતાની સઢવાળી હોડીમાં હડસન નદી પર સહેલ કરતાં કરતાં એમણે પ્રદૂષણોના કારમા જોખમો સામે પોકાર કરેલો.

સિગર એટલે સાદગીના સામર્થ્યની કથા. મહાનગરી ન્યૂયોર્કથી સોએક કિલોમીટર ઉત્તરે હડસનને કાંઠે રમણીય કુદરતને ખોળે પતિ પત્નિએ હાથે બાંધેલા સાદા ઘરમાં પીટરભાઈ રહે છે. કુદરત અને પર્યાવરણનું રક્ષણ કરવાની એકમાત્ર પ્રવૃત્તિને હવે તેમણે પોતાની જાત અર્પણ કરી દીધી છે. અને નગરજીવનની કુત્સિતતા વિશેના ઘણાં નવા ગીતો પણ બેસાડ્યાં છે.

– મહેન્દ્ર મેઘાણી (ભૂમિપુત્ર પખવાડીક ૧૯૯૬)

બિલિપત્ર

We shall overcome, We shall overcome
We shall overcome some day …..

Oh, deep in my heart
I do believe
We shall overcome some day

We’ll walk hand in hand
We’ll walk hand in hand
We’ll walk hand in hand some day

We shall all be free, We shall all be free
We shall all be free some day …..

We are not afraid
We are not afraid
We are not afraid some day

We are not alone, We are not alone
We are not alone some day …..

The whole wide world around
The whole wide world around
The whole wide world around some day

We shall overcome, We shall overcome
We shall overcome some day …..

Composition by Charles Albert Tindley (1901)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી

  • ચાંદ સૂરજ.

    આ ગીતનાં પીતાંબરમાં વણાયેલાં એ ઐતિહાસિક ધાગાઓને ઉજાગર કરવા કાજે આપનો અને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનો આભાર.

  • Heena Parekh

    હું કોલેજમાં ભણતી હતી ત્યારે અરવિંદ આશ્રમ અને WWF દ્રારા આયોજીત ટ્રેકિંગ કેમ્પમાં નૈનિતાલ જવાનું થયેલું. ત્યારે અમને કેમ્પ દરમ્યાન આ ગીત શીખવવામાં આવ્યું હતું. પણ આ ગીતનો ઈતિહાસ અને તેના ગાયક વિશેની જાણકારી આજે જ મળી.