{ કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?}
આ પ્રયોગ પછી વિદ્યાર્થીઓની મનોભૂમિમાં વધુ પ્રવેશ કરવાનું મને મન થયું. વિદ્યાર્થીઓ પોતાની આંતરપ્રેરણાથી કેમ કવિતા સહજ રીતે સમજતાં શીખે, તે માટેનાં પ્રયોગ આદર્યાં. ઊમાશંકરનું ‘ગીત ગોત્યું ગોત્યું’ કાવ્ય લઈ એક વાર દસમી શ્રેણીમાં હું ગયો. સામાન્ય રીતે કવિતા શીખવતાં, આખા કાવ્યનો હું પાઠ કરું છું, આ વખતે એમ ન કરતાં મેં ગીતની શરૂઆતની ચાર કંડિકાનો પાઠ કરીને એ કંડિકાઓ રોલ અપ બ્લેકબોર્ડ પર લખી રાખી હતી, તે દિવાલ પર ટીંગાડી. એ કંડિકાઓ નીચે પ્રમાણે હતી.
અમે સૂતા ઝરણાને જગાડ્યું,
ઊછીનું ગીત માંગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનનાં પારણાંની દોરે
શોધ્યું ફૂલોની ફોરે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ગોત્યું વસંતની પાંખે
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે શોધ્યું સાગરની છોળે,
વાદળ હીંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
એ પછી ફરીથી મેં એનો પાઠ કર્યો અને કેટલાક વિદ્યાર્થીઓ એમાં મારી સાથે જોડાયાં. પછી મેં કહ્યું, “આ કાવ્યની આવી બીજી પાંચ કડી આપણા કવિએ આપેલી છે. તમારામાંથી કોઈએ આ કાવ્ય વાંચ્યું છે?” બે વિદ્યાર્થીઓના હાથ ઉંચા થયાં, એટલે મેં કહ્યું, “ઉમાશંકર ગીત શોધતા ઘણી જગ્યાએ ફર્યા છે અને પોતાના એ સાહસની વાત એમણે કુલ નવ કડીમાં કહી છે, એમની એ શોધની પૂરી વાત નરેન્દ્ર અને ચંદ્રકાંતે વાંચી છે. એમના સિવાયના તમે બધાં માત્ર આ ચાર કડી માં આવ્યું છે તેટલું જ જાણો છો. તો ચંદ્રકાંત અને નરેન્દ્ર હવે માત્ર પ્રેક્ષકો જ રહેશે અને આપણે બધા ઉમાશંકર સાથે જોડાઈ એમણે જે શોધ કરી તે રસ્તે ક્યાં જઈ શકીએ તેની શોધ કરીશું.”
વિદ્યાર્થીઓની આંખમાં ઉત્સાહ જોતાં મને સવિશેષ પ્રેરણા મળી અને મેં કહ્યું, “તો આ ચાર કડીમાં કવિએ ગીતને શોધતા ક્યાં ક્યાં ફર્યાની વાત કરી છે?” મારા પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે હોડમાં ઉતર્યા, એટલે મેં કહ્યું, “તો હવે આપણે ગીતની ક્યાં ક્યાં શોધ કરીશું?”
એક વિદ્યાર્થીએ કહ્યું, “અજવાળી રાતે આપણે એને શોધવા નીકળીએ તો કેવું?” મેં કહ્યું “સરસ, તો કવિની રીતે આપણે એ વાતને કેવી રીતે કહીશું?” તરતજ જવાબ મળ્યો – “અમે ગોત્યું તે અજવાળી રાતે.” મેં પૂછ્યું, “હવે બીજે ક્યાં શોધીશું?” એના પણ ઠીક ઠીક જવાબ મળ્યા, “એમાંથી ‘રાતે’ સાથે પ્રાસ મળી શકે એ રીતે આપણે શું મૂકીશું?” એ મારા પ્રશ્નના જવાબમાં “તારલાની સાથે” શબ્દો નક્કી થયાં એટલે બોર્ડ પર મેં લખ્યું,
અમે ગોત્યું તે અજવાળી રાતે
કે તારલાની સાથે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
સંઘમાં કાવ્યસર્જનનો એ એક અત્યંત પ્રેરક અને અવિસ્મરણીય પ્રસંગ હતો. એમાં શબ્દોની પસંદગી, એમના સ્થાનનો નિર્ણય, એ માટેના વિકલ્પો, એ વિકલ્પમાંથી છેવટની પસંદગી કેવી રીતે કરવી તેની ચર્ચા વિગેરે ઘણું બધું બહાર આવ્યું. ઉદાહરણ તરીકે, ધરતીની ‘પાટે’ ગીત શોધવાના સૂચનમાંથી નીચેની પંક્તિ બની, “અમે ગોત્યું કે ધરતીની પાટે.” એટલે ‘પાટે’ સાથે પ્રાસ મળે એવી પંક્તિની શોધ શરૂ થઈ. એ શોધ કેટલી બધી ફળદાયી હતી તે એ ઉપરથી જોઈ શકાય છે કે ‘પાટે’ સાથેના પ્રાસની શોધમાં ઘણું ખરું બહાર આવ્યું, જેમ કે, “વનરાની વાટે”, “નગરીની હાટે”, “ગંગાના ઘાટે” વગેરે. આવી રીતે આવેલા સૂચનોમાંથી છેવટની પસંદગી “ગંગાને ઘાટે” પર ઉતરી, ને નીચે પ્રમાણે કડી બની,
અમે ગોત્યું કે ધરતીની પાટે
કે ગંગાના ઘાટે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
બોર્ડ પર એ કડી ઉતારી મેં પૂછ્યું, “આ બરાબર લાગે છે?’ મારા પ્રશ્નથી કેટલાંક વિદ્યાર્થીઓને થયું કે આમાં કાંઈક ક્ષતિ રહેલી હોવી જોઈએ. એ અંગે ચર્ચા થતાં એક મુદ્દો એ બહાર આવ્યો કે આખી ધરતીમાં શોધી આવ્યા પછી કહેવું કે અમે ગંગાના ઘાટ પર શોધ્યું એમાં કેવળ પુનરુક્તિ થાય છે. અને એટલે અંશે કવિતા તરીકે કડી કૈંક મોળી પડે છે. અને ઔચિત્યની દ્રષ્ટિએ ગંગા પહેલા આવે અને પછી ‘ધરતીની પાટે’ આવે એ વધું યોગ્ય લેખાય, એવા મતની તરફેણમાં વર્ગનું વલણ થતાં નીચેનો પાઠ નક્કી થયો,
અમે ગોત્યું કૈં ગંગાના ઘાટે
કે ધરતીની પાટે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
આ પછી ‘ક્યાં-ક્યાં શોધ કરીશું ?’ એ પ્રશ્નનો જવાબ શોધવામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધ્યો અને જાતજાતના નવા સૂચનો આવ્યાં. તેમાંથી નીચે મુજબની કંડિકાઓ રચાઈ,
અમે ગોત્યું કૈં ડુંગરાની ધારે
કે દરિયા કિનારે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ગોત્યું કૈં હરિયાળી કુંજે
જ્યાં મધમાખી ગુંજે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે ગોત્યું કૈં વડલાની ડાળે
કે પંખીને માળે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
આમ ઉમાશંકરની કવિતાની ખૂટતી પાંચ કડીઓની જગ્યા વર્ગે પોતાની રીતે પૂરી દીધી. ઉમાશંકરે પોતાની બાકીની પાંચ કડી કેવી રીતે આલેખી છે એ જાણવા આખા વર્ગનું કુતૂહલ ઘણું વધી ગયું, ને એ જોતાં મને સંતોષ થયો કે કવિતાની શોધમાં અમે પકડેલી કેડી અમને યોગ્ય દિશામાં લઈ જાય છે. ઉમાશંકરના ગીતની પાંચમી કડી મેં જ્યારે સંભળાવી ત્યારે આખા વર્ગમાં અહોભાવ અને આશ્ચર્યનું વાતાવરણ ફેલાઈ ગયું. એ કડી આ પ્રમાણે છે.
અમે ગોત્યું કંઈ સેંથીની વાટે
કે લોચનને ઘાટે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
આ કડીનો મેં એક બે વાર ફરી ફરીને પાઠ કર્યો ને પૂછ્યું, “આપણે જે શોધ્યું અને ઉમાશંકરે જે શોધ્યું એમાં કાંઈ ફેર છે?” એક છોકરાએ જવાબ આપ્યો, “ઘણો બધો”. મેં પૂછ્યું, “કઈ રીતે?” એ જવાબ આપે એ પહેલા એક છોકરીથી બોલ્યા વગર રહેવાયું નહિં, “હું કહું છું.” મેં કહ્યું, “કેટલાને આમાં ફેર લાગે છે એ મારે જાણવું છે, તો જેને ફેર લાગતો હોય તે હાથ ઉંચા કરે.” ઠીકઠીક પ્રમાણમાં હાથ ઉંચા થયા. એટલે જે વિદ્યાર્થીએ પહેલો જવાબ આપ્યો હતો તેને જવાબ આપવા મેં સૂચવ્યું. તેણે કહ્યું, “ઉમાશંકર અમને હાથતાળી આપીને છટકી ગયાં. પહેલી ચાર કડીમાં એમણે કુદરતની જ વાત કરી અને આપણે એમની એ કડીએ ડુંગરની ધાર, દરિયો, ચાંદની રાત ને એવા બધાં કુદરતી તત્વોની શોધમાં નીકળી પડ્યાં. ઉમાશંકરને કુદરતમાંથી માનવજગતમાં જવાનું જે સૂઝ્યું તે અમને કેમ ન સૂઝ્યું?”
એના પ્રશ્નના જવાબમાં, કવિ માટે વપરાતા ‘દ્રષ્ટા’ શબ્દનો ઉલ્લેખ કરી, ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ ની પ્રચલિત ઉક્તિ યાદ કરાવી. કવિની દ્રષ્ટિ કેવી પારગામી હોય છે તેની વિદ્યાર્થીઓ સમજી શકે એવાં ઉદાહરણો આપી મેં ચર્ચા કરી. જે જોવા જેવું હોય તે આપણને કવિ જ્યારે બતાવે છે ત્યારે આપણને નવાઈ લાગે છે કે આ તો આપણે જાણતાં હતાં છતાં કેમ સૂઝ્યું નહીં?”
આ ચર્ચાથી એક વિચારબીજ વિદ્યાર્થીના મનમાં રોપાય એવી શક્યતા ઉભી થઈ. એ હતી, “કવિતા તો આપણાં અંતરમાં ક્યાંક પડેલી હોય છે, જે એ પ્રકારની સભાનતા, આપણા અંતરમાં રહેલું એ ગૂઢ કંઈક આપણને પણ કોઈક વાર કવિ બનવાના અકસ્માતનો લહાવો આપી શકે છે.
ઉમાશંકરની બીજી કંડિકાઓ સાંભળવા માટેનો વિદ્યાથીઓનો ઉત્સાહ અને કુતૂહલ વધી ગયાં હતાં એટલે બાકીની ચાર કડી પણ મેં આપી,
અમે ખોળ્યું શૈશવને ગાલે
કે નેહ નમી ચાલે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે જોયું જ્યાં સ્વરગંગા ઘૂમે
ને તારલાની લૂમે
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે જોઈ વળ્યા દિશદિશની બારી,
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
ઉરે આંસુ પછવાડે હીંચતું
ને સપના સીંચતું
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
આ ચાર કડીની ચર્ચા પણ અત્યંત રસભરી નીવડી. વાતાવરણ એવું સરસ જામ્યું હતું કે મારે લેવાના તાસ ઉપરાંત બીજા બે તાસ પણ લઈ લીધા. આ ચર્ચામાંથી વિદ્યાર્થીઓ સમક્ષ જે ચિત્રો આલેખાયાં, તેથી સંભવ છે કે કવિતા અંગેની તેમની સમજ વિશેષ વિકસી હોય. તેમણે એ અનુભવ્યું કે કવિતાનો જ્યાં સ્પર્શ થાય છે ત્યાં, એ દીપ્તિમંત તત્વ હોઈ, એમાંથી નવાંનવાં કિરણો પ્રગટતાં રહે છે ને આપણે કોઈ નવા જગતમાં પ્રવેશીએ છીએ.
{સમુદગાર ત્રૈમાસિક, માર્ચ ૨૦૦૯ ના અંક માંથી સાભાર. }
બિલિપત્ર
Where is the life we have lost in living? Where is the wisdom we have lost in knowledge?
– T. S. Elior (1888-1965)
અદ્ભુત અદ્ભુત !!! જાને નઝર સામે જ કવિતા રચાઇ ગઇ. ખુબ સુન્દર .
ખૂબ સુંદર !
કવિતાની સર્જાતી રંગોળીમાં કલ્પનાની પીંછી વડે પદનાં રંગો પૂરવાની એક અનોખી સૂઝ આપે બાળકોને પ્રદાન કરી, એક નવી દિશા ચીંધાડી દીધી. આપે ચીંધેલી કેડી પર ગીત ગોતવા નીકળે તો એ જરૂર જડે.
અદ્ભુત, અદ્ભુત, જીગ્નેશભાઈ ! અદ્ભુત.
તમે આજે પાયામાંથી જ કાવ્યસર્જનને સમજાવી દીધું છે. ઉ.જોની આ રચના અને એક સર્જક–શિક્ષકની સમજાવટમાં ભળ્યા બાળકોની કલ્પનાના તરંગો !! કેવું મજાનું સર્જનાત્મક વાતાવરણ ગુંથાઈ ગયું ?!
લેખના પ્રથમ ભાગે મૂકેલી મારી કોમેન્ટ વાંચીને આ માર્ગે આગળ વધવા સૌને વિનંતી સાથે…
સરસ! વાહ વાહ! સમુહ કવિતા સર્જનનો આ પ્રયોગ વિદ્યાર્થીઓમાં કવિતા માટે રસ જાગૃત કરી શકે એમ છે.