અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ) 3


અમે
અમારી કબર
પહેલેથી જ બનાવી
રાખી છે.
કોને ખબર
મૃત્યુ પછી
અમને
ક્યાં
સુવાડવામાં આવે?
અમારી કબર પર
અમે
ઓલપ્રૂફ વેધરનું લાકડું
જડાવ્યું છે.
ટાઢ ન વાય,
સૂવામાં સરળતા રહે
તે માટે તેમાં
ડનલોપની ગાદી મૂકાવી છે.
શરીર, આમ તો
ક્યારેય ગળ્યું નથી
હાડકા ગાળવા માટે
રીફાઈન્ડ મીઠું નાખજો
તેમ કહ્યું છે.
યમરાજાને
વારંવાર
પ્રાર્થીએ છીએ
પાશ ફેંકો … તો …
લાલ કરેણનો જ ફેંકજો
વૈતરણી નદી, અમે
પ્લેઈનમાં જ્
ક્રોસ કરીશું.
ચઢાવજો અમને
ફૂલો
પ્લાસ્ટીકના જ્
જેથી ચીમળાવાનો
પ્રશ્ન જ ન રહે
પાડો … તો …
મગરનું જ આંસુ પાડજો
તેઓએ
સંમતિસૂચક માથું હલાવી
હા, કહી છે
અમે અમારી કબર
પહેલેથી જ
બનાવી રાખી છે.

– દક્ષા દેસાઈ
(શબ્દાંચલ, ૧૯૮૪, પૃ. ૫)

માણસ જીવનની બધી તૈયારીઓ કરે છે, જીવવા માટેની બધી જ સુખ સગવડોની, સાધનોની, ઐશ અને આરામની તેઓ વ્યવસ્થા કરી રાખે છે પરંતુ જીવન પછીના સફરની તે કોઈ તૈયારી કરતો નથી. પ્રસ્તુત અછાંદસ ક્યાંક આ વાતની જ મજાક ઉડાવે છે. મૃત્યુ પછીની તૈયારીઓ એટલે સાધન સગવડોની તૈયારી કરવાની વાત કરીને કવયિત્રીએ અહીં આપણી સમજની નિષ્ફળતા દર્શાવી છે. માણસ પોતાની ભૌતિક સગવડોથી જીવન પછીની સફર પણ તોળવાનો યત્ન કરે છે, જે વ્યર્થ છે એમ સમજાવવાનો અહીં પ્રયત્ન છે. પ્રસ્તુત કાવ્ય શ્રી ઉષા ઉપાધ્યાયના સંપાદનમાં પ્રસિધ્ધ કાવ્યસંગ્રહ “શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ…..” માં થી લેવામાં આવ્યું છે.

બિલિપત્ર

શક્યતામાં ખ્વાબનું યે ચાલ રૂપાંતર કરીએ,
ને હકીકતની ઉપર પણ જાદૂમંતર કૈ કરીએ
હસ્તરેખાઓ તળે વિષધર લપાયા દર્દના સૌ…
કાશ, ડંખે પહેલાં, જન્માંતર પૂરો કરીએ…. !

– સંગીતા રાવલ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ)