મારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે 15


વિશ્વવિજેતા બાપને ય બે જ આંસુડે…
પરાજિત કરતી
અને
એ જ બે આંસુડે લાગણીના પૂરમાં ભીંજવતી
એનું નામ દીકરી

રમતાં, કૂદતાં, હસતાં, તોફાન કરતાં,
એ જ દીકરી ક્યારે આનંદના આંસુડા વહાવતી
એની ય ખબર નથી રહેતી

પપ્પાનો જન્મદિવસ તો જાણે મહોત્સવ જ …!
સરપ્રાઈઝ ગિફ્ટ આપવા
છાનીમાની ….!!
પણ, બધાને ખબર હોય એવી તૈયારી કરતી

ટચૂકડાં જાતે બનાવેલા બર્થ ડે કાર્ડમાં
ગરબડીયા અક્ષરોથી
સમસ્ત વિશ્વનું વહાલ ભરતી

સ્કૂલમાંથી મળેન નાની પીપરમિન્ટ
સાચવીને, ડબ્બામાં, વ્હાલ્કુડા ભાઈલા માટે લાવતી
અને
પોતે પીપરમિન્ટના પીત્તરપાનાંની
ઢીંગલી બનાવી જ ખુશ થતી

વર્ષોથી સાચવેલાં રમકડાં
નાના ભાઈલાએ તોડ્યાનો અફસોસ કરતી
પણ તોયે
ફરી બધાં નવાં રમકડાં ભાઈલાને આપતી

ક્યારેક દીકરી, ક્યારેક મિત્ર,
તો ક્યારેક
માં બની
સમજાવતી તો ખીજાતી પણ ખરી
તું દીકરી

તું દીકરી
વહાલનો દરીયો
અને તું જ આનંદની ગંગોત્રી
ગંગા સાસરે વહી જશે
એની ચિંતામાં
રાત્રે સફાળો બેઠો મને કરતી

ઘરનો તારા વિના…
શૂન્યાવકાશ
મારી દીકરી જ મારી ખુશી …

– હિમાંશુ દવે

ગુજરાત ના ભાવનગરમાં જન્મેલા હિમાંશુ દવે, ૩૭ વર્ષના અને છેલ્લા ૧૦ વર્ષથી બેંગલોર સ્થાયી થયેલ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનીયર અને એમ.બી.એ. – ફાઇનાન્સ, અત્યારે બેંગલોરમાં મલ્ટીનેશનલ કંપની માં ઉચ્ચ પદવી ઉપર કાર્યરત છે. ગુજરાતી કવિતા અને સાહિત્ય એ હિમાંશુ માટે શોખ, નિજાનંદ અને લાગણી વ્યક્ત્ત કરવાનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ઉપરોક્ત કવિતા, પોતાની ૧૦ વર્ષની દીકરી – ખુશી, કે જે હાલમાં અમેરિકાના વેકેશન પ્રવાસે છે અને તેના જન્મદિવસે, તેની યાદ આવતા, એક પિતાની – દીકરીને આપેલ – જન્મદિવસની ભેંટ છે. તેમની કલમે આવી અનેક રચનાઓ આપણને મળતી રહે તેવી શુભકામનાઓ.

બિલિપત્ર

જમીન પર દીવાલ
દીવાલમાં બારી
બારી પર પડદો
અને
આકાશને ઝંખનારાં આપણે
– રેખા સરવૈયા


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “મારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે