(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) 9


કહેવાય છે કે કલાનો ધર્મ વિવિધતામાં એકતાનું દર્શન કરવા – કરાવવાનો છે. પણ કોઈ કલા એકતામાં વૈવિધ્યના દર્શન પણ કરાવે તો એને નિભાવી લેવી જોઈએ. ગુજરાતી ભાષામાં આવી જ વિલક્ષણ કલા રહેલી છે. આમ તો દોઢેક કરોડ જેટલા ગુજરાતીભાષીઓના કક્કા બારાખડી સર્વસામાન્ય જ છે, પણ એ બારાખડીની ‘બોલી’માં – એટલે કે ઉચ્ચારમાં – એવું તો બહુવિધ બખડજંતર છે કે ગરવી ગુર્જરગિરા ‘ જૂજવે રૂપે અનંત ભાસે ‘ છે.

સુરત લેખકમિલનના માઈક ઉપરથી આપણી માતૃભાષાનાં લગભગ બધાં જ સ્વરૂપો સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થયેલો. ‘એકોઙહમ બહુસ્યામ’ જેવો આ બહુરૂપી પ્રયોગ સહન ન કરી શકનાર એક વક્તાએ તો ખીજાઈ જઈને સંભળાવી પણ દીધું કે, બધા જ લેખકોના ઉચ્ચારો અશુદ્ધ છે માટે પહેલાં તો ઉચ્ચાર સુધારતાં શીખો.

હવે પ્રશ્ન એ થાય છે કે શુદ્ધ ઉચ્ચાર કોને કહેવા અને અશુદ્ધ ઉચ્ચાર કોને ગણવા ? (કૃષ્ણમૂર્તિ જેવાને આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તેઓ તો ‘ઉચ્ચાર એટલે શું?’ થી જ સામી પૃચ્છા શરૂ કરે.)

સાંભળ્યું છે કે નડિયાદી નાગરો ગુર્જરગિરાનો એકહથ્થુ ભોગવટો કરતા ત્યારે ઉચ્ચારશુદ્ધિ માટે આચારશુદ્ધિ કરતાંય અદકો આગ્રહ – બલકે દુરાગ્રહ – રાખવામાં આવતો. માનો કે કોઈ માણસનું નામ મનઃસુખરામ હોય તો મન પછી ‘દુઃખના ચિહ્ન (વિસર્ગ)’ નો અણિશુદ્ધ ઉચ્ચાર ન થાય તો મનઃસુખરામને બેહદ મનઃ-દુઃખ થઈ જાય. કહેવાય છે કે એ જમાનામાં સાક્ષરોને આંગણે ટપાલ નાખવા આવનાર પોસ્ટમેન પણ સાક્ષરશ્રીના શુભ નામનો અશુદ્ધ કે અશુભ ઉચ્ચાર કરે તો એ ટપાલનો સખેદ અસ્વીકાર કરવામાં આવતો અને અભણ ટપાલીની ઉચ્ચારશુદ્ધિ સામે ટપાલખાતામાં ફરિયાદ કરવામાં આવતી. પરિણામે ટપાલીઓ પણ તાલુસ્વર અને દંતસ્વર વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજતા થઈ ગયેલા. ઉચ્ચારની આ અતિશુદ્ધિ ‘ભદ્રંભદ્ર’ માં સોળે કળાએ જોવા મળેલ.

પણ ભદ્રંભદ્ર પછી તો સાક્ષરયુગનો સુવર્ણયુગ આથમ્યો. ગુજરાતી ભાષાના ભોગવટાનો નાગરોનો નવ્વાણું વરસનો પટ્ટો પૂરો થતાં વિદ્યાનું વિકેન્દ્રિકરણ થઈ ગયું અને ઉચ્ચારોની ભયંકર એકવાક્યતા પણ આથમી ગઈ. ઉચ્ચારોમાંથી નાગરી હકારનો હણહણાટ ઓછો થતાં વ્યંજનશક્તિ વિવિધ રૂપે ખીલવા લાગી. આનું એક શુદ્ધ પરિણામ તો એ આવ્યું કે બોલનાર માણસની શુદ્ધ બોલી અને ઉચ્ચાર ઉપરથી જ એ ગુજરાતના કયા પ્રદેશનો વતની છે એ સમજી શકવાની સરળતા થઈ ગઈ. કૉલેજો અને હૉસ્ટેલોમાં પચરંગી પ્રદેશના વિદ્યાર્થીઓના મૂળ વતન જાણવા માટે તો એમના શ્રીમુખેથી ઉચ્ચારાતું એક જ વાક્ય બસ થઈ પડે. ‘ઑથેલો’ ભણનાર વિદ્યાર્થી ‘ડેહડિમોના’ ની ચર્ચા કરે અથવા હૉસ્ટેલને રસોડે જઈને “હાનુ હાક કરિયું છે?” કહે પછી એને પૂછવું જ ન પડે કે તમે હુરતના છો કે વલહાડના? એ શ્રીમાન વાપી અને તાપીની વચ્ચેના જ હોવાના. એવી જ રીતે, જમતાં જમતાં દાળશાકમાં ખટાશ ઉમેરવા માટે ‘મા’રાજ, લેંબુનું ચેરિયું નેચોવજો, બા!’ ની વિનંતિ કરનાર કે જમ્યા પછી હાથ ઘોવાનું ‘પોણી’ માગનારનું વતન સુણાવ – સોજીત્રા કે વસોની આસપાસ સહેલાઈથી મૂકી શકાય.

કાઠીયાવાડીઓ સ્વભાવથી જ કરકસરિયા હોવાથી એમણે “ળ” વ્યંજનનો વપરાશ જ માંડી વાળ્યો છે. અને એકલા “ર” પાસેથી બેવડી કામગીરી લઈને ગાડુ ગબડાવ્યે રાખે છે. ‘કાગર’ ને ‘કામરા – ધાબરા’ થી માંડીને ‘કારા અરદ’ને ‘હરદર’ સુધીની ચીજવસ્તુઓમાં તેઓ આવી કરકસર કરી જાણે છે. પરિણામે કોઈ કોઈ વાર ‘ હું મરવા ગયો પણ એ ન મર્યા ‘ કે ‘ ચાંદો ચરકે છે. ‘ જેવા અનર્થકારક વાક્યો પણ ઉચ્ચારી નાંખે છે. જેવું “ળ” નું એવું જ “શ” અને “ષ” નું પણ સમજવું. સીધોસાદો સસલાનો ‘સ’ હાથવગો – કે જીભવગો – હોવાથી; શકોરાનો “શ” કે મૂર્ધન્ય “ષ” નો શોખ કરવાનું ઘણાંને પાલવતું નથી. આ લોકો પણ અમેરિકનોની જેમ ભાષામાં સાદગી લાવી રહ્યા છે. એમણે પોતાના શબ્દકોશમાંથી “શુશ્રુષા” શબ્દ જ સમૂળો ઉડાવી દીધો છે.

આને સામે પક્ષે ઉચ્ચારશુધ્ધિના અંતિમમાર્ગીઓ “ળ” વ્યંજન એવો તો તીવ્રતાથી ઉચ્ચારે છે કે એક “ળ” ને બદલે એકી સાથે બે ત્રણ “ળ” ત્રણગણી તીવ્રતાથી સંભળાય છે. ‘કાળા અડદની દાળમાં ગોળ નાખવો છે?’ એમ કોઈ પૂછે તો સાંભળનારના કાનમાં ખીલા ધરબાતા હોય એવો અનુભવ થાય છે. આવે પ્રસંગે ઘડીભર થઈ આવે કે આને બદલે તો ‘ગોળ’ નો ઉચ્ચાર ‘ગોર’ કરી નાખીને બ્રહ્મપુત્રોને યાદ કરનાર પેલા કાઠિયાવાડીઓ સાત થોકે સારા.

કેટલાક લોકો વળી ઉચ્ચારશુદ્ધિનું એવું તો તીવ્ર સભાનપણું ધરાવે એ કે ‘મોહનલાલ’ નું ‘મોસનલાલ’ કરવાની હદે પહોંચી જાય છે. અને ‘ખીહર’ (મકરસંક્રાંતિ) નો ‘ખીસર’ જેવો હાસ્યજનક પ્રયોગ કરવા લાગે છે. આ અતિશુદ્ધિના આગ્રહીઓ શકોરા નો શ અને મૂર્ધન્ય ષ વાપરવાના એવા તો અતિશોખીન હોય છે કે સાદા સસલાના સ ની જગ્યાએ પણ તેઓ શકાર જ વાપર્યા કરે છે અને એ શકારના ઉચ્ચારમાં પણ તેઓ એટલા તો અતિસભાન હોય છે કે બોલતી વેળા એમના ઓષ્ઠગોળાર્ધમાંથી રીતસર સિસોટી જ સંભળાય છે. ‘શરલાબહેન ગુસ્સે થયા છે’ એમ બોલનાર પ્રત્યે સાંભળનાર જ ગુસ્સે થાય એમાં શી નવાઈ? એક રાષ્ટ્રનેતાના મૃત્યુ પ્રસંગે સદગતના શબ સમીપ બેસીને એક સેવક ‘શબકો શન્મતિ દે ભગવાન’ ગાતા હતાં ત્યારે શ્રોતાઓને થયેલું કે શબને નહિ પણ મૃચ્છકટિકના આ શકારને જ સન્મતિની જરૂર છે.

ઉચ્ચારશુદ્ધિના આ બન્ને અંતિમ માર્ગો વચ્ચે પારસીઓએ અપનાવેલી મધ્યમપ્રતિપદા માર્ગ અનુસરવા જેવો લાગે છે. પારકી ભાષાને પોતાની કરી લેનાર આ જરથુસ્તી જિગરોને જ્યારે દડાના “દ” અને ડગલાના “ડ” વચ્ચેનો અતિસૂક્ષ્મ ભેદ જાણવાની ફરજ પડે છે ત્યારે તેઓ હિન્દુરાંઓને બેધડક પૂછી જ લે છે, “ડાડાભાઈનો ડ કે ડોસાભાઈનો ડ?” બાકી, ગુજરાતી લેખકોના ઉચ્ચારો અશુધ્ધ છે એમ કહેનાર આપણે કોણ? આવો આક્ષેપ કરવામાંતો પેલી વેશ્યા ઉપર પથરાબાજી કરનારાઓની ઈશુ ખ્રિસ્તે જે હાલત કરી મૂકેલી એથીય વધારે કફોડી હાલત થઈ જાય એમ છે. ‘ આપણાં બહહદ્ધાંહાં જ લેખકો અશુધ્ધ ઉચ્ચાર કરે છે” એમ કહેવું તો “આજથી હું મધર ટંગમાં જ બોલવાના ઓથ લઊં છું.” એવો સંકલ્પ કરનારા જેવી વાત થઈ કહેવાય. એના કરતા ઉચ્ચારની શુદ્ધિ કે અશુદ્ધિ અંગે અશુદ્ધ આક્ષેપ ન જ કરીએ તો શું ખોટું? હાડકા વિનાની જીભ જેમ વળતી હોય તેમ છો ને વળતી !

{ ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ  વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો  શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે. ચુનીલાલ મડિયાની હાસ્યસર્જન શક્તિ આશ્ચર્ય પમાડે એવી છે. તેમણે કેવળ હાસ્યસર્જન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો આપણો હાસ્યભંડાર છે તેના કરતા આજે ઘણો વધારે સમદ્ધ હોત એમ કહેવું અસ્થાને નહીં ગણાય.

પુસ્તક – હાસ્ય નિબંધ સંચય; સંપાદકો ભોળાભાઈ પટેલ અને રતિલાલ બોરીસાગર માંથી સાભાર;
પ્રાપ્તિસ્થાન – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. કિંમત ૧૦૦.૦૦ રૂ. }

બિલિપત્ર

ભેરાઈ ગામના અમારા સહકાર્યકર મિત્ર રામભાઈની બોલીમાં –
“સફેદ સરકતો કાગર” એટલે “સફેદ ચળકતો કાગળ”


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ)

  • સંજીવ દેસાઈ

    ‘ળ’ ને બદલે ‘ર’ બોલનારા તો રમુજ પમાડે છે પણ ‘ળ’ ને બદલે ‘ડ’ – ફકત બોલનારા જ નહી પણ બોલે એવુ જ લખનારા લાોકો તો જુગુપત્સા પ્રરક છે 🙁

    “એ તમે એ સાંભળ્યુ?” ને બદલે મૂળ સૌરાષ્ટ્ર ના પણ અમદાવાદ ના ભદ્ર સમાજ/વર્તુળ મા ઉઠવા-બેસવા વાળીઓ ને જયારે તમે “સાઈમભ્ડયું” બોલતા સાંભળો ને ત્યારે ત્યાં થી ઉચાળા ભરી જવાનુ જ મન થાય!

  • jjugalkishor

    અમે શાપુર –સોરઠ –માં ભણતા ત્યારે ભાવનગર, જુનાગઢ અને રાજકોટ જીલ્લાના વિદ્યાર્થીઓ એક વાક્ય લઈને મજાકો કરતા.

    ભાવનગરી કહેશે – “ધૉળામાંથી કેળાં લીધાં, ગૉળ નાખ્યો તૉય મૉળાં ને મૉળાં”

    જુનાગઢી કહેશે – “ધૉરામાંથી કેરાં લીધાં, ગર નાઈખો તૉય મૉરાં ને મૉરાં”

    રાજકોટી કહેશે – “ધૉડામાંથી કેડાં લીધાં, ગડ નાઈખો તૉય મોડાં ને મોડાં”

    બધું બારગાઉની વેજા છે !

  • ડૉ. મહેશ રાવલ

    સરસ, રસિક વિષયને સાંકળી મજાનું વાતાવરણ ખડું કર્યું છે લેખકશ્રીએ,
    ઉચ્ચાર શુદ્ધિ પહેલા ભાષાશુદ્ધિ જરૂરી છે, આપણામાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલે એમ મૂળ અર્થ તો એજ રહે પણ લહેકો કે લઢણ બદલે – પાણી ને વિરમગામ તરફ પોણી કહે છે.
    સરવાળે, કહેવાનું એ કે લેખકે સરસ રીતે કહી દીધું જે કહેવું હતું એ…..
    -ગમ્યું.

  • chetu

    લંડનમાં પણ આપણે ની જગ્યાએ આપરે જેવા અનેક શબ્દોના અલગ ઉચ્ચારો બોલાય છે ..ક્યારેક તો ગુજરાતી + અંગ્રેજીની ખિચડી બને ..! )અમે સામાન્ય સાદુ ગુજરાતી બોલેીએ તો પણ અંહેીના ગુજરાતીઓ ને ઊચ્ચ સ્તરનુ લાગે છે ..!

  • Heena Parekh

    અમારા અહીં અમુક જ્ઞાતિના લોકો “ણ”ને બદલે “ન” બોલે. ‘મન મન કનકી’ મતલબ ‘મણ મણ કણકી’ થાય.