વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા) 1


[૧.] ધર્મ

અને એક વૃધ્ધ સાધુએ કહ્યું, અમને ધર્મ વિશે કહો.
ત્યારે તે બોલ્યા,

આજે હું કોઈ બીજા વિષય પર બોલ્યો છું ખરો ? ધર્મ એટલે સકળ કર્મ અને સકળ મનન એ જ ને?

અથવા, જે ધર્મ કે મનન ન હોય, પણ – હાથ પથ્થરને કાપતા હોય કે સાળને સંભાળતા હોય તોયે – હ્રદયમાં સદૈવ ઊભરાતું અહોહો અને આશ્ચર્ય હોય, તે જ ને ?

કોણ એવો છે કે જે પોતાના ધર્મને પોતાના કર્મથી કે પોતાની શ્રદ્ધાને પોતાના વ્યવસાયોથી અળગાં કરી શકે ?

કોણ એવો છે કે જે પોતાના સમયનો વિભાગ કરી કહી શકે, “આ ઈશ્વરનો અને આ મારો; આ મારા આત્મા માટે અને આ બાકીનો મારા શરીર માટે ?”
તમારો બધોયે કાળ આકાશમાં આત્માથી આત્મા ઉપર ઉડતી પાંખો જ છે.

જે નીતીને (સદગુણને) પોતાનું સારામાં સારું વસ્ત્ર કરીને જ પહેરે છે, તે તેના કરતાં તો દિગંબર રહે તો વધારે સારું.
પવન અને તડકો એની ચામડીમાં કાણાં નહીં પાડે.

અને જે પોતાના વર્તનને નીતિના નિયમથી મર્યાદિત કરે છે તે પોતાના ગાતા પક્ષીને પીંજરામાં પૂરી દે છે.

મુક્ત ગાન સળિયા અને તારોમાં થઈને આવી શક્તું નથી.
અને જેને પૂજા એ ઉઘાડી શકાય તથા બંધ પણ કરી શકાય એવી બારી જ છે, એણે હજુ આત્માના ભુવનમાં પ્રવેશ જ કર્યો નથી; – એ બારીઓ તો ઉપરથી ઉષા સુધી પહોંચે એ. (એટલે ચોવીસે કલાક પૂજા તો ચાલુ જ રહે છે.)

તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.
જ્યારે જ્યારે તમે એમાં પેસો ત્યારે તમારું સર્વસ્વ સાથે લઈને જાઓ. – તમારું હળ અને એરણ, અને હથોડો અને વાંસળી, – જે કાંઈ તમે ઉપયોગ કે

આનંદ માટે વસ્તુઓ બનાવી હોય તે બધી.
કારણ ધ્યાન ધરતી વેળાએ તમે તમારી કાર્યસિદ્ધિઓથી વધારે ઊંચા નહીં ચડી શકો, તેમજ તમારી નિષ્ફળતાથી વધારે નીચા નહીં પડી શકો.
અને તમે તમારી સાથે સર્વે માણસોને લઈ જાઓ.

કારણ, ભક્તિમાં તમે તેમની આશાઓ કરતાં વધારે ઉંચા નહીં ઊડી શકો, તેમજ તેમની નિરાશા કરતાં વધારે નીચા નહીં ઊતરી શકો.
અને જો તમે ઈશ્વરને ઓળખવા ઈચ્છતા હો, તો તે માટે કૂટપ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં.

આકાશમાં જુઓ; તમને એ વાદળામાં ચાલતો, વીજળીમાં હાથ ફેલાવતો અને વરસાદ ભેળો નીચે ઉતરતો જણાશે.
તમે એને ફૂલોમાં હસતો, અને પછી ઝાડોમાં ચડતો અને હાથ ફેરવતો જોશો.

[૨.] પ્રાર્થના

ત્યાર પછી એક ભિક્ષુણીએ કહ્યું, અમને પ્રાર્થના વિશે કહો.
અને એમણે જવાબ દીધો,

તમે દુઃખમાં અને તંગીમાં પ્રાર્થના કરો છો; પણ તમારા આનંદની પૂર્ણતા વખતે અને તમારી સમૃદ્ધિના દિવસોમાંયે તમે પ્રાર્થના કરતા હો તો કેવું સારું?

કારણ પ્રાર્થના એટલે તમારો અનંત ચિદાકાશમાં વ્યાપ નહીં તો બીજુ શું?

અને જો તમારા અંધકારને આકાશમાં રેડવામાં તમને આશ્વાસન મળે છે, તો તમારા હ્રદયની ઉષાનેયે ફેલાવવાથી તમને ઉલ્લાસ મળશે.

અને તમારું હ્રદય તમને પ્રાર્થના કરવા જ્યારે જ્યારે પોકાર કરે ત્યારે જો તમારાથી રડ્યા વિના ન રહેવાતું હોય તો, છેવટે જ્યાં સુધી તમે હસતા હસતા બહાર આવો ત્યાં સુધી, આંસુ રેડી રેડીનેયે તમારા હ્રદયમાંથી પ્રાર્થનાની પ્રેરણા પુનઃ પુનઃ નીકળવા જ દો.

જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે જેઓ તે વખતે પ્રાર્થનામાં જોડાયેલા હોય છે, અને જેમને પ્રાર્થના સિવાય બીજી રીતે તમે મળી શકો નહીં, તેમને મળવા માટે તમે વાયુમંડળમાં ચડો છો.

માટે તે અદ્રશ્ય મંદિરમાં તમારો પ્રવેશ કેવળ સાત્વિક આહલાદ અને મધુર મેળાપ માટે જ થવા દો.

કારણ જો તમારો તે મંદિરમાં જવાનો ઉદ્દેશ કાંઈ યાચના કરવી એ જ હોય તો તે તમને મળવાનું નથી; –

અને જો તમે કેવળ પોતાને નમ્ર બનાવવા જ જતા હો, તો તમને ઊંચા ચડાવવામાં નહીં આવે.

વળી, જો તમે કોઈ બીજાના હિત માટેયે યાચના કરવા જતા હો, તોયે તમારી દાદ સંભળાવાની નથી.

માટે તમે અદ્રશ્ય મંદિરમાં માત્ર જાઓ (કોઈ પણ ઉદ્દેશ વિના) એ જ બસ છે.

શબ્દ દ્વારા પ્રાર્થના કરતાં હું તમને શીખવી શકું એમ નથી.

ઈશ્વર તમારા શબ્દો સાંભળતો નથી, સિવાય કે જ્યારે એ પોતે જ તમારા હોઠમાંથી એ શબ્દો કઢાવતો હોય.

ાને સમુદ્રો, અરણ્યો અને પર્વતો જે પ્રાર્થના કરે એ તે પણ હું તમને શીખવી શકું એમ નથી.

પણ પર્વતો, અરણ્યો અને સમુદ્રોમાંથી ઉત્પન્ન થયેલા તમે તમારા હ્રદયમાંથીજ એ પ્રાર્થના શોધી શક્શો,

અને રાત્રિની શાંતિમાં તમે માત્ર સાંભળતા બેસશો તો તેઓનું મૌન તમને આ પ્રમાણે બોલતું સંભળાશે,

“હે પરમેશ્વર, અમારા પાંખવાળા આત્મા, (એટલે અમારું સર્વવ્યાપી સ્વરૂપ) અમારામાં ઉઠતી વૃત્તિ એ તમારી જ વૃત્તિ છે.

અમારામાં રહેલી તારી જ પ્રેરણા અમારી રાત્રિઓ – જે તારી જ છે – તેમને અમારા દિવસો – જે પણ તારા જ છે – તેમાં ફેરવવા મથે છે. (એટલે અમારી રાત્રી અને દિવસ તારી તરફથી જ આવનારાં હોવાથી તારાં જ છે. અમારા એટલા માટે કે અમે એમને રાત્રિ અને દિવસ રૂપે ગણીએ છીએ. અમને અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે લઈ જવા તે મથે છે.)

અમારે કશુંયે માગવાપણું રહેતું નથી, કેમકે અમને શાની જરૂર પડશે તેનું અમને ભાન થાય તે પહેલાં જ તે તું જાણતો હોય એ,

તારી જ અમને જરૂર છે; અને તું તને પોતાને જ અમને વધારે ને વધારે આપવામાં (પ્રગટ કરવામાં) અમને સર્વસ્વ આપે છે.”

– ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)

ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.”

તો આ અનુવાદ વિશે શ્રી મહાદેવ દેસાઈ ૨૪-૧૧-‘૩૫ ના હરિજનબંધુમાં લખે છે, “કવિના શ્રમ વિશેના ઉદગારોમાં મને ગીતા અને બાઈબલના ભણકારા વાગે છે, સૃષ્ટિનિયંતાની અતંદ્રિત કર્મપરાયણતાના તાનમાં તાન પૂરવાનો એમાં ઉપદેશ છે. પ્રજાને સર્જી સાથે સાથે યજ્ઞને સર્જનારા સરજનહારનો યજ્ઞનો ઉપદેશ છે, એમાં જ્ઞાન અને કર્મના યોગનો મહિમા ગાયો છે…” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.

નવજીવન દ્વારા પ્રકાશિત આ પુસ્તક, “વિદાય વેળાએ” નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદથી મેળવી શકાય છે. અંગ્રેજીમાં આ પુસ્તક ઓનલાઈન અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

બિલિપત્ર

મૃત્યુનું રહસ્ય તમે કેમ જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ? મૃત્યુનો ભય પેલા ભરવાડની બીક જેવો જ છે , જે – રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણવા છતાં, એની સામે ઉભો થતાં ધ્રુજે છે, પણ એની ધ્રુજારી નીચે રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ નથી કે ! અને છતાંય એ પોતાની ધ્રુજારીને જ વધુ મહત્વ આપે છે.

The Prophet – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)

  • ચાંદ સૂરજ.

    માનવજીવનનાં વિવિધ પાસાઓનાં રંગોને આવરી લઈ શ્રી ખલિલ જિબ્રાન એમણે બાંધેલાં એ અજોડ અને અનુપમ પુસ્તકના સેતુ પર ચલાવી, એક જાત્રા કરાવી, આપણાં મનડાંને એક એવા ચમનમાં લઈ જવા ચાહે છે જ્યાં પ્રેમના પાવન પુષ્પો સંપની સુરેલ પરિમલ વહાવતાં એકમેકને આલિંગન પ્રદાન કરતાં હોય !