મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે. ભગવાન પ્રત્યેક બાળકને અનેક સિધ્ધિઓની સંભાવના સાથે પૃથ્વી પર મોકલે છે. એ તો પોતાનાં જ ખીલવેલાં પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની રાહ જોતો રહે છે. શું આપણે ભગવાનને રાહ જ જોતાં રાખીશું?
અનેક સિધ્ધિઓની સંભાવના સાથે જન્મેલા આપણે આપણી જન્મજાત શક્તિઓના જથ્થાને જાણતા નથી. આથી આપણે લઘુતાના ભાવ અને તેના સંતોષ સાથે જીવ્યે જ જઈએ છીએ. આ સંતોષ જેમ જેમ ઘેરો થતો જાય તેમ તેમ આપણે લઘુતાગ્રંથિના શિકાર થતા જઈએ છીએ. આથી જન્મજાત શક્તિઓનો વિકાસ કરવાની કોઈ ઈચ્છા જ જાગતી નથી. આમ છતાં, જીવન વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે અનુભવીએ છીએ ! આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિધ્ધિ મેળવી શકવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ.
મનોવૈજ્ઞાનિકોએ અનેક અવલોકનો અને પ્રયોગો પછી તારવ્યું છે કે સામાન્ય માણસ સમગ્ર જીવનમાં પોતાની માનસિક શક્તિનો દસ ટકા જેટલો પણ ઉપયોગ કરતો હોતો નથી. નવ ટકાથી ઓછી માનસિક શક્તિનો ઉપયોગ કરનાર મૂર્ખ રહે છે અને દસ ટકાથી વધુ ઉપયોગ કરનાર શ્રેષ્ઠ વિદ્વાન, વિચારક કે વૈજ્ઞાનિક બને છે. માનવ પોતે પોતાની શક્તિ વિશે ઉંડે ઉંડે શંકાશીલ રહે તો તેની મૂળ માનસિક શક્તિઓમાં ઘટાડો થાય છે. આપણામાં જડાઈ ગયેલી લઘુતાગ્રંથિ આપણા શક્તિ-વૈભવનો આપણને અહેસાસ થવા દેતી નથી.
આપણું જીવન એક બાણ છે. એ ક્યાં તાકવું અને તેને ધનુષ્યમાં કેમ ગોઠવવું તે બરાબર જાણી લો. ધનુષ્યમાં ગોઠવેલા બાણને પૂરી તાકાતથી માથાં લગી ખેંચો, છોડો અને સનનન કરતું જવા દો. એને જવા દો ઉંચેરા લક્ષ્ય ભણી. ઊંચુ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં મૂંઝવણ રાખશો નહીં. આ કે પેલું, ઊંચું કે બહુ ઊંચુ – એવી દ્વિધા રાખશો નહીં. દ્વિધા ભરેલો માણસ જીવનમાં ક્યારેય લક્ષ્યસિધ્ધિ મેળવી શક્તો નથી. ઘડીયાળનું લોલક ક્યારેય ક્યાંય પહોંચતું નથી.
લઘુતાગ્રંથીથી પીડાતી ઘણી વ્યક્તિઓ વારંવાર પોતાનું લક્ષ્ય બદલ્યા કરે છે. સિધ્ધિ પ્રાપ્તિ માટેનો સંકલ્પ તોડ્યા કરે છે. સંકલ્પો કરવાની અને એને તોડતા રહેવાની જાણે કે તેને ટેવ પડી જાય છે. અને તેથી તેની શક્તિ, સાધન અને સમયનો બગાડ થાય છે.
ઊંચુ નિશાન તાકવા માટે એકાગ્રતા અનિવાર્ય છે. એકને જ અગ્રતા આપવી એટલે એકાગ્ર થવું. એકાગ્રતાપૂર્વક તકાયેલું નિશાન વહેલું કે મોડું પણ સિધ્ધ થયા વગર રહેતું નથી.
ઈરાનના સૂફી સંત જલાલુદ્દીન રૂમી પોતાના શિષ્યો સાથે મુસાફરીએ હતા ત્યાં રસ્તામાં એક ખેતરમાં ઠીક ઠીક ઊંડા ચાર ખાડા ખોદેલા જોયા. એ સૌએ જોયું કે ખેડૂત પાંચમો ખાડો ખોદી રહ્યો હતો. શિષ્યોએ આનું રહસ્ય જાણવા ઈચ્છ્યું ત્યારે સૂફી સંત બોલ્યા, “આ ખેડૂત પોતાના ખેતર માટે પાણી મેળવવા આ ખાડો ખોદી રહ્યો છે. ને પછી પાણી ન નીકળતા એક પછી એક ખાડા અહીંયા ને ત્યાં ખોદ્યે જાય છે. પણ આના કરતા પોતાની મહેનત માત્ર એક જ ખાડો ખોદવા પાછળ ખર્ચે તો તેને જરૂર પાણી મળે, ને તેનું ખેતર આમ બગડે પણ નહીં. વારંવાર પોતાનું લક્ષ્ય બદલનાર જીવનરૂપી ખેતરની પણ આવી જ અવદશા થાય.
થવું એમ જોઈએ કે આપણે આપણી જાતની મુલાકાત લઈએ, આજે અને અત્યારે. આપણે આંતરખોજ કરીએ. પરમાત્માએ આપણને અચૂક આપેલ બીજભૂત શક્તિઓની પહેચાન કરીએ અને તેના વધુમાં વધુ વિકાસનો સંકલ્પ કરીએ. સંકલ્પ જ નહીં, આયોજનપૂર્વકનો પરિશ્રમ કરીએ. આ વેળાએ લક્ષ્યાંક નીચો ન રાખીએ. લો એમ્બીશન ઈઝ અ ક્રાઈમ. નિશાન નીચું ન રાખીએ. એટલું ઊંચુ અને ઉમદા રાખીએ કે ખુદ પરમાત્માને પણ ટેકો કરવાનું મન થાય. પરમાત્માનો ટેકો મેળવવા બેઠા જ ન રહીએ. એમનો ટેકો મળે તે પહેલાના આપણા પ્રયત્નોને નિષ્ફળતા મળે તો શું થયું? પ્રયત્નમાં જે મજા છે એ પ્રાપ્તિમાં નથી. જરૂર છે પ્રયત્નની, જરૂર છે સંકલ્પની. સંકલ્પો જેટલા સર્વજનહિતના હોય છે તે વહેલેરા સિધ્ધ થાય છે.
કરુણામૂર્તિ મધર ટેરેસા થોડાક અનાથ આશ્રમો સ્થાપવાની જરૂરીયાતની વાત કરતા હતાં, એ સાંભળનારાઓએ પૂછ્યું, “એ માટે આપની પાસે કેટલી મૂડી છે?” મધર ટેરેસાનો જવાબ હતો, “પાંચ શિલિંગ અને ….. બહુ મૂલ્યવાન સંકલ્પ !” આ પછી તો પોતાના સર્વજનહિતના સંકલ્પના જોરે એમણે અનેક આશ્રમો ખોલ્યા. નોબલ પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયાં.
જીવનમાં જરૂર છે જાતને જાણીને ઊંચુ નિશાન નિર્ધારીત કરવાની, જરૂર છે સળગતા સંકલ્પ સાથે એ સિધ્ધ કરવાને મથવાની. યાદ રહે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.
– ઈશ્વર પરમાર
જીવન વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે અનુભવીએ છીએ ! આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિધ્ધિ મેળવી શકવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ. વ્યક્તિ પોતાનું લક્ષ્ય ઉંચુ રાખી, સંકલ્પ પૂર્વક વિચારે તો અનેક સિધ્ધિઓ હાસલ કરી શકે. આ લેખના લેખક પોતે જ આવી સિધ્ધિઓ મેળવનાર એક સફળ પ્રશિક્ષક છે. આવો સુંદર અને પ્રેરણાદાયક લેખ માણવો એ એક લહાવો છે.
અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઈશ્વરભાઈ પરમાર (દ્વારકા) નો ખૂબ ખૂબ આભાર. આ લેખ સમણું સામયિકના જૂન ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.
બિલિપત્ર
Flatter me, and I may not believe you.
Criticize me, and I may not like you.
Ignore me, and I may not forgive you.
Encourage me, and I may not forget you.
– William Arthur
nice one
ખુબ જ પ્રેરનાદાયક.
Very inspiring article. Thank you.
Like it… because it has been published at correct time where our youth are enjoying vacation but not focusing their strength… Please try to circulate this type of articles as many as possible.. Hope that someday..somehow..somebody…somewhere will surely read it and will put is woleherted effort to understand the essence of such encouragical artcles…..Raj