{ પ્રસ્તુત ટૂંકી વાર્તા સંબંધોના અનોખા જાળાને વર્ણવે છે. ખૂબ જ સહજ પરંતુ સરસ બોધ સરળ રીતે આપતી વાત અહીં થઈ છે. એક દીકરીની ગૃહલક્ષ્મી બનવાની સફર અને સાસરા પ્રત્યે તેની ફરજોનું સાચું ભાન તેને કઈ રીતે થાય છે એવી વાત ખૂબ માર્મિક રીતે વર્ણવતી આ સુંદર વાર્તા શ્રી મીનળ દીક્ષિતની રચના છે અને જનકલ્યાણ માસિકના એપ્રિલ ૨૦૦૮ ના અંક માંથી સાભાર લેવામાં આવી છે. }
‘કેસરીયો જાન લાઈ વો
મન લાઈ વો રે.’
ચારે તરફ આનંદ ઉત્સાહનો માહોલ. ઊછળી ઉછળીને ગાતી ગોપિકાએ બીજું ગીત ઉપાડ્યું.
‘છોડી કે’ દાડાનું પૈણું પૈણું કરતી’તી,
મારી ભાગોળે ભટકાતી’તી.’
વાહ પોતાનો એકનો એક લાડકો ભાઈ પરણે છે ને લગ્ન પણ પોતાની પ્રિય સખી પ્રિયંકાની બહેન દેવિકા સાથે ! રૂપરૂપના અંબાર જેવી ભાભી પોતે તો શોધી છે.
સામે પક્ષે પ્રિયંકા કાંઈ ગાંજી જાય?
‘એક કાળો ને વર, ના જોશો – દાદાજી,
કાળો કટંબ લજાવશે…’
જવાબ તરતજ…
‘કાળો પણ કામણગારો છે.’
ગોપિકાનો સૂર અત્યંત સુરીલો, પણ એના લગ્નગીત ગાનાર ગ્રૃપ ‘મંગલમ’ માં પ્રિયંકા પણ જતી. વારંવાર લગ્નગીત ગાવા આમંત્રણ મળતું. મુંબઈ નગરી એટલે ‘મેડ ટુ ઓર્ડર’ નગરી. જે માંગો તે હાજર. જમવાનું બનાવવાનું બહેનો સંપૂર્ણ રીતે ભૂલી જ ગઈ છે. કોઈ કેટરરને કહી દો, પત્યું. એમ લગ્નગીતો ગાવાં કોઈને નથી. સાંભળવા ગમે છે. ભાડુતી ગ્રૃપને બોલાવો. ‘મંગલમ’ ગ્રૃપ પાસે તેથીસ્તો લગ્નગીતોની ખોટ નથી.
એક પછી એક – પટોપટ શરૂ.
હેતલને સાસુએ પોંખ્યો,
‘વેલણાથી ના પોંખીશ રે સાસુ,
વેલણ તારે રોટલી વણવા જોઈશે.’
હસીમજાકના વાતાવરણમાં ગોપિકાએ સુભદ્રાબેનને દોર્યા, સુભદ્રાબેનને કમ્મરે સત્તત દુખાવો રહેતો. મદદ વગર ચાલવું મુશ્કેલ. પણ આજે તો સાત ખોટના દીકરાનાં લગ્ન છે. એમાં આવવું તો પડે જ્.
લગ્નની વિધિ શરૂ થઈ. સુભદ્રાબહેને આમતેમ નજર ફેંકી અને પછી ધીરેથી ગોપિકાના કાનમાં કહ્યું, ‘તારાં સાસુ દેખાતાં નથી? અમે બંને જાતે જઈને આમંત્રણ આપી આવ્યાં છીએ.’
ગોપિકાએ મોં મચકોડ્યું, ‘ડોશીને વાંકા પાડવાની ટેવ જ છે. છોને પડી રહેતી એકલી.’
વાત પડતી મૂકીને એ દોડી – તોછડાઈથી બોલાયેલા એકેક શબ્દો સુભદ્રાબેનનું કાળજુ વીંધી ગયાં. આ વિષય પર ગોપિકા કોઈને બોલવા જ દેતી નથી. આગળ વિષય નીકળે કે ગોપિકા તરતજ વાત બદલી નાંખે. સુભદ્રાબહેનનું મન ખાટું થઈ રહ્યું.
‘પગે લાગું છું, બા કેમ છો?’
ગોપિકાની નણંદ સુજાતા ઉભેલી. ‘આવ બેટા સુજાતા, રમણિક બા નથી આવ્યાં ?’
‘બાને બંને પગે આર્થરાઈટીસ છે. દર્દ એટલું ભારે છે કે ચાલતાં તકલીફ પડે છે.
સુભદ્રાબહેનના હોઠ સુધી આવી ગયું કે દીકરો પ્રેમલ મોટરમાં એકલો આવ્યો, ત્યારે સાથે લાવ્યો હોત તો ? પણ ગોપિકાની સાસરિયાંની વાતમાં એ માથું ન મારતાં. છોકરીનો મિજાજ ગરમ છે. ક્યાંક મોઢું તોડી લે તો?
ત્રણ સંતાનો પાછાં થયાં, પછી મા દીકરી ઉઝરી. વધારે પડતાં લાડને કારણે એ તોછડી બની ગઈ છે. તેમાં વળી દેખાવડી – ભણવામાં હોંશીયાર અને સંગીતમાં એક્કો. છેલ્લા ત્રણ વર્ષથી મંગલમ દ્વારા કમાણી પણ તગડી થાય છે. પરાણે મનમાંથી આ વિચારો કાઢી નાંખ્યા. પુત્રવધુ સાથેનાં ભાવિ સપનાં જોવા માંડ્યાં.
કન્યા વિદાયનો સમય થઈ ગયો.
‘કાગડો દહીંથરું લઈ ગયો’, પ્રિયંકાએ ગોપિકાને ચીડવી.
‘રૂપને શું ધોઈ પીવાં છે? મારો ભાઈ કેટલું સરસ કમાય છે?’
ઘરમાં વહુનાં પગલાં પડ્યાં. રાજેન્દ્રભાઈ ખુશીના માર્યા અડધા થઈ ગયાં.
‘ચાંદના ટુકડા જેવી વહુબેટા, ગૃહલક્ષ્મી બનજો.’ સાસુ સસરાએ હ્રદયના આશિર્વાદ આપ્યાં. ૪૦ વર્ષની વયે જ્યારે બધી આશાઓ નષ્ટ થઈ ગઈ હતી ત્યારે પુત્ર જનમ્યો. આજે ભલે બંને ૭૦ – ૭૫ વર્ષની વયે પહોંચ્યા હોય, પણ ઘરમાં વહુ આવી એ જ તો મોટું સૌભાગ્ય. હવે એના દિકરાનું મોં જોઈ …..
પાણીની જેમ સમય આગળ વધતો ગયો. લગ્નને પૂરું એક વર્ષ થઈ ગયું.
‘તમને ઓફીસમાંથી પેડર રોડ પર ફ્લેટ મળે છે. તમને ઓફિસ પાસે પડશે. ત્યાં જઈએ તો?’
‘પણ બા બાપુજીને અંધેરી ઘરમાં એકલા મૂકીને -‘
‘લો, ગોપિકાબેન બાંદ્રામાંતો રહે છે. એ આવતાં જતાં રહેશે ને કારમાં હું અઠવાડીયામાં બે ત્રણ વાર આવતી જતી રહીશ.’
દેવિકાએ વધારે બોલવું પડ્યું જ નહીં.
‘બાપુજી ! સંતોકબેન તો ઘરનાં જ છે. તમારું સરસ ધ્યાન રાખશે. અમે બંને આવતે અઠવાડીયે પેડર રોડના ફ્લેટમાં રહેવા જઈશું.’
હેતલ બરોબર જાણે છે. દેવિકા એક વાર ધારે, પછી એ જ પ્રમાણે કરવાની. ધાર્યું ના થાય તો મોટું તોફાન. ગોપિકા ઉકળી ઉઠી.
‘બા બાપુજીને કંઈ કેટલાં રહેવાની ઉંમર છે? ને તબિયત તો જુઓ.’
પરંતુ હેતલનું દેવિકા આગળ કંઈજ ચાલતું નહીં. વળી ત્યાં ગયા ને છ જ મહિનામાં દેવિકાને પુત્ર જન્મ થયો, થઈ રહ્યું, અંધેરી ન આવવાનું બહાનું મળી ગયું. વળી બહાર જવામાં ખલેલ પડે નહીં માટે પોતાની માંને સાથે જ રાખતી.
ઘણી વાર સુભદ્રાબહેન વિચારોને ટોડલે ચઢી જતાં. પોતાનાં નણંદ જશોદાબહેનને ક્યારેય પારકાં ગણ્યાં જ નથી. પોતાને ૪૦ વર્ષે પ્રસૂતિ આવી ત્યારે પ્રસૂતિ પહેલાં ત્રણ મહીનાં પર આવી ગયાં. હેતલ ત્રણ મહિનાનો થયો ત્યારે ગયાં. ભાઈનો વંશવેલો ચાલશે એ વાતે હરખપદુડાં થઈ ગયાં. પોતે એને ‘મોટી બેન’ જ ગણતાં. આજે હોત તો ?
બાપુજી પર લકવાનો હુમલો થયો. દેવિકા ક્યારેક આંટો મારી જતી. પણ રહેતી તો કદીયે નહીં. દેવિકા સાથેના ગોપિકાના સંબંધોને લીધે પ્રિયંકા હવે ‘મંગલમ’ ગ્રૃપ છોડીને બીજે ગાવા ગઈ હતી. પિતાજીની સેવામાં રહેતી ગોપિકાની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ.
મહિનામાં પિતાજી ગયાં. બાને હાર્ટની બિમારી હતી. રાત દિવસની બાઈ રાખવા ગોપિકાએ કહ્યું, પણ દેવિકાએ સ્પષ્ટ કહી દીધું, ‘કોઈની જરૂર નથી. સંતોકબેન છે ને ! એને થોડા વધારે પૈસા આપીશું. ચોવીસ કલાકની બાઈ બે ત્રણ હજાર વધારે માંગે. નાહકના પૈસા ફેંકી દેવાનાં !’
ગોપિકા સમસમી ઉઠી. બાની કાળજી માટે બાઈ રાખવામાં આવે તો પૈસા નાંખી દીધા કહેવાય ? એણે પોતાને પૈસે બાઈ તો રાખી પણ આજે એ તાકીને બેઠી હતી. ખરાખરીનો ખેલ ખેલવા કમ્મર કસી.
દેવિકાની કોઈ ફરજ જ નહીં? હેતલને ભણાવ્યો, તો એટલું કમાય છે.
‘ભાભી, ડોક્ટરે સ્પષ્ટ કહ્યું છે કે બાનું હાર્ટ એક્સપાન્ડ થાય છે તેથી શ્વાસમાં તકલીફ પડે છે. તમે એમને પેડર રોડ લઈ જાઓ. શી ઇઝ કમ્પ્લીટલી બેડ રીડન. એકલાં રહી શકે તેમ નથી.’
ટીપ ટોપ તૈયાર થઈને આવેલી દેવિકાએ નેલ પોલીસ ઘસતાં ઘસતાં તદ્દન બેપરવાઈથી કહ્યું, – ‘તમે છો, સંતોકબેન છે, બાઈ છે, પછી શું વાંધો આવવાનો છે?’ પછી ઠંડકથી રિસ્ટવોચમાં જોયું, ‘ઓહ માય ગોડ ! આઈ વીલ બી બેટ ફોર ધ શો ! લેટ મી રન.’
‘પણ બાની તબીયતનું શું ? આજે વધારે નરમ લાગે છે ને આવી સ્થિતિમાં એકલાં ….’
એક અદાથી દેવિકાએ ગરદન ફેરવી. ‘કેમ, તમારા સાસુ સાન્તાક્રુઝના ઘરમાં એકલાં જ રહે છે ને ! શી ઈઝ ઓલ્સો સિનિયર.’
મીઠામાં પાયેલ ચાબખાનાં મારની જેમ દેવિકાના એકેક શબ્દ ગોપિકાને વેદના આપી ગયાં. અચાનક થયેલા હુમલાથી ગૂંચવાઈ. કોઈ જવાબ સૂઝ્યો નહીં. જીવનમાં પહેલી જ વાર તત પપ થઈ.
‘ચાલો ત્યારે, બાય – બાય.’
દેવિકાના સેન્ડલનો ટપ ટપ અવાજ માથામાં હથોડાની જેમ ઝીંકાયો. અચાનક મોબાઈલ પર હાથ ગયો.
‘રમણિક બા, કેમ છો? તબિયત કેમ રહે છે ? થોડી વારમાં જ મળવા આવું છું. કંઈ બજારમાંથી લેતી આવું ? ઘણે વખતે મળીશું.’
સ્વીચ ઓફ કરી
સુભદ્રાબેનના મુખ પર સંતોષની છાયા દેખાઈ. ગોપિકાએ સામું જોયું. આખા શરીરનું પ્રતિબિંબ પાડતું દર્પણ ગોપિકાના બદલાયેલા સ્વરૂપને જોઈ રહ્યું.
બિલિપત્ર
अब किसीको नजर आती नहीं कोई दरार,
घर की हर दीवार पर चीपके है इतने ईश्तहार.
– स्व. दुष्यंतकुमार
{ જાહેરખબરોના પોસ્ટરરૂપી દંભથી માણસ પોતાની અસલીયતને, અંદરના ખાલીપણાને, અવગુણોને ઢાંકવાનો બાલિશ પ્રયત્ન કરે છે. }
સરસ ફાઇન વાત ગમિ
Good Story,
Thanks for sharing…….
આજે ઘણા સમયે મુલાકા લીધી…
સરસ છે..
Pingback: Tweets that mention દર્પણ – મીનળ દીક્ષિત (ટૂંકી વાર્તા) | Aksharnaad.com -- Topsy.com