અપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા 8


{ ક્યારેક એક નાનકડો પ્રસંગ પણ જીવનભરનું સંભારણું બની રહે છે, એક નાનકડી ઘટના પણ માનસપટ પર તેની અમિટ છાપ છોડી જાય છે. આવી જ કાંઈક વાત અહીં પ્રસ્તુત વાતમાં લેખક કહે છે. એક પુસ્તકની શોધ માટેનો પુસ્તકવિક્રેતાનો પ્રયત્ન અને પુસ્તક મળ્યા પછી તેની સાથે જોડાયેલા સંસ્મરણો લેખક માટે એક આગવો પ્રસંગ બની રહ્યાં એ ઘટનાનું સુંદર આલેખન અત્રે થયું છે. પ્રસ્તુત લેખ ‘પ્રસાર’ ના પુસ્તક ‘વાચન – ૨૦૦૮’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. }

મુબઈના ધોબીતલાવ પરની એક મોટી બુકશોપમાં એ કામ કરે. એ વખતે હું કોલેજમાં ભણું. મારી જરૂરીયાતનાં પુસ્તકોની સેકન્ડ હૅન્ડ નકલ મારા ગજવાને પોસાય એવી તારવી રાખતો. એ વખતે મારા પિતા જેટલી ઉંમર ધરાવતા ફ્રાન્સીસ જોડે મારો સંબંધ બંધાયો હતો.

એક વખત મારે એક પુસ્તકની જરૂર પડી. ભારતમાં બ્રોડકાસ્ટિંગનો પ્રારંભ થયો એની છૂટક વિગતો અત્રતત્રથી મળતી તો હતી પણ એનો વ્યવસ્થિત ઈતિહાસ કોઈ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ હોય તો એ જોવું હતું. એક માહિતી મળી હતી કે ભારતમાં વ્યવસ્થિત સ્વરૂપે બ્રોડકાસ્ટિંગનો પ્રારંભ કરનારા જે બે ત્રણ મહાનુભાવો હતા એમાંના એક હતાં લાયોનેલ ફિલ્ડન. એમણે એક પુસ્તક લખ્યું હતું – ‘ધ નેચરલ બેન્ટ.’

હું પહોંચી ગયો ફ્રાન્સીસ પાસે. એક ચબરખી પર પુસ્તકનું અને લેખકનું નામ લખી આપ્યાં. ફ્રાન્સીસ કશું બોલ્યો નહીં કે ન કોઈ પુસ્તક ખોળવાની જહેમત ઉઠાવી. એ મારી સામે જોતો જ રહ્યો, જોતો જ રહ્યો.

મેં કહ્યું, ‘મિ. ફ્રાન્સીસ, મારે આ પુસ્તકની ખાસ જરૂર છે, મળશે?’

‘હેં?’ ઝબકીને ફ્રાન્સીસે કહ્યું અને પછી મારી સામે જોતાં બોલ્યો, “આ શેના વિશેનું પુસ્તક છે ? આઈ મીન એ લાઈફ સ્ટોરી છે, નવલકથા છે, એસેઝ છે?’

‘મને ખ્યાલ નથી, મિ. ફિલ્ડન ૧૯૩૬ ની આસપાસ ભારતમાં આવેલા અને બ્રોડકાસ્ટિંગનો પાયો નાખનાર એક મહત્વના બ્રિટિશ અધિકારી હતાં. આ પુસ્તકમાં એમણે ભારતમાં પ્રારંભની પ્રસારણ સેવા વિશે વાતો લખી છે.’

‘પબ્લિશર કોણ છે?’

‘મને ખબર નથી.’

‘મસ્ટ બી ઑક્સફર્ડ, મેકમિલન, કૅસલ કે પછી વૉટસન બ્રાઉન….’ કહી એ દુકાનના પાછલા ભાગમાં ગયો અને બે ત્રણ મોટા કેટલોગ લઈ આવ્યો. અડધા પોણા કલાકની જહેમત પછી એણે પબ્લિશરનું નામ તો શોધી આપ્યું, પણ કેટલોગમાંની માહિતી વાંચી કહ્યું, ‘સોરી, નો ચાન્સ.’

‘યુ મીન….’

‘ઑક્સફર્ડનું પ્રકાશન છે પણ હવે આઊટ ઓફ પ્રિન્ટ છે….’

હું નિરાશ થયો.

એ વખતે હું જનશક્તિ’ માં આકાશવાણી વિશે એક કટાર લખતો હતો. મારી ઈચ્છા હતી કે ભારતમાં પ્રસારણ સેવાના પ્રારંભની વાત લખું. મેં ફ્રાન્સીસને મારી આ જરૂરીયાત પર ભાર મૂકીને સમજાવ્યું અને ગમે તે ખર્ચે આ પુસ્તક મેળવી આપવા જણાવ્યું. ફ્રાન્સીસે હા પાડી. પોતાના જૂના ઘરાકને ‘સાચવી’ લેવા ફ્રાન્સીસે કમર કસી.

લગાતાર ત્રણ ત્રણ મહિના સુધી જુદી જુદી બુકશોપ્સ સાથે એના પત્રવ્યવહાર થતાં રહ્યાં. ભારતીય ચલણમાં રૂ. ૭૦ ની કિંમત ધરાવતા આ પુસ્તક પાછળ એણે સો રૂપિયા જેટલો તો ટપાલખર્ચ કરી નાંખ્યો. દર દસ-પંદર દિવસે હું એની પાસે જતો અને એ મને નકારના પત્રો બતાવતો. એક વખત તો એણે મને કહી પણ દીધું – ‘આઈ એમ સૉરી, હું તમારે માટે આ પુસ્તક નહીં મેળવી શકું. મેં ઑલ ઈન્ડિયા રેડીયોને પત્ર પણ લખ્યો છે કે જો તમારી લાઈબ્રેરીમાં આ પુસ્તક હોય તો પુસ્તકના દરેક પાનાની ફોટો-નકલ હું મારા ખર્ચે કરાવવા તૈયાર છું.

‘ત્યાંથી શું જવાબ આવ્યો?’

‘ૂલ આર ડેડ લેટર્સ.’

હું ક્યાંય સુધી નિરાશ થઈને કાઊન્ટર પર ઉભો રહ્યો. એણે મને ચા પીવરાવી અને પઈ ‘બેડ-લક’ જેવા શબ્દો ઉચ્ચારી હું દુકાનનાં પગથીયાં ઉતરવા જતો હતો ત્યાં એણે મને કહ્યું – ‘તમારું સરનામું અને ફોન નંબર મને આપતા જાઓ, હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ. મને જેવું પુસ્તક મળશે કે તમને પત્ર લખીને કે ફોન કરીને જણાવીશ.’

બુઢ્ઢો મને આશ્વાસન આપવા જ આ કહેતો હતો. મારું વિઝિટિંગ કાર્ડ મેં એને આપ્યું.

લગભગ પચ્ચીસ દિવસ પછી ફ્રાન્સીસનો ઓફીસ પર ફોન આવ્યો, ‘તમારું પુસ્તક મને મળી ગયું છે. ગમે ત્યારે આવીને લઈ જજો.’

‘હમણાં જ આવું છું, અબઘડી – અત્યારે જ.’

ફોન મૂકી ટેક્સી પકડી. ફ્રાન્સીસની સામે ઉભો રહ્યો. એણે સ્ટીલના કબાટમાંથી પુસ્તક કાઢી મારી સામે ધર્યું. મેં પુસ્તકના શરૂઆતના પાનાં ઉથલાવ્યા અને પછી હર્ષથી નાચી ઉઠ્યો. મે ખિસ્સામાંથી પાકીટ કાઢતા કહ્યું, ‘મિ. ફ્રાન્સીસ, આની જે કિંમત થાય તે લઈ લો. પત્રવ્યવહારના તમામ ખર્ચ સહિત.’

ફ્રાન્સીસ મારી સામે હસ્યો. એણે પુસ્તકની વચ્ચેથી એક કાગળની કાપલી કાઢી, મારી સામે ધરી. કાપલીમાં લખ્યું હતું, ‘બુઢ્ઢા ફ્રાન્સીસ તરફથી સપ્રેમ ભેટ.’

‘નો નો નો….. મિ. ફ્રાન્સીસ, આની કિંમત તો હું ચૂકવીને જ રહીશ.’

એણે એનો કૃશ ખરબચડો હાથ મારા પર મૂકીને કહ્યું, ‘યંગ મેન, મારા જૂના ગ્રાહક માટે મારી આટલી ભેટ સ્વીકારી લો.’

‘પણ શા માટે? તમે આ મેળવવા જે ખર્ચ કર્યો છે એ પુસ્તકની મૂળ કિંમત કરતાંય વધુ છે.’

એણે મને જે જવાબ આપ્યો એ આ હતો –

‘તમને ખબર છે, જ્યારે તમે એક કાપલીમાં આ પુસ્તકનું નામ અને શીર્ષક લખ્યાં ત્યારે હું તમારી સામે જોઈ રહ્યો હતો? કારણ કે ચાલીસ વર્ષ પછી મેં આ નામ ફરી સાંભળ્યું. હું એ વખતે કલકત્તામાં હતો. પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં નવી નવી નોકરી લીધી હતી. જ્યારે પ્રસારણ સેવા આ ડિપાર્ટમેન્ટના હાથ નીચે મૂકાઈ ત્યારે એમાંથી જે થોડા માણસો પ્રસારણ સેવા માટે પસંદ કરાયા, એમાંનો હું એક હતો. મેં મિ. લાયોનલ ફિલ્ડનના હાથ નીચે કામ કર્યું હતું. એના જેવો બાહોશ અધિકારી મેં જોયો ન હતો. વાઇસરોય લોર્ડ લીનલીથગો સામે ભારતીય પ્રસારણ સેવાનું ‘બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ ફોર ઈન્ડિયન સર્વિસ’ જેવું નામ બદલી ‘ઑલ ઈન્ડિયા રેડીયો’ રખાવનાર આ બ્રિટિશ જવાંમર્દ બચ્ચાને મેં નજદીકથી જોયો છે. એના માનમાં આ પુસ્તક આ બુઢ્ઢા તરફથી તમને સપ્રેમ.

જ્યારે જ્યારે કોઈ બુકશોપમાં પુસ્તક ખરીદવા જાઊં છું ત્યારે કાઊન્ટર પાછળ ઊભેલા કોઈ ફ્રાન્સીસને શોધવા હું પ્રયત્ન કરું છું.

{ મૂળ પુસ્તક ‘અમૃત ભરેલા પુસ્તક’ – સાભાર વાચન ૨૦૦૮ – વરસનાં ચૂંટેલા ગુજરાતી પુસ્તકો }

બિલિપત્ર

પુસ્તક વાંચ્યું, પરીક્ષા આપી અને ભણતર પુરું થયું – એવું નથી. આખી જીંદગી જન્મની ક્ષણથી મૃત્યુની ઘડી લગી, અભ્યાસની પ્રક્રિયા ચાલતી રહે છે. – કૃષ્ણમૂર્તિ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા

  • Dinesh R Patel

    અદૂભૂત પ્રસંગ વાંચકનો ,
    રેડિયો અંગેનો ,
    મન હોય તો માળવે જવાય !!!!!

  • M.D.gandhi, U.S.A.

    ધોબીતલાવ ઉપર એક “ફ્રાન્સીસની દુકાન છે. એને ત્યાં જે પુસ્તકો મળે છે તે એજ એરીયાના કોઈ બુકસેલરને ત્યાં મળતાં નથી. ગયા મહિને એક આમેરીકા રહેતાં મારા એક મિત્ર માટે હાર્મોનિયમ્-પિયાનો શીખવા માટેની એક બુક ગોતવા નિકળ્યો પણ ક્યાંય ન મલી. એક દુકાનદારે “ફ્રન્સીસ”નું નામ અને ઠેકાણું આપ્યું, અને એને ત્યાં તો લગભગ ૪૦-૫૦ જુદા જુદા પ્રકારની બુકો હતી, હું તો આભો બની ગયો. મેં તેને જોઈતી બુકનું નામ આપ્યું. પાછી તેણે મને સમજણ પણ પાડી કે જો ઘરે બેસીને જાતે શીખવું હોય તો આ બુક કામ નહીં લાગે, એ તો કોઈ શીખવનાર પાસે જઈને શીખવું પડશે, માટે તેને બદલે તેણે બીજી બુકનું સુચન કર્યું, જેનાથી જાતે શીખી શકાશે અને મેં પણ પછી તેના સુચવ્યા મુજબ ૩-૪ બુકો ખરીદી લીધી.
    ગિરીશ ગણાત્રાની જીવનની ફીલસુફી ભરેલી અને સત્ય ઘટના ઉપર આધાર રાખતી વાર્તાઓ વાંચો એટલે દિલ ખુશ ખુશ થઈ જાય.

  • upendraroy nanavati

    Girish Ganatra was our family friend and mine, bosom friend.His all short episodes are true and from real life.His books are Indian “Chicken Soups for Soul”,series.Not a singal day passed without talking to each other.He shared with me his personal events,which,Smitabhabhi too was not aware of or never knew.We were very close to regale each other,to cajole each other,that when we met perrsonally,he will not retire before his 5 packs of “Capstain Cigarette are puffed of……. miss my darling Girish….he will return,when he will need to narrate stories from Dev Lok,if,they are worth to share with mortal people…??Long live my friend in the “Replay” column of Janma Bhumi Pravasi !!!