સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્નેહરશ્મિ


મમી – સ્નેહરશ્મિ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એવા વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી સર્જન આપ્યાં છે એવા આપણી ભાષાના અદના સર્જક શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની પ્રસ્તુત વાર્તા ‘મમી’ વર્ણન અને અવધારણાઓની દ્રષ્ટિએ અનોખી છે, ખૂબ પાતળો એવો વાર્તાનો ઘટનાક્રમ વાચકને એક અનોખા વિશ્વમાં લઈ જાય છે અને ભયનું લખલખું જન્માવી આપે છે. વર્ષો પહેલા તેમણે પોતાના સર્જનમાં વાપરેલો ટેક્સીડર્મીનો સંદર્ભ પણ અનોખો છે.


આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast) 8

શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ની ‘સકલ કવિતા’ માંથી શ્રી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક સ્વ. શ્રી છીપા તથા શ્રી સ્નેહરશ્મિના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન સ્વ. શ્રી એફ. આર. છીપા દ્વારા તથા સંગીત સંચાલન શ્રી અમિત ઠક્કર દ્વારા કરાયું છે. અક્ષરનાદને આ આખુંય આલ્બમ મોકલવા બદલ શ્રી સિદ્ધાર્થ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહની બધી રચનાઓ સમયાંતરે આપણે માણીશું. આજે એ જ સંગ્રહમાંથી માણીએ એક સુંદર રચના …. ‘આજ પધારે હરિ’ ઑડીયો સ્વરૂપે.


પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ

શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક ‘સાફલ્યટાણું’ માં વર્ણવે છે, ‘પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.’ પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.


૧૪ હાઈકુઓ – સ્નેહરશ્મિ 13

જાપાનમાં હાઈકુ એક જ ઉભી લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ ચૌદ અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા અહીં પ્રસ્તુત ૧૪ હાઈકુઓ આદરણીય શ્રી સ્નેહરશ્મિની કલમની હથોટી ખૂબ સુંદર રીતે દર્શાવી જાય છે. દરેકે દરેક હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. પ્રસ્તુત હાઈકુઓ ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર.


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4

કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧) 8

ભગવદ્ગોમંડળ મુજબ કવિતા એટલે, “પદબંધ; અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના; છંદ; વૃત્ત. તેની ત્રણ જાત; ગીતકવિતા, વીરકવિતા અને નાટ્યકવિતા. અંતર્ભાવપ્રેરિત તે જ ખરી કવિતા ગણાય છે.” પરંતુ પ્રસ્તુત અનુભવવાણીમાં સ્નેહરશ્મિ કવિતા એટલે શું ? એ વિશેની એક નોખી, સાહજીક અને બાળમાનસમાં પણ સહેલાઈથી ઉતરી શકે તેવી વ્યાખ્યા બાંધવાનો યત્ન કરે છે. ક્યાંક બાળપણથીજ જો આવા શિક્ષકો મળી જાય તો એ શિક્ષણની મજા અને તેનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો એમાં શંકા હોઈ જ ન શકે. આજે પ્રસ્તુત છે શ્રી સ્નેહરશ્મિના પ્રયોગનો આ પ્રથમ ભાગ


ગયા બાપુ – સ્નેહરશ્મિ 10

ગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે. પૂજ્ય બાપુને તેમની પુણ્ય સ્મૃતિમાં આજે અધ્યારૂ નું જગત તરફ થી ભાવાંજલી અને એ અભ્યર્થના કે તેમના વિચારો અને તેમના સિધ્ધાંતો આપણને દરેક કપરા સમયમાં માર્ગદર્શન આપે, સાચાં રસ્તે લઈ જાય. ************************************* મોટા ઘરનો મોભ તૂટ્યો આ ? કે વ્હાણનો કૂવાથંભ ? ફાટ્યો પહાડનો પા’ડ હિમાલય ? કે આ કો’ઘોર ભૂકંપ ? બની ભોમ ગાંધી વિનાની; તૂટી હાય દાંડી ધરાની ! સાગર આખો ઘોર ખેડીને નાથ્યા ઝંઝાવાત, હાથવેંત જ્યાં આવ્યો કિનારો ત્યાં આ શો રે આઘાત ? ખરાબે લાવી પછાડી મૃત્યુ ! તેં નાવ અમારી. ગયા બાપુ ! ઋત ગયું શું ? ગયા પ્રેમ ને ત્યાગ ? ગયા ગાંધી ! સત્ય ગયું શું ? ગયા શીત સોહાગ ? માનવકુલભાણ ભૂંસાયો ! ધરાનો પ્રાણ હણાયો ! મૃત્યુ આજ હા ! જીતી ગયું શું ? સભર તારો અંક ! અમ પ્રતિ તું જુએ હવે શેં; આજ અમે સૌ રંક ! નોંધારાને ગોદ કો લેશે ? બાપુ વિના હૂંફ કો દેશે ?  – સ્નેહરશ્મી


જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ 1

અસહકારે દેશમાં જે હવા નવી ઉભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક નવજીવનનો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડીયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતાં, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દ્રષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં નવજીવનમાં આવેલા સહી વિનાના એક લેખનું શિર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછાં વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈક નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યુ તે, નાખી નજર ન પહોચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં લહેરાતી અમે જોતાં. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક યુવતિઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દિપ્તી નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી કોઈ પણ વ્યક્તિને – કિશોરોથી માંડીને વૃધ્ધો સુધી – મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓનાં બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો અણમોલ લહાવો હતો. ૧૯૨૦-૨૧ના અરસાના એ બધાં દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના અને નવી જ્ઞાન ક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહનાં હતાં. અનાવિલ […]


નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ 4

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારા ગાન; પરોઢિયે મંદિર મસ્જીદમાં, ધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું; ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો મહીં હસે છે તું. હરતાં ફરતાં કે નીંદરમાં; રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાયે; તું છે સૌનો રક્ષણહાર, દેવ, બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર; તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર !  – ઝીણાભાઈ દેસાઈ ‘ સ્નેહરશ્મિ’