પ્રેરક પ્રસંગો – સંકલિત 16


{૧}

મને બરાબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એક વાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા.

મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું, “બાબા, જુઓને આ લોકો કેવા છે? ખુદાને નમાજ અદા કરવી તો બાજુ પર રહી પણ કોઈ માથું યે ઊંચુ કરતું નથી !”

આ સાંભળી પિતાજી બોલ્યા, “બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !”

– શેખ સાદી

{૨}

ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ એક વાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતાં. ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું, “આટલા બધા તલ્લીન શેના વિચારમાં થઈ ગયા છો?”

“મેં એક વિચિત્ર શોધ કરી છે.” રસેલે જવાબ આપ્યો, “જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય કોઈ શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતા મને તદ્દન ઉલટી જ વાતની પ્રતીતિ થાય છે.”

{૩}

ઉપનિષદમાં એક કથા છે, ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, “વરદાન માંગ”.

ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”

અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.

– વિનોબા ભાવે

{૪}

એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, “તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.”

ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, “એમ? મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !”

{૫}

ડુંગરનું ચઢાણ આકરું હતું, બધા યાત્રાળુઓના મોં પર થાકના ચિહ્નો જણાતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ પર્વત ચઢી રહી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈકે દયાથી પૂછ્યું, “અલી છોકરી, આ છોકરાને ઉંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો?”

છોકરીએ જવાબ આપ્યો, “ભાર ! ના – રે, એ તો મારો ભાઈ છે !”

{૬}

એકાંત સેવી અવધૂત એવા મસ્તરામ પાસે જઈને રાજાએ સવાલ પૂછ્યો, “મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?” અવધૂતે કોઈ જવાબ આપ્યો નહીં, રાજાએ ફરીથી એક વખત તેમને કહ્યું, “મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?” અવધૂતે તેમની સામે તુચ્છકારભર્યું હાસ્ય કર્યું, રાજા હવે ઉભો થઈ જોરથી બરાડવા જતો હતો એટલામાં અવધૂતે કહ્યું “તું કોણ છે?’ રાજા કહે, “હું રાજા છું આ આખાય નગરનો.” અવધૂત કહે, “તારા દીદાર તો ભિખારી જેવા છે… તું અને રાજા?” રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેણે તલવારની મૂઠ પર હાથ મૂક્યો, અવધૂત કહે, “એ કટાયેલી તલવારને ચલાવવાનું આવડે છે?” રાજા તેમને તલવારથી મારવા જ જતો હતો કે અવધૂત બોલ્યા, “રાજન જુઓ, નરકના દ્વાર ખુલી રહ્યાં છે.” રાજાને સત્ય સમજાયું, તે અવધૂતના ચરણોમાં નમી પડ્યો, માફી માંગી પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યો, અવધૂત કહે, “રાજન જુઓ, હવે સ્વર્ગના દ્વાર ખુલવા લાગ્યા છે.”

{૭}

નાના એવા શહેરના મુખ્ય રસ્તા પર બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી આંબી ગયેલા એક મોટરસાયકલ સવાર પોલીસે ઉભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા. પેલા બાનુ ગુસ્સે થઈ બોલવા લાગ્યા, “તમે કાંઈ લખો એ પહેલા જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.”

એક શબ્દ બોલ્યા વગર પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી એટલે પેલા બાનુ ગુસ્સે થવા લાગ્યા, ” અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.” એમના મિજાજનો પારો ચઢતો જતો હતો તે છતાં પોલીસે ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું, “હું અહીંના મેજીસ્ટ્રેટ અને ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું…. જાણી લેજો..”

નોંધ પૂરી કરી ડાયરી બંધ કરી દંડની રસીદ પકડાવતા પોલીસે એને મધુરતાથી પૂછ્યું, “હવે કહો જોઈએ, તમે કાનજી રવજીને ઓળખો છો?”

“ના!” બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું, “ત્યારે ખરી જરૂર તમારે એને ઓળખવાની હતી.” પોલીસે દંડ લઈ પોતાની મોટરસાયકલ શરૂ કરતા કહ્યું, અને ઉમેર્યું, “હું કાનજી રવજી છું.”

બિલિપત્ર

ચાલો, ચાલો ખુદને મળીએ,
દર્પણમાંથી બહાર નીકળીએ
– અરવિંદ ભટ્ટ

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.

નાનકડા અને સુંદર પણ પ્રેરણાદાયી આ સાત પ્રેરક પ્રસંગો ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો અદભુત સંચય એવા પુસ્તક “શાંત તોમાર છંદ” માંથી સાભાર લેવામાં આવ્યા છે. શ્રી રમેશ સંઘવી અને શ્રી રમણીક સોમેશ્વરનું આ સંકલન જેટલું સુંદર અને મનહર એ, એટલું જ વિચારપ્રદ અને જરૂરી પણ છે અને ટૂંક સમયમાં આ પુસ્તકના પાંચ પુનર્મુદ્રણો થયા એ બતાવે છે કે લોકોએ તેને કેટલું સરસ રીતે વધાવ્યું છે.

પુસ્તક પ્રાપ્તિ માટે – પ્રકાશકનો સંપર્ક ૧૦૩, મ્ંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ એ સરનામે સંપર્ક કરી શકાય છે અથવા નજીકના અગ્રગણ્ય પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ અચૂક મળી જશે. પુસ્તકની કિંમત છે ૧૨૦/- ર્.)


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “પ્રેરક પ્રસંગો – સંકલિત