ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા 4


ભાષાના પ્રશ્નો

પાકિસ્તાન – પ્રકરણ સમાજબંધારણ અને સ્વભાવનું પરિણામ છે એ આપણે સારી પેઠે યાદ રાખવાની જરૂર છે. આપણો ચોકો બીજાઓથી તદ્દન જુદો હોવો જોઈએ. એમાં કોઈ બીજાનો ભેળ ન થવો જોઈએ. આંધળોયે જોઈ શકે એવી આપણી વિશિષ્ટતા દેખાઈ આવવી જોઈએ. એ હિંદુ પંડિતો તથા ઉચ્ચ કહેવાતી જાતિઓનો સ્વભાવ અને આગ્રહ બન્યા છે.

આવો સમાજ સુધરતો કે પ્રગતિ કરતો જ નથી એમ નહીં, પણ સુધારા કે પ્રગતિને બુદ્ધિપૂર્વક અપનાવતો નથી. જબરદસ્તીથી તે ઠોકી બેસાડવામાં આવે અને પૂરતો કાળ જાય એટલે તેને એ વશ થાય છે એટલું જ નહીં, પણ એ જાણે અસલથી જ પોતાનું અંગ હતો એમ સમજી તેનું મમત્વ પણ રાખવા માંડે છે. સુધારા પ્રત્યેની આપણી વૃત્તિ આગગાડીના મુસાફરો જેવી છે. જગ્યા હોય તોયે નવો મુસાફર બેસવા આવે તો પહેલાં તેને રોકવા પ્રયત્ન કરવો. પણ એ પરાણે ઘૂસી જાય તો પહેલાં થોડી વાર રોષ બતાવવો અને પછી તેને મિત્ર બનાવવો. વળી કોઈ ત્રીજો મુસાફર આવે તો જૂના અને નવા બન્ને મળી તેવો જ વ્યવહાર એ ત્રીજા પ્રત્યે બતાવવો.

આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે.

આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. સંસ્કૃત કે પ્રચલિત કોઈ પણ ભાષા સંકર નથી, પણ એ પાછલા સંકરોને આપણે પચાવી લીધા છે.

મુસલમાનો અને અંગ્રેજોના આગમન પછી તેમની ભાષાઓના શબ્દો, પ્રયોગો, પરિભાષાઓ વગેરે આપણી ભાષાઓમાં દાકહલ થાય તેમાં આશ્વર્ય પામવા જેવું નથી. તેમણે આપણને જીત્યા, આપણા પર રાજ્ય કર્યું, આપણને શરમિંદા કર્યા તેનું ભલે આપણને દુઃખ લાગે, પણ તેથી ભાષાઓની કે સંસ્કૃતિઓની ભેળસેળ વિશે કશું રોષ લગાડવા જેવું નથી. પ્રજાઓ-પ્રજાઓ વચ્ચે સંબંધો બંધાવાને અનેક નિમિત્તો થાય છે. પાડોશ, વેપાર, પ્રવાસ, સાહિત્યશોખ વગેરે દ્રારા પણ સંબંધો બંધાય છે, તેમ હિંસાપરાયણ જગતમાં આક્રમણ અને હારજીત દ્રારા પણ સંબંધો બંધાય છે. બધાંની એકબીજાની ભાષા અને સંસ્કૃતિ ઉપર સારીમાઠી અસર થાય છે.

ભાષાનું પ્રયોજન એકબીજાને પોતાનું મનોગત સમજાવવાનું છે. એમાં બોલનાર કરતાં સાંભળનારની સગવડ વધારે મહત્વની વસ્તુ છે. “આંખના ખાસ દાક્તર”માં સંસ્કૃત, અરબી અને અંગ્રેજી ભાષાઓના તદ્દભવો છે, છતાં “અક્ષિ ચિકિત્સા વિશેષજ્ઞ” કે એવું કાંઈ પાટિયું કોઈ લગાડે તો તે સામાન્ય માણસને દુર્બોધ્ય અને અગવડભર્યું થશે. ધંધો કરવાની ઇચ્છાવાળો કોઈ માણસ એવું નહીં કરે. ભાષા- શુદ્ધિની દ્રષ્ટીએ આ મોટો સંકર છે, પણ ભાષાશુદ્ધિ એ કાંઈ સ્વતંત્ર સાધ્ય નથી. ભાષા પોતે જ જીવનનું સાધ્ય નથી પણ સાધન છે. તો તેની શુદ્ધિ વિશે તો શું કહેવું?

આજે જ્ઞાનનો મોટો ભંડાર પુસ્તકોરૂપી પેટીઓમાં બંધ થયેલો છે. ભાષા અને લિપિ એ પેટીઓને ઉઘાડવાની ચાવીઓ જેવી છે. જેને એ ચાવીઓ પ્રાપ્ત થાય તેને જ્ઞાનનો મોટો ભંડાર ઊઘડી જાય છે. આથી બહોળે હાથે અને ઝપાટાબંધ અક્ષરજ્ઞાન ફેલાવવાની આવશ્યકતા ઊભી થઈ છે.

જેમ રસ્તા ઉપર સાર્વજનિક વપરાશ માટે ઊભા કરેલા નળની ચકલી એવી ન હોવી જોઈએ કે તેને ઉઘાડવા માટે ખાસ તાલીમ લેવી આવશ્યક થાય, તેમ પુસ્તકોને ઉઘાડવાની ચાવીઓ પણ જેમ બને તેમ સર્વેને સુલભ થઈ શકે, ઝપાટાબંધ વાપરવાની રીત આવડી જાય એવી હોવી જરૂરી છે.

લિપિના પ્રશ્નો

ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી. ટેવ- મહાવરો એ સાથે સંબંધ છે ખરો. એને વિશે એવું અભિમાન -મમત્વ હોવાની જરૂર નથી કે એમાં ફેરફાર કરવામાં વટલાઈ જતાં હોઈએ. ભાષા તથા લિપિ પૈકી બેમાંથી એકને જતી કરવાનો પ્રસંગ આવે, તો લિપિનો ત્યાગ કરવો ઘટે.

હિન્દુસ્તાનમાં આજે અનેક લિપિઓ લખાય છે. વર્ણમાળાના વિચારથી એ લિપિઓના ત્રણ વર્ગ પાડી શકાય સંસ્કૃત વર્ણમાળાવાળી, ફારસી વર્ણમાળાવાળી અને અંગ્રેજી વર્ણમાળાવાળી, સંસ્કૃત વર્ણમાળાની મુખ્ય લિપિઓ દેવનાગરી, ગુજરાતી, બંગાળી, પંજાબી, ઉડિયા, કાનડી, તેલુગુ, મલયાલમ, તામિલ – એટલી ગણાવી શકાય. આ પૈકી આધુનિક તામિલ સિવાય બીજી બધી લિપિઓની વર્ણમાળા એક જ એમ કહેવાને હરકત નથી.

પ્રાચીન લિપિસંશોધકોએ સારી પેઠે બતાવ્યું છે કે આ બધી લિપિઓ મૂળ એક જ લિપિમાં કાળાન્તરે પડી ગયેલા જુદાજુદા મરોડોનું પરિણામ છે. એ મૂળ લિપિને બ્રાહ્મી લિપિનો કાળાંતરે દેવનગર (કાશી) માં સ્થિર થયેલો મરોડ તે આધુનિક દેવનાગરી.

કાશીના પ્રાચીન સાંસ્કૃતિક મહત્વને લીધે એ લિપિ સૌથી વધારે પ્રચાર પામી તથા આદર પામી. ગુજરાતી, કૈથી જેવી લિપિઓ દેવનાગરીનાં જ રૂપાંતરો છે એ સહેલાઈથી જોઈ શકાય છે. બંગાળી, ઊડિયા કે દ્રાવિડી લિપિઓ વિશે એટલું સહેલાઈથી જોઈ શકાતું નથી. એ બ્રાહ્મી લિપિનાં સીધાં રૂપાંતરો પણ હોઈ શકે છે.

તે તે પ્રાન્તમાં પ્રથમ લેખનકળા લઈ જનારા પંડિતના પોતાના હસ્તાક્ષર, લખવાનું અધિષ્ઠાન (કાગળ, ભૂર્જપત્ર ઈ.) લખવાનું સાધન (શાહી, કલમ, લોઢાની લેખણ ઈ.) વગેરે કારણોથી જુદીજુદી જગ્યાની લિપિમાં જાણ્યે અજાણ્યે નવા મરોડો ઉત્પન્ન થયેલા માલૂમ પડે છે. કેટલાક અક્ષરોની પહેલાં જરૂર નહીં જણાઈ હોય, પણ પાછળથી દાખલ કરવામાં આવ્યા હોય એમ જણાય છે.

આ લિપિઓમાં વખતો વખત બુદ્ધિપૂર્વક ફેરફારો થયેલા પણ દેખાય છે. જીવંત ભાષા, લિપિ અને વેશ સરખાં રાખવા માગો તોયે તદ્દન એક સરખાં રહી શકતાં નથી. જાનીને ફેરફાર ન સ્વીકારો તોયે અજાણ્યે એમાં ફેર પડી જાય છે. આ મારી બાપીકી ભાષા, લિપિ કે વેશ એ મિથ્યાભિમાન જ છે.ક્યારેક બીજી જ ભાષા બોલનારા, લિપિ લખનારા અને વેશ રાખનારા એના પૂર્વજો હતા જ. કોઈ માણસ પોતાની બાપીકી એક પણ રીતને સંપૂર્ણપણે વળગી રહેવાનો આગ્રહ ક્રાન્તિની વાતો સાથે સુસંગત નથી.

સંસ્કૃત ભાષાએ ગોઠવેલો વર્ણાનુક્રમ બહુ વ્યવસ્થિત છે. અલેફ – બે કે એ- બી – સીના ક્રમમાં કશો ઢંગધડો નથી. સ્પષ્ટ ઉચ્ચારો દર્શાવવા માટે ઓછામાં ઓછા જેટલા સ્વતંત્ર અક્ષરો જોઈએ. તેટલા એ બે લિપિઓમાં નથી. તે બેની અપેક્ષાએ સંસ્કૃત વર્ણાનુક્રમવાળી લિપિઓમાં ઘણા વધારે છે. પણ આકૃતિઓની તથા યુક્તાક્ષરોની સરળતા અને તેથી શીખવા તથા લખવાના સહેલપણાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ – બી – સી ના ગુણ સંસ્કૃતકુળની કોઈ પણ લિપિ કરતાં વધી જાય છે.

આપણો વર્ણાનુક્રમ તો સારો છે, પણ વર્ણના મરોડો – આકારો સહેલા નથી અને યુક્તાક્ષરોની પદ્ધતિ સગવડભરી નથી. આથી તેને શીખવા તથા લખવામાં વધારે શ્રમ પડે છે અને ઝડપ ઓછી થાય છે.

કોઈપણ બે લિપિ જાણનારાઓની લોકસંખ્યા લઈએ, તો બીજી લિપિ તરીકે રોમન લિપિ જાણનારા સૌથી વધારે નીકળશે. દેશની બહાર જગતમાં એ લિપિ સૌથી વધુ મહત્વની છે. એની ખામીઓ થોડાક ફેરફારથી દૂર કરી શકાય એમ છે.

આ બધી બાબતોનો વિચાર કરી હું નીચેના અભિપ્રાયો પર આવ્યો છુંઃ

૧.રોમન લિપિનું પ્રાન્તની વિવિધ ભાષાઓના ઉચ્ચારોને સંપૂર્ણપણે અને ચોક્કસપણે રજૂ કરી શકે એવું સ્વરૂપ નિશ્વિત કરવું; એને ઠરાવેલી રોમન લિપિ કહો.

૨.સૌ કોઈને બે લિપિઓનું જ્ઞાન આવશ્યક હોય – પ્રાન્તીય લિપિનું અને ઠરાવેલી રોમનનું.

આ વ્યવસ્થાયી દેશની ભાષા માટે ક્રમમાં ક્રમ એક સામાન્ય લિપિ – અને તે જગદ્દ્વ્યાપી લિપિ – પ્રાપ્ત થઈ શકશે; અને રોજના અંતર્ગત વ્યવહારોમાં તથા સાહિત્યમાં પ્રાન્તીય લિપિઓ પણ રહી શકશે. કોઈ પણ ભાષા શીખવાનું સગવડભર્યું થઈ શકશે.

– કિશોરલાલ મશરૂવાળા


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા

  • natwarlal

    આજે જાણે લિપિ કે ભાષાને ઉધી આભડી ગઈ હોય એવું લાગે છે. સૌ પોતપોતાની રીતે જોડણી કરવા લાગ્યા છે અને સરકાર ભાષાની અસ્મિતા જાળવી રાખવામાં નાકામયાબ પુરવાર થઈ છે. દા.ત. તમે ઈ-ટીવી ગુજરાતીમાં નીચે સરકતી સમાચારની હારમાળામાં વાંચશો તો લિપિની જાણે મેથી મારતા હોય એવું લાગે. હા, ક્યારેક ઉતાવળમાં કી-બૉર્ડ પર હાથ ફરી જાય,પણ સાવચેત રહેવું જરૂરી છે. કારણકે છાપેલાં પુસ્તકો કરતાં ટી. વી જોવાવાળાની સંખ્યા વધારે જ છે.

  • Harshad Dave

    પ્રાંતીય અને વૈશ્વિક એમ બે લિપિનું જ્ઞાન સહુને હોય તે અભિપ્રાય સાથે સહમત છું પરંતુ ભાષાને વળગેલા ભૂર ને કારણે દરેક પ્રાંતના લોકો પોતપોતાનો ચોકો અને અભિપ્રાય અલગ લઈને બેસી જાય. હિન્દી ભાષા વૈશ્વિક ભાષાનું સ્થાન લઇ શકવા સક્ષમ છે. રોમન લિપિને સુધારવાની વાતમાં મોટી અડચણ એ છે કે તેવાં સુધારાથી લિપિ વધારે અઘરી બની જાય એટલે કે તેની સરળતા ગુમાવી બેસે અને તે જાણનારા લોકો એવાં સુધારાને સ્વીકારે કે કેમ એ વિષે પણ શંકા રહે. આ ગૂંચવાયેલા કોકડાની ગૂંચવણ કેમ દૂર કરવી તે પણ એક કોયડો બની રહે. તો શું કરવું? વાચકો તેમના નિખાલસ અભિપ્રાયો દર્શાવે તેમાંથી કાંઇક રસ્તો સૂઝે એવી આશા છે.