કેટલાંક તો અમસ્તા જ. દેકારો પાડે કે, “હાયહાય, હું તો ઘરડો થઇ ગયો.” અને જુઓ તો માથાનો ખાલી એક વાળ જ સફેદ થયો હોય! તેમાં તો જાણે દશરથ રાજાની જેમ ટેન્શનમાં આવી જાય! “ક્યાં છે હિમાલયનો રસ્તો. મારે હવે સન્યાસ લેવો પડશે.” પછી મારે એને કહેવું પડે કે “તું કહે તો હિમાલયની તને બધી પ્રોડકટ બતાવું, પણ હિમાલયના રસ્તા તો હવે, સાધુને પણ જડતાં નથી. જોતો નથી, બિચારા ચિપીયો લઈને ફાઈવ સ્ટાર હોટલમાં આંટા મારે છે?” બીજું કે આપણે જ્યાં છે, ને ત્યાં જ ઠીક છે બકા! નાહકના શું કામ હિમાલયને ટેન્શન આપવા જવાના? ઘરમાં ભલે બોજ હોય, પણ હજી તમારે કેટલાં કોડ છે? ઢાંઢાં થયાં તો યે હજી ઘોડે ચઢવાના ઠેકાણા નહી, અને નનામીએ ચઢવાના નકામા વિચાર શું કરો છો બકા?
કેટલાં વર્ષે તો હજી માંડ સિનીયર સિટીઝનમા ટચ થયાં! પછી વાળ સફેદ નહીં તો સોનાનો નીકળે? ઘડપણ એટલે તમે શું સમજો છો? એ તો શરીરને મળેલું શારીરિક પ્રમોશન છે! આપણે તો એને વેલકમ કરીને શીરાપુરી ખાવા જોઈએ. સિનીયર સિટીઝન એટલે પુખ્તમાંથી પણ પરવારી ગયેલાનું લાઈસન્સ! એક વાર આ લાયસન્સ મળી જાય પછી, નહીં કોઈ ઝંઝટ કે નહીં કોઈ જોખમ! બસ ફક્કડ ગિરધારી બનીને ફરવાનું અને આવતાં-જતાંને હલ્લો.. હાય કરવાનું! કેટલાં નસીબદાર! આવું સુખ મેળવવા માટે તો કેટલાય કોલેજીયનો પાળિયા થવા તૈયાર હોય, બકા!
કામધંધાની તો હવે ક્યાં ચિંતા છે.? હવે તો બસ એક જ કામ કરવાનું! કોઈ માંગે કે ના માંગે, તમારે માત્ર સલાહ આપતાં રહેવાનું. પણ એક કાળજી રાખવાની. સલાહ આપતી વેળા કોઈપણ જાતના પડીકાં નહીં છોડવાનાં કે, “અમારાં જમાનામાં તો આમ હતું ને અમારાં જમાનામાં તેમ હતું .” કારણ આવું બધું સિરીયલ વચ્ચે આવતી જાહેરાત જેવું લાગે બકા. બાકી જલસા જ કરો ને જમિયતભાઈ. ઘડપણ તો વડપણનો પ્રસાદ કહેવાય. પણ તેથી કંઈ હાથ જોડીને બેસી નહીં રહેવાનું. સાવ નવરા ધૂપ રહેશો તો તમને, તમારા નામ કરતાં “નવરો નખ્ખોદીયો ” તરીકે વધુ ઓળખશે! ટેન્શન ન લો. તમારી પાસે ઉમરના પ્રમાણમાં અનુભવો તો ખીચોખીચ ભરેલાં જ છે એટલે સલાહો આપો તો ધંધાદારી રીતે આપો. સિનીયર સિટીઝન થયાં એટલે, તમારી પાસે અનુભવની અફલાતૂન માસ્ટરી તો આવી જ છે. ઘરની બહાર એક પાટિયું લગાવી દો. “સુફીયાણી સલાહના સ્પેશ્યાલીસ્ટ.” મળો યા લખો. સંપતભાઈ સુફીયાણી. ખાનગીમાં પણ સલાહનું ટ્યુશન આપવામાં આવશે. પછી જુઓ, કેવી લાઈન લાગે છે યાર!” દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે!” તો પછી કરો કંકુના.
આ ઘડપણ જ એક એવું બચેલું ક્ષેત્ર છે, કે જેમાં સમ ખાવાની પારદર્શકતા ટકેલી છે. નહી લાંચ, નહીં સગાવાદ, નહીં જાતિવાદ કે નહીં ‘પોઝીશન’ વાદ! ભ્રષ્ટાચારનું તો આમાં પાંચિયું પણ નહીં આવે. અને ભલા ભૂપની પણ એમાં સળી ન ચાલે. યાર, નાંખી દેવા જેવો માણસ કેમ ન હોય? ઘડપણ તો એને પણ આવે જ. આપણે તો ઘડપણ આવે એટલે બીજી માથાકૂટમા પડવાનું જ નહીં. અત્યાર સુધી છોકરાઓ આપણી સાથે રહેતાં હતાં. હવે આપણે છોકરાઓ સાથે રહેવાનું છે એ યાદ રાખી ફાવે તો મંજીરા શોધવા માંડવાના અને મંદિરમાં જઈને ગાવા માંડવાનું કે.
“પાન ઘરડું થયું ને તમે યાદ આવ્યાં,
જાણે આયખાનો છેલ્લો પ્રસાદ કે તમે યાદ આવ્યાં.
પ્રભુ.. યાદ આવ્યાં.!”
અત્યાર સુધી બહુ ખાધું અને પીધું પણ બહુ. કૌંચાપાક ચાવી ને કે, આડા-ઉબડા પડીને, શરીર પણ મજબૂત સિમેન્ટ જેવું બનાવ્યું. પણ હવે ટકવું હોય તો, અટકવું પડે! કારણ હવે તમને સિનીયર સિટીઝનની બઢતી મળી છે. અત્યાર સુધી તમારા તાબામાં શરીર હતું, હવે શરીરના તાબામાં તમે છો. શરીર એક પછી એક એના પડીકા છોડવા જ માંડશે. જે આંખ લોકોને ઘાયલ કરવામાં પાછળ નહીં પડતી, એમા ‘મોતિયા’ ઘર કરવા માંડશે, કાનના શટર પડવા માંડશે! અને માશૂક કે માશૂકાને જે દાંત દાડમની કળી જેવાં લાગતાં હતાં, એ બધાં દાંત રસ્તે રઝળવા માંડશે. અને સૌથી વિશેષ મઝા તમને ઢીંચણમા આવશે. એટલાં માટે કે આખાં શરીરમાં આ એક જ ભાગ એવો છે કે, જેની ઓળખાણ ઘરડાં થયાં વિના થાય જ નહીં. સાલું જરાક અમસ્તું ઢીંચણ, પણ આપણી આખી ચાલ બદલી નાંખે. એટલું જ નહીં, વિફરેલા ભાડૂતની જેમ છેલ્લે સુધી મથાવે! જેટલો વાઈફને વ્હાલ નહીં કર્યો હોય એટલો વ્હાલ આ ઢીંચણને કરવો પડે. એમાં પાછાં મરઘાં ઢાંકતા હોય એમ ઘડપણ ઢાંકવા વાળને કાળા કરીએ. અને બકા, કલપ તો કરવો જ પડે. જો ન કરીએ તો, આપણું ડાચું જોઈને આપણને જ ઉબકા આવવા માંડે! કલપ વગરનો ચહેરો જોઈને, મહોલ્લાનું કૂતરું પણ ભસવા માંડે!
બકા, સાચી વાત કહું? આખર તો ઘડિયાળના ત્રણ કાંટા જેવી આ જીંદગી છે. સેકન્ડ કાંટો, એટલે યુવાની, મીનીટ કાંટો એટલે પ્રૌઢાવસ્થા અને કલાકનો કાંટો એટલે, વૃદ્ધાવસ્થા. પણ આપણે જાણીએ કે, ઘડિયાળમાં સેકન્ડ કાંટો ના હોય, કે મિનીટ કાંટો ના હોય તો પણ ધડીયાળ તો ચાલે, અને એનો સમય પણ બતાવે. પણ કલાકનો કાંટો જો ના હોય, તો ઘડિયાળ ચાલે? સમય જ નહીં બતાવે. એટલે વૃદ્ધો એ તો સમયની શાન છે, બકા હવે એવું નહીં પૂછતો કે, એટલે જ સરકારમાં વૃદ્ધ પ્રધાનો ઠાંસી ઠાંસીને ભરવા પડે છે. એ કોણ અડવાણીનું નામ બોલ્યું!
જે હોય તે બકા. આ સિનીયર સિટીઝન થવામાં એક મોટામાં મોટો ફાયદો પણ છે. આખી જીંદગી ભલે આપણે રાવણની વિચારધારામાં કાઢી હોય, પણ સિનીયર સિટીઝન થયાં પછી, એ બિલકુલ મહાત્મા ગાંધીની નજીક આવી જાય. કઈ રીતે બોલ બકા. કારણ, પહેલી ઓક્ટોબર એટલે ” વિશ્વ સિનીયર સિટીઝન ડે ” અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ.! કેવાં નજીક-નજીક છે? છેલ્લે એક વાત કહું? આ તો બધી હસી ખુશીની વાત થઇ પણ, સાચી વાત તો એ છે કે માણસની ઉમર અને બેંકનું વ્યાજ ક્યારેય અટકતું નથી. સમયની સાથે વધતું જ રહે. તો પછી જલશા કરોને જમિયતભાઈ!
– રમેશભાઈ ચાંપાનેરી ‘ રસમંજન ‘
રમેશભાઈ તેમના આજના લેખમાં કહે છે એ હું ટાંકુ, “આ સિનીયર સિટીઝન થવામાં એક મોટામાં મોટો ફાયદો પણ છે. આખી જીંદગી ભલે આપણે રાવણની વિચારધારામાં કાઢી હોય, પણ સિનીયર સિટીઝન થયાં પછી, એ બિલકુલ મહાત્મા ગાંધીની નજીક આવી જાય. કઈ રીતે બોલ બકા. કારણ, પહેલી ઓક્ટોબર એટલે ” વિશ્વ સિનીયર સિટીઝન ડે ” અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ.! કેવાં નજીક-નજીક છે?” વિશ્વ વૃદ્ધ દિવસ નિમિત્તે સિનીયર સિટીઝન મિત્રોને શુભેચ્છાઓ સહ રમેશભાઈનો પ્રસ્તુત લેખ સાદર. અક્ષરનાદને સુંદર લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
બિલિપત્ર
૭૦ વર્ષના યુવાન હોવું એ ૪૦ વર્ષના વૃદ્ધ હોવા કરતા ક્યાંય વધુ આશાવાદી અને ઉત્સાહપ્રેરક છે.
– ઓલિવર વેન્ડેલ હોમ્સ
મિત્રો
આપની શુભેચ્છાથીજ બધું લખાય છે. સમઝ સાથે હાસ્ય વ્યક્ત કરવાની ત્રેવડ એ મને મળેલી સ્વ. જ્યોતીન્દ્ર દવે સાહેબની ભેટ છે. એમની સાથે હાસ્યના કાર્યક્રમ કરવાની મને તક મળેલી એ મારું સૌભાગ્ય છે.
આપ સૌની શુભકામના એ મારી ઉર્જા છે.
અભિનંદન
ઉમરને આનન્દ કરવાનું લાઈસન્સ લેવું નથી પડતું એટલે કે આનંદ ને ઉમરનો બાધ નડતો નથી. કનડતો નથી. આધી વ્યાધી અને ઉપાધિઓની સામે ઠાવકા થવાનો સમય, આમેય કોઈની સામે થવા કરતાં સાથે થવું એવી સકારાત્મક સમજણ તો વરિષ્ઠ થયા પછી જ આવે. હળવી શૈલીમાં યુવાનોને પણ વાંચવા જેવો આ લેખ છે. કારણ? અમ વીતી તુજ વીતશે…સૂર્યાસ્ત સોહામણો હોય છે…અભિનંદન -હદ.
Excellent article. very much pleased to read it. once again thank you very much for such article.
ઘડપણંમાઁ આવુઁ બધુ મેીઠુઁ મધ જેવુઁ લાગે, ખરુઁ ને? રમેશભાઇનો પ્રયાસ
અભિનન્દનેીય ગણાય્.
Entertaining,
adorable ,waiting for next creation.
AS USUAL , RAMESH BHAI HAS EXCEEDED THE EXPECTATIONS.
સરસ વાત,વયસ્કોની વ્યથા સહજ રીતે રજુ કરી, સલાહ પણ માનવા જેવી અને ખુબ જ હાસ્ય સભર શૈલીમા, આનદ આનદ થઈ ગયો…………..
enjoyed article being very nearer to s.citizen
thanks Rameshbhai
જીવનમાં જેને કાંટા જ ન વાગ્યા હોય એને સેકંડ, મીનીટ કે કલાકને શું લાગે વળગે! એને તો એમ જ હશે કે કલેપ કરીએ એટલે સમય આપણા હાથમાં.
ઘરદાનેી બરાબર ઓલખ આપવા બદલ ખુબ ખુબ આભાર…..
સાચુ જ કે ઘરદા ગાદા વાલે એ જ સાચેી પ્રવ્રુતિ….જિવો ને સુખે થેી જિવવા દ્યો.
વન્ચવ નિ મજ પદિ.ખસ કરિને જ્યરે વતન અને મત્રુભશ થિ દોૂર હોઇએ. થન્ક્સ્
હળવી શૈલી મા કહેવાયેલી આધ્યાત્મિક વાત….!!!
ખુબ સરસ લેખ. દરેક સિનીયરને ગમે એવો.
મને તો ખુબ ગમ્યો. હું ૭૪-
નવીન બેન્કર ( હ્યુસ્ટન)