હિંમતે મર્દા તો મદદે ખુદા : રુસિદા બડાવી – ડૉ. જનક શાહ 6


tumblr_m16u0hlyai1qm0sywo1_500કોઈ વ્યક્તિના બાવડા કોણી નીચેથી કાપાઈ ગયેલા હોય અને એક ફોટોગ્રાફર તરીકે કામ કરે તો નવાઈ લાગે કે કેમ? ઈન્ડોનેશિયાની ૪૪ વર્ષની રુસિદા બડાવી આવી એક મહિલા છે જે બાર વર્ષની હતી ત્યારે એક કાર અકસ્માતમાં તેના હાથને કાપવા પડ્યા હતા. આજે તે કેમેરો લઈને પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે ૨૦ વર્ષથી કામ કરી રહી છે.

સામાન્ય કુટુંબમાં જન્મેલી બડાવી ૧૯૩૯માં સિનિઅર હાઈસ્કૂલ પરીક્ષા પાસ કરીને તેણે સોલોમાં આવેલ અપંગો માટેના ‘વ્યવસાયી પુનરુત્થાન કેન્દ્ર’માં સીવણ અને ફોટોગ્રાફીના વર્ગોમાં પ્રવેશ લીધો. આ યશસ્વી અભ્યાસક્રમનો કારણે તે ફોટોગ્રાફર બનવાના સ્વપ્નને સાકાર કરી શકી છે. તેના તે કૌશલ્યનો ઉપયોગ સ્થાનિક વિસ્તારમાં કરે છે.

રુસિદા સ્વીકારે છે કે તેણે તેના બાવડા ન ગુમાવ્યા હોત તો તે કાંઈક જુદાજ પ્રકારની વ્યક્તિ હોત. તેને દહેશત છે કે કદાચ ફોટોગ્રાફી માટે આટલી ઉત્કટતા જાગી હોત કે કેમ! રુસિદાનો પતિ સુરાડી કહે છે.”મને આશા છે કે મારી પત્નીની પ્રવૃતિઓ તેના જેવા બીજા માટે અને નિરાશાવાદી લોકો માટે ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બનશે. આપણે જાણીએ છીએ કે વિકલાંગતાના ફાયદા અને ગેરફાયદા ઘણાં છે અને તેની પાસે પૂરા હાથ નથી છતાં સશક્ત લોકોની જેમ જ દરેક કાર્ય કરી શકે છે.”

દર મંગળવારે તે મેક-અપ કરે છે. રુસિદા લગ્ન-પ્રસંગોનું અને પાર્ટીઓનું બીજા પ્રોફેશનલ ફોટોગ્રાફરની જેમ શૂટિંગ કરે છે. ઈન્ડોનેશિયાના તેના ગામ બોટોરેજોમાં તેના ઘરે નાનો સ્ટુડિઓ છે. પોતાની વિકલાંગતાને અવગણીને તે પોતાના નસીબને જાતે ઘડવા મકકમ છે. ભવિષ્યમાં તેના નજીક પોતાનો મોટો સ્ટુડિઓ ઊભો કરવાની ખ્વાઈશ ધરાવે છે.

આજના યુગમાં ફોટો ફિલ્મ સાથે કામ કરે છે, ડિજીટલ પ્રિન્ટ સાથે નહી. આ બાબત હાથ વગરની વ્યક્તિની કારર્કિદી માટે વધુ પડકારરૂપ છે. વિડીઓમાં તેને કામ કરતી જોઈએ તો અચૂક સેલ્યુટ કરવા હાથ ઉંચો થઈ જશે.

બડાવીની કહાની પ્રેરણાદાયક છે અને જીંદગી જીવવામાં સામે આવતા અવરોધોને અવગણીને સ્વપ્નોને સાકાર કરવા માટે ઉત્સાહી બનાવે છે. આપણે બધા તેની જેમ જીવીએ તો દુનિયા કાંઈ જુદી જ અને વધુ સર્જનાત્મક હોવાની સંભવિતતા છે.

તમારા સ્વપ્નોને સાકાર કરવા તમે કેવા અને કેટલા અવરોધોનો સામનો કરવા પ્રયત્ન કર્યો છે? કોઈએ તમને પડકાર ફેંકીને કહેવું હોય કે તમે આ કાર્ય ન જ કરી શકો ત્યારે તેમને ખોટા ઠેરવવા શું કરો છો? આ વાત જાણીને એટલું તો ચોક્કસ તમે તેના માટે કહેશો કે ‘કાંડા વગરની એક સફળ ફોટોગ્રાફર!’ એવા ઘણાં દેશો કે જેમાં વસતા ઘણાં લોકોને આંગળી જ ન હોય તો ભીખ માંગવા લાગી જાય. જ્યારે આ કાંડા વગરની મહિલા સહેજપણ ઓશિયાળી થયા વગર પોતાના પતિ, ૧૩ વર્ષના એક સંતાન તેમજ શિથીલ હાથ અને પગ સાથે સૂતા સૂતા જીવન જીવતા બાર વર્ષના ભત્રીજા સાથે ઈન્ડોનેશિયાના નાના ગામમાં વીસ વર્ષથી ફોટોગ્રાફી કરી મગરૂરી ભર્યું જીવન વિતાવે છે.

પોતાના સંતાનના વાળ તે કેવી રીતે ઓળે છે તે જોઈને તમને થશે કે આ શક્ય બની શકે? હા.. ‘મા’થી કાંઈજ અશક્ય નથી. કોઈકે કહ્યું છે “IMPOSSIBLE” બનાવી દે છે I’M POSSIBLE! ભગવાને લોકોને અશક્યમાં શક્યતા જોવાની દ્રષ્ટિ આપી હોય તો કદાચ ક્યાંય કોઈ કાર્ય અધુરું ન રહ્યું હોત!

ઈન્ડોનેશિયાના નાના ગામમાં વીસ વર્ષથી ફોટોગ્રાફી કરી મગરૂરીભર્યુઁ જીવન વિતાવતી મહિલાએ સાચા અર્થમાં સર્જનાત્મકતા શું કહેવાય તે બતાવી આપ્યું છે. હાથની કમી તેના માટે કોઈ સમસ્યા નથી. બાર વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં તેના માતા-પિતાને એક કેમેરો લાવી આપવાની વિનંતી કરી.

સૌથી પહેલો કેમેરો પેનટેક્સ તેને તેના શિક્ષકે પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે તેણે કામ શરૂ કર્યું ત્યારે ૧૯૯૫માં ભેટ આપ્યો હતો. તે કેમેરાને તેણે પોતાની જરીરિયાત મુજબ બદલ્યો. ૨૦૧૦ પહેલા તે આ કેમેરાનો ઉપયોગ કરતી. ત્યાર પછી કેનન ડિજીટલ કેકેરાનો ઉપયોગ કરતી થઈ અને છેવટે કેનન ૫૫૦ડી અને ફ્લેશ કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો. કાંડા વગરની એક મહિલા ફોટોગ્રાફરને લોકો લગ્નના, ઉત્સવોના અને બીજી ગ્રામ્ય પ્રવૃત્તિઓના ફોટા પાડવા માટે આમંત્રિત કરે અને પ્રસંગોપાત સ્થાનિક સત્તાવાળાઓ તેનો જ આગ્રહ રાખે તે નાની સફળતા ન કહેવાય.

તેની મુલાકાતમાં તે સ્વીકારે છે કે પોતાની શારીરિક મર્યાદા મુજબ કેમેરાને એડ્જસ્ટ કરવો પડતો હતો કારણકે તે તેના પંજા પ્રમાણ્ર કામ કરી શકે તેવી શક્યતા ન હતી. તેના કપાયેલ હાથની વચ્ચે રહીને કેમેરોકામ કરી શકતો હતો. કેમેરાનું બટન તેને અમુક રીતે જ એડ્જસ્ટ કરાવવું પડ્યું હતું. સ્ટુડીઓને તૈયાર કરવામાં તેના પતિ તેને મદદ કરતો હતા. તેનો પતિ પોતની પત્ની બીજા તેના જેવા વિકલાંગ લોકો માટે જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનતી જોઈને ગૌરવ અનુભવતો હતો જ્યારે પોતાની વિકલાંગતાની કોઈ વાત કરે તો રુસિદાને પસંદ નથી.

મહિને તે યુ.એસના ૪૪ ડોલર કમાઈ લે છે. એક ફોટોગ્રાફના તે ૭૦ સેન્ટ ચાર્જ કરે છે. તેના કામથી ખુશ થઈને તેને રાજ્ય સરકારના ‘વેલ્ફેર એમ્પાવરમેન્ટ’માં નોકરી મળેલ છે. તે તેનો કેમેરો ચલાવવા પૂરતી જ કાબેલ નથી પરંતુ પોતાના રોજિંદા કાર્યોને આટોપવમાં પણ નિપુણ છે જેમકે પોતાના સંતાનને શાળાએ જવામાટે તૈયાર કરવાનો, અપંગ ભત્રિજાને નવરાવવા ધોવરાવવા ઉપરાંત ઘર ચલાવામાં પારંગત છે.

પોતાના કાર્યની કાબેલિયત જોઈને તેને વિવિધ સ્ત્રોત તરફથી કેમેરા મળ્યા છે. પણ જ્યારે આધુનિક ટેકનોલોજી ના કેમેરા ન હતા ત્યારે પણ તે સરસ ફોટોગ્રાફી કરતી અને આધુનિક ટેકનોલોજી ના કેમેરા મળ્તા તે તેનાથી જલ્દીથી પરિચિત થઈ ગઈ. તે કહે છે કે તેણે કદી આશા ગુમાવી નથી. મન હોય તો માળવે જવાય તે ઉક્તિને તેણે મૂર્તિમંત કરી બતાવી હતી.

પ્રસ્તુતકર્તાઃ ડૉ. જનક શાહ, શ્રીમતી ભારતી શાહ (વિચાર વિજ્ઞાન – જૂન જુલાઈ ૨૦૧૪ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હિંમતે મર્દા તો મદદે ખુદા : રુસિદા બડાવી – ડૉ. જનક શાહ