તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર 4


“તને ગમે મારી થોડી વ્યથા
તો પાડ તાલી,
પછી સાંભળી શકે આખી કથા
તો પાડ તાલી,

ઘણું દુષ્કર હોય છે આ
રૂઢિઓમાં જીવવાનું,
શકે તોડી આ સઘળી પ્રથા
તો પાડ તાલી.”
– મુકેશ દવે

To Teach is to Touch a life foreverશિક્ષણનું કાર્ય જ્ઞાનની જ્યોત પ્રગટાવવાનું છે. શિક્ષકનું કાર્ય એ જ્યોતને સદાય જલતી રાખવાનું છે. એક જલતી જ્યોતથી બીજી જ્યોતને પ્રગટાવીને શિક્ષણના જ્ઞાનયજ્ઞને હંમેશા પ્રજ્વલિત રાખવાનું કાર્ય કેટલાક ‘પાગલ’ શિક્ષકો કરતાં હોય છે. શિક્ષક ‘પાગલ’ થાય પછી જ તેનું કાર્ય દીપી ઉઠે છે. બાકી ચીલાચાલુ અને સરેરાશ શિક્ષકોનો આપણે ત્યાં તોટો નથી. પરીપાટીથી થોડું ‘હટકે’ પ્રદર્શન કરનારાં શિક્ષકો પોતીકો અભ્યાસક્રમ રચતાં હોય છે. NCF અને RTEના તેઓ મોહતાજ નથી હોતા. આવાં ‘પાગલ’ શિક્ષકો આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ હોય છે. (સિંહોના ક્યાં ટોળા હોય?) આવા શિક્ષકો જ કંઈક કરવાની – કરી શકવાની ખેવના ધરાવતાં હોય છે. તેમના માટે કેળવણીકારો પ્રયોગશીલ શબ્દ વાપરતાં હોય છે. પ્રયોગશીલ શિક્ષક પરિપત્રોમા રસ નથી લેતો બલ્કે બાળકોમાં રસ લેતો હોય છે. સરકારી પરિપત્રો અને શિક્ષણના ફતવાઓની તેમના કાર્ય પર લગીરે અસર થતી નથી. ઘંટ વાગે આવવું અને ઘંટ વાગે જવું આ મર્યાદા આવા ધૂની શિક્ષકોને નડતી નથી. સમયનું જ નહીં, અન્ય કોઈ પણ બંધન તેમને બાંધી શકતું નથી. આવા શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ પ્રિય હોય છે. તેમના એક ઈશારા પર વિદ્યાર્થી કૂદકો લગાવવા તૈયાર હોય છે. આ પ્રયોગશીલ શિક્ષકો એક વિશાળ વિદ્યાસેનાના (વિદ્યાર્થીઓના) પ્રતિનિધિ હોય છે. તેઓ ધારે તેવું અને તેટલું કાર્ય પોતાની સેના પાસે કરાવી શકે છે અને તેથી શિક્ષક શૈક્ષણિક નેતા છે એમ કેળવણીકારો કહેતા હોય છે.

કદાચ આ પ્રયોગશીલ શિક્ષકો રાજ્યના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી વંચિત રહી જાય એવું બને, એ શક્ય છે કારણ તેઓ બાળકો સાથે પ્રયોગો કરવામાં અને વધુ એક જ્યોત પ્રગટાવવાની મથામણ કરવામાં એ વ્યસ્ત હોય છે. વર્ગખંડ કે બાળકો સાથે સ્નાન સૂતકનોય સંબંધ ન હોય તેવા શિક્ષકો જ્યારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લઈ જાય છે ત્યારે હ્રદય ગ્લાનીથી ભરાઈ જાય છે. કેળવણીના આધારસ્તંભ કહી શકાય એવા મૂર્ધન્ય કેળવણીકારો ગિજુભાઈ બધેકા, તારાબહેન મોડક, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી, જુગતરામ વગેરેએ સાચા શિક્ષણની ધૂણી ધખાવેલી જે આજેય પ્રજ્વલીત છે. આ જ શિક્ષકો કેળવણીની વાટ સંકોરી રહ્યા છે. શિક્ષણના સિદ્ધાંતો એ જ છે, તેના હેતુઓમા કોઈ ફેરફાર ન થયો હોય તો પણ આધુનિક નવીનીકરણના સંદર્ભમાં ટેકનોલોજી તેમાં ચોક્કસ રીતે ભળી છે. પ્રયોગશીલ શિક્ષકો નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડને સ્માર્ટખંડ બનાવવા મથી રહ્યા છે. કોઇ પણ કામની સિદ્ધિ માટે મથવું એ પ્રામાણિક પ્રયત્નની નિશાની છે. મારા મતે કેળવણી એટલે વ્યક્તિમાં ચોક્કસ પ્રકારના પરિવર્તન માટે જીવનપર્યંત મથવાની પ્રક્રિયા.

શિક્ષક બાળકના વર્તનમાં પરિવર્તન લાવવા મથે છે. તેના વર્તનમાં ચોક્કસ પ્રકારનાં ફેરફારો માટે શિક્ષક પ્રયત્ન કરે છે. નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા બાળકને કાર્યમા પલોટે છે. વિદ્યાર્થી જ્યારે એક નવી સિદ્ધિ મેળવે છે ત્યારે એ પ્રયોગશીલ શિક્ષક આત્મસંતોષ અનુભવે છે. કોઈ પુરસ્કાર, ઈનામ કે ભેટ એ શિક્ષકની સામે વામણા પૂરવાર થાય છે. શાળાના બાળકો જ આવા શિક્ષકની મૂડી અને સમૃદ્ધિ છે. કેટલાક શિક્ષકો પગાર માટે શિક્ષક બન્યા હોય છે! પહેલી તારીખની રાહ જોતા હોય, પગાર થાય, પગાર વાપરે પરંતુ બુદ્ધિ અને શક્તિ ન વાપરે. તે પોતે મોંઘા સ્માર્ટ ફોનનો માલિક હોય અને મોંઘો મોબાઈલ વાપરનારા શિક્ષક તરીકે બાળકો પર પ્રભાવ (કે અભાવ?) પડતો હોય! સદનસીબે એવા કેટલાક શિક્ષકો સાથે સંપર્ક થયો છે, કેટલાક એવા પાગલોને મળવાની તક મળી છે જે શિક્ષકો પોતાના પગારના પચીસ ટકા રકમ નિયમિત પણે પોતાની શાળાના બાળકો માટે વાપરે છે. આવા શિક્ષકોના મોબાઇલ નંબર આપી શકુ છું. આ શિક્ષકો શાળામાં આવતી મેઈન્ટેનન્સ ગ્રાન્ટના મોહતાજ નથી હોતા.! પોતાના સંબંધોનો, સગા-સંબંધીઓ વગેરેનો ઉપયોગ શાળાના બાળકો માટે, વિદ્યાર્થીઓની કિટથી માંડીને તીથી ભોજન સુધીનુ આયોજન કરતાં હોય છે. પોતાના બાળકો જેટલું જ પોતાની શાળાના બાળકોને ચાહનાર શિક્ષકો ને સો – સો સલામ…

આવા પ્રયોગશીલ શિક્ષકોની ખુલ્લો પડકાર હોય છે કે મારી શાળામા ગમે ત્યારે આવો, ગમે તે સમયે આવો, તેઓ સરપ્રાઈઝ ચેકિંગનો પડકાર ફેંકતા હોય છે. પ્રયોગશીલ શિક્ષકો માટે કેટલાક વામણા અધિકારીઓ મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે. તેજોવધનો અર્થ ત્યાર પછી જ શિક્ષકની સમજમા આવતો હોય. પોતાનું અધિકારીપણું બતાવીને આવા સમર્પિત શિક્ષકોના કાર્યમા રોડાં નાખતા અધિકારીઓને શિક્ષણ અને શિક્ષણના પ્રયોગ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો કે સંબંધ હોતો જ નથી. આવા અધિકારીઓ ગિજુભાઇનુ નિરીક્ષણ કરવા આવનાર નિરીક્ષકની યાદ અપાવે છે.

માત્ર પોતાના વિદ્યાર્થીઓને અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી પ્રવૃત્તિઓ કરનાર અને કરાવનાર શિક્ષકો સાચા અર્થમા એવોર્ડને પાત્ર છે. ફાઈલ વગર કામને જોઈને એવોર્ડ આપવાનું આપણે ક્યારે સ્વીકારીશું? શિક્ષણમા રાજકારણ આવે તે કરતાં રાજકારણમા શિક્ષણ ભળે તે જરૂરી છે એમ ક્યારે સમજીશું? અંતરીયાળ વિસ્તારમાં કાર્ય કરતાં નિષ્ઠાવાન શિક્ષકને ક્યારે નવાજીશું? રાજકારણમા વગ ધરાવતા, માત્ર ફાઈલો તૈયાર કરી એવોર્ડ ઝૂંટવી લાવતા શિક્ષકના વેશમા રહેલા શખ્સને ક્યારે ઓળખીશું? શિક્ષકની જેમ શિક્ષણતંત્ર પ્રયોગશીલ બની શકે? બાળકો સાથે સાચા અર્થમા કામ કરતા અને શિક્ષણની જ્યોત જલતી રાખવામા ધૂપસળી બનતા શિક્ષકોને ક્યારે નવાજીશું? પ્રયોગશીલ શિક્ષકોને શોધી કાઢવા માટે કોઈ પ્રયોગશીલ તંત્ર ને અસ્તિત્વમાં લાવી શકીશું? સાચો અને નિષ્ઠાવાન શિક્ષક ક્યારેય એવોર્ડ માટે પોતાની ફાઈલ તૈયાર કરી મોકલવામા રસ નહીં દાખવે. આવા શિક્ષકોને સામેથી શોધી કાઢવાનું પુણ્યકાર્ય શિક્ષણ વિભાગ ક્યારે કરશે? નિષ્ઠાવાન શિક્ષકોને અન્યાય કરવાનું આપણે ક્યારે બંધ કરીશું? આ કરી શકીશુ તો ગુજરાતની, દેશની અને દેશની આવનારી પેઢીને માર્ગદર્શન માટેની સાચા અર્થમા સેવા થઇ ગણાશે.

– ડૉ. સંતોષ દેવકર

બિલિપત્ર

ભ્રષ્ટાચાર.
માત્ર ત્રણજ
વ્યક્તિ દૂર કરી શકે.
માતા,
પિતા
અને પ્રાથમિક શિક્ષક. –
એ.પી.જે. અબ્દુલ કલામ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર

  • મામતોરા રક્ષા

    ખૂબ જ સરસ શિશણ જગતની વાસ્તવિક્તા રજૂ કરતો નિબંધ , વર્ષોથી શિક્ષણ જગત સાથે સંકળાયેલી છુ, આ બાબત પ્રત્યક્ષ અનુભવેલી છે , નિષ્ઠાવાન શિક્ષકોની સમાજમાં કદર થતી નથી , એ આપણા સમાજની અને દેશની કરુણતા જ કહેવાય , રાજકારણને શિક્ષણમાંથી દૂર કરવાના પ્રયત્નો થવા જોઈએ આવો સરસ ચિંતનાત્મક નિબંધ લખવા માટે . આપ શ્રી ને ખૂબ – ખૂબ અભિનંદન .

  • Shirish Mehta

    This artical should be read more and more by other teachers, parents, eager to study students, govt. officers, Hon. Guj. education minister, Trying to show keen interest in governance by our chief minister.Our education has gone to very low standard.For example, I asked one student in senior BCom , he neither could reply in english or even in his gujrati.He replies that when teachers are like this what else should I study?