નેટવિશ્વ અનેક નવી શરૂઆતો, અનેક અવનવા પ્રયત્નો અને વિચારશીલ લોકોના ઉપયોગી પ્રયત્નોનો ભંડાર છે. આજે આવા જ ત્રણ ભિન્ન લોકોનો પરિચય અહીં મૂક્યો છે. વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તેમના અલભ્ય યોગદાન બદલ સલમાન ખાન, અમિત અગ્રવાલ અને ડૉ. નિરંજન રાજ્યગુરૂના પરિચય સાથે કાંઈક અલગ કરીને ઇન્ટરનેટને તેની મહત્તમ ક્ષમતા સુધી સમાજ માટે ઉપયોગ કરનાર આ નેટવીરો અને તેમના કાર્ય વિશે જાણીએ.
સલમાન ખાનનું નામ આવે એટલે તરત જ માનસમાં ઉભરાય એ અભિનેતા જેના સિક્સ પેક એબ્સ, ચોકલેટી હાસ્ય અને સંવાદો પર યુવાનો અને યુવતીઓ ફિદા છે, કરોડોની ફિલ્મો અને અધધ ચાહકવર્ગ સાથેના સલમાન ખાનની વાત આપણે નથી કરી રહ્યા, પણ આજે આપણે જે સલમાન ખાનની વાત કરવાના છીએ તે અલગ છે અને તેમની વાત પણ થોડી અલગ રીતે પ્રચલિત છે. એ સલમાન ખાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ માટે ઓળખાય છે અને ઈ.સ. ૨૦૦૮માં તેમના દ્વારા સ્થપાયેલ ખાન અકાદમીનો હેતુ છે દરેકને માટે નિઃશુલ્ક વિશ્વસ્તરીય અભ્યાસ, કોઈ પણ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો.
પ્રચલિત અને રૂઢીગત શૈક્ષણિક માધ્યમોની સામે ઇન્ટરનેટના અનેક ફાયદાઓમાંનો એક છે તેની વિશાળ અને ત્વરિત પહોંચ. તેના આવા ઉપયોગનું સૌથી સરળ ઉદાહરણ છે ખાન અકાદમી, જે એક વૈશ્વિક વર્ગખંડ છે. શિક્ષણને ચાર દિવાલોમાંથી બહાર લાવીને ઈન્ટરનેટના સક્ષમ માધ્યમ દ્વારા વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની આગવી પહેલ કરતી અનોખી સંસ્થા છે. અવ્યવસાયિક ધોરણે, નફો લેવા માટે નહીં પરંતુ મૂળભૂત હેતુને વળગી રહીને શિક્ષણનો પ્રસાર કરવાની નેમ સાથે સ્થપાયેલ આ વેબસાઈટ પર વિવિધ વિષયોના વિડીયો દ્વારા ચાલીસ કરોડથી વધુ પાઠ અપાઈ ચૂક્યા છે અને અઢી અબજથી વધુ વખત અહીં અપાયેલ ગૃહકાર્ય કે દાખલા વગેરે અનેકવિધ વિદ્યાર્થીઓ દ્વારા ગણાયા છે (મતલબ અહીં લગભગ દિવસે ૪૦ લાખ દાખલા કે પ્રશ્નો ઉકેલાય છે). પાંચ લાખથી વધુ રજીસ્ટર્ડ શિક્ષકો વર્ગખંડમાં ખાન આકાદમીનો ઉપયોગ કરે છે. તમે શિક્ષક હોવ, વિદ્યાર્થી હોવ, ઘરે બેસીને કોઈ વિષય જાણવા માગતા ગૃહિણી હોવ કે ફક્ત જીજ્ઞાસાથી જાણકારી મેળવવા માંગતા વ્યવસાયી, અહીં ઉપલબ્ધ બધી સામગ્રી તદ્દન મફત છે અને બધા માટે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ ૬૦૦૦થી વધુ વિડીયો પ્રશિક્ષણ માંથી ઉપયોગી પાઠ અભ્યાસ માટે જોઈ શકે છે, ક્રિયા-પ્રતિક્રિયાઓ સાથેના અભ્યાસ કરી શકે છે. શિક્ષકો અને વાલીઓ તેમના બાળકો અહીંથી શું શીખી રહ્યા છે તે ઉપર નજર રાખી શકે છે. અહીંથી તમે શું શીખ્યા અથવા કયા કોયડા ઉકેલ્યા વગેરે વિશેની વિગતે માહિતિ પણ અહીં ઉપલબ્ધ રહે છે અને તે દ્વારા તમારી જાણકારી અને જ્ઞાનનો એક નકશો બનાવાય છે. અભ્યાસને અંતે તમારી પ્રવીણતા અનુસાર તમને અહીંથી બેજ આપવામાં આવે છે જે પરિણામ અથવા ઈનામની ગરજ સારે છે. ખાન એકેડમી શરૂ કરનાર સલમાન ખાન એક સુપ્રસિદ્ધ માણસ થઈ ગયા છે જેમની સીએનએન તથા ટેડ.કોમ વગેરે પર આ નવી વિચારધારાને લઈને મુલાકાત પણ લેવામાં આવી છે.
ગણિત, ઈતિહાસ, શરીરવિજ્ઞાન, ભૂગોળ, વાણિજ્ય, જીવશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન, કળા, સંગીત, કોમ્પ્યુટર વિજ્ઞાન જેવા અનેક વિષયો પર તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ શિક્ષણ ખાન અકાદમીની વિશેષતા છે. મહીને એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરે છે અને અહીં પ્રસ્તુત વિડીયો લગભગ ૪૭ કરોડથી વધુ વખત જોવાઈ ગયા છે. ભારતીય માતા અને બાંગ્લાદેશી પિતાના પુત્ર એવા સલમાન ખાન અત્યારે અમેરિકાના ન્યૂ ઓર્લિઅન્સમાં રહે છે. તેમના પિતરાઈને ૨૦૦૪માં યાહૂના ડૂડલ નોટપેડ દ્વારા તેઓ અભ્યાસમાં મદદ કરતા, આ જ પ્રકારની મદદ અન્યોને પણ કરવાના વિચારરૂપે તેમણે યૂટ્યૂબ પર વિડીઓ મૂકવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓની પ્રસંશા અને એ વિડીઓની સફળતાને જોતા સલમાને તેમની નોકરી છોડીને પૂર્ણસમય આ જ કામ માટે ફાળવ્યો. અત્યારે ખાન અકાદમીને અનેક અમેરીકન વ્યવસાયિક માંધાતાઓ દ્વારા ફંડ મળે છે, ઓનલાઈન અભ્યાસ માટેના નિઃશુલ્ક પરંતુ અસરકારક અને ઉપયોગી સ્ત્રોતમાં ખાન અકાદમી અવ્વલ છે. ૨૦૧૪ સુધીમાં તેમની વેબસાઈટ લગભગ ૨૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે જે તેની ખ્યાતી અને ઉપયોગીતા સૂચવે છે. ગૂગલ અથવા ફેસબુકના ખાતાઓ વડે અહીં લોગિન કરી શકાય છે, એ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અભ્યાસની અસરકારકતા જાણી શકે છે. ખાન અકાદમીનું આ ઓનલાઈન શિક્ષણ મોડેલ ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઑરેકલ જેવી કંપનીઓ ઉપરાંત અમેરિકન સરકાર દ્વારા પણ વખણાયું છે. શિક્ષણના ક્ષેત્રમાં કંઈક અલગ કરવાનો સલમાન ખાનનો આ પ્રયાસ પ્રસંશનીય પૂરવાર થયો છે અને એ રીતે અનેક વિદ્યાર્થીઓ માટે આ સલમાન ખાન પણ હીરો સાબિત થયા છે.
ભારતમાં બ્લોગિંગ ક્રાંતિના પ્રણેતા તરીકે જેમનું નામ લેવાય છે તેવા અમિત અગ્રવાલ ભારતની જ આઈઆઈટી માંથી કોમ્પ્યૂટર સાયન્સમાં એન્જીનીયરીંગની ડિગ્રી ધરાવે છે, ૨૦૦૪માં ભારતના પ્રથમ ટેકનોલોજી અને વ્યવસાયિક બ્લોગર બનવા માટે તેમણે નોકરી છોડી દીધી. તેઓ વોલ સ્ટ્રીટ જર્નલ ભારત માટે અંગત વપરાશની ટેકનોલોજી વિશેની કટાર લખે છે અને ઉપરોક્ત કડી પરનો તેમનો ટેકનોલોજી વિશેનો બ્લોગ ડિજીટલ ઈંસ્પિરેશન ખૂબ વંચાતો, પ્રચલિત અને નામના પામેલ બ્લોગ છે જેમાં તે કોમ્પ્યૂટર એપ્લિકેશન્સ વિશે, વિવિધ ગેજેટ્સ વિશે અને વેબ ઉપયોગ વિશે લખે છે. અંગત વપરાશમાં ઉપયોગી ટેકનોલોજી વિશે તેમણે ફાઈનાન્સીયલ એક્સપ્રેસ, આઊટલુક સામયિક અને હિન્દુસ્તાન ટાઈમ્સ વગેરેમાં પણ લખ્યું છે.
૨૦૦૪માં શરૂ થયેલ ડિજીટલ ઈન્સપિરેશન ઇન્ટરનેટ વિશ્વના મુખ્ય ૧૦૦ ટેકનોલોજી બ્લોગ્સમાં સમાવિષ્ટ છે. વેબવિશ્વની સગવડોનો, નાનકડી એપ્લિકેશનથી લઈને સોફ્ટવેર સુધીના ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વિશે માહિતિ આપવાની તેમના આ બ્લોગની નેમ છે. તેને ત્રીસલાખથી વધુ પેજ ક્લિક દર મહીને મળે છે. છ હજારથી વધુ લેખ સાથે વેબ ટેકનોલોજીને લગતી અનેક બાબતો, અંગત ઉપયોગ માટે ફાયદાકારક થઈ પડે તેવા સૂચનો, વેબ એપ્લિકેશન, How To- પ્રકારના લેખો અને ટેકનોલોજી સમાચાર સાથેનો આ બ્લોગ ઈન્ટરનેટ પરની અને સોફ્ટવેર સાથે સંકળાયેલી ગમતી વસ્તુઓની ઉપયોગીતા અને તેમનાથી મહત્તમ ફાયદો મેળવવાની રીત બતાવે છે. અમિત અગ્રવાલ ભારતના પ્રથમ ટેકનોલોજી બ્લોગર છે, વેબવિશ્વની ટોચની વેબસાઈટ્સમાં તેમની અને તેમના બ્લોગની નોંધ લેવાઈ છે. ચોક્કસ વિષય પરત્વે ખૂબ સ્પષ્ટ વાત, મુદ્દાસર માર્ગદર્શન અને ટૂંકાણમાં પરંતુ જરૂરી વસ્તુ સચોટ રીતે લખી શકવાની તેમની ક્ષમતા, ટેકનીકલ બાબતોને સરળતાથી સામાન્ય માણસ સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવાની તેમની આવડત તેમને આટલા સફળ બ્લોગર બનાવે છે.
તો આપણી ભાષાના કદાચ સૌથી અનુભવી લોકસાહિત્ય મર્મજ્ઞ પણ ઇન્ટરનેટના હકારાત્મક ઉપયોગ માટે અનેરી સૂઝ દાખવી રહ્યા છે. ગુજરાતી લોકસાહિત્યને ઇન્ટરનેટ પર ગૂંજતી રાખવાનો અનેરો પ્રયત્ન કરનાર, દાસી જીવણ પર પી.એચ ડી કરનાર, આપણી ભાષામાં સંત સાહિત્યનો પ્રચાર, પ્રસાર તથા સંવર્ધન કરવામાં જીવન અર્પણ કરી દેનાર ઘોઘાવદરના શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ પાસે વર્ષોથી સંગ્રહેલો પરંપરાગત ભજનીકો દ્વારા ગામડાઓની ભજનમંડળીઓમાં ગવાયેલા ભજનોનો અનેરો ઑડીયો – વિડીયો સંગ્રહ છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન – પ્રસાર કરતી સત નિર્વાણ ફાઉન્ડેશન નામની તેમના દ્વારા શરૂ કરાયેલ અનોખી પહેલ આ ક્ષેત્રના મરમીઓ માટે એક ખજાનો પૂરો પાડે છે.
ડૉ. રાજ્યગુરુ સંત સાહિત્યના, ભક્તિ સાહિત્યના મરમી અને કરમી છે, સાહિત્ય સંસ્થાઓના અનેક ઉચ્ચ પદોને તેઓ શોભાવે છે, જેમ કે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષા અને સાહિત્યના એડવાઈઝરી બોર્ડના સદસ્ય, પ્રસાર ભારતી – ઑલ ઈન્ડીયા રેડીયો, રાજકોટની પ્રોગ્રામ એડવાઈઝરી કમિટીના સભ્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદ, મધ્યસ્થ સમિતિ, અમદાવાદના સભ્ય. ડૉ. રાજ્યગુરુ જેટલા સારા ભજનિક છે, એટલા જ સદ્ધર એ સાહિત્યના મરમી પણ છે. ભારતીય પારંપરિક પરફોર્મિંગ આર્ટ્સના વિષયમાં તેઓ નિષ્ણાંત છે. સંત સાહિત્ય વિશેના 250થી વધુ, લોક સંસ્કૃતિ વિશે 40 અને ચારણી સાહિત્ય વિશે 10થી વધુ રિસર્ચ પેપર્સ તેમણે આપ્યા છે, આ ઉપરાંત 21થી વધુ પુસ્તકો, દેશ-વિદેશના અનેક સામયિકોમાં આ વિષયોને લગતા લેખ તેઓ લખતા રહ્યા છે.
૬૦૦થી વધુ કલાકોનું ભજનો અને સંત સાહિત્યનું રેકોર્ડીંગ તેમની પાસે ઉપલબ્ધ છે જેમાં લોકગીતો, રાસ, લગ્નગીતો વગેરેનું ૬૦ કલાકથી વધુ રેકોર્ડીંગ, દુહા, છંદ, ચારણી સાહિત્ય કવિત અને લોકકથાઓ વગેરેનું 50 કલાકથી વધુનું રેકોર્ડીંગ તેમની પાસે ઉપલબ્ધ છે. આ બધુંય તેમણે ગામડે ગામડે, ભજન મંડળીઓમાં રહીને, તેમના દ્વારા ગવાતા ભજનોને, લોક સાહિત્યને, લોકકથાઓ તથા ચારણી સાહિત્યને ધ્વનિમુદ્રિત કરીને (વિવિધ સાધનોની મદદથી રેકોર્ડ કરીને તથા હવે એ રેકોર્ડને ડીજીટાઈઝ કરીને) એક વિશાળ સંગ્રહ સમાજને માટે એકત્ર કર્યો છે અને હવે વર્ષોથી એકત્ર કરેલ આપણી ભાષાની મહામૂલી મિરાંત એવા આ ઑડીયો સંગ્રહને ડીજીટાઈઝ કરીને ઈન્ટરનેટ પર સંત સાહિત્યના મરમીઓ અને રસીયાઓને સાંભળવા તદ્દન નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવ્યો છે. કંઠ્યપરંપરામાં સચવાયેલા, વિવિધ ભજનિકોએ પરંપરાના રાગો – ઢાળોમાં ગાયેલા ૩૦૦૦થી વધારે ભજનોનું ધ્વનિમુદ્રણ કરીને ખંતપૂર્વક સંગ્રહ કરેલો જે અભ્યાસીઓ માટેની મૂલ્યવાન સામગ્રી છે તો આસ્વાદકો માટેનો લોભામણો ખજાનો છે. અત્યારે 350થી વધુ ભજનો અહીં ઑડીયો સ્વરૂપે સાંભળવા મળે છે, તો અનેક વિડીયો પણ અહીં ઉપલબ્ધ છે. શક્ય છે કે અહીં તમે જે ભજન સાંભળી રહ્યા હો એ દાયકાઓ પહેલા અંતરીયાળ એવા કોઈ ગામના ચોરે બેસીને મેઘલી રાત્રે ભજન ગાતા ભજનિકોની ભાવવાણીને મોટા ટેપરેકોર્ડર દ્વારા રેકોર્ડ કરાઈ હશે જે આજે ઓનલાઈન સાંભળવા મળે છે. આ ઉપરાંત સંત સાહિત્યના તેમના દ્વારા લખાયેલા પુસ્તકોને તેમણે નિ:શુલ્ક ઈ-પુસ્તક સ્વરૂપે ભાવકો માટે ઉપલબ્ધ કરાવ્યા છે. ઉપરાંત અહીં ભજનિક સંત કવિઓના ઉપલબ્ધ ફોટોગ્રાફ્સ તથા સંતકોશ જેવી સામગ્રી પણ મળી રહે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ આમ આંગળીના ટેરવે તેમના લોકસાહિત્યની સાથે જોડાયેલા રહી શકે છે.
આશા છે વાચકોને ઇન્ટરનેટ મહાસાગરમાં ડૂબકી મારી તેની ઉજળી બાજુ શોધવાનો આ પ્રયત્ન વાંચનપ્રદ, ઉપયોગી અને સંતોષકારક રહેશે.
– જીજ્ઞેશ અધ્યારૂ (ક્વૉલિટી સક્સેસ અઠવાડીક, તા. ૫-૧૦-૨૦૧૪)
ત્રીજી લીંક બંધ પડી છે, બદલશો.
Its working, plz recheck.
Thank you
Khub upyogi mahiti ati sundar….
ખુબજ સરસ માહિતી ,
અક્ષરનાદ પરિવાર ને શુભકામના સાથે
આ બધાએ સુન્દર કામ કર્યુ . અભિનન્દન.
very informative..
સુંદર અને ઉપયોગી માહિતી …અભિનંદન અધ્યારુજી !!
મુરબ્બી શ્રી જીગ્નેશભાઈ
દિવાળી નાં લાંબા WEEKEND માટે આપે સરસ મજાનું ભાતું પીરસ્યું છે.
ખુબ ખુબ અભાર અને આપ સહુને અક્ષર્નાદ ની ટીમને દિવાળી તથા નુતન વર્ષ નાં અભિનંદન
ઉપયોગી અને પ્રેરક માહિતીસભર વાત લઈને આજે જીજ્ઞેશભાઈ આવ્યાં છે. મને તો એ જ સમજાતું નથી કે તેઓ ૨૪ કલાકમાં આટલું બધું ખેડાણ કેવી રીતે કરી શકે છે…નોકરી, ઘરગૃહસ્થી, અક્ષરનાદ પ્લસ રીડગુજરાતી અને આપણે જેનાથી અજાણ હોઈએ એવી પ્રવૃત્તિઓ…! આભાર અને અભિનંદન સહ વંદન…-હદ.
શ્રેી જીયેશભાઈ,
ખૂબ સુંદર માહિતિ આપના તરફ્થી મળી છે.
આ મહિતિ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર્.
ચન્દ્રકાન્ત લોઢવિયા
Very nice information. This will definitely help anxious readers in the field of their interest.