જો બકા! ભાઇબંધી એટલે ભાઇબંધી – ડૉ. હાર્દિક યાજ્ઞિક 11


માણસ પોતાની જાતે પોતાની જ પીઠ થપથપાવી શકતો નથી અને પોતાના કુલામાં પોતે જ લાત મારી શકતો નથી અને એટલે જ ઇશ્વરે માણસ માટે ભાઇબંધ બનાવ્યો હશે.

ચોવીસ કૅરેટની શુદ્ધતાનો હોલમાર્ક ભલે ન હોય, પણ સો ટચની લાગણીઓથી તરબરતર થયેલો ખાલી એક દોસ્ત તમારી જોડે હોય ને, એટલે દુનિયાભરના સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને પૂરેપૂરી છૂટ છે.

friendshipજેની પાસે કોઇ ખુલાસા કરવાની જરૂર ન પડે અને વગર કહ્યે ઘણું બધું સમજે એ ભાઇબંધ. તમને સામે મળીને દર વખતે “કેમ છે?” ને “સારું છે.” એવી નિરસ ઔપચારીક વાતો ન કરતો એ વ્યક્તિ તમને તકલીફના સમયમાં ખાલી એટલું જ પૂછે, “બોલ ને હવે, શું થયું?” અને તમે ધોધમાર વરસી ઉઠો એ તમારો ભાઇબંધ. જેની સાથે વાત કરીને ભાર હળવો થાય તે તમારો ભાઇબંધ. જેની સામે મન મૂકીને અને હૈયું ખોલીને રડી લેવાય એ તમારો ભાઇબંધ. જેની સાથે કરેલા તોફાનો યાદ કરતા મલકાઇ જવાય એ તમારો ભાઇબંધ. જે તમારી લાગણીઓને પોતાના તર્કના ત્રાજવે તોલે નહીં એ તમારો ભાઇબંધ.

૭૫ રુપિયે લીટર પ્રેટોલના આ જમાનામાં ભગવાન કૃષ્ણની જેમ મુઠી તાંદુલના બદલામાં કુબેરના ભંડાર કદાચ આજનો ભાઇબંધ ન આપી શકે પણ આજેય કેટલાય ભાઇબંધો એમના સુદામાઓના અણીના અવસર સાચવતા એ.ટી.એમ તો બને જ છે.

જે મીઠું મીઠું બોલે ત્યારે વ્હેમ જાય અને ગાળ બોલે ત્યારે ગોળ ગોળ થઇ જવાય એ સાચો ભાઇબંધ. એ તુંકારીને બોલાવે એમા જે મજા હોય છે એ જગતભરના આદર કરતા પણ વધારે હોય છે.

અમુક ભાઇબંધીવેડા આમ જોવા જઇએ તો, સમજથી પર હોય છે. કોઇ કોમ્પિટીશનમાં ભાગ લેવા તમે સ્ટેજ પર જતા હોય ત્યારે લોકોના “બેસ્ટ ઓફ લક”ની વચ્ચે તમારા કાનમાં આવીને જે તમને કહે કે “જો લુખ્ખા, નંબર ન લાવ્યો ને તો ટાંટિયા તોડી નાખીશ.” એ જ ભાઇબંધ નીચે હોલમાં બેઠો બેઠો તમારા પરફોર્મન્સ માટે આંખો બંધ કરીને પૂરી લગનથી ઇશ્વરને પ્રાર્થના કરતો હોય છે.

સાચો ભાઇબંધ તમારા બર્થડે પર તમને વિશ કરવાનું મોટા ભાગે ભૂલી જાય પણ તમે ખોટી દિશામાં જાવ તો તમને ચેતવવાનું કયારેય નથી ભૂલતો.

નાનપણમાં એક વાર્તા સાંભળેલી કે એક વ્યક્તિ ગામની સીમમાંથી રાતે “વાઘ આવ્યો, વાઘ આવ્યો..” ની બૂમો પાડે. ગામ આખું એને બચાવવા દોડે અને છેલ્લે એ વાત મજાક નીકળે એટલે નિરાશ થઇને કે ચીડાઇને ગામવાળા પાછા ફરે. એક દિવસ ખરેખર વાઘ આવે, પેલી વ્યક્તિ બૂમો પાડે અને આ વખતે કોઇ જ ન આવે…

જ્યારથી આ વાત સાંભળી હતી ત્યારથી મનમાં થાય કે નક્કી આ માણસને કોઇ સાચો ભાઇબંધ નહી હોય, કારણકે સમાજ ભલે તમારી મજાકથી કંટાળી તમારી મદદે ન આવે પણ ભાઇબંધ કોઇ દિવસ ભાઇબંધથી કંટાળે નહીં.. કદાચ મદદની ૧૦૦ ખોટી બૂમ પછી પણ ૧૦૧મી બૂમ પડતાં જ આવી ને ઉભો રહે એ ભાઇબંધ.. કારણ કે એને તમારામાં રસ છે.

જય સંહિતા એટલેકે મહાભારતને સમજીને વાંચનારા એ વાત માનશે જ કે કર્ણ દાનવીર હોવાની સાથે સાથે ઘણો જ્ઞાની હતો. તો શું એ દુર્યોધનના અધર્મને નહોતો સમજતો? યુદ્ધના સમયે કૃષ્ણ અને કુંતી બન્નેએ કર્ણને સમજા્વવાના પ્રયત્નો કર્યા હતા. તે પોતે પણ અધર્મ તરફ છે એ જાણતો હતો પણ અત્યારે તેનો મિત્ર તકલીફમાં હતો. એનો સૌથી મોટો ધર્મ આ તકલીફના સમયે મિત્રને છોડી દેવામાં નહીં પણ એની સાથે ઉભા રહેવાનો હતો. અને આજની ભાષામાં કહું તો કર્ણની પિન જ્યાં ચોંટી ગઇ હતી એ એની ભાઇબંધી હતી.

આપણેય કોલેજનાં ઝગડામાં ને છોકરીના લફરામાં, દોસ્તના પપ્પાના પ્રશ્નોમાં અને ટિચરને દેવાના જવાબોમાં, દોસ્તની ઉઘરાણી ચૂકવવામાં કે પછી એને ઉછીના દેવામાં ભાઇબંધ ખોટો હોય તોય એની સાથે તો ઉભા જ રહ્યાં છીયે ને ? એટલે કર્ણની વાત આમ જોવા જઇએ તો સાચી જ છે. રહી વાત ભાઇબંધ ખોટુ કરે તો તેને સમજાવાની, તો એને એકવાર તત્કાલીન તકલીફમાંથી બહાર લાવીને પછી લાફો મારી સમજાવવાની ત્રેવડ અને હક બન્ને એક ભાઇબંધને હોવો જ જોઇએ.

દરેક સંબધને એક સરનામું હોય છે મિત્રતાનું સરનામું એટલે વિશ્વાસ. તમારા દોસ્તોના લિસ્ટમાં એક નામ એવું હોય જેને તમે તમારા પર્સનલ ઇ-મેઇલનો પાસવર્ડ કોઇપણ પ્રકારની શંકા વગર કહી શકો એ તમારો ભાઇબંધ. આમ જોવા જઇએ તો તમારી પહેલી ગર્લફેન્ડનું નામ તો તમારો ખાસ ભાઇબંધ જાણતો જ હોય એટલે તમે નહીં કહો તોય તમારો પાસવર્ડ એને ખબર જ હશે. (એક સર્વે મુજબ મોટાભાગે પુરુષોના ઇ-મેઇલનો પાસવર્ડ એમની પહેલી ગર્લફેન્ડનું નામ હોય છે. હવે ઉતાવળા ન થશો. લેખ પૂરો વાંચ્યા પછી પાસવર્ડ બદલવા જજો.)

મોટાભાગે ખાસ ભાઇબંધ ફેસબુક કે ટ્વિટરના ફેન્ડઝ લિસ્ટમાં બહુ જોવા નથી મળતો. કારણકે એને તમારી દરેક વાત સમજ્યા વગરજ લાઇક કરવાની કે એની પર સારી સારી કોમેન્ટ કરવાની કુટેવ નથી હોતી. અને જો એ ત્યાં હોય તો હોય તો સાચા ભાઇબંધની મોટાભાગની કોમેન્ટ જાહેરમાં મૂકી શકાય – રખાય એવી પણ નથી હોતી.

ભાઇબંધ પાસે કશું ગોઠવીને કહેવું નથી પડતું, ઇનફેક્ટ ઘણી વખત તો ભાઇબંધને કશું જ કહેવુ નથી પડતું.. તમારી ગેરહાજરીમાં પણ તમારો વખત સંભાળી લેવાની એક અદ્રશ્ય પાવર ઓફ એર્ટની એટલે જ ભાઇબંધી.

વેસ્ટનાઇઝડ કલ્ચરનું જોયા જાણ્યા વગર અનુરકરણ કરવાના વણલખ્યા નિયમોને અનુસરીને હવે તો આપણા દેશમાં પણ લોકો ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફેન્ડશિપ ડે ઉજવે છે. ૯૦ ના દાયકામાં કેટલાક ગ્રીટીંગ કાર્ડ કંપનીના ભેજાબાજ માર્કેટિંગ કન્સલ્ટંન્ટસના પોતાના કાર્ડ્સના વેચાણ માટે ઉભા કરેલા આ ગતકડાને નહીં સમજી સૌ પોતાનાં મિત્રો પ્રત્યેનો પ્રેમ દર્શાવવા નીકળી પડે છે. આ અક્કલના ઓથમીરો શું જાણે કે દોસ્તી માટે કોઇ એક દિવસ ન હોય, એને માટે તો આખુ આયખુંય ઓછું પડે.

અહી તો રોજ ફેન્ડશિપ ડે! તો ચાલો, ભાઇબંધ સાથે વાત કરવા કોઇ વિષય કે કારણની જરૂર નથી પડતી. ઝટ ઝટ તમારા ખાસમખાસ ભાઇબંધને ફોન કરો કે પછી એને મળી આવો,
કારણ કે જો બકા.. ભાઇબંધ એટલે..

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

નડીયાદથી શરૂ થયેલ સાપ્તાહિક ક્વોલિટી સક્સેસમાં મારી ટેકનોલોજીને લગતી કૉલમ ‘ઇન્ટરનેટની હકારાત્મક બાજુ’ પ્રસ્તુત થાય છે. દર રવિવારે પ્રસિદ્ધ થતાં આ સાપ્તાહિકમાં હાર્દિકભાઈ યાજ્ઞિકની સરસ નિયમિત કૉલમ ‘હું, તમે અને વાતો’ પ્રસ્તુત થાય છે. તેના ગતાંકની મિત્રતા વિશેની આ વાત આજે પ્રસ્તુત છે. ચોવીસ કૅરેટની શુદ્ધતાનો હોલમાર્ક ભલે ન હોય, પણ સો ટચની લાગણીઓથી તરબરતર થયેલો ખાલી એક દોસ્ત તમારી જોડે હોય ને, એટલે દુનિયાભરના સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને પૂરેપૂરી છૂટ છે. આજની રીતે કહેવું હોય તો કહી શકાય કે ‘જો બકા, ભાઇબંધ એટલે…’


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “જો બકા! ભાઇબંધી એટલે ભાઇબંધી – ડૉ. હાર્દિક યાજ્ઞિક

 • M.D.Gandhi, U.S.A.

  બહુ સુંદર લેખ છે….. મિત્રની વ્યાખ્યા બહુ સુંદર અને બહુ ઉપયોગી આપી છે, અને આ સલાહ દરેકના જીવનમાં મિત્ર માટે જીવવાની-મરી ફીટવાની રાહ બતાવ છે….

  જોકે એક વાત છે, કર્ણ દાનવીર અને જ્ઞાની હતો છતાં પણ એક મિત્ર તરીકે અધર્મી દુર્યોધનને સાથ આપ્યો…. બહુ સરસ…. મતલબ તો એકજ થયોને કે,મિત્ર ભલે ગમે તેવો અધમી હોય તો પણ્ ધર્મના રક્ષણ માટે પણ અધર્મી મિત્રનો સાથ નહેીં છોડવો….!!!! તો પછી “દાઉદ ઈબ્રાહીમ”નો પણ સાથ બોલીવુડના તેના મિત્રોએ નહેીં છોડવાનો……!!!!!

  મિત્ર તો એવો હોવો જોઈએ કે મિત્રને દરેક કાર્યમાં સાથ આપે પરંતુ અધર્મથી બચાવે…..

  સુંદર લેખ…..

 • jacob

  તાળી મિત્ર હોય, થાળી મિત્ર હોય ને ગાળાગાળી મિત્ર પણ હોય, બધા મિત્ર જ ગણાય બકા !!

 • gopal khetani

  એક દમ મસ્ત, તો પણ ભાઇબંધ માટે તો આટલા શબ્દો પણ ઓછા હોય એવુ જ લાગ્યા કરે.